Category Archives: કવિઓ

અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત – ઉદયન ઠક્કર

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર : દીપ્તિ દેસાઈ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક

.

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
કશું કાંઠાઓ ભાંગીને આવે છે, હું એને રેતીના ઢૂવાથી ખાળું.
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે:
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,ને પૈણાનાં દાણ ચણું, મીઠાં,
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે ? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે…
મને અધવચ્ચે અધવચ્ચે
– ઉદયન ઠક્કર

સંભારણાં – માધવ રામાનુજ

કવિ : માધવ રામાનુજ
સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : વિરાજ – બીજલ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક-૪

.

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં …
પહેલું અબોલાના ઓરડાનું અજવાળું
વળતાં ચીતર્યાં રે બંધ બારણાં !

ભીંત્યું ચીતરીને એમાં પૂર્યા ઉજાગરાનાં
સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડામાં છલકાવ્યો
ધગધગતો તરસ્યો ઉમંગ!
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને
હાલરડે આળેખ્યાં પારણાં !

ફળિયામાં આંબાનો ચીતર્યો પડછાયો
ને ચીતર્યું કૂણેરું એક પાન ,
ચીતરતાં ચીતરતાં ચીતર્યાં ઝળઝળિયાં
ત્યાં નજરનું ખરી ગયું ભાન !
કાળજામાં કોરાતી જાય હજી કૂંપળ
ને ઉંબરમાં અમિયલ ઓવારણાં !

– માધવ રામાનુજ

તું સમજે જે દૂર – દલપત પઢિયાર

Composition, Music, arrangement; જન્મેજય વૈદ્ય
Vocals: રિધ્ધિ આચાર્ય

તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !

બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
નાભિ જેવું નગર વસાવી, મૃગ ભટકે વનેવને…

કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર,
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બારું બંદર,
નદી કુંડીમાં ના’વા ઊતરી, દરિયો ઊભે પને…

મળવું એ જ હો મનસૂબો તો નક્શા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં,
સરખું ઊતરે સામૈયું તો રજની રેલે દને…

મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
જળ, પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને…

-દલપત પઢિયાર

મન મ્હેં ત્હારું જાણ્યું ના – રાજેન્દ્ર શાહ

સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ગાર્ગી વોરા
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 4

.

મન મ્હેં ત્હારું જાણ્યું ના, જાણ્યું ના :
આંગણે જેને ઇજન દીધું
ઘરમાં એને આણ્યું ના …

વન-પારેવાં કરતાં કેલિ,
માલતી-ફુલે વેલ ઝૂકેલી ,
નેણથી ઝરી નૂરની હેલી,
હોઠ બે ત્હારા ફરક્યા આતુર
તોય મ્હેં ઝીલ્યું ગાણું ના…

ભૂલમાં કેવી ભૂલ કીધેલી,
ઉરની ભણી આંખ મીંચેલી,
મ્હેં જ મને ના ઓળખી વહેલી,
પૂનમ ખીલી પોયણે , સુધા
પાન મ્હેં ત્યારે માણ્યું ના…

– રાજેન્દ્ર શાહ

અબોલા – વિવેક મનહર ટેલર

આજે કવિ મિત્ર વિવેક ટેલરના જન્મદિવસે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એનું આ એક મઝાનું ગીત. અબોલા જેવા આમ થોડા ગંભીર વિષયમાં પણ કવિ પાટણના પટોળાની વાતો લઇ આવે છે..


(एक अकेला…. …જિયા ભોરોલી નદી, નામેરી, આસામ, નવેમ્બર- ૨૦૧૦)

*

આપણું આ હોવું એ બે પળની વાતો ને વાતોના હોય નહીં ટોળા
પછી શાને લીધા તે અબોલા ?

વહેતા પાણીના પગે ઠોકર વાગીને
એ તો ખીલે બંધાઈ થયું લીલ,
મોઢું વકાસીને બેઠેલા ભીતરના
પડછાયા એમાં તું ઝીલ,
લખો, ભૂંસો ને લખાય એવી રેત પર પથ્થરના કેમ પડ્યા ઓળા ?
સાવ અમીટ લકીર છે અબોલા ?

સન્નાટાની બાણશય્યા પર પોઢીને
સપનાંઓ મૂંગું કરાંજે,
વાતનો ઉજાસ લઈ ઉગે એ સૂરજ
રાતની આંખોમાં કોણ આંજે?
ફાટે ન ફીટે, અબોલા છે તારા કે પાટણના મોંઘા પટોળા ?
આવા આકરા તે હોય શું અબોલા ?

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૧)

જ્યાં માટી જેવું મળે – દલપત પઢિયાર

કવિ: દલપત પઢિયાર
સ્વરાંકન, સંગીત અને સ્વર : સૂર
તબલા : ધ્રુવ જોષી
ગિટાર: સાહિલ પરમાર

કોઈ મને મૂકી આવો એવા સ્થળે,
જ્યાં માટી જેવું મળે,
ઊંડા ચીરા હોય ચાસના તોય ખેતરને
લેણું આખર હળે.

નીંઘલતા ખેતરની મઘમઘ ફોર લઇ
કોઈ ઊડે છે,
કોઈ અચાનક ઊંઘમાં આવી
ઘઉંના પૂડા ઝૂડે છે,
કોણ મને ગાંસડી એ બાંધે
કોણ ઉપણે ખણે

કોઈ મને મૂકી આવો એવા સ્થળે,
જ્યાં માટી જેવું મળે

થોડો પણ વરસાદ પડે ને
વગડો આખો ઊઘલે છે
માણસ નામે ગ્રંથ મીઢો છે
ક્યાં કદીએ ઊકલે છે?
‘ઝાડ’ એટલું બોલો ત્યાં તો
લીલું વાદળ ઢળે

કોઈ મને મૂકી આવો એવા સ્થળે,
જ્યાં માટી જેવું મળે

-દલપત પઢિયાર

પરપોટે પુરાયો – લાલજી કાનપરિયા

સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ગૌરવ ધ્રુ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 4

.

પરપોટે પુરાયો મારો પ્રાણ રે હોજી
લિયો રે ઉગારી જીવણ ! લિયો રે ઉગારી,
ઘૂઘવતાં જળની છે તમને આણ રે હો જી.

ફુલો પર બેઠું છે ઝાકળ ઝીણું રે હો જી
ઝટ રે ઝીલો જીવણ ! ઝટ રે ઝીલો,
પલકમાં ઢોળાશે અમરત-પીણું રે હો જી.

આથમણે સીમાડે સૂરજ ઝાંખો રે હો જી
ઢળ્યાં રે અજવાળાં જીવણ ! ઢળ્યાં રે અજવાળાં,
સજાવો રુડી ઝળહળ પાંખો રે હો જી.

ડાળીથી ખર્યું છે પીળું પાન રે હો જી
કૂંપળ-શું ફૂટો રે જીવણ ! કૂંપળ-શું ફૂટો ,
સમજી લિયોને તમે સાન રે હો જી.
– લાલજી કાનપરિયા

ઊંઘી ગયો હોઈશ – જલન માતરી

સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ઓસમાન મીર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 3

.

હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ.

નહીંતર હાથમાંથી જાય છટકી શી મજાલ એની?
હું સપનું જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોઈશ.

જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે,
સરળ વાતો હું જયારે ચૂંથતાં શીખીગયો હોઈશ.

પડે છે ઠોકરો પર ઠોકરો તો એમ લાગે છે,
મુકદ્દરને ગગન ઉપર જરૂર ભૂલી ગયો હોઈશ.

દુઆ ના કામ આવી એ ઉપરથી એમ લાગે છે,
ઇબાદતની જ હાલતમાં ‘ જલન ’ ભટકી ગયો હોઈશ.
– જલન માતરી

ગામ છેડે ની – રવિન્દ્રનાથ ટાગોર

સ્વર : અમીષ ઓઝા
અનુવાદ : પિનાકીન ત્રિવેદી
આલબમ : રવીન્દ્ર ગુર્જરી

.

ગામ છેડેની પેલી કેડી લાલમ લાલ
હાં રે હાં, મારું મન મોહાય રે
કોને કાજે મનડું કરી ઊંચા હાથ
રજમાં રગદોળાય રે
મારું મન મોહાય રે

એ તો કાઢે ઘરની બહાર મને રે
પકડી પગલે પગલે ઘેરે
હાય હાય રે

એ તો ખેંચી મુજને લેતી જાય રે
ક્યાંક જહન્નમ માંય રે
મારું મન મોહાય રે

એ શો કોક વળાંકે દલ્લો દેખાડે
ક્યાંક વળી શું ખાડે પછાડે
એનો ક્યાં ને ક્યારે અંત? અરે રે
કેમે ના સમાય રે
મારું મન મોહાય રે
– રવિન્દ્રનાથ ટાગોર ( અનુવાદ : પિનાકીન ત્રિવેદી )

મન મારું મેઘની – રવિન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મેઘલતા મહેતા
આલબમ : રવીન્દ્ર ગુર્જરી

.

મન મારું મેઘની સંગે
ઉડી ઉડી જાય દિગદીશાઓ વ્યોમે
શુન્યાકાશે ઝરમર શ્રાવણ સંગીતે
રીમઝીમ, રીમઝીમ, રીમઝીમ

મન મારું હંસ ની પાંખે બેસી જાય ઉડે
ક્વચિત ક્વચિત ચમકે વીજ પ્રકાશે
ઝણઝણ મંજીરા બાજે ઝંઝા રુદ્ર આનંદે
કલ કલ કલ કલ નાદે ઝરણા
હાક દે, પ્રલય ને આહવાને

વાયુ વહે પૂર્વ સમુદ્ર થાકી
છળ છળ ઉછળે તરંગ તટે
મન મારું દોડે એના મસ્ત પ્રવાહે
અરણ્ય પર્ણના તાલે
શબ્દ શાખાના આંદોલને

-રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મેઘલતા મહેતા )