Category Archives: ગઝલ

કોણ ઊભું હશે ? – યામિની વ્યાસ

ગાઢ અંધારમાં કોણ ઊભું હશે ?
એ નિરાકા૨માં કોણ ઊભું હશે !

તું જ દર્પણ અને તું જ ચહેરો અહીં
આર ને પારમાં કોણ ઊભું હશે ?

બાળપણનાં એ સ્વપ્નો ભુલાતાં નથી
સાવ સૂનકારમાં કોણ ઊભું હશે ?

બૂમ પાડ્યા કરે છે નિરંતર મને
મનના ભણકા૨માં કોણ ઊભું હશે ?

નાવ જાણે કે મળવા અધીરી થઈ
દૂર મઝધારમાં કોણ ઊભું હશે ?

આજ તો એમ લાગ્યું કે ‘આવો’ કહ્યું
બંધ એ દ્વારમાં કોણ ઉભું હશે?

– યામિની વ્યાસ

છેક છાતીમાં ફરે તરસ્યાં હરણ – અનિલ ચાવડા

દૂર લગ દેખાય ખાલી સાવ રણ, પાણી નથી;
છેક છાતીમાં ફરે તરસ્યાં હરણ, પાણી નથી.

લાગણીનો કાગડો નાખે હવે ક્યાં કાંકરા?
એમની ભીતર ઘડામાં સ્હેજ પણ પાણી નથી.

અન્યને ભીનાં કરી જગ છોડવું અઘરું પડે,
જિંદગી પાણી નથી કે આ મરણ પાણી નથી.

શક્ય છે કે દૃશ્ય વર્ષાનું રચાયું હોય, પણ;
આંખમાંથી જે ઝરે છે એ ઝરણ પાણી નથી.

સ્હેજ પાની ચૂમતાં છીપે તરસ, પણ તે છતાં;
ફક્ત તો પડશે જ, કારણ કે ચરણ પાણી નથી.

– અનિલ ચાવડા

એ સાક્ષાત્ હોય તો

ફૂલોની સાથે પત્રની સોગાત હોય તો !
એ કોઈના પ્રણયની કબૂલાત હોય તો !

કેમે કરીને આપવો ઉત્તર નકારમાં,
ફૂલો મઢેલી એની રજૂઆત હોય તો ?

કેમે નકારવી રહી રેશમ શી માંગણી ?
મીઠી મધુરી એની શરૂઆત હોય તો !

તીરછી નજરનાં તીર ને મારકણી એ અદા,
એકધારી પ્રિયતમની વસુલાત હોય તો !

પ્રત્યેક માંગ એની નકારી શકાય ના,
નયનોની ભીની ભીની વકીલાત હોય તો !

‘ગુલ’ : મારા મનની વાત કરું, એને સ્વપ્નમાં,
સ્વપ્નો મહીં સદેહે એ સાક્ષાત્ હોય તો.

– ‘ગુલ’ અંકલેશ્વરી

પળ મળે! – જયશ્રી વિનુ મર્ચન્ટ

ખુલ્લી પાંપણ પાછળ સંતાયેલી બસ અટકળ મળે;
કોશેટામાં બંધ ભલે પણ રેશમ, રેશમપળ મળે.

પરપોટાની અંદર જ છુપાયેલું લ્યો, એ નીકળે,
શોધો ક્યાં ક્યાં ને અંતે ક્યાંથી જો ગંગાજળ મળે,

અંધારામાં એક કિરણભર અજવાળું બસ, જોઈએ,
ત્યાં તો નભ છલકાવી દેતો પ્રકાશ જ ઝળહળ મળે.

સહુ પ્રશ્નોના ઉત્તર સાથે જ મળે ક્યાંથી જિંદગી?
કદીક પ્રશ્નો કદીક ઉત્તર અમથા સાવ સરળ મળે.

આથી જ અકારણની એની નફરત કરી મેં સદા સહન,
‘‘ભગ્ન’’ ખબર છે કોને, ભલાઈનું શું ને ક્યાં ફળ મળે.

જયશ્રી વિનુ મર્ચન્ટ

કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે – અનિલ ચાવડા

જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે,
કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે.

હું સરોવરનો મગર છું કે મને તું છેતરે?
એમ કંઈ થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઊગે?

છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી,
કાળ વીતે એમ ચ્હેરા પર બધાના વય ઊગે.

ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે,
ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઊગે.

‘મિત્ર! તેં શ્રદ્ધાઓ જે વાવી’તી એનું શું થયું?’
પૂછવા પાછળ અમારો એ જ છે આશય; ઊગે.

– અનિલ ચાવડા

આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની – શૂન્ય પાલનપૂરી

આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની,
કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂટા ચાલે છે,
ફૂલે તો બિચારાં શું ફૂલે ! દુશ્મન છે જવાની ફૂલોની.

અધિકાર હશે કંઈ કાંટાનો, એની તો રહી ના લેશ ખબર,
ચિરાઈ ગયો પાલવ જ્યારે, છેડી મેં જવાની ફૂલોની.

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર ?
કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની ?

ઝૂરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં ?
વ્યાકુળ છે કોના દર્શનની એ રડતી જવાની ફૂલોની ?

બેપળ આ જીવનની રંગત છે, બે પળ આ ચમનની શોભા છે,
સંભળાય છે નિશદિન કળીઓને આ બોધ કહાની ફૂલોની.

તું ‘શૂન્ય’ કવિને શું જાણે ? એ કેવો રૂપનો પાગલ છે ?
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

– શૂન્ય પાલનપૂરી

ગાઓ પ્રિયજન – રાજેન્દ્ર શુક્લ

ગાઓ પ્રિયજન

આ લપકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !
આ ઝપકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

કાચું તો હમણાં તૂટવાનું, ક્યાં પાકું ય જામોકામી છે ?
આ ધબકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

અતલ અચાનક ઊંડાણોમાં, આંખોમીંચ્યાં અંધારે પણ,
આ તબકે છે તે સાચું છે,
ગઝલ સિંહા લગ ગાઓ, પ્રિયજન !

અહીંથી નીકળી ને ત્યાં જાવું, તો અહીંયા શું ખોટું છે ?
આ ઝબકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

સાંજ સવાર હથેલી ભાલે કુમકુમ કેસર અબિલગુલાલે,
આ ભભકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

– રાજેન્દ્ર શુક્લ

એક તારો ખયાલ ગઝલ હોય છે – સુધીર પટેલ

એક તારો ખયાલ ગઝલ હોય છે,
ને પછી મુજ હાલ ગઝલ હોય છે.

જે ઘડી બે ઘડી મળીએ આપણે,
હસ્તીના એ જ સાલ ગઝલ હોય છે.

જે ૨હે કોરા એને હોય શું ખબર ?
કે ભીંજાયલ રૂમાલ ગઝલ હોય છે.

શું થયું છે મને, તમે જ લ્યો કહો ?
હોઠ પર આજ-કાલ ગઝલ હોય છે.

હું મથું તોય ક્યાં ગઝલ બને કદી ?
બોલ તારા કમાલ ગઝલ હોય છે

એનો ઉત્તર મળે તો એ ગઝલ નહીં,
કે નિરૂત્તર સવાલ ગઝલ હોય છે.

– સુધીર પટેલ

વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું? – અનિલ ચાવડા

જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન થતા જ એમાં ચાલ્યા જવાય પાછું.

હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.

કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

– અનિલ ચાવડા

તેથી ગઝલ લખું છું. – રઈશ મનીઆર

ભાષા આવડતી નથી તેથી ગઝલ લખું છું,
વાત કઈ કરવી નથી તેથી ગઝલ લખું છું.

આંખમાં ભરતી નથી તેથી ગઝલ લખું છું,
હોડીઓ તરતી નથી તેથી ગઝલ લખું છું.

ભાવનાઓ…ઝંખનાઓ…વ્યર્થ વેદનાઓ…
શ્વાસ સાંકળતી નથી તેથી ગઝલ લખું છું.

કોણ, ક્યારે, શું; ને ક્યાંથી, કેમ, કેવી રીતે?
સ્પષ્ટતા કરવી નથી તેથી ગઝલ લખું છું.

શોધ ને અવરોધમાંથી બોધ-ક્રોધમાંથી…
શાંતિ મળતી નથી તેથી ગઝલ લખું છું.

સળવળું છું, ખળભળું છું, ટળવળું- બળું છું,
ચૂપકીદી ફળતી નથી તેથી ગઝલ લખું છું.

જીવવું, જીરવવું, જોવું, જાણીને પ્રજળવું,
આંખ મીંચાતી નથી તેથી ગઝલ લખું છું.

– રઈશ મનીઆર