Category Archives: ટહુકો

દાદાની મૂંછ

સ્વર: રૂપાંગ ખાનસાહેબ

.

બડી લંબી રે મારા દાદાની મૂંછ ,
દાદાની મૂછ જાણે મીંદડીની પૂંછ…બડી…

દાદાજી પોઢ્યા’તા સીસમને ઢોલીએ,
શાહીથી રંગી મેં દાદાની મૂછ…બડી…

બચુભાઈના પારણાની તૂટેલી દોરથી,
જોરથી બાંધી મેં, દાદાજીની મૂછ..બડી..

કાતર લઈને કાગળિયા કાપતો,
કચ,કચ કાપી મે દાદાની મૂછ … બડી..

અમદાવાદની ઉત્તરાણ -શ્યામલ મુનશી

સંગીતઃ શ્યામલ સૌમિલ
કવિ: શ્યામલ મુનશી

.

અમદાવાદની ઉત્તરાણ..
આકાશી મેદાને પતંગદોરીનું રમખાણ..
હે… અમદાવાદની ઉત્તરાણ..

કોઈ અગરબત્તીથી કાણા પાડી કિન્યા બાંધે
કોઈ ફાટેલી ફૂત્તિઓને ગુંદરપટ્ટીથી સાંધે..
કોઈ લાવે કોઈ ચગાવે કોઈ છૂટ અપાવે..
કોઈ ખેચે કોઈ ઢીલ લગાવે કોઈ પતંગ લપટાવે..
સૌને જુદી મસ્તી, જુદી ફાવટ, જુદી જાણ…
હે.. અમદાવાદની ઉત્તરાણ

રંગ રંગના પતંગનું આકાશે જામે જંગ..
કોઈ તંગ કોઈ દંગ કોઈ ઉડાડે ઉમંગ..
પેચ લેવા માટે કરતુ કોઈ કાયમ પહેલ..
ખેલે રસાકસીનો ખેલ કોઈને લેવી ગમતી સેર..
ખુશી ને ખુમારી વચ્ચે રંગીલું ગમસાન..
હે.. અમદાવાદની ઉત્તરાણ..

સૂરજની ગરમીથી સૌના ચહેરા બનતા રાતા..
ઠમકે ઠમકે હાથ જલાતા સઘળા પરસેવાથી ન્હાતા..
કોઈ ટોપી, કોઈ ટોટી પહેરે કાળા ચશ્માં..
કોઈ ઢઢઢો મચડી નમન બાંધી પતંગ રાખે વશમાં..
ગીસરકાતી વેળા આંગળીઓના લોહી લુહાણ..
હે.. અમદાવાદની ઉત્તરાણ..

નથી ઘણાયે ઘેર સૌને વ્હાલું આજે શહેર..
ગમે છે પોળના ગીચોગીચ છાપરે કરવી ગમે છે લીલાલ્હેર ..
વર્ષો પહેલા ભારે હૈયે છોડ્યું અમદાવાદ એમને ઘર ની આવે યાદ ..
પોળનું જીવન પાડે સાદ ..
પરદેશી ધરતીને દેશી આભનું ખેચાણ ..
હે.. અમદાવાદની ઉત્તરાણ..
– શ્યામલ મુનશી

ઝાઝાં હાથ રળિયામણા (The cup song) -શ્યામલ મુનશી

સંગીતઃ શ્યામલ સૌમિલ
સ્વરાંકનઃ શ્યામલ મુનશી
કવિ: શ્યામલ મુનશી

.

એક થી બે ભલા, બાર ભલા ચારથી,
સાથ ને સંગાથથી, સંપ ને સહકારથી,
ઓછા અશક્ત પણ, બનતા બળીયા ઘણા.
ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ રળિયામણા

આકરો જ્યાં આઘાત હોય, પ્રચંડ જ્યાં ઝંઝાવાત હોય,
સંગઠિત શક્તિ જ ત્યાં, સંઘની તાકાત હોય,
વિરાટને પણ જંગમાં હંફાવતા મળી વામણા,
ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ રળિયામણા.

– શ્યામલ મુનશી

પંડિત ચાલ્યા જાય છે

સંગીતકારઃ રૂપાંગ ખાનસાહેબ
સ્વર: રૂપાંગ ખાનસાહેબ અને વૃંદ

.

પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.
પગમાં જૂનાં જૂતાં પહેરી પંડિત ચાલ્યા જાય છે.
આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે
તડાક કરતા કેરી તૂટી ટાલ પર કુટાય છે.
લોહી વહી જાય છે ને પંડિત ચાલ્યા જાય છે.
ખીસામાંથી ડબ્બી કાઢી છીકણી સુંઘવા જાય છે.
હાક છી હાક છી કરતા કરતા ચોટલી ફર ફર થાય છે.
આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે.
આમતેમ આમતેમ ફાંફા મારતા ગધેડે અથડાય છે.
પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે

ઇટ્ટા કિટ્ટા -સુરેશ દલાલ

સ્વર:ઐશ્વર્યા હિરાની, સુપલ તલાટી
સ્વરકાર:મોનલ

.

કનુઃ ઈલા! તારી કિટ્ટા!
ઈલા: કનુ! તારી કિટ્ટા!
કનુઃ ઈલા! તારી કિટ્ટા!
ઈલા:મારી પાસે મીઠી મીઠી શેરડી ને શીંગો,
લે હવે તું લેતો જા હું આપું તને ડિંગો.
કનુઃમારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર,
એકે નહીં આપું તને છોને કરે શોર.
ઈલા:જાણે હું તો આંબલી ને બોરનો તું ઠળિયો,
ભોગ લાગ્યા ભાયગના કે ભાઈ આવો મળિયો.
કનુ:બોલી બોલી વળી જાય જીભનાં છો કુચ્ચા,
હવે કદી કરું નહીં તારી સાથે બુચ્ચા.
ઈલા:જા જા હવે લુચ્ચા!
ઈટ્ટા ને કિટ્ટાની વાત અલ્યા છોડ:
ભાઈ બહેન કેરી ક્યાંય જોઈ એવી જોડ.
-સુરેશ દલાલ

તારા સૌ બાળક પ્રભુ- રતિલાલ નાયક

સ્વર: દ્રવિતા ચોક્સી
સ્વરકાર: રૂપાંગ ખાનસાહેબ

.

તારા સૌ બાળક પ્રભુ! તારો માંગે સાથ,
ઝાલી હાથ ચલાવ તું, દોરી સાચી વાટ.

કાને સાચું સાંભળે, સાચું દેખે નેણ,
કામ બધાં સાચાં કરે, સાચાં કાઢે વેણ.

રમે બધાંયે સાથમાં, જમતાં સાથે તેમ,
ભણે બધાં ભેગા મળી, રાખી ઉંચી નેમ.

જગમાં સૌ સુખિયા બને સાજાને બળવાન,
થાય ભલું સૌ કોઈનું, બધાં બને ગુણવાન.
– રતિલાલ નાયક

આ ધોધમાર વરસે – નયના જાની

સ્વરઃ પાર્થિવ ગોહિલ
સ્વરાંકનઃ આલાપ દેસાઈ

.

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !
– નયના જાની

બાળદિન Special 3: મારે પપ્પા બદલવા છે… – વિવેક મનહર ટેલર

કવિ મિત્ર વિવેક ટેલરનું એક વધુ બાળગીત આજે… એમની વેબસાઇટ પર બાળગીતોના શબ્દો શોધતા આ ટીપ્પ્પણી નજરે ચડી, જે અહીં કોપી પેસ્ટ જ કરું છું – એક મઝાનો સવાલ એણે ઉઠાવ્યો છે, જવાબ તમે આપશો?

“બાળકાવ્યો આપણી ભાષામાં ખાસ્સો ઉપેક્ષિત વિષય છે. ‘એક બિલાડી જાડી’ અને ‘હાથીભાઈ તો જાડા’થી વધારે આગળ આપણે જવલ્લે જઈએ છીએ. અલગ ફ્લેવરના બાળગીતો આપણી હોજરીને પચતા નથી.. ‘પપ્પાજીની ચડ્ડી’ જેવું નિર્દોષ અને રમતિયાળ ગીત પણ ઘણાંને ગમ્યું નહોતું. આ અઠવાડિયે ફરીથી એક બાળગીત… આપણી અંદરનું બાળક હજી જીવે છે કે નહીં એ ચકાસી જોઈએ?

સ્વર – વિવેક ટેલર

.

( …સ્વયમ્, ૧૦-૦૭-૨૦૧૦)

દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
મારે પપ્પા બદલવા છે…

ગેમ રમવાને એ મોબાઇલ તો આપે નહીં,
ઉપરથી આપે છે લેક્ચર;
ગણિતના કોઠાઓ ગોખી ગોખીને
મારા મગજમાં થઈ ગ્યું ફ્રેક્ચર,
છુટ્ટીના દિવસો ભણી-ભણીને, બોલો, કોણે બગાડવા છે ?
મારે પપ્પા બદલવા છે.

નાનકડા જીવની નાની ડિમાન્ડ મારી,
રાત્રે રોજ માંગું એક સ્ટોરી;
અક્કલના ઓરડેથી કાઢી દેવાની
કે એમાંય કરવાની કામચોરી ?
સ્ટોરીના નામે જે તિકડમ ચલાવો એને આજે પકડવા છે.
મારે પપ્પા બદલવા છે.

આમ કર, આમ નહીં, આમ કેમ? આમ આવ,
આખો દિવસ આ જ કચ કચ;
ખાતાં ખાતાં તારા કપડાં કેમ બગડે છે,
ચાવે છે કેમ આમ બચ્- બચ્ ?
ડગલે ને પગલે શિખામણ મળે નહિ એવા કંઈ સ્ટેપ લેવા છે.
મારે પપ્પા બદલવા છે.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૬-૨૦૧૦)

બાળદિન Special 2:સાબુભાઈની ગાડી – વિવેક મનહર ટેલર

આજનું આ ગીત – મારું અને મારી દિકરી આન્યાનું પણ એકદમ favorite!

(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

.
સ્વર – વિવેક ટેલર

.

(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

બાળદિન Special 1: ગોદડાંમાં શું ખોટું? – વિવેક મનહર ટેલર

૧૪ નવેમ્બર – બાળદિવસ અને વ્હાલા સ્વયમનો જન્મદિવસ પણ… તો આજે એક મસ્ત મજાનું બાળગીત, વિવેકભાઇની કલમે… ધીમે ધીમે ઠંડીની મોસમ આવી રહી છે તો તમે પણ આ ઠંડીની મજા વધારતું ગીત માણો..!!


(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

સ્વર – વિવેક ટેલર

.

મમ્મી બોલી, ઠંડી આવી, સ્વેટર પહેરો મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)