Category Archives: કવિઓ

હવે સખી નહિ બોલું – ભક્તકવિ દયારામ

ગીતઃ ભક્તકવિ દયારામ
સ્વરઃ લતા મંગેશકર

.

*****

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

કદાપિ નંદકુંવરની સંગે
હો મુને શશીવદની કહી છેડે
ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….

ચંદ્રબીંબમાં લાંછન છે વળી રાહુ ગળે ખટ્ માસે રે
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….

દયાના પ્રીતમને કહે સખી જ્યું શશીમુખ સરખું સુખ પાશે
કોટિ પ્રકારે હું નહિ આવું
કોટિ પ્રકારે હું નહિ આવું એવા પુરુષથી અડાશે રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….
નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
*****
આભાર : mavjibhai.com

વસંતનું પદ – મણિલાલ હ. પટેલ

(ઊડી ગયેલું જંગલ લઈને પંખી ડાળે આવ્યાં…..Bharatpur Bird Sanctuary)

કુંજડીઓ થૈ બોલે છે પડછાયા
વહી ગયેલા પાછા કોના ઘરમાં આવ્યા ?….

કોણ ક્યારનું હળથી મારી પડતર માટી ખેડે ?
અડધું ઊગે અંકુર થઈને પડધું પૂગે શેઢે
ખેતરને ભીંજવતી આજે ટહુકે કોની છાયા ?
કુંજડીઓ થઈ બોલે છે પડછાયા….

ઝાકળ જેવી આંખો ખોલી શેઢે સસલું બોલે
આંબા ઉપર ફૂટે મંજરી સીમ ચઢી છે ઝોલે
ફૂલ ફૂલમાં આભ ઊતર્યું સૂરજ થઈ છે કાયા
કુંજડીઓ થઈ બોલે છે પડછાયા….

ઊડી ગયેલું જંગલ લઈને પંખી ડાળે આવ્યાં
વહી ગયેલા દિવસો પાછા સૂના ઘરમાં લાવ્યાં –
કુંજડીઓ થઈ બોલે છે પડછાયા.

– મણિલાલ હ. પટેલ

આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા

થોડા વખત પહેલા ટહુકો પર પેલું એકદમ સ્પેશ્યલ ગીત – દે તાલ્લી… દે તાલ્લી… સાંભળેલું, એ યાદ છે ને? એજ આલ્બમ – ‘દે તાલ્લી’ માં સ્વરબધ્ધ એક બીજું ગીત આજે સાંભળીએ.. અને એ પણ એક મઝાના ખબર સાથે..!!

‘સાંસ્કૃતિક અભિવાદન ટ્રસ્ટ’ તરફથી ૨૦૦૯નો સંગીતક્ષેત્રનો એવોર્ડ શ્રી રાજેન્દ્રભાઇને મળી રહ્યો છે. આપણા સર્વે તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન..!! અને હા, મુંબઇગરાને એમના તરફથી ખાસ આમંત્રણ છે આ એવોર્ડ સમારંભમાં હાજરી આપવા..!! એવોર્ડની સાથે એમનો તથા ઇંદિરા નીકે અને શાહબુદ્દિન રાઠોડનો કાર્યક્રમ પણ છે..! (જેમને બીજા ક્ષેત્રોમાં એવોર્ડ મળી રહ્યા છે..!)

સ્થળ – સમય – તારીખ : 13th February – Bhavans, Chowpatty at 5.30 p.m
(The entry is absolutely free and without passes)

ગાયક / સંગીતકાર – રાજેન્દ્ર ઝવેરી
કવિ – મનોજ ખંડેરિયા

.

આપણી જુદાઈનું આ ભામ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

કોઇ શબ્દોની સમજ… – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય (www.raviupadhyaya.wordpress.com) ,
ગાયક: પાર્થિવ ગોહિલ
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય
પ્રસ્તાવના અને મલ્ટીમિડિયા રચયિતા ડો.જગદીપ ઉપાધ્યાય
મ્યુઝિક વીડીયો આલ્બમ ‘મંઝિલને ઢૂંઢવા..’

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને…

કંઠી બાંધી છે તારા નામની – અશરફ ડબાવાલા

(એક જણને મળ્યા અને……….  Photo:DollsofIndia.com)

* * * * *

કંઠી બાંધી છે તારા નામની.
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઈ પૂછો ના મે’તાજી જેમ,
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની.
… કંઠી બાંધી છે તારા નામની.

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે,
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી? હું ચાલું છું કોઈના જોરે;
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની.
… કંઠી બાંધી છે તારા નામની.

– અશરફ ડબાવાલા

વાત વિગતવાર કરી દે… – ગૌરાંગ ઠાકર

મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

ઝાકળ ન ઊડે સૂર્ય! અહીં એમ ઊગી જા,
તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.

તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ ને પણ એક ગઝલકાર કરી દે.

– ગૌરાંગ ઠાકર

મોહનની પ્રીતિ – સુરેશ દલાલ

સંગીત – સુરેશ વાઘેલા
કવિ – સુરેશ દલાલ

.

સ્વર – સુરેશ વાઘેલા

.

સ્વર – રેખા ત્રિવેદી

* * * * * * *

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે
હથેળીની રેખા જેમ એવી અંકાય
એતો ઊંડી રહે પ્રાણ ભલે ઊડે

રણઝણતા વાયરામાં ફરફરતા કેશ નહિ
સિંદુર પૂરેલી છે સેંથી
માધવની પ્રીતિ નહિ માટીનું બેડલું
એ તો યમુના બે કાંઠે રહે વહેતી

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

મોહનની પ્રીતિ નહિ સાત-સાત રંગ
એતો શિર પર ઝૂલે છે આકાશ
વાલમની પ્રીતિ નહિ વિખૂટો શબ્દ
એની મોરલીની સૂર મારે શ્વાસ

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠના જન્મદિવસે માણીએ એમની આ નાનકડી પણ સુંદર કવિતા …

* * * * *

તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો ;

તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો ;

તારા બળદ ને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું ;

તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.

તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની ;

તારું છે ફૂલ અને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની.

– ચંદ્રકાન્ત શેઠ

(આભાર : અમીઝરણું)

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ – અમિત ત્રિવેદી

સ્વર – નિશા પારઘી
સંગીત – નયનેશ જાની


(ચાલ…..ગુલમહોર થઈએ…….. Photo: Flowers of India)

.

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

જો રિસામણાં હોય કદીક તો
માયા આખી હાલક ડોલક

કરી મનામણાં મોરના ટહુકે,
આપણ બેઉ મલ્લક મલ્લક
આપણ બેઉ અલ્લડ જોડી ,
સાત સૂરે હલ્લક હલ્લક

આપણ બન્ને અડખે પડખે
ચાલ મોસમ છલકાવી દઈએ
આંખથી વરસી મબલખ અમી
એક બીજાના દર્પણ થઈએ

ઝીણી ઝીણી શરણાઈ વાગે
બેઉ હૈંયા થન્નક થન્નક

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

મહાસાગર – ત્રિભુવનદાસ વ્યાસ

ખારા ખારા ઊસ જેવા
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર
એવાં પાણી રેલમછેલ !

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

આભનાં સીમાડા પરથી,
મોટા મોટા તરંગ ઊઠી,
વાયુ વેગે આગળ થાય,
ને અથડાતા-પછડાતા જાય !

ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ને ભરતી-ઓટ કરતો જાય !

ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

વિશાળ લાંબો પહોળો
ઊંડો એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈયે ન મળે !
મહાસાગર તો મહાસાગર !

– ત્રિભુવનદાસ વ્યાસ

(આભાર – મેઘધનુષ)