Category Archives: કાવ્યપ્રકાર

વસંતી વિકળ વાયરો છે પછી શું? – હેમેન શાહ

ફક્ત પ્રશ્ન એક જ ખરો છે : ‘પછી શું?’
હજી હાથમાં મોગરો છે પછી શું?

સમંદર અહીં છીછરો છે પછી શું?
વખત પૂરતો મહાવરો છે પછી શું?

ગળી જાવ – ચાવો – ચૂસો – થૂંકી નાખો,
સમય જીભ પર કરકરો છે પછી શું?

દિવસ ખાખી કપડે જ હાજર થવાનો,
ગુલાબી આ ઉજાગરો છે પછી શું?

અગર કાવ્ય જેવું છે બ્રહ્માંડ તો પણ,
જો દુર્બોધ આ અક્ષરો છે પછી શું?

ફકીરો ગઝલ ગાય ઇશ્કે-મિજાજી,
વસંતી વિકળ વાયરો છે પછી શું?

– હેમેન શાહ

કેસૂડાના રંગ ભરી… – અમિત ત્રિવેદી

સ્વર – સ્વરાંકન : રવિન નાયક

(Picture from : Flicker.Com)

કેસૂડાના રંગ ભરી, સપનાનો સંગ કરી આવ્યો પવન
સાંવરિયો નેહ ભરી,ઘરનું સરનામું લખી લાવ્યો પવન

સર સર સરતો સમીરા ,
ફર ફર ફરતી ફોરમ
રંગ રંગ મ્હોર્યો ઊમંગ,
બારસાખે બાંધીને તોરણ

હૈયામાં ગીત ભરી, કોકિલ કંઠ બની આવ્યો પવન
સોનેરી રંગ ભરી સાંવરનું નામ લખી લાવ્યો પવન

ધોમ ધોમ વૈશાખી તાપનો ,
અગન ઠારતો પવન
અષાઢી મેઘલી રાતે,
રોમ રોમ છલકે મધુવન

મખમલિયા સપના, મનગમતા ઠામે દોરી લાવ્યો પવન
ખાલીખમ આંખોમાં, રેશમિયું અજવાળું લઇ આવ્યો પવન

– અમિત ત્રિવેદી

રે’શું અમેય ગુમાનમાં – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

ખોલીશું બારણાને લેશું ઓવારણાં,
આવકારા દેશું શાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

લાપસિયું ચોળશું ને ચરણો પખાળશું
મુખવાસા દે’શું પાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

મીંરા કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દે;શું દાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

– રમેશ પારેખ

શ્રી શિવ સ્તુતિ – નયનાબેન દેસાઇ

શ્રી હાટકેશ ઉમાપતિ અખિલેશ્વરમ શ્રી મહેશ્વરમ
હે દયાનિધિ કરુણાકરમ વરદેશ્વરમ મમ વંદનમ
શ્રી હાટકેશ ઉમાપતિ અખિલેશ્વરમ શ્રી મહેશ્વરમ

ગંગેશ્વરમ ગૌરીશ્વરમ ગિરિજાપતિ શ્રી મહેશ્વરમ
શ્રી ત્ર્યંબકેશ ત્રિલોચનમ વિશ્વેશ્વરમ શ્રી મહેશ્વરમ
હે દયાનિધિ કરુણાકરમ વરદેશ્વરમ મમ વંદનમ
શ્રી હાટકેશ……

નંદીશ્વરમ નારેશ્વરમ નિખિલેશ્વરમ શ્રી મહેશ્વરમ
શ્રી આસુતોષ અભયંકરમ જગદીશ્વરમ શ્રી મહેશ્વરમ
હે દયાનિધિ કરુણાકરમ વરદેશ્વરમ મમ વંદનમ
શ્રી હાટકેશ ….

પ્રાણેશ્વરમ પૂરણેશ્વરમ પરમેશ્વરમ શ્રી મહેશ્વરમ
શ્રી નીલકંઠ નિરંજનમ ત્રિપુરેશ્વરમ શ્રી મહેશ્વરમ
હે દયાનિધિ કરુણાકરમ વરદેશ્વરમ મમ વંદનમ
શ્રી હાટકેશ ….

– નયનાબેન દેસાઇ (મુંબઇ)

ચાંદો સૂરજ રમતા’તા…

અમે ચાંદો સૂરજ રમતા’તા
રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં
ચીભડે મને બી દીધાં

બી બધાં મે વાડમાં નાખ્યાં
વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો
ગાયે મને દૂધ આપ્યું

દૂધ મેં મોરને પાયું
મોરે મને પીછું આપ્યું
પીંછુ મેં બાદશાહને આપ્યું
બાદશાહે મને ઘોડો આપ્યો

ઘોડો મેં બાવળિયે બાંધ્યો
બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી
ટીંબે મને માટી આપી

માટી મેં કુંભારને આપી
કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો
કૂવાએ મને પાણી આપ્યું

પાણી મેં છોડને પાયું
છોડે મને ફૂલ આપ્યાં
ફુલ મેં પૂજારીને આપ્યા
પૂજારીએ મને પ્રસાદ આપ્યો

પ્રસાદ મેં બાને આપ્યો
બાએ મને લાડવો આપ્યો
એ લાડવો હું ખાઈ ગ્યો
ને હું આવડો મોટો થઈ ગ્યો

આભર – માવજીભાઈ.કોમ

ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની – અનિલ ચાવડા

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.

– અનિલ ચાવડા

માતૃભાષા – પન્ના નાયક

આજે ૨૧ ફેબ્રુઆરી – આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ..!!  (See: wiki) આજના દિવસની શુભેચ્છાઓ સાથે – પન્ના નાયકની આ કવિતા ફરી એકવાર…

**********
આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા
મને
હજીય ફિલાડેલ્ફિઆમાં
સપનાં ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
કેટલાક ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’
‘આ કોની છબિ છે ?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી ?)

– પન્ના નાયક

હરિ તો હાલે હારોહાર ! – કૃષ્ણ દવે

હું જાગું ઈ પ્હેલા જાગી ખોલે સઘળા દ્વાર

હરિ તો હાલે હારોહાર
નહિતર મારા કામ બધા કાંઈ ઉકલે બારોબાર ?
હરિ તો હાલે હારોહાર.
ખૂબ ઉકાળે, બાળે, ગાળે, દ્વેષ રહે ના લેશ
પછી કહે થા મીરા કાં ધર નરસૈયાનો વેશ
હું ય હરખની હડી કાઢતો ધોડું ધારોધાર
હરિ તો હાલે હારોહાર.
વાતે વાતે ઘાંઘા થઇ થઇ ઘણાય પાડે સાદ
સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહલાદ
તાર મળ્યે ત્રેવડ આવે ઈ નીરખે ભારોભાર
હરિ તો હાલે હારોહાર.
મુઠ્ઠીમાં શું લાવ્યા એની ઝીણી એને જાણ
પ્હોચ પ્રમાણે ખાટા મીઠા પણ જે ધરતા પ્રાણ
એની હાટડીએ હાજર ઈ કરવા કારોબાર
હરિ તો હાલે હારોહાર.
– કૃષ્ણ દવે

ટહુકાનું ભાષાંતર હોય? – મકરંદ મુસળે

મૌનનો ક્યાંયે મંતર હોય ?
ટહુકાનું ભાષાંતર હોય ?

કક્કો ઘૂંટીને શું થાય ?
પ્રેમનું તે કંઈ ભણતર હોય ?

મહેનતથી મ્હેંકે છે કાય,
પરસેવાનું અત્તર હોય ?

આભ જુઓ ત્યારે સમજાય,
ભીંત વગર પણ છત્તર હોય.

માતા જેવું કોઈ ન ગાય,
હાલરડાનું જંતર હોય ?

– મકરંદ મુસળે

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં….

સ્વર – અમી
સંગીત – શ્યામલ સૌમિલ મુન્શી
આલ્બમ – મેઘધનુશ

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં (૨)
નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં

આંબાની ડાળે ટહુકે કોયલડી (૨)
કોયલની સાથી ગાઉં ગાઉં ગાઉં

વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો (૨)
હિંચકે હિંચકા ખાઉં ખાઉં ખાઉં

છોડવે છોડવે ઊડે પતંગિયા (૨)
હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં

હરિયાળી બાગમાં નાચે છે મોરલો (૨)
મોરલો બોલે મેં આઉં આઉં આઉં