તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.
ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.
ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
– રિષભ મહેતા
આપણ સૌની વ્હાલી માતૃભાષાનો મહિમા ગાતી આ કવિતાનું નવું જ સ્વરાંકન આપણા સૌના લાડીલા ગાયક-સ્વરકાર આલાપ દેસાઈએ શ્રી ઉમાશંકર જોષીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રદ્ધાંજલી રૂપે રજૂ કર્યું!
આ સ્વરાંકન વિષેની વિગત આલાપ ભાઈના જ શબ્દોમાં – “હું હંમેશા નવી જૂની કવિતાઓ શોધતો જ હોઉં છું, સ્વરાંકન કરવા માટે. એમાં એક દિવસ, બનતા સુધી 2012માં મારા હાથમાં આ સુંદર કવિતા આવી! શ્રી ઉમાશંકર જોષીજીની – સદા સૌમ્ય શી! ગુજરાતી ભાષા, અને એ કેવી ઉજળી ને સૌમ્ય છે એ વાચીને લગભગ મગજમાં જ compose થવા માંડી. હું મૂળ તબલાવાદક એટલે તાલનું મહત્વ સમજાઈ જાય. એમ 5/8 એટલે ઝપતાલમાં compose કરી, compose થતી ગઈ એમ થયું કે ગુજરાતીમાં સરસ ગાતા હોય એવા ગાયકોનો પણ સમાવેશ કરવો. એમ કરતાં, પ્રહર, ગાર્ગી અને હિમાલયનો સાથ મળ્યો. Musical arrangement માં થોડો અત્યારના સંગીતનો રંગ છાંટ્યો – Live માં માત્ર મેં તબલા જ વગાડ્યા. દરેક ગાયકે જુદી જુદી જગ્યાએથી રેકોર્ડ કરીને મોકલ્યું અને મુંબઈમાં mixing થયું. આમ હંમેશા કૈંક જૂદું પણ સરસ કરવાની ઈચ્છા ફળીભૂત થઇ, ને આ બન્યું આ ગીત!” – આલાપ દેસાઈ
તો માણો આ તાજું જ સ્વરાંકન!
આ પહેલા અમર ભટ્ટના સ્વર – સ્વરાંકન સાથે ટહુકો પર ગૂંજતુ થયેલું આ માતૃભાષાના ગૌરવનું કાવ્ય – આજે સ્વરકાર શ્રી રવિન નાયકના સ્વરાંકન અને રેમપની વૃંદના ગાન સાથે ફરી એકવાર માણીએ…
માતૃભાષા દિવસે જ નહી… પણ હંમેશ માટે ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવીએ.
*********************
Previously posted on May 2, 2013:
ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..
સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે
આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન
હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ
આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે