Category Archives: કાવ્યપ્રકાર

અષાઢ આયો – નિરંજન ભગત

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !

મેધવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો !


માઢ= એ નામનો એક રાગ. (સંગીત.)
સાલ્યોનો એક અર્થ શૂળની માફક દિલમાં ખટકવું કે દુઃખ થવું થાય છે.

H सुनाइ देती है जिसकी धडकन – गुलामी

હું English ગીતો ઘણાં જ ઓછા સાંભળું છું. એનું સૌથી મોટુ કારણ એ કે મને મોટા ભાગે એના શબ્દો નથી પકડાતા. અને શબ્દો જ ખબર ના પડે, તો મને સાંભળવાની જરા મઝા નથી આવતી. ( શબ્દો વગરનું વાદ્યસંગીત અલગ વાત છે… હરિપ્રસાદ ચૌરસિયાની વાંસળી કે શિવકુમાર શર્માનું સંતૂર વાગતું હોય, તો મને શબ્દોની ખાસ જરૂરત નથી લાગતી). જો કે ભાઇ મને કહેતા.. English ગીતો સાંભળવાનો એક ફાયદો.. જેટલી વાર સાંભળો એટલી વાર નવું લાગે. :))

હા, તો હું એમ કહેતી હતી કે મારા માટે શબ્દો સમઝવા જરૂરી છે. પરંતુ એમાં અપવાદ છે આ ‘ગુલામી’ ફિલ્મનું ગીત. મને એની પહેલી કળી જ નથી સમઝાતી. સમઝવું તો બાજુ પર, એના શબ્દો પણ બરાબર નથી પકડાતા. “ઝિહાલે મસ્કીન મુકુન બરંજીશ” કે પછી “જીહાલે.. મેં કુન બરંજીશ”.. કે જે હોય તે… એ કઇ ભાષામાં શું કહે છે એ જરા નથી ખબર પડતી… પણ તે છતાં ય.. મારા સૌથી ગમતા ગીતોમાંનું એક છે આ ગીત.

આમ તો એની દરેક કડી સરસ છે… ઝરા ઝરા સી ખિલી તબિયત ઝરા સી ગમગીન હો ગઇ… તુમ્હારી પલકોં સે ગીરકે શબનમ હમારી આંખોમેં રૂક ગઇ હૈ.. પરંતુ જ્યારે આ કડી સાંભળું “તુમ્હારે સીને સે ઉઠતા ધુંઆ, હમારે દિલસે ગુઝર રહા હૈ”… એમ થાય કે… વાહ..!! ક્યા બાત હૈ..!!

Movie: GULAMI
Singers: LATA MANGESHKAR AND SHABBIR KUMAR

( Read Comments to understand the meaning of the persian language of this song )

( वो आके पहेलुमें ऐसे बेठे, के शाम रंगीन हो गइ है… )

Ooo….
ho..o…

(Jeehale muskin main kun baranjis
Behaal hijra bechaara dil hai) -2
(Sunai deti hai jiski dhadkan
tumhaara dil ya hamaara dil hai)-2

Continue reading →

શ્વાસના મૃગજળ…. – પ્રદીપ આઝાદ

શ્વાસના તડકા પહેર્યા હર ડગે
કંટકોના પથ મહોર્યા હર ડગે

ઘાવ ઊંડો છેક થાતો જીગર સુધી
પ્રીતના પડઘા પહેર્યા હર ડગે

કોણ જોશે રાહ છેલ્લી પળ સુઘી
શ્વાસના મૃગજળ વેર્યા હર ડગે

સૂરજ તણી પ્રતિ છાયા નીતરે
સાંજ થઇ રંગો અવતર્યા હર ડગે

જિંદગીને કેમ પાછી ઓળખું
શબ્દ કેરા પડઘા ઝર્યા હર ડગે.

( સૂરજ તણી પ્રતિ છાયા નીતરે .. એટલે? મને ખબર ના પડી )

ફૂલડાંની ફોરમને કેમ રે… ? – પ્રેમશંકર ભટ્ટ.

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય ?
એ તો વાયરાની આંખે ઊડી જાય રે !

વીજળીનું તેજ થીર કેમ કરી થાય ?
એ તો આભા કેરા હૈયે વેરાય રે !

નાનેરાં નવણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે ?

નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય
તોયે ઝાંઝવાનાં નીર ના બુઝાય રે !

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે !

આભ કેરા ટોડલે તોરણો ટિંગાડવાના
મનસૂબા કેમ પૂરા થાય રે !

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે ?

દર ને દાગીનો ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે ?

( પ્રેમશંકર ભટ્ટ. જન્મ : 30-8-1914, અવસાન : 30-7-1976 )

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

ગાયક : આશિત દેસાઇ, ચન્દુ મટ્ટાણી

gujarat

.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

Continue reading →

રૂબાઇયાત – ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )

કેવું રાતું ચોળ છે, જો આ સુમન વનફાલનું
જોઉં છું એની રગોમાં લોહી કો મહિવાલનું
જો આ નમણી નવલતાની નર્મ નાજુક પાંદડી
છૂંદણું લાગે છે એ કોઇ રૂપાળા ગાલનું

કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની
વ્યગ્ર થઇને માટી બોલી, “ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની”

જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર
એ પછી દુનિયા નવી એવી રચું કે જે મહીં
સર્વ જીવો મન મુજબ લૂટીં શકે જીવન-બહાર

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર
કાંસકીને જોકે એના તનના સો ચીરા થયા
તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર

ઓ પ્રિયે, કઠપૂતલીઓનો છે તમાશો જિંદેગી
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો
શૂન્યની સંદૂકમાં ખડકાઇ જાશું એ પછી

સૌ પ્રથમ તો હું ન આવત. આવતે તો જાત ના
હોત મારા હાથમાં તો આમ ધક્કા ખાત ના
કિંતુ સારું તો હતે બસ એ જ કે મિથ્યા જગે
કષ્ટમય આવાગમનનો પ્રશ્ન ઊભો થાત ના

(શૂન્ય પાલનપુરીનો પરિચય)

અમથા અમથા – ‘સરોદ’

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી
બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે
છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તો યે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

સ્વર : હેમંત ચૌહાણ

.

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

Continue reading →

હવે બોલવું નથી – સૈફ પાલનપૂરી

.

આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી
રૂપાળું એ એક નામ, હવે બોલવું નથી

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
એવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી

પૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇ
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી

( કવિ પરિચય )

આકાશનું ગીત – અનિલ જોશી

– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું

કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !

નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

(આ રચના સમજવામાં મદદ કરશો? )

કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ :
ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી )
અમે બરફના પંખી
પહેલા વરસાદનો છાંટો
કન્યા-વિદાય
દીકરી વ્હાલનો દરિયો…