Category Archives: કાવ્યપ્રકાર

એવું કહી રહ્યાં છે – ભરત વિંઝુડા

હવા ખરેખર હવા નથી પણ પવન છે એવું કહી રહ્યાં છે,
હું શ્વાસ લઉં છું એ શ્વાસને સૌ જીવન છે એવું કહી રહ્યાં છે.

મને કવિતા ને વારતામાં કશી ખબર ના પડે પરંતુ,
કશુંક બોલું છું જો હું લયમાં કવન છે એવું કહી રહ્યાં છે.

ખબર ખુદાને કે ક્યાંથી આવ્યા ને અહીંથી પાછું જવાનું છે ક્યાં
જનમ થયો એ જગાને લોકો વતન છે એવું કહી રહ્યાં છે.

થઈ ગયેલો એ પ્રેમ વધતો ગયો ને એની નજીક પહોંચ્યો,
પછી હું ભેટી પડું છું ત્યારે બદન છે એવું કહી રહ્યાં છે.

કદીય કોલાહલો ભીતરના ન સંભળાયા અહીં કોઈને,
નગરની સ્થિતિ વિશે પૂછો તો અમન છે એવું કહી રહ્યાં છે.

– ભરત વિંઝુડા

આખ્ખો કિસ્સો કહેવો પડશે – ઉર્વીશ વસાવડા

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે
તારે આજે નહી તો કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

યાદ રાખજે, તેં ખાધાં છે સમ ગમતીલી મોસમનાં,
ખુશ્બૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

તારા ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે
લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

વાત ભલેને હોય વ્યથાની જીવતરના મેળામાં તો
ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો કાગળ
તો પણ એની એક ટપાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

– ઉર્વીશ વસાવડા

છાંયડો આથી વધારે ક્યાંય પણ હોતો નથી – ખલીલ ધનતેજવી

રાતદિન સાંજે સવારે ક્યાંય પણ હોતો નથી,
કોઈ પ્હેરો તુલસીક્યારે ક્યાંય પણ હોતો નથી.

તારું સરનામું બધાને એટલે આપ્યું છે મેં,
તારા ફળિયાથી વધારે ક્યાંય પણ હોતો નથી.

એમણે બસ પાંપણો ઢાળીને હું ભાંગી પડ્યો,
એટલો આઘાત ભારે ક્યાંય પણ હોતો નથી.

આપની આ રેશમી ઘનઘોર જુલ્ફોની ઘટા,
છાંયડો આથી વધારે ક્યાંય પણ હોતો નથી.

તું ખલીલ આમ જ ગમે ત્યારે ગમે ત્યાં હોય છે,
જ્યારે હું શોધું છું ત્યારે ક્યાંય પણ હોતો નથી.

– ખલીલ ધનતેજવી

કૈં નું કૈં થઈ જવાનું પળભરમાં – ભાવેશ ભટ્ટ

કૈંક વરસો ગયાં છે આ ડરમાં
કૈં નું કૈં થઈ જવાનું પળભરમાં

ભાંગશે કોઈનું તો ઘર ચોક્કસ
વાત જે થઈ રહી છે ઘરઘરમાં

મોંઘી પડશે મજાક રસ્તાને
ધૈર્ય જો ખૂટશે મુસાફરમાં

ગંધ માટે ય એટલો જ હશે!
હોય જે રસ હવાને અત્તરમાં

એક દીવાસળી રચાવે તો
કૈંક તણખા જશે સ્વયંવરમાં

જ્યારે સાબિત થવાની તક આવી
તો ધ્રુજારી થઈ દિલાવરમાં

– ભાવેશ ભટ્ટ

દોસ્ત! સ્હેલું નથી – ચિનુ મોદી ‘ઈર્શાદ’

દોડતાં દોડતાં થોભવું; દોસ્ત! સ્હેલું નથી;
મત્સ્યને જળ થતાં રોકવું; દોસ્ત! સ્હેલું નથી.

ક્યાંક ફૂટી જશે, કોક લૂંટી જશે, એ બીકે,
મોતીને છીપમાં ગોંધવું; દોસ્ત! સ્હેલું નથી.

ભીંતમાં એક ખીલી હજી સાચવે છે છબી,
ઘર ફરી બાંધવા, તોડવું; દોસ્ત! સ્હેલું નથી.

મન કદી પુષ્પ માફક રહે હાથમાં? શક્ય છે?
ખુશ્બૂને વાઝમાં ગોઠવું; દોસ્ત! સ્હેલું નથી.

આ ઉમળકા મને તારશે-મારશે- શું થશે?
આ સમયમાં હ્રદય ખોલવું; દોસ્ત! સ્હેલું નથી.

આ વિચારો ભરેલા દિવસ વીતશે તો ખરા,
વ્હાણને પાણીથી જોખવું; દોસ્ત! સ્હેલું નથી.

પૂછ, તું પૂછ ‘ઈર્શાદ’ને કેટલું છે કઠણ?
ચિત્તને રોજ ફંફોસવું; દોસ્ત! સ્હેલું નથી.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

ક્હેવા જેવું કંઈ નથી, કંઈ પણ કહો – જવાહર બક્ષી

ઘર કહો જંગલ કહો કે રણ કહો
ક્હેવા જેવું કંઈ નથી, કંઈ પણ કહો

એ નથી એનું સ્મરણ આપો સતત
એ કદી મળવાના છે એ પણ કહો

એ નથી તો ભ્રમને શું શણગારવો
આ સમયને યુગ કહો કે ક્ષણ કહો

ક્હેતાં ક્હેતાં કંઈ મળી આવે કદાચ
કંઈ ન ક્હેવું હોય તો કારણ કહો

સહુના ચ્હેરા પર નર્યા શબ્દો જ છે
આ તિમિરમાં શું કરે દર્પણ? કહો

– જવાહર બક્ષી

અંગાર અને લોબાન

સમજી શકો તો માળા હરપળ ફર્યાં કરે છે.
અહીં છેવટે તો નરદમ કરુણા ઠર્યા કરે છે.

મળ્યું છે મુગ્ધા જેવું આ ભાગ્ય કેવું અમને,
‘ન માગું કંઈ’-કહીને સઘળું હર્યાં કરે છે.

અંગાર પર પડ્યો છે લોબાન ને હવા છે,
જીવન અમારું એવું, ખુશ્બ સર્યા કરે છે.

તું આવશે અચાનક શ્વાસોની પાલખીમાં,
જીવન જળે સરકતાં દીવડાં ધર્યા કરે છે.

અરે છું સાવ માટી, ઓખાત શું છે મારી ?
નિભાડે કોઈ નાખી, પાકાં કર્યા કરે છે.

– ઉષા ઉપાધ્યાય

તોફાન રાખે છે. – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

તરંગોથી રમી લે છે, ભંવરનું માન રાખે છે,
નહીંતર નાવ પોતે સેંકડો તોફાન રાખે છે.

અવિરત શૂન્યનું અંતર કોઈનું ધ્યાન રાખે છે,
પ્રણય-જામે અનોખું રૂપનું મદ્યપાન રાખે છે.

પળેપળ મોકલે છે ચોતરફ સંદેશ મોજાંથી,
સમંદર ડૂબતાનું સર્વ વાતે ધ્યાન રાખે છે.

તમારી યાદમાં સળગે છે રોમેરોમ તોપણ શું ?
હંમેશાં ખેલદિલ ખેલી નિયમનું માન રાખે છે.

દરદ છે એટલે તો જિંદગીમાં જાન બાકી છે,
પ્રણય છે એટલે સૌ રૂપનું સન્માન રાખે છે.

ધરીને ‘શૂન્ય’ બેઠો છે ઉરે ટુકડાઓ પ્યાલીના
અમરતાનો પૂજારી પણ ફનાનું ભાન રાખે છે.

– ‘શૂન્ય’ પાલનપૂરી

કરવી હો જો વાત મનની – મુકેશ જોષી

કરવી હો જો વાત મનની, સાવ અચાનક કરજો
સુગંઘ આવે જેમ અચાનક શબ્દો ઉચ્ચરજો…

હું ગાઉં તો તાલ આપજો, તમને આપીશ તાલી
એક ટીપું યે ઢોળ્યાં વિના, કરવી ખાલી પ્યાલી
ખાલી થાઉં પછી તમારી મીઠી નજરે ભરજો…

શંખ થવું કે મોટી થાવું, નક્કી નહીં કરવાનું
દરિયાનો આભાર માનતાં દરિયામાં રહેવાનું
કેવા કેવા ડૂબી ગયા છે જોવા માટે તરજો…

– મુકેશ જોષી

સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ કલા ગુજરાતની – ‘શૂન્ય’ પાલનપુરી

વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ કલા ગુજરાતની

ડાંગ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી
દુશ્મનોએ જોઈ છે ક્યાં એકતા ગુજરાતની

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો
રંગ લાવી છે શહીદી ભાવના ગુજરાતની

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર
ભૂલશે ઈતિહાસ ના ગૌરવ કથા ગુજરાતની

ચંદ્ર ને સૂરજ કહે છે રાત દિ’ ‘જય સોમનાથ’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની

માતા કેરા ચીર સાથે ખેલનારા સાવધાન
ક્યાંક મહાભારત ન સર્જે ઉરવ્યથા ગુજરાતની

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ મા ગુજરાતની

-‘શૂન્ય’ પાલનપુરી