આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી
—
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.
આજે તો નવરાત્રી સુધરી ગઇ… ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..
થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની ‘તારી આંખનો અફીણી’ સાંભળવા આપી, અને મનહર ઉધાસની ‘અવસર’ સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે… એની પુરેપુરી મઝા લીધી છે..
ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, ‘મન હોય તો માળવે જવાય’. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?
અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )
શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.
.
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
( આ મુક્તક કયા કવિનું છે ?? )
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે Continue reading →