Category Archives: કાવ્યપ્રકાર

નમ્રતાના નિધિ – મોહનદાસ ગાંધી

સાઉથ આફ્રિકામાં ફિનિક્સ સૅટલમેન્ટમાં આ અંગ્રેજી લખાણ નીચે એમ લખ્યું છે- The Only Poem Composed by Gandhi.
9 સપ્ટેમ્બર 1934ના દિવસે ગાંધીજીએ હૈદરાબાદ વેલફેર સેંટરનાં મિસ માર્ગારેટને અંગ્રેજીમાં એક સંદેશો લખી આપેલો તે આ લખાણ. ગાંધી આશ્રમમાં ‘હૃદયકુંજ’ ની બહાર પણ આ લખાણ જોવા મળે છે. અંગ્રેજી કાવ્ય પઠનસ્વરૂપે અને ગુજરાતીમાં ઝૂલણા છંદમાં એનો ગેય અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો તે ગાન સ્વરૂપે અમારા આલબમ ‘કાવ્યસંગીતયાત્રા:2’માં છે તે આજે ખાસ માણો.
– અમર ભટ્ટ

અંગ્રેજી શબ્દ: મોહનદાસ કરમચંદ ગાંધી
પઠન: આત્મન વકીલ

.

LORD OF HUMILITY
Lord of humility, dwelling in the little pariah hut
help us to reach for Thee throughout
that fair land watered by Ganges,
Brahmaputra and Jamuna.
Give us receptiveness,
Give us open-heartedness,
give us Thy humility,
Give us the ability and willingness
to identify ourselves
with the masses of India.
O God!
who does help only when man
feels utterly humble,grant that we
may not be isolated from the people.
we would serve as servants and friends.
Let us be embodiments of self-sacrifice,
embodiments of godliness,
humility personified, that we may know
the land better and love it more.
– M.K.Gandhi

અનુવાદ: ઉમાશંકર જોશી
સંદર્ભ: “નિશ્ચેના મહેલમાં” પુસ્તકમાંથી
ગાયક: અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા:2

.

નમ્રતાના નિધિ

દીન દુઃખિયાં તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ,હજો સ્હાય તારી

મન રહે મોકળાં, હ્ર્દય ખુલ્લાં રહે
હે હરિ,તાહરી નમ્રતા દે,
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે

હે પ્રભુ,ધાય વ્હારે તું જયારે ખરે,
થઇ રહે માનવી નમ્ર છેક,
અલગ પડીએ આ લોકોથી-દે આટલું
મિત્ર-સેવક થવું એ જ ટેક

આત્મબલિદાન, પ્રભુલીનતા ,નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખુબ ને,
એ પ્રતિ ઊમટે પ્રેમધારા
-મોહનદાસ ગાંધી

હિન્દીમાં યુટ્યુબ ઉપર સુંદર વિડિઓ છે

માવજીભાઈએ એક સરસ ઈમેલ કર્યો જેમાં મન્ના ડેનું ૧૯૬૮નું એક રેકોર્ડિંગ મોકલ્યું,એ પણ સાંભળવા જેવું ખરું.આ ઉપરાંત The Record News સામાયિકનો ૨૦૧૧ના એક અંકમાં ગાંધીજી લખેલી આ રચના વિષે પણ વાત લખી છે એ મોકલી.વાત કેટલી સાચી એની ચકાસણી થઇ શકે એમ નથી પણ વાત અહીં શબ્દ સહ મુકું છું.

.

ગેબી ગુંજતો – મકરંદ દવે

સાવ રે સાદો તંબૂર તાણિયો
એનો બજે એકલ તાર
એકને ઝણકારે જાગે જુઓ,
ગાણાં ગળુંભી અપાર
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.

પવને પડેલા ટેટા દડબડે
કરતા બીની બિછાત
એક રે બીમાં બોઈ અણગણી
વન વન વડલાની ભાત
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.

આ રે મેડી બની સાંકડી
એમાં જાળિયુંની જોડ
એ રે જાળીમાં જુઓ, નીતર્યું
આખું આભ નિચોડ
સાવ રે સાદામાં ગેબી ગંજતો.

કાચી માટીનાં આ તો ભીંતડાં
એમાં પલપલે પ્રાણ
એ રે ગારામાં ઝળુંબિયા
જુઓ, ઝળહળ ભાણ
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.

સાવ રે સાદો પ્યાલો પ્રેમનો
મારો ભર્યો ભરપૂર
એને રે પાતાં ને પીતાં પ્રગટિયા
હરિ હસીને હજૂર
સાવ રે સાદામાં ગેબી ગંજતો.
 – મકરંદ દવે

 આનંદ પારાવાર – મકરંદ દવે

અહોહો ! આનંદ પારાવાર !

જ્યાં જોઉં ત્યાં નાચત લહરી એક અખંડ અપાર.
ગગન છોળ જ્યોતિની છલકે પરમ કિલોળ
અવનિ તલ માટીની ભીતર પ્રગટયો પ્રેમ હિલોળ.
રતરતની સૃષ્ટિમાં રમતો ભરતો નૂતન પ્રાણ
અંદર-બહાર બધે રેલવતો ઘેરું ગંભીર ગાન,
આનંદ આદિ આનંદ અંત મહાનંદ મધ્ય વિશાળ
આનંદે મધુમય મકરન્દે છાયું વિશ્વ ત્રિકાળ
– મકરંદ દવે

વળતા આજ્યો – મકરંદ દવે

માધવ, વળતા આજ્યો હો !

એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !

રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષ–ટંકાર
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણું વાજ્યો હો !
અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તો સહેશું
માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !
રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો !
 – મકરંદ દવે

નવા ઘાટ – મકરંદ દવે

મારી ક્ષુદ્ર, મલિન આ જાત પરે
તારી શીતળ નાથ, કૃપા ન ચહુ
એને બાળ, પ્રજાળ, પ્રતાપ મહીં
તારા શેક હું શાંતિથી સર્વ સહુ.

એને હોય ન બોલ મીઠા કહેવા
એની હોય થાબડવી પીઠ કેવી ?
જેના મેલ પૂરા પીગળ્યા ન હજી
એને ધીખતી ધમણે આગ દેવી.

મારાં પોચટ રૂપનાં પાણી બધાં
તારી ઝાળમાં છો ને વરાળ બને
અને શક્તિના સ્વાંગ ગુમાની ભલે
થઈ રાખ ઢળે અસહાયપણે.

મારી ધૂળની કાયૅ તું છાઈ રહે
તારી મૂળ સનાતન જ્યોત ધરી
અણુએ અણુમાં છલકાઈ વહે
તારું ઊજળું, એકલું પોત હરિ !

મારી જાતને એવી જલાવ કે ના
મને ઓળખનારું ય કોઈ મળે
તારી કોમળતાને હું શું રે કરું
મને આપ પ્રહાર પ્રચંડ બળે.

પછી જોનારા જોઈ રહે કહેતા
તારી વીજપ્રભા તણી વાત મુખે
અરે ! જીવતી જ્યોતિનું દાન દેવા
મને બાળ, પ્રજાળ, ઉજાળ સુખે.
 – મકરંદ દવે

મિલન-મેળા – મકરંદ દવે

આપણા મિલન-મેળા !
મૃત્યલોકની શોક ભરી સૌ
વામશે વિદાય-વેળા.

નિત નવા નવા વેપ ધરીને
નિત નવે નવે દેશ,
આપણે આવશું , ઓળખી લેશું
આંખના એ સંદેશ;
પૂરવની સૌ પ્રીત તણા જ્યાં
ભીના ભેદ ભરેલા !
મરણને યે મારતા આવશે
આપણા મિલન-મેળા.

અનંત કેરે આંગણ ભાઈ !
આપણી અનંત લીલા,
પ્રેમનાં ઝરણ તોડતાં વાધે
કાળની કઠણ શિલા;
આગળ, આગળ, આગળ આપણા
પાય પ્રવાસી ભેળા !
મરણને યે મારતા આવશે
આપણા મિલન-મેળા.

જીવન કેરી સાંજ થશે ને
આપણે જઈશું પોઢી,
સૂરજ સાથે જાગશું પાછાં
નવીન અંચળો ઓઢી ;
સપનાં જેવી તરતી જાશે
જૂઠી જુદાઈ–વેળા !
મૃત્યલોકમાં એક છે અમર
આપણા મિલન-મેળા.
 – મકરંદ દવે

અવળી વાતું – મકરંદ દવે

જેની વાટ દેખી દેખી નેન થાક્યાં
એને અંતર કેમ ઉચાટ ન જાગે ?
પાય પડ્યા જેને, વીનવ્યા આંસુથી
તોય ! એને કેમ કાંઈ ન લાગે?

અહીં, એને, જેને પાએ મારીને
દૂર ખસેડયાં કૂડાં અપમાને;
તોય લળી લળી પાય પખાળતા
એ જ ખસે ન કોઈ દિનમાને

આજ ‘ન જાવ, ન જાવ’ કહી કહી
રગરગી જેને કાળજુ રોકે ;
મુખ મરોડીને એ જ સિધાવતું
એક ઘડી નવ ફેર વિલોકે.

ને અહીં આતર ચાતક-નેણમાં
રોજ દીવા ઝગે આરતી કેરા;
કાજ એને અરે ! દેવ હૃદાના
કઠોર બની થાય કેમ નમેરા?

આંખ કરે તપ, હોઠ પરે જપ
થાય જેના, એ તો વળગું જાતું;
પાસ રહ્યું એની વાસના લેશ ન,
હાય !વિધાતાની અવળી વાતું
 – મકરંદ દવે

ગ્લૉબલ કવિતા : ૧૭૦ : એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ

A Song

I

No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II

His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III

But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV

The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V

While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI

The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

એક ગીત


નાના અમથા ખજાનામાંથી,
પ્રિયતમ મારો લાવે શું?
દિલ દઈ દીધું આખું, આથી
વધી અવર વર ભાવે શું?


દિલનો દોલો, એની દોલત
કંપ જગાવે હૈયામાં,
મેં ચાહી’તી ફક્ત મહોબત
દુનિયાનું સુખ માંગ્યું જ્યાં.


કંઈક લાવવા મારા માટે
કાંઠે કાંઠે ભટકે છે,
શાને રખડે ને શા સાટે?
પ્યાર બધાથી હટ કે છે.


ભોંય તળાઈ, સસ્તું ભોજન,
ધન્ય થાય તુજ સોબતથી!
કૃપા નજીવી આ મારે મન,
વધુ છે હર કોઈ દોલતથી.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે,
દયા હશે શું દ્રોહી લહરમાં,
મુજ ઉર જેમાં વ્યથા લહે?


રાત છે ઘેરી, જળ ઊંડાં છે,
પણ, મોજાં ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુલહરે —
છે આંધી મુજ ભીતરમાં.

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

खुदा करे कि कयामत हो और तू आए…

પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને કહેવા-સમજાવવા છતાં આપણામાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કેમ કદી પ્રવેશતી નથી એને કદાચ યક્ષપ્રશ્ન ગણી શકાય. હેલનની આ કવિતા પ્રેમની સંપત્તિનું જ મહિમાગાન છે, જો કે હેલન પોતે આવો પ્રેમ કદી પામી શકી નહીં. જીવનના દરેક વળાંકે એનું જીવન મુસીબતોને જ ભેટતું રહ્યું.

હેલન મારિયા વિલિયમ્સ. જન્મ-૧૭૫૯ કે ૧૭૬૧માં લંડન ખાતે, મૃત્યુ ૧૫-૧૨-૧૮૨૭ના રોજ પેરિસમાં. અઢારમી અને ઓગણસમી સદીના સંધિકાળમાં જીવી ગયેલ હેલન બ્રિટિશ કવયિત્રી, નવલકથાકાર, નિબંધકાર અને નોંધપાત્ર અનુવાદક હતી. બ્રિટનના રોમેન્ટિસિઝમ યુગની ઝાંય સર્જનમાં વર્તાતી હોવા છતાં એ સામાન્ય સ્ત્રી સર્જકોથી ઉફરી હતી. પ્રવર્તમાન ફ્રેન્ચ ક્રાંતિની એ આખાબોલી ચાહક હતી. વિલિયમ્સનું સલૂન ફ્રેંચ ક્રાંતિકારીઓ –જીઓર્ડિન્સ માટે મુલાકાતનું હોટ-પ્લેસ બની રહ્યું હતું. ઘણીવાર જેલવાસ ભોગવ્યો હોવા છતાં એણે કોઈ પણ જાતના ડર વિના, નાસી છૂટવાના બદલે ફરી-ફરીને ફ્રાંસમાં જ રહેવા આવીને એ જ લખ્યું જે એ લખવા ચાહતી હતી. સ્ત્રીસર્જકોમાં આ ગુણધર્મ જવલ્લે જ જોવા મળે છે.જે નેપોલિયને થીબ્સ જીત્યા બાદ પોતાના સૈનિકોને ગામ લૂંટવાની છૂટ આપતી વખતે ગ્રીક કવિ પિન્ડારના ઘરને કોઈ જ નુકશાન નહીં પહોંચાડવાની ચીમકી આપી હતી કેમકે એ કવિઓને સમાજની સાચી ધરોહર ગણતો હતો, એ જ નેપોલિયને મીઠામાં બોળેલા ચાબખા જેવા શબ્દો સહન ન થતાં હેલનને કેદ કરી હતી.

હેલનના માર્ગદર્શક ડૉ. એન્ડ્રુ કિપ્પિસે શરૂઆતના લખાણોના પ્રકાશનમાં અગત્યનો ભાગ ભજવ્યો. જૉન સ્ટોન સાથેના એના સંબંધો કદી લગ્નમાં પરિણમ્યા કે નહીં એ તો કોઈ જાણતું નથી, પણ આ સંબંધોના કારણે એની ભયંકર વગોવણી થઈ હતી. લોકો એને વ્યાભિચારિણી પણ કહેતા. પ્રખર સામાજીક આલોચના, યુદ્ધ, ગુલામી, ધર્મ, રાજકીય ક્રાંતિ જેવા પાસાંઓને ખુલ્લેઆમ સ્પર્શતી આ સ્ત્રી પુરુષસર્જક અને સ્ત્રીસર્જક વચ્ચેની ભેદરેખા બાકાયદા અતિક્રમી ગઈ હતી. એ છતાંય એની રચનાઓમાં સહજ નારીગત ઋજુ સંવેદનો પણ પ્રસંશનીય ઢબે આલેખાયાં છે. એના પત્રો અને રેખાચિત્રો પણ ખૂબ વખણાયાં છે. ફ્રેન્ચ ભાષામાંથી એણે અંગ્રેજીમાં કરેલા ઉત્તમ ગણાતા અનુવાદોએ પ્રવર્તમાન ફ્રાંસ અને એની સમસ્યાઓને દુનિયાની સામે મૂકવામાં બહુ મોટો ફાળો ભજવ્યો. રોબર્ટ બર્ન્સ અને વર્ડ્સવર્થ જેવા એની કવિતાના ચાહકો હતા. વર્ડ્સવર્થે તો હેલન પર એક સૉનેટ પણ લખ્યું.

૧૭૮૬માં પ્રગટ થયેલ આ ગીતનું શીર્ષક ‘એક ગીત’ કેમ આપ્યું હશે? કાવ્યપ્રકાર ગીત છે એ તો કોઈપણ સમજી શકે. વિષય પ્રેમના મૂલ્યાંકનનો છે તો શીર્ષકમાં વેઠ કેમ? એક પ્રોષિતભર્તૃકાના દિલના સાગરમાં ઊઠતાં હજારો-લાખો મોજાંઓમાંનું આ એક છે એમ એણે કહેવું હશે એટલે? હશે. ગીત પ્રસિદ્ધ બૅલડ (કથાકાવ્ય) મીટરમાં લખાયું છે, જેમાં ચાર-ચાર પંક્તિના ફકરામાં એકી પંક્તિ આયમ્બિક ટેટ્રામીટર અને બેકી પંક્તિ આયમ્બિક ટ્રાઇમીટરમાં લખવામાં આવે છે. બૅલડ મીટરમાં પ્રાસરચના અ-બ-ક-બ પ્રમાણે હોય છે પણ હેલન એક કદમ આગળ વધીને અ-બ-અ-બ, ક-ખ-ક-ખની ચુસ્ત પ્રાસરચના વાપરીને ગીતની રવાનીમાં ચાર ચાંદ લગાવે છે. (માત્ર બીજા અંતરામાં જ move અને love જેવો દેશ્ય-પ્રાસ (eye-rhyme) વાપર્યો છે.) અનુવાદમાં દરેક પંક્તિમાં બબ્બે અષ્ટકલ છે, માત્ર બેકી કડીઓમાં, જેમ અંગ્રેજીમાં બે શ્રુતિઓ ઓછી છે, એમ જ બે માત્રા ઓછી રાખી છે. પ્રાસવ્યવસ્થા પણ મૂળ રચનાને આનુસંગિક જ છે.

દિલની ખરી અસ્ક્યામતનું આ ગીત છે. દિલની ખરી સંપત્તિ એટલે પ્રેમ. અને પ્રેમની દૌલત એટલે એવું સોનું, જે વાપરો એમ વધે અને ઘસો એમ ચળકે. દુનિયા માપપટ્ટી પર ચાલે છે, પ્રેમ અમાપપટ્ટી પર! જ્યાં કેલ્ક્યુલેટરની ગણતરી પૂરી થાય છે ત્યાંથી લવલેટરની માંડણી થાય છે. પ્રિયતમ પાસે દુન્યવી માપદંડ વડે જોતાં કોઈ સવિશેષ સંપદા નથી. જો કે સામા પક્ષે નાયિકાને પણ હીરા-મોતી જર-જવેરાતની કોઈ અપેક્ષા નથી. સાચો પ્રેમ સંતુષ્ટિનો ઓડકાર જન્માવે છે. નાયિકા પૂર્ણતયા સંતોષી જીવ છે. પ્રિયતમે એને પોતાનું આખું દિલ દઈ દીધું છે એ જ એના માટે વરદાન છે. એથી વિશેષ કોઈ વરદાન કાવ્યનાયિકાને અપેક્ષિત પણ નથી.

આશિક દિલનો દોલો છે. ને આ સદગુણો, આ સંપત્તિ જ નાયિકાના હૈયાને ધડકાવવા માટે સપૂરતી છે. એણે જ્યારે નાયક પાસે દુનિયાભરનું સુખ માંગ્યું હતું ત્યારે એનો મતલબ માત્ર સ્નેહપ્રાપ્તિનો જ હતો. પણ એના મનોભાવો, મનોકામનાઓને માપવામાં નાયક ઊણો ઊતર્યો અને પોતાની પાસે ખાસ ધનદોલત ન હોવાથી, એ એની શોધમાં, દુન્યવી અર્થની તલાશમાં દૂર દેશાવર નીકળી પડ્યો છે અને દુનિયાભરના દરિયાઓ ખેડી રહ્યો છે. (આ એ સમયનું ગીત છે, જ્યારે હવાઈજહાજની શોધ થઈ નહોતી અને દુનિયા આખી ખૂંદવી હોય તો જળમાર્ગ એકમાત્ર વિકલ્પ હતો.) પોતાના માટે પ્રેમ જ સર્વસ્વ છે અને દિલથી વધીને કોઈ દોલત નથી એમ કહેવા છતાંય કસ્તૂરીમૃગ જેવો પ્રેમી કઈ કસ્તૂરીની શોધમાં આ દેશ-પેલે દેશ રઝળી-રખડી રહ્યો છે એ નાયિકાની સમજણ બહારનું છે. સાચી વાત છે, પામી જાય એના માટે પ્રેમ સકળ છે, બાકીના માટે અકળ.

दोनों जहान दे के वो समझे, ये खुश रहा,
यां आ पडी ये शर्म कि तक़रार क्या करें? (ગાલિબ)

પ્રેમને સંપત્તિની ભાષામાં તોલનાર પ્રિયજન તો બંને દુનિયાની ભેટ ધરીને સામું પાત્ર ખુશ છે એવું સમજી બેસે પણ સામાની સમસ્યા, શરમ તો એ છે કે આવા મટિરિઆલિસ્ટિક આશિકની સાથે હવે ઝઘડોય શો કરવો?

ગૃહત્યાગ કરી સંતકવિ બન્યા એ પૂર્વે તુલસીદાસ યૌવનના ઊછાળા અને કામાવેગથી પીડિત થઈ મેઘલ મધરાતે યમુના નદીના ધસમસતા પૂરને મડદાંના સહારે પાર કરી, સાપને દોરડું સમજી, એને પકડીને ઉપર ચડીને પિયર ગયેલી પત્ની રત્નાવલીના કક્ષમાં પહોંચ્યા હતા. પત્નીના તિરસ્કારના પ્રતાપે આપણને મહાકવિ મળ્યા એ અલગ વાત છે, પણ પ્રેમ કોઈપણ વસ્તુના આયામ બદલી શકવા સમર્થ છે એ સમજાય છે. પ્રેમમાં કથીર પણ કંચન થઈ જાય છે. સ્નેહીના સહવાસનું ઐશ્વર્ય હોય તો હલકી ગુણવત્તાનું ભોજન અને પલંગના બદલે ભોંય પર પાથરેલી રજાઈ પણ ધન્ય થઈ જાય. (પરદેશમાં જમીન પર સૂવાનો રિવાજ નથી એ વાત ધ્યાનમાં રહે). કિંમત સાથની છે, સાથ કેવા સંજોગોમાં છે એની નહીં. રૉમિયો જુલિયેટને મળવા એરકન્ડિશન્ડ ઑફિસમાં નહોતો જતો. ‘बिजली नहीं है, यही इक ग़म है’ની ફરિયાદ થાય અને ‘तेरी बिंदिया क्या बिजली से कम है’નો જવાબ મળે એ ખરો પ્રેમ. પ્રેમ સાચો હોય તો એંઠા બોર પણ પકવાન લાગે. નાયક પોતાના માટે બે’ક પળ નવરાશ કાઢે એ જ પ્રિયાની ઝંખા છે. નાયક સંગાથનું ઔદાર્ય દાખવે એટલી નાની અમથી કૃપા નાયિકાને મન દુનિયાથી હર કોઈ દોલતથી વધીને છે.

અહીં સુધીના ચારેય અંતરા દિલ અને દોલતની આસપાસ રમે છે. ચારેય બંધમાં પ્રેમનો પ્રભાવ પ્રકાશે છે. પ્રેમ જ અમૂલ્ય છે અને વિશ્વની બહુકિંમતી અસ્ક્યામતોથીય વધુ મૂલ્યવાન છે, એ વાત સતત પુનરાવર્તિત થાય છે. દિલ અને દુનિયાની વચ્ચે સાચો પ્રેમ દિલને જ પસંદ કરે છે એ વિચાર સતત અધોરેખિત થતો રહે છે. એકની એક વાત અલગ-અલગ શબ્દોમાં દોહરાવ્યે રાખીને કવયિત્રી એના પર વધુને વધુ ભાર મૂકવા માંગે છે. પોતાને છોડી દઈને પોતાને ખુશ કરવા માટે દુનિયાભરની સંપત્તિ પ્રાપ્ત કરવા માટે દુનિયાભરમાં રખડવા નીકળી જનાર પ્રિયજનને વ્યાયામ વૃથા છે એવું નાયિકા યેનકેન પ્રકારે સમજાવવા ચહે છે. અહીંથી આગળ જતાં ગીતમાં અચાનક ભાવપલટો આવે છે. પ્રેમની વાતો અને પ્રેમની મહત્તા સ્થાપિત કરવામાં નિષ્ફળ પ્રેયસીનો પનારો હવે વાસ્તવિક્તા સાથે થનાર છે. પ્રણયના કપોલકલ્પિત જગતમાંથી હતપ્રભ થયા બાદ એ હવે વિયોગના વાસ્તવ સાથે સન્મુખ થાય છે. ‘ભીખ્યા-ભટક્યા-વિષ્ટિ-વિનવણી’નો દોર છેક અહીં જઈને સમાપ્ત થાય છે અને વિરહની વેદના અને જુદાઈના દર્દનો સાક્ષાત્કાર થતો નજરે ચડે છે.

પણ અબુધ પ્રેમી તો પ્રેમીકા જેને સુખ ગણે છે એને વયષ્ટિના સ્થાને સમષ્ટિમાં શોધવા નીકળ્યો છે. પરસ્પરના સંગાથના બદલે એને એ દુનિયામાં જડવાની આશા છે. વહાલીના અંતરમાં ઊતરવાના સ્થાને એ અંતર કાપીને દૂ…ર દરિયાપાર જઈ રહ્યો છે. આ ગીત લખાયું હતું એ સમયે मेरे पिया गये रंगून,किया है वहां से टेलिफ़ून જેવી કોઈ સુવિધા શોધાવાને હજી નેવુ વર્ષની વાર હતી. નાયકની હોડી દરિયામાં મુક્ત છે પણ નાયિકાની જિંદગી આશંકાના તાંતણે બંધાયેલી છે. નાયક એક પછી એક દુર્ગમ દરિયાઓ સર કરી રહ્યો છે પણ આ તરફ તો આંખેથી દરિયા વહી નીકળ્યા છે. तिरे छुटने से छोडा आंसुओं ने साथ आंखो का, गले मिल-मिल के आपस में चले आते हैं दामन तक। (નસીમ દેહલવી) मर-मर के अगर शाम, तो रो-रो के सहर की; यूं ज़िन्दगी हमने तिरी दूरी में बसर की। (જોશ લખનવી) અને આંસુના દરિયા તરવા એ કાચાપોચાનું કામ નથી. મસમોટા દરિયાઓ તરી જનાર પણ આંસુમાં ડૂબી જતા હોય છે:

મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.

જૉન ડનની ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ કવિતામાં આંસુમાં પ્રિયપાત્રના ચહેરાથી લઈને આખી દુનિયા નજરે ચડે છે, આંસુમાં દુનિયા અને સ્વર્ગ બંને ડૂબી જાય છે તથા રડવાના કારણે શ્વાસ તેજ થાય તો આંસુના સમુદ્રમાં ઊઠતું તોફાન ક્યાંક સામાના મૃત્યુનું કારણ ન બની જાય એ ચેતવણી પ્રણયની ચરમસીમાનું અદભુત નિરુપણ કરે છે. જૉનની આ કવિતા હેલનની કવિતામાં આ જગ્યાએ યાદ આવ્યા વિના રહેતી નથી. નાયિકા જાણે છે કે એના આંસુઓ વૃથા જ વહી રહ્યા છે. પોતાના નસીબમાં પ્રલંબ વિરહ અને નિર્બંધ અશ્રુઓ લખાઈ ચૂક્યાં છે. નાયક હાલ પરત ફરનાર નથી. એને લાગે છે કે એની પીડાઓ, એનાં ક્રંદન, એનાં આંસુઓ કદાચ આ દરિયા સાથે એકાકાર થઈ રહ્યાં છે. આંસુના દરિયામાં અને દુનિયાના દરિયા વચ્ચે હવે ફરક જણાતો નથી. દરિયાકિનારે ઊભાં રહીને રડતી હોવાથી એના પોતાનાં આંસુઓ સમુદ્રમાં ભળી રહ્યાં છે, એ જોઈને એને શંકા જન્મે છે કે દરિયાની દગાબાજ લહેરો પાસે શું એટલી દયા હશે ખરી કે પોતાના પ્રાણનાથને પ્રાણદાન બક્ષે? બેવફા મોજાંઓ પોતાની વફાને, પોતાના મનમીતને બક્ષશે કે કેમ એ બાબતમાં એ સાશંકિત છે.

એના દિલમાંથી તો કદાચ સાહિરનો જ અવાજ ઊઠતો હશે:

हम इंतिज़ार करेंगे तिरा कयामत तक,
खुदा करे कि कयामत हो और तू आए।

અંતહીન પ્રતીક્ષામાં દરિયાકાંઠે ચોધાર આંસુએ રડતી પ્રોષિતભર્તૃકા સમયાતીત થઈ ગઈ છે. દિવસ વીતી ગયો છે. કાજળકાળી રાતના ઓછાયાઓ ધરતી પર ઊતરી આવ્યા છે અને રાત્રે જ્યારે આંખ કશું જોઈ શકવા સમર્થ ન હોય એવા ટાણે સામે પથરાયેલો દરિયો પણ હોય એના કરતાં અનેકગણો વધુ ઊંડો અને જોખમી લાગે છે. રાતનું અંધારું અને પાણીનું ઊંડાણ માત્ર ભૌગોલિક પરિસ્થિતિનું આલેખન જ નથી, એ નાયકની જિંદગી શેમાંથી પસાર થઈ રહી છે એનો સંકેત પણ ધરે છે. સાગરખેડુની જિંદગી કંઈ આસાન નથી. એ કાળી રાત જેવી કંઈ કેટલીય મુસીબતો અને અનિશ્ચિતતાઓના અંધારાઓથી ભરી પડી હોય છે. કળવું અશક્ય બની રહે એવા ઊંડાં પાણી જેવા દુશ્મનો અને પ્રતિકૂળ સંજોગો-હવામાન એના દુસ્સાહસોનો અવિભાજ્ય હિસ્સો છે. કાળી રાત અને ઊંડા પાણી વળોટીને પોતાનો પ્રિયતમ પરત ફરશે ખરો, એ બાબતે નાયિકાનું દિલ ફડકી રહ્યું છે. પ્રતીક્ષાની રાત હંમેશા લાંબી અને તોફાની હોય છે. इस रातकी सुबह नहीं। ઇંતેજારી અને અનિશ્ચિતતાનું કોક્ટેઇલ ભલભલાના હોંશ ઊડાડી દે છે. પણ આશાનું કિરણ ગમે એટલા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ જીવવાનું પ્રબળ કારણ બની રહે છે. આવા સમયે દિલમાંથી આવો જ અવાજ ઊઠે:

मैं बुलाता तो हूं उनको मगर ऐ जज़्ब-ए-दिल,
उन पे बन आए कुछ ऐसी कि बिन आए न बने। (ગાલિબ)

કંઈક એવું બની જાય કે સનમને આવવાની ફરજ પડે તો પોતાના આમંત્રણના સોનામાં કેવી સુગંધ ભળે! કાળીભમ્મર રાત અને ભયાવહ ઊંડા પાણીની સામે પણ એક આશાનું કિરણ જોયા વિના વિરહિણી રહી શકતી નથી. આવા વાતાવરણમાં પણ એને સમુદ્રમાં ઊઠતી લહેરોમાં હળવાશ નજરે ચડે છે. આ પ્રેમનાં ચશ્માંમાથી નજરે પડતું દૃશ્ય છે… અહીં હાથમાં આવી ગયેલો સાપ પણ દોરડું ભાસે છે. પણ આશાની જ્યોત આશંકાની હવાથપાટે સતત હાલકડોલક પણ થતી રહે છે. બહારની સાથોસાથ ભીતર પણ તોફાન ઊઠ્યું છે. રાત કાળી માત્ર બહાર પણ નથી, ભીતર પણ પથરાઈ પડી છે અને પાણીની જેમ જ એની અંદર પણ શંકાકુશંકાઓનું ઊંડાણ વધી ગયું છે. ભીતરનું તોફાન તો કંઈ એવું પ્રબળ બન્યું છે કે પિયુની અનુપસ્થિતિમાં પત્તાના મહેલ જેવું ખોખલું બની ગયેલું અસ્તિત્ત્વ હચમચી ઊઠ્યું છે. હવાનો નાનો અમથો હડસેલો પણ પગથી લઈને માથા સુધી કંપાવી દે છે… હવાની દરેક મંદ લહેરખી આંસુઓનો નવો જથ્થો ઊઘરાવે છે… પવન લાગે તો પાણી આમ તો સૂકાઈ જાય, પણ અહીં એ ઉદ્રોદેક જન્માવે છે, દરિયામાં દરિયો થઈ રેલાઈ રહેલા આંસુઓની માત્રામાં સતત ઉમેરણ કરે છે… અને ભીતરની આંધી વધુ ને વધુ તેજ બનતી જાય છે…

બાલા જોગી – મકરંદ દવે

ચાલ હો તારી મતવાલી બાલુડા જોગી !
ચાલ હો તારી મતવાલી !

સોનલાવરણી કાય સુંવાળી જોગી !
ઝૂલતી આવે જટાળી
કાળમકાળી આંખમાં ઘેરી ઘેરી
ફૂટતી સિંદૂર–લાલી. – બાલડા જોગી.

માળાને મણકે ને ઝોળીને ઝૂલણે
ડોલતી ડુંગર ઢાળી
વનની વાટે વાટે ચાલ નિરાળી, જોગી !
રમતી આવે રૂપાળી. – બાલુડા જોગી.

શેરી–બજાર ગંજે, સારીયે સીમ ગુંજે
ઓમના અલખ ઉછાળી
આંધળી આંખો ભાળે, પડતી તારે જોગી
પગલે કેડી અંજવાળી. – બાલુડા જોગી.

દૂધડાં મલકે હોઠમાં હજી તારે
સેડ ફૂટે અમિયાળી
નિરભે નજરુંમાં પ્રાણ પરોવે ત્યાં તો
દુ:ખડાં દેતો ઓગાળી. – બાલુડા જોગી.

આવ રે આવ મારી આજ આરોગવા
ભાવની ભોજન-થાળી
તારી તે ચાલ કેરે તાલે હો તાલે મારું
જાને તું આયખું ઉજાળી,

બાલુડા જોગી, ચાલ હો તારી મતવાલી.
 – મકરંદ દવે

ચિત્ત તું શીદને ચિંતા ધરે? – દયારામ

અચાનક જ જાણ થઇ કે કવિ દયારામનો અંદાજિત જન્મ દિવસ તે ભાદરવા સુદ 11( ઈસ્વીસન 1777,વિક્રમ સંવત 1833). આજે ભાદરવા સુદ 11- જલ ઝીલણી એકાદશી છે.
આમ સાઠોદરા નાગર જાતિના દયારામે એ સમયમાં ત્રણ વાર ભારતનાં તમામ તીર્થધામોની યાત્રા કરેલી. એમણે પુષ્ટિમાર્ગ અપનાવેલો.એ પોતે ખૂબ સુંદર ગાયક હતા એમ કહેવાય છે. મૂળ એ ચાંદોદ(ચાણોદ)ના ને છેલ્લે ડભોઇમાં રહેલા જ્યાં એમના ઘરમાં એક નાનું મ્યુઝિયમ(જો કે ખૂબ ઓછા મુલાકાતીઓ ત્યાં જાય છે.) દયારામનો તંબૂર ત્યાં સચવાયો છે. ઉમાશંકર જોશીએ એક કાવ્ય લખ્યું છે-
‘દયારામનો તંબૂર જોઈને’. એમાં છેલ્લી બે પંક્તિઓ આમ છે-
‘કાળને હાથ તંબૂરો: હૈયાતંતુથી ભૈરવી
ગુંજે ગુર્જરકુંજે, ત્યાં ડોલે શી કવિની છવિ!’
આજે ગુજરાતના ઉત્તમોત્તમ ગરબી કવિ દયારામની મારી પ્રિય રચના ફરીથી સાંભળો.

કવિ: દયારામ
સ્વરકાર: ગાયક :અમર ભટ્ટ

.

ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!’

આ દિવસોમાં દયારામનું આ પદ ખૂબ સાંત્વન આપે છે. નરસિંહનું આ પદ પણ યાદ આવે છે-
‘જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો‘
દયારામના આ પદમાં ‘જેવો જંત્ર વગાડે જંત્રી’. કબીરસાહેબ પણ યાદ આવશે-‘જંત્રી જંત્ર અનુપમ બાજે’.
‘રાખ ભરોસો રાધાવરનો’ એમ છેલ્લે કહીને દયારામ પુષ્ટિમાર્ગમાં છેલ્લે ગવાતા સૂરદાસજીના પદનું પણ સ્મરણ કરાવે છે- ‘દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો’.
દેશ રાગ પર આધારિત આ પદ સાંભળો.
-અમર ભટ્ટ