Category Archives: કાવ્યપ્રકાર

તું ફક્ત ના હાર જો કે જીત જો – મુકેશ જોષી

તું ફક્ત ના હાર જો કે જીત જો
યુદ્ધ કરવાનીયે એની રીત જો

દુશ્મનો હથિયાર હેઠાં ફેંકશે
મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો

હું ગઝલના ગામમાં રહેવા ગયો
યાદ આવ્યું તોય પાછું ગીત જો

ભાગ અંદર આ પ્રસિદ્ધિની ક્ષણે
કોક બાંધે છે અહમની ભીંત જો

કામ સહુ પૂરાં કરીને નીકળ્યા
યાદ આવ્યું રહી ગઈ લ્યાપ્રીત જો

– મુકેશ જોષી

અંતરની વીણા ના તારો તુંહી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

નૂપુર મોદીના ખુબ આભારી છીએ જેમણે શ્રી જયદેવભાઈ ભોજકના સ્વરાંકિત રચનાઓ જેને ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરા દ્વારા સ્વર આપવામાં આવ્યો છે એ બધા ગીતો મને મોકલી આપ્યાં.હજુ ઘણાંય ગીતો એમણે મોકલી આપ્યાં છે જે એક પછી એક અહીં મુકીશુ.શ્રી જયદેવભાઇ ભોજક પણ નૂપુર મોદીના સંગીત ગુરુ છે .ગીતના સંગીતકાર શ્રી જયદેવ ભોજકના ભાઈ ડો. પ્રભાતદેવ ભોજક છે.ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરાની તસ્વીર

સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક
સંગીતકાર : ડો. પ્રભાતદેવ ભોજક
સ્વર : ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરા

.

અંતરની વિણાના તારો તુંહી… તુંહી… ગાય,
એક વગાડું તોયે જાણે શત શત વાગી જાય.

આરોહે અવરોહે એ તો એક વિલંબીત ગાય,
તુંહી તુંહી નાદ જગાવી, દશ દિશ ગુંજી જાય.

આ હદયમાં નાદબ્રહ્મની સરગમ એક સુણાય,
તાલ તાલમાં તુંહી તુંહી સોહમ ગુંજી જાય.

મનના તારે તાર મળે ને,તું હી તું હી ગાય,
હદયની ઉર્મિનો સાગર એની સંગે ગાય.

તાર તારમાં તું હી બજતાં મનડું ડોલી જાય,
રોમ રોમમાં દિવા પ્રગટે, રોમમાં જ્યોસ્તીત થાય.

– રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ

અમે મુસાફરો – મકરંદ દવે

અમે મુસાફરો, મુસાફરો મહાન ખલ્કના !

વૃદ્ધ ભૂતકાળ બાળ શો હતો રહ્યો રમી
સૃષ્ટિ આ કુમારી વિશ્વમાં નવી ઉષા સમી
ઊઘડી હતી ત્યહીં
મુગ્ધતા અહીં ;

ત્યારે દેશ દેશ મુલ્ક મલકમાં ભમી ભમી
અમે પ્રથમ ધરા મહીં ભરેલ ગીત હર્ષનાં
અમે મુસાફરો ! મુસાફરો અનંત વર્ષના.

અમે મુસાફરો ! કમાલ કારવાં જુઓ ચલે !
ગીચ જંગલે નવીન કેડી જાય પાડતા
કાળમીંઢ પર્વતોની ભીંતને ઉખાડતા
શુષ્ક રણે બાગ સૌ બહારના ઉગાડતા,

સમુદ્રને મહા પટે
અનેક નદીને તટે
વહી રહ્યા, વધી રહ્યા, કદમ કદમ પળે પળે;
અમે મુસાફરો, મુસાફરો સદા ગતિભર્યા
અમે વિશાળ સર્વ માટે માર્ગ મોકળા ધર્યા.

પ્રકૃતિના ચાહકો
સંસ્કૃતિના વાહકો
સૌન્દર્ય, પ્રેમ, પુણ્યના પ્રથમ અમે ઉપાસકો ;
અમે મુસાફરો, અમારી કૂચ મુક્તિ કારણે
ટે’લ નાખતા જઈ યુગોથી સર્વ બારણે,

સાથ આવો ! અંધકાર છોડી કોટડી તણા
સાથ આવો ! બેડીબંધ તોડીને રિબામણા
સાથ આવો ! નોતરી રહી નવી વિચારણા ;

અમે મુસાફરો, મુસાફરો પ્રદીપ મુક્તિના
પંથ કોડિયાં જલાવતા પ્રસુપ્ત શક્તિનાં
પ્રકાશ તણા ગાયકો
અમે મહાન સ્વપ્ન સાથ સત્યના વિધાયકો.
 – મકરંદ દવે

વાટ જુએ છે મીરાં – મીરાંબાઈ

સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

વાટ જુએ છે મીરાં રાંકડી રે,
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની.

મુનિવર સ્વામી, મારે મંદિર પધારો રે,
સેવા કરીશ દિન-રાતડી રે…ઊભી.

ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે,
ફૂલના તોરા ને ફૂલ-પાંખડી રે…ઊભી.

પય પકવાન વા’લા, મીઠાઈ ને મેવા રે,
ઘેબર જલેબી તલ-સાંકળી રે..ઊભી.

લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે,
એલચી દોડા ને તજ પાંખડી રે..ઊભી

સાવ સોનાનાં વા’લા, સોગઠાં ઢળાવું રે,
રમવા આવો તો જાય રાતડી રે…ઊભી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
જોતાં ઠરે છે મારી આંખડી રે..ઊભી.
– મીરાંબાઈ

બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ

શબ્દ રચના: મીરા બાઈ
સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

બંસીવાલા આજે મોરા દેસ
તોરી સાંવરી સુરત હદ વેસ

આવન આવન કહે ગયે
કર ગયે કોલ અનેક
ગિણતાં ગિણતાં ઘીસ ગયી જિભા
હારી આંગળિયારી રેખ

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી
ઢૂંઢયો સારો દેસ
તોરે કારણ જોગણ હોઉન્ગી
કરુંગી ભગવો વેસ

મોર મુગુટ શિર છત્ર બિરાજે
ઘૂંઘરિયાળાં કેસ
મીરા કે પ્રભુ ગિરિધર નાગર
આવો ને એણી વેસ
– મીરાંબાઈ

તમારી યાદની -અમૃતલાલ દવે

શબ્દ રચના: અમૃતલાલ દવે
સ્વર રચના : જયદેવ ભોજક
કંઠ: માધ્વી મહેતા

.

તમારી યાદ ની હું ક્યાં જઉં ફરિયાદ કરવાને
નથી ઉપયોગી આ એકે અદાલત ન્યાય કરવાને

બની ને પ્રેમ માં પાગલ, કરી પરવા ન દૌલત ની
કરું અવ ખર્ચ પણ શેનો, મુકદ્દમો પાર કરવા ને

ભલે એ કોઈ ના દે દાદ કિન્તુ ચાંદની ઝરતી
હશે ને જોડ સારસ ની હશે નીકળી વિહારવાને

ટહુકો માનિની મદહર હશે કો કોકિલા કરતી
થશે ત્યારે અનુકૂળ એ અદાલત ન્યાય કરવા ને
-અમૃતલાલ દવે

શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”

શબ્દ રચના: “પરિમલ”
સ્વર રચના : જયદેવ ભોજક
સ્વરઃ માધ્વી મહેતા
આ 40 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે.

.

શ્યામ મને અંગે લગાવે તો આવું
કે રાધારાણી રટે ચડ્યાં રે લોલ
અંગ અંગ શ્યામલ બનાવે તો આવું
કે રાધારાણી રટે ચડયાં રે લોલ

રાધા તું શ્યામ બને શ્યામ ને ન ભાવે
ભોળી રાધા ને કોણ સમજાવે
કોઈ ને ના બંસી સુણાવે તો આવું

કાન્હા ની બંસી તો દુનિયા ની બંસી
નર ને નારીઓના હૈયા ને ડંસી
અવની થી આંખ બચાવે તો આવું

બંસી થી કાન્હા એ દુનિયા ને રંગી
એ ના સરજી આ પૃથ્વી ઉમંગી
અંગ અંગ બંસી બનાવે તો આવું
-“પરિમલ”

મારું એકાંત – પન્ના નાયક

Radhanagar beach, Andaman… Photo: Vivek Tailor

મને ગમે છે
મારું એકાંત.

ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારે માટેની શોધ
આરંભાતી હોય છે,

અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,

અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…

-પન્ના નાયક

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે – વિવેક મનહર ટેલર

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?

વાણીનો ‘નહીં બનેલ’ સેતુ તારા-મારા કાંઠા વચ્ચે,
એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!

નહીં લખેલાં વાંચ્યાં કાવ્યો, નહીં રચેલાં ગાયાં ગીતો,
નહીં કરેલી થઈ ગઈ પ્રીતો, ‘નથી’ હતાં એ ‘છે’ મનમીતો;
એક નજરનો જાદુ છે કે પ્રેમ થયો પરગટ પથ્થરમાં.

એક નજરનું રેશમ ઝાલી કરાડ સૌ વિકરાળ ચડીશું,
સહિયારા શ્વાસોના સ્પર્શે સમજણને સંકાશ અડીશું;
ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૭-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: રમેશ પારેખ: ‘ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં’)