Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.
– Marcus Argentarius
(Greece)
છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌ માટે આ દીવો બન્યો છે સાક્ષી.
– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. વિવેક મનહર ટેલર)
तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं |
“तेरे लबों से प्यार की कलियाँ तोड लूं, तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं”–આજે આ ગીત આપણી અંદરના પ્રેમીને ઠે…ઠ ભીતર સુધી પ્રસવારતું હોય એવી મીઠી અનુભૂતિ કરાવે છે, આપણને મજા પડે છે પણ બે હજાર વર્ષ પહેલાં આ જ વાત કોઈ કહી ગયું છે એમ ખબર પડે તો કેવું સાનંદાશ્ચર્ય થાય?!
લગભગ બે-અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા માર્કસ આર્જેન્ટેરિયસના નામે ગ્રીક એન્થોલોજીમાં ત્રીસેક જેટલા ચાટુક્તિસભર લઘુકાવ્યો (Epigrams) બોલે છે જેમાંના મોટાભાગના સંભોગશૃંગારને લગતા તો બાકીના શબ્દ અને અર્થની રમત અને વ્યંગસભર છે.
ઉપલબ્ધ વિશ્વકવિતાના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો સમજી શકાય છે કે પ્રાચીન વિશ્વમાં કોઈપણ સંસ્કૃતિમાં સેક્સ અને સ્ત્રી-પુરુષના અંગોપાંગના ખુલ્લા વર્ણનોનો ક્યાંય કોઈ છોછ નહોતો. ફેશન જેમ જેમ મનુષ્યની નગ્નતાને વધુને વધુ ઢાંકવા માંડી, મનુષ્યની દૃષ્ટિમાં નગ્નતા વધુ વિકસતી ગઈ. સંભોગની ચરમસીમાએ યોનિપ્રવિષ્ટ પૂર્ણઉત્તેજિત શિશ્નપૂજન એ આપણી સંસ્કૃતિનું સાચું ઔદાર્ય સૂચવે છે. આસામમાં કામાખ્યાદેવીના મંદિરમાં યોનિપૂજા કરવા વિશ્વભરમાંથી ભારતીયો આવે છે. શિવલિંગપૂજા અને યોનિપૂજા તો રહી ગયા પણ વાત્સ્યાયન-ખજૂરાહોની પરંપરાથી સમૃદ્ધ છતાં આપણી સંકીર્ણ રોગિષ્ઠ માનસિકતાએ આજે કામસૂત્રને પણ બદનામસૂત્ર બનાવી દીધું છે. ખેર, આપણે આપણી કવિતા તરફ વળીએ.
સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે.સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે પણ કવિ વિગતે કશી વાત ન કરીને આપણા રસભાવની કસોટી કરતા હોય એમ આગળની વાર્તા આખી ઘટનાના ‘સાક્ષી’ દીવાના ઝાંખા પ્રકાશના હાથમાં છોડી દે છે…
કવિતામાં એન્ટિગનીનો ઉલ્લેખ આવે છે. કોણ હતી આ એન્ટિગની? લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની સગી માતા જોકાસ્ટા સાથે અજાણતા થયેલ લગ્નથી જન્મેલ અનૌરસ સંતાન એ એન્ટિગની. એટલે સંબંધમાં એ ઇડિપસની બહેન પણ ખરી અને પુત્રી પણ ખરી. થીબ્સના યુદ્ધમાં એન્ટિગનીના બન્ને ભાઈઓ પરસ્પર વિરોધી છાવણીમાંથી લડીને વીરગતિ પામે છે. વિજેતા રાજા ક્રિઓન પોતાના પક્ષે લડેલા ઇટિઓક્લિસને તો માનભેર દફનાવવાની તજવીજ કરે છે પણ પોલિનિસસ સામા પક્ષે લડ્યો હોવાથી એનું શબ નગરમાં દાટવાના બદલે યુદ્ધમેદાનમાં ખુલ્લું જ સડવા દેવાનો આદેશ આપે છે જે એ જમાનામાં સૌથી મોટું અવમાન ગણાતું. શબની આ અવહેલના ત્યારે અત્યંત કડક અને શરમજનક સજા ગણાતી. પણ પોલિનિસસને થીબ્સમાં જ દફન કરવાની જિદ્દ પર અણનમ એન્ટિગની આ આદેશનો અનાદર કરવાની કોશિશમાં પકડાઈ જાય છે. પોતે જે કર્યું છે એના પર એન્ટિગનીને પસ્તાવો નથી. એ માને છે કે એણે ઈશ્વરના કાયદાનું પાલન કરવાની, પારિવારિક વફાદારી તથા સામાજિક ઔચિત્ય જાળવવાની કોશિશ જ કરી છે. એ ક્રિઓનની સામે હિંમતભેર ઊભી રહે છે, દલીલો કરે છે, દયાની ભીખ માંગતી નથી અને મૃત્યુદંડની સજા પામે છે. નાટ્યાત્મક વળાંકો પછી ક્રિઓન સજા બદલવાનું વિચારે છે પણ ત્યાં સુધીમાં એન્ટિગની મૃત્યુને વહાલું કરી ચૂકી હોય છે. સર્વકાલીન ઉત્તમ સર્જક સોફોક્લિસની બહુખ્યાત “ઇડિપસ ત્રિલજી”માં એન્ટિગની કહે છે, કોઈએ મારા માટે લગ્નગીત ગાયાં નથી, મારી લગ્નશૈયા કોઈએ ફૂલોથી વણી નથી, હું મૃત્યુને પરણી છું”
(“No youths have sung the marriage song for me,
My bridal bed
No maids have strewn with flowers from the lea,
‘Tis Death I wed.”)
એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. બીજો અર્થ ‘મા-બાપને લાયક’ પણ થાય છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીની હિંમત, જિદ અને પરિવાર તરફની ફરજ નિભાવવાની સમજ એને એ જમાનાના પુરુષોથી મુઠી ઊંચેરી સિદ્ધ કરે છે, એની તાકાતનો અહેસાસ કરાવે છે. એના નામના અર્થને એ સાર્થક કરે છે.
તોય આ રચનામાં એન્ટિગનીનો ઉલ્લેખ સમજણના પ્રદેશની જરા બહાર રહી જતો અનુભવાય છે. માર્કસની અન્ય એક લઘુરચના જોઈએ:
To me you were formerly a Sicilian, Antigone; but since you
have become an Aetolian, look, I have become a Mede.
“પહેલાં તું, એન્ટિગની, સિસિલિઅન (રસાળ વૈવિધ્યસભર વાનગીઓનો પ્રદેશ) હતી, પણ જ્યારથી તું ઇટોલિઅન (વિવિધ માંગણીઓ કરનાર, ભિખારી) બની ગઈ છે, હું મિડ (કંજૂસ) બની ગયો છું.”
માર્કસની અન્ય રચનાઓમાં પણ એન્ટિગની અને અન્ય નામોનો ઉલ્લેખ જોવા મળે છે એ જોતાં એમ પણ માની શકાય કે એણે આ નામ કોઈ સૂચિતાર્થ વિના પણ વાપર્યું હોય. કવિતામાં તત્કાલીન પાત્રોનો નામોલ્લેખ કદાચ એ જમાનાની કાવ્યપ્રણાલિનો જ એક અંશ પણ હોઈ શકે. હશે, કદાચ એમ પણ હોય. પણ કેટલીકવાર કવિતામાં કોઈ નામનો ઉલ્લેખ નામ સાથે જોડાયેલી અર્થચ્છાયા ઊભી કરવા પૂરતો પણ હોઈ શકે. રાણી લક્ષ્મીબાઈનું નામ લેતાંની સાથે જ આપણું ભાવવિશ્વ વીરાંગના સાથે, સ્વાભિમાન અને આઝાદીની ઉત્કટ ઝંખના સાથે સંકળાઈ જાય છે. એ જ રીતે કદાચ આ રચનામાં રતિક્રીડામાં સ્ત્રી-પુરુષ વચ્ચે સર્જાતું મૂક સાયુજ્ય એન્ટિગનીની હાજરી, સ્ત્રીની તાકાતનો અહેસાસ કરાવેછે.
પ્રસ્તુત રચના પ્રિટરિશિયો (Praeteritio)નું સ-રસ દૃષ્ટાંત છે. પ્રિટરિશિયોનું ગુજરાતી ભાષાંતર દોહ્યલું છે. મૂળ લેટિનમાં આ શબ્દનો અર્થ ‘છોડી દેવું’ થાય છે. આ એ પ્રકારનો શબ્દાલંકાર છે જેમાં કવિ જે કહેવા માંગે છે એ વાતની અવગણના કરીને, એ વાત ન કહીને ભાવકનું ધ્યાન પાછું એ વાત તરફ જ દોરે છે. એને ઓક્યુલેશિયો અથવા એપોફેસિસ કે પેરાલેપ્સિસ પણ કહે છે. આનુંય ગુજરાતી તો કપરું જ છે! પણ મુખ્ય વાત ન કહીને કહેવાની છે ને એની આ કવિતામાં ખરી મજા છે. છાતી, સ્તન, હોઠ, ત્વચા –કામકેલિ જે રીતે આગળ વધે છે એ જોતાં આગળ જનનાંગોના નામ કઈ રીતે કવિએ પ્રયોજ્યા હશે કે કામક્રીડાનું રસાળ વર્ણન કવિએ કેવું કર્યું હશે એ જોવા-જાણવાની ઉત્કંઠા કાવ્યારંભે જ તીવ્રતમ થાય પણ કવિતામાં આગળ વધતાં જ કવિ રતિક્રીડાના સાક્ષી દીવાને આગળ ધરી દઈને અચાનક મૌન સેવે છે. આ છે પ્રિટરિશિયો. દીવાનું કામ પ્રકાશ આપવાનું છે. દીવો બંને પ્રણયરત નિર્વસ્ત્ર પ્રેમીઓના શરીરને તો પ્રકાશિત કરે જ છે પણ જે ઘટના બંને વચ્ચે ઘટી ચૂકી છે કે ઘટી રહી છે એના પર પ્રકાશ ફેંકતો નથી.
એક બીજી આડવાત. શબ્દાલંકારની જ વાત નીકળી છે તો કવિતામાં અધૂરી છોડી દેવાયેલ ભાષાશૈલી – પોલિપ્ટોટન (polyptoton)ને પણ સમજી લઈએ. (આ પોલિપ્ટોટનનું ગુજરાતીકરણ પણ કેમ કરવું?) એક જ મૂળમાંથી જન્મેલા શબ્દોને જોડાજોડ પ્રયોજવાના કવિકર્મને પોલિપ્ટોટન કહે છે. દા.ત.રિચર્ડ બીજો નાટકમાં શેક્સપિઅર કહે છે, With eager feeding, food doth choke the feeder. (આગ્રહપૂર્વક ખવડાવવામાં આવતાં, ખોરાક ખાનારને ગૂંગળાવી શકે છે.) પ્રસ્તુત રચનામાં કવિ છાતી, સ્તન, હોઠ અને ચામડી – એમ વારાફરતી સ્ત્રી અને પુરુષના અંગોની વાત કરે છે. પોલિપ્ટોટન આગળ વધે તો હવે સ્ત્રી અને પુરુષના જનનાંગોના નામ કવિતામાં આવે પણ ત્યાં કવિ વાત અધૂરી મૂકી દે છે… અને કવિતા વધુ રસપ્રદ બને છે.
સાવ એક લીટી જેવડી નાનકડી કવિતા, પરંતુ જેમ કામકેલિની ચરમસીમા પણ ક્ષણિક છતાં પ્રબળ હોય છે એમ જ ટચૂકડી છતાં તાકતવર. છાતી છાતીની સાથે જકડાયેલી છે એમ કહી દીધા પછી સ્તનની વાત કરે છે… બંને અલગ ? કે પછી વર્તુળના પરિઘ પરથી કેન્દ્ર તરફની ગતિ અહીં ઈંગિત થાય છે? પ્રગાઢ ચુંબન
પછી નાયક એન્ટિગનીને વચ્ચે કશું જ ન રહે એમ જાતસરસી જકડી લે છે. अब हवा भी नहीं, तेरे मेरे दरमियां।
ચસોચસતા હો એવી કે હવાની આવજા દુષ્કર બને,
સતત એવા અને એથી પ્રબલ આલિંગનોને શોધું છું.
– અને આ તીવ્રાનુભૂતિ પર આવીને નાયક મૌન થઈ જાય છે… પ્રેમ આગળ વધે છે પણ પ્રેમની કથા અટકી જાય છે. દીવો મૂંગો સાક્ષી બની રહે છે. દીવાનું તો કામ જ પ્રકાશ નાખવાનું છે પણ આ આખી ઘટનાના સાક્ષી હોવા છતાંય દીવો ઘટનાને અંધારામાં રાખે છે. આ પેરાડોક્સ એક લીટીની સામાન્ય સંભોગોક્તિને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.
પ્રણયની તીવ્રતમ અનુભૂતિ કાવ્યનો આત્મા છે. વાત તો શારીરિક પ્રેમની જ છે પણ એકબીજામાં ઓગળી જવાની પરાકાષ્ઠા, પ્રિયજનની ત્વચાને પોતાની બનાવી લેવાની ઉત્કંઠા દૈહિક આવેશમાં કવિતાનો પ્રાણ પૂરે છે. પ્રગાઢ આલિંગન, ચુંબન અને સંભોગથી કવિતા ખુલે છે અને મૌનમાં સમેટાય છે. પ્રણયની ચરમસીમાએ શરીર અને શબ્દો – બંને ઓગળી જાય છે. મીણ ઓગળે કે દિવેટ બળે બળે ત્યારે જ અંધકારને મારી હટાવતો પ્રકાશ રેલાય છે. આપણી જાત, આપણી એષણાઓ બળી જાય ત્યારે જ પ્રેમનો શાશ્વત પ્રકાશ રેલાય છે. શબ્દો સળગીને ઓગળી જાય એ ઘડી દ્વૈતમાંથી અદ્વૈત તરફની ગતિની, ચિર સાયુજ્યની પરમ ઘડી છે. ઓશો પણ સંભોગથી સમાધિની વાત કરે છે. સેક્સની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સહુથી નજીક હોય છે.
આજ કવિતાના અલગ-અલગ અંગ્રેજી અનુવાદ થયા છે જેમાંના એકનું ભાષાંતર કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીને’ પણ કર્યું છે, એ પણ જોઈએ:
એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.
મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.
આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.



