She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.
A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!
– William Wordsworth
તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક કુમારિકા જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.
શેવાળિયા પથ્થર પાસેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !
-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)
સ્વની એકલતાનું કરુણપ્રશસ્તિ કાવ્ય
ઇન્ગ્લેન્ડના વાયવ્ય ખૂણામાં આવેલા અતિસુંદર લેક ડિસ્ટ્રિક્ટની મુલાકાત ‘લેક પોએટ્સ’ની જાણકારી વિના અધૂરી છે એ જ રીતે વિલિયમ વર્ડ્સવર્થ, સેમ્યુઅલ ટેલર કોલરિજ, તથા રોબર્ટ સાઉધી જેવા લેક પોએટ્સની કવિતાનું સાચું સૌંદર્ય લેક ડિસ્ટ્રિક્ટની જાણકારી વિના પૂરું માણી નહીં શકાય. એક તરફ આ પ્રદેશે આ અને અન્ય કવિઓની રચનાઓને અનવરત પ્રેરણા પૂરી પાડી તો બીજીતરફ આ કવિઓની રચનાઓમાં પ્રાદેશિક સૌંદર્ય કાબેલ ફોટોગ્રાફરે ખેંચેલા ઉત્તમ ફોટોગ્રાફ્સની જેમ ડગલે ને પગલે ઉજાગર થયું છે.
વર્ડ્સવર્થને ઇન્ગ્લેન્ડના શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખનાર લોકોનો તોટો નહીં જડે. કોલરિજની સાથે ભાગીદારીમાં પ્રગટ કરેલ ‘લિરિકલ બેલડ્સ’થી અંગ્રેજી સાહિત્યમાં સુપ્રસિદ્ધ ‘રૉમેન્ટિક’ ક્રાંતિ અને યુગના શ્રીગણેશ થયા. બાળપણમાં જ અનાથાવસ્થા અને ગરીબીનો શિકાર વર્ડ્સવર્થ કાકાઓની મદદથી કેમ્બ્રિજમાં ભણ્યા. બહેન ડોરોથી આજીવન પડછાયાની પેઠે એમની સાથે જ રહી. બહેન અને પત્નીનો વર્ડ્સવર્થના જીવનમાં બહુ મોટો ફાળો રહ્યો. કવિને ફર-વા હતો એટલે જિંદગીભર મુસાફરી કરતા રહ્યા. કોલરિજની સાથે દોસ્તી રોજ સાથે ચાલવા જવાનું નિમિત્ત બની અને આ ‘વૉક’ની જ ફળશ્રુતિ એ લિરિકલ બેલડ્સ. જિંદગીના આખરી દસકામાં એમને રાજકવિનું સન્માન પણ મળ્યું. પોતાના ભારીખમ્મ ઇગો સાથે જીવનાર સર્જક તો તો ઘણા જોવા મળશે પણ પોતાના વજનદાર ઇગોને જીરવનાર જમાનો પણ જીવતેજીવત પામે એવા સર્જક તો જૂજ જ. જનાબ આવા ‘રેરેસ્ટ’માં સ્થાન પામે છે.
કવિતા વિશેની એમની બહુખ્યાત વ્યાખ્યા, ‘કવિતા બળવત્તર સંવેદનાઓનો સ્વયંસ્ફૂર્ત ઉભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર કરેલ લાગણીમાંથી જન્મે છે’ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. કવિતા વિશેની એમની ‘તીવ્ર’ માન્યતા હતી કે કવિતાનો વિષય ગ્રામ્યજીવનમાંથી જ પસંદ કરેલો હોવો જોઈએ કેમકે હૃદયના આવશ્યક આવેગ એ જ જમીનમાં પુખ્તતા પામી શકે છે અને કવિતાની ભાષા પણ રોજિંદા જીવનની જ હોવી જોઈએ અને ગદ્ય અને છાંદસ ભાષા વચ્ચે કોઈ જ તફાવત હોવો ન જોઈએ. કવિ ઘણે અંશે આ માન્યતાને જડની જેમ વળગી પણ રહ્યા હતા પણ એમના જ અંગતતમ મિત્ર કોલરિજે આ બાબતમાં જાહેરમાં એમના છોતરાં ફાડ્યાં હતાં. ગમે તે હોય પણ કવિતાની સાદગી અને સૌંદર્યની બાબતમાં વર્ડ્સવર્થને ભાગ્યે જ કોઈ અતિક્રમી શકે. એ રીતે જોતાં એમનું નામ વર્ડ્સવર્થ -શબ્દો જેમને લાયક છે- યથાર્થ છે.
વર્ડ્સવર્થ લિરિકલ પોએટ્રીના માસ્ટર છે. લિરિકલ-પોએટ્રી યાને કે ઊર્મિકાવ્ય કે ભાવગીત નામ પ્રમાણે જ ઊર્મિપ્રધાન-ભાવપ્રધાન હોય છે, વિચારપ્રધાન નહીં. આ કવિતાઓ જ્યારે તમારી અંદરથી પસાર થાય છે ત્યારે દિલને પહેલાં સ્પર્શે છે, મગજને પછીથી અથવા બિલકુલ જ નહીં. ઈકબાલનો એક શેર યાદ આવે:
अच्छा है दिल के पास रहे पासबान-ए-अक़्ल,
लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे।
(અક્કલનો પહેરેદાર દિલની પાસે રહે એ સારું છે પણ ક્યારેક ક્યારેક એને(દિલને) એકલું પણ છોડી દેવું જોઈએ)
ઊર્મિકાવ્ય વાંચતી-સાંભળતી વખતે તમારી અંદર સંવેદનાના તાર ઝંકૃત થાય એ જ એની ખરી સફળતા. લાગણીના ઘાસની ગંજીમાંથી અર્થની સોય શોધવા બેસવાનું કામ કરે એ વિવેચક ખરા અર્થમાં તો બબૂચક જ ગણાય. A poem has to be not meanવાળી વાત આવી રચનાઓ માટે જ કહેવાઈ હશે. અહીં પ્રસ્તુત રચના પણ સીધી દિલને જ સ્પર્શી જાય છે. મૂળ અંગ્રેજી કવિતા શોકગીત (Elegy) અને લોકગીત (Ballad)– બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. શોકગીત તોકેમ છે એ દેખીતું જ છે. અંગ્રેજીમાં લોકગીતમાં સામાન્યતઃ વપરાતો છંદ આયમ્બિક જેમાં વારાફરતી ટેટ્રામીટર અને ટ્રાઇમીટર પ્રયોજવામાં આવે છે એ અહીં વપરાયો છે અને લોકગીતની બીજી લાક્ષણિકતા મુજબ કવિતામાં કથા પણ વણી લેવામાં આવી છે.
વિશ્વ સાહિત્યમાં કાલ્પનિક કે મનગમતી પણ હાથવગી ન થઈ શકે એવી સ્ત્રીને સંબોધીને કવિતાઓ લખવાનો ચીલો નવો નથી. છેક ચૌદમી સદીમાં ઇટાલીના પેટ્રાર્કે (જેને દુનિયા આજે સૉનેટ કાવ્યસ્વરૂપના પિતા ગણે છે) લૉરા ડિ નોવ્સ નામની સ્ત્રી માટે સૉનેટ્સ લખ્યા. જેના પરિપાકરૂપે આવનારી સદીઓ સુધી આવા કૃત્રિમ પ્રણયકાવ્યો લખવાની પ્રણાલિકા સ્થાપિત થઈ જે ‘પેટ્રાર્કન કન્વેન્શન’ તરીકે ઓળખાયું. દાન્તે જેવા દિગ્ગજ કવિએ પણ બિટ્રિસ પોર્ટિનારી માટે આવ પ્રણયકાવ્યો લખ્યા. શેક્સપિઅરના સૉનેટ્સમાં કોઈક પુરુષપાત્ર માટેનું સમલૈંગિક આકર્ષણ સદાકાળ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, ખલીલ ધનતેજવીની ‘અનિતા’ એમઅંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’…! લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતીકે કાલ્પનિક, એ આજે પણ કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ વિશદ ચર્ચા જગાવી છે. એમની એક કવિતા ‘લ્યુસી ગ્રે’નો ઉત્તમ ભાવાનુવાદ ‘મીઠી માથે ભાત’ કવિતામાં શ્રી વિઠ્ઠલરાય આવસત્થીએ કર્યો છે.
ઓગણીસમી સદીના ઇંગ્લેન્ડમાં રોમાન્સ, રોમેન્ટિક, રોમાન્ટિસિઝમનો અર્થ આજે આપણે જે પ્રેમ સંબંધી અર્થ તારવીએ છીએ એ નહોતો. રોમાન્સ શબ્દ ‘રોમન’ પરથી ઊતરી આવ્યો હતો. એ સમયે રોમાન્સ એટલે વ્યક્તિગત હીરોગીરી આધારિત મધ્યયુગીન રાજવી પરાક્રમોની વાર્તા કે ગીતગાથા. એના પરથી પ્રવર્તમાન ‘ક્લાસિકલ’ પ્રવાહની વિરુદ્ધ વ્યક્તિગત લાગણીઓનો જે ઊભરો અને પ્રકૃતિના નાનવિધ સ્વરૂપોની આરાધના કરતો જે કળાપ્રવાહ ઊભરી આવ્યો એ રોમાન્ટિસિઝમ કહેવાયો અને વર્ડ્સવર્થ એનો મુખ્ય પ્રણેતા ગણાય છે. વર્ડ્સવર્થની આ કવિતા રોમેન્ટિક યુગનો આયનો છે. વિષય અને કાવ્યપદ્ધતિ –બંને રીતે આ રચના રોમાન્ટિસિઝમના લક્ષણ ધરાવે છે. સીધી-સરળ ભાષા, સહજ અભિવ્યક્તિ, અંગત લાગણીની અભિવ્યક્તિ, ગ્રામ્યજીવન અને કુદરતનું મહત્ત્વ, પારંપારિક પૌરાણિક પાત્રોની ગેરહાજરી અને લાઘવ- રોમાન્ટિસિઝમની આ તમામ કસોટી પર આ કાવ્ય ખરું ઉતરે છે.
જિંદગી જેમને ધ્યાનમાં નથી લેતી કે કદર નથી કરતી એ તમામ લોકો માટે કદાચ કવિનું આ કલ્પાંત છે. એવા તારાઓ જે એકલા જ પ્રકાશે છે, મુસાફરી કરે છે અને બળીને અંતે ખતમ થઈ જાય છે. શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય! બીજી રીતે જોઈએ તો આ કવિતા કદાચ લ્યુસીની ઓછી છે અને કવિની વધારે છે. કદાચ લ્યુસીની જિંદગી અને મોત કરતાં પણ કવિની સંવેદનશીલતાનું અહીં વધુ મહત્ત્વ હોય એમ પણ અનુભવાય. એક લગભગ ગુમનામ કુમારિકા જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? જેને દુનિયા કદી યાદ નથી કરવાની એવી બેનામ વ્યક્તિ તરફની પોતાની લાગણી બતાવીને કવિ કદાચ પોતાના વિશે જ કવિતા કરતા હોય એવું પણ લાગે.
કવિતાનું શીર્ષક પણ સૂચક છે. વણકચડાયેલા રસ્તાઓ માત્ર જંગલના નથી, લ્યુસીના વ્યક્તિત્વના પણ છે, મનોજગતના પણ છે અને અબોટ સેક્સ્યુઆલિટિના પણ છે. લ્યુસીના દિલ સુધી, મન સુધી, શરીર સુધી કદાચ કોઈ પહોંચી શક્યું નહોતું. ઝરણાં શબ્દ સાથે જ આપણાં માનસપટ પર સ્વચ્છ, તાજું, શીતળતાદેય, વહેતું પાણી તરવરી આવે. એક કુંવારિકાની તાજપ, અક્ષુણ્ણતા અને ચંચળતા- આ બધું કવિ એક જ વિશેષણમાં રજૂ કરી દે છે. આ શબ્દની તાકાત છે અને વર્ડ્સવર્થ જેવાને એ હસ્તગત છે. પથ્થર લાંબો સમય ઝરણાં પાસે પડી રહે એટલે સમય એના પર શેવાળ બનીને ફરી વળે. પથ્થર પાછળથી ઊગી આવતું પણ પથ્થરના કારણે અડધું જ નજરે ચડતું અર્ધનિમીલિત આંખ જેવું જાંબુડી ફૂલ ઘણું કહી જાય છે. તકલીફો પછીતેથીય ઉપસી આવતું પણ વણપ્રીછ્યું જ રહી ગયેલું લ્યુસીનું વ્યક્તિત્વ અને એની સુંદરતા- બંને અહીં છતા થયા છે.
લ્યુસીનું સૌંદર્ય એકલપંડા તારા જેવું છે. આકાશમાં ઘોર અંધારા વાદળો વચ્ચે ક્યારેક એક જ શુભ્ર પ્રકાશિત તારો દૃષ્ટિગોચર થતો હોય એમ અવાવરુ જંગલમાં ઝરણાકાંઠે લીલબાઝ્યા પથ્થર પાછળ ખીલેલા એકાકી રંગીન પુષ્પ જેવી એ શોભાયમાન છે… પણ એને વખાણનારું ને કદાચ ચાહનારું પણ કોઈ એને મળ્યું નહીં. સરનામાં વિનાની ટપાલ જેવી ઓળખાણરહિત જિંદગી એ જીવી ગઈ અને કદાચ એ હવે નથી રહી એની પણ બહુ લોકોને ખબર નહીં હોય. (એ કબરમાં છે એટલે કોઈકને તો ખબર છે જ!)
આગળ કહ્યું એમ વર્ડ્સવર્થ જીવનભર પોતાના અહમનો ભાર ઊંચકીને ચાલ્યા. આ કવિતામાં પણ એક તરફ લ્યુસી જેવી બિલકુલ અણજાણ કુમારિકા પરત્વે કવિની દરકાર નજરે ચડે છે તો બીજી તરફ, આવી સાવ અજાણી છોકરીનું પણ આવું ઊંડું ધ્યાન રાખનારની તીવ્ર ઊર્મિશીલતા અને સ્નેહભાવ ભાવક સામે ઉજાગર કરવાની આત્મશ્લાઘાપૂર્ણ પ્રયુક્તિ પણ નજરે ચડે. ટૂંકમાં, આ ગીત ક્દાચ એકલી લ્યુસીની જ નહીં, કવિની પોતાની એકલતા અને ખોટનું કરુણપ્રશસ્તિ કાવ્ય છે.
યુવાન વયે નીરખેલો અને સ્મ્રુતિ પટ માં થી વિસરાયેલો ચહેરો જો જીવનના પાછલા વર્ષોમાં એકાએક
યાદ આવી જાય અને જે લાગણી થાય તેવુ આ કાવ્ય વાંચી સમજાયુ. સાહિત્ય નો ઊંડો અભ્યાસ નથી
પણ લેખક ની લાગણીઓ સમજી શકાય છે.
વીવેકભાઈએ ખુબ સારી રીતે સમજાવી ને કવિની લાગણીઓ જાણી શકાઈ.
આભાર
નવિન કાટવાળા
ખૂબ ખૂબ આભાર…
Your comprehension of the poem is excellent.Let me add here name of MRUNAL(Marnottar) of Sursh Joshi in the list of Soanal/Lila/Anita.Thanks.
વાહ… ફરીથી આભાર…
The couplet quoted is written by Allama Ikbal and not by Galib.
ખૂબ ખૂબ આભાર, કરીમભાઈ… આપની વાત સાચી છે, પણ કોલેજકાળથી જ આ શેર ગાલિબનો હોવાનું મનમાં ઠસી ગયું હતું. સુધારી લઉં છું… આભાર…
પોતાની એકલતા અને ખોટનું કરુણપ્રશસ્તિ કાવ્ય છે. Tru…
આભાર,…
વિવેક ભાઈ,
એક મીત્રે તમારું આ ભાષાંતર અને વિવેચન મને ફોરવર્ડ કર્યાં.
મારો વર્ડ્ઝવર્થનો પરિચય નહીંવત છે.
એ ઉપરાંત મારી કાવ્ય સમજ અને સંવેદના(sensitivity) પણ બહુ મર્યાદીત છે.
આને કારણે મને આ કાવ્ય બહુ સરસ છે એવું મારી મેળે વાંચતાં ન લાગ્યું હોત.
મને ખ્યાલ નથી અને કુતુહલ છે કે
તમારો આ રચના માટેનો પ્રતિભાવ
કેટલે અંશે તમારી અંગત, નીજી સમજ/ સંવેદનને ધારીત છે
અને કેટલે અંશે
તમારા આ કવીના અને ખાસ તો લ્યુસી કાવ્યના પ્રગટ વીપુલ વિવેચનને આધારીત છે?
તમારું લખેલું વિવેચન અને તમે કરાવેલો લ્યુસીનો આસ્વાદ સરસ છે અને એ વાંચવાની મજા પણ આવી. સાથે ઉપર લખેલ વિચારો પણ આવ્યા.
વિવેચન વાંચ્યા પછી પણ મને એ કાવ્યની ગહનતાની કે કવિની સંવેદનશીલતાના ઊંડાણની પ્રતિતી ન થઈ એ મારી કમનસીબી છે.
કાવ્ય મને બનાવટી, એટલે કે આર્ટીફીસીયલ લાગે છે.
બધું ટેબલ ઊપરના ફ્લાવરવાઝ જેમ વ્યવસ્થીત ગોઠવેલું લાગ્યુ.
લ્યુસી આસપાસનું એકલતાનું વાતાવરણ થીયેટરના જંગલના સેટના રંગીન પડદા જેવું લાગ્યું.
છેલ્લે કબરનો ઉલ્લેખ ન હોત તો મને લ્યીસી સ્ત્રી જ હશે એમ ખાત્રી ન થાત. બીજું કોઈ તો ત્યાં હતું નહીં એટલે લાગે કે કવિએજ એને દફનાવી હોય! કવિ કરતાં (ઘણી?) નાની પણ હોવાની સંભાવના ખરી. મ્રૃત્યુના કારણની વાત નથી એટલે એ એક મીસ્ટરી બને છે. એ મીસ્ટરીના અનુસંધાનમાં કાવ્યના છેલ્લા વાક્યની સૂચકતા ઘેરી બને છે!
આ બધું મારી કાવ્ય સમજવાની અશક્તી દેખાડે છે તો પણ એક વધારે વાત કહેવાનું મન થાય કે …
આ કાવ્ય એટલું ઈંગલીશ લાગે કે મારા જેવા અનઅધિક્રૃતોએ એમાં ટ્રેસપાસ ન કરવું જોઈએ!
વિવેક ભાઈ, આવું મનમાં આવે એવું કોઈ લખે નહીં અને આટલું લાંબું લખવાનો પણ રીવાજ નથી. પણ માનું છું કે તમને આવો
આવો વિગતવાર પ્રતિભાવ સમય કાઢીને આજકાલ કોણ આપે જ છે? એટલે સૌથી પહેલાં તો તમે આ કાવ્ય આટલું ધ્યાનથી વાંચ્યું, એના અંગે વિચાર્યું અને આમ સવિસ્તાર પ્રતિભાવ આપ્યો એટલે તમારો દિલથી આભાર માની લઉં… કવિતાનું સૌથી વધુ વિસ્મયકારક પાસું એ છે કે જેટલા માણસ એ વાંચે એ દરેક એનો અર્થ અલગ કાઢી શકે અને એક જ માણસ એક જ કવિતા અલગ અલગ મૂડમાં અલગ-અલગ અર્થમાં માણી શકે…
એક શેર યાદ આવે છે:
ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.
તમને જે મિસ્ટરી લાગી અને કાવ્યાંતે સૂચકતા ઘેરી થતી લાગી એ જ આ કવિતાનું સાચું સાફલ્ય.
ઉપર જે મેં લખ્યું જ છે એમાંથી બે અવતરણ ફરી એકવાર ટાંકીને આભાર સહ વાત પૂરી કરું.
“ઊર્મિકાવ્ય વાંચતી-સાંભળતી વખતે તમારી અંદર સંવેદનાના તાર ઝંકૃત થાય એ જ એની ખરી સફળતા. લાગણીના ઘાસની ગંજીમાંથી અર્થની સોય શોધવા બેસવાનું કામ કરે એ વિવેચક ખરા અર્થમાં તો બબૂચક જ ગણાય. A poem has to be not meanવાળી વાત આવી રચનાઓ માટે જ કહેવાઈ હશે. અહીં પ્રસ્તુત રચના પણ સીધી દિલને જ સ્પર્શી જાય છે.”
“આગળ કહ્યું એમ વર્ડ્સવર્થ જીવનભર પોતાના અહમનો ભાર ઊંચકીને ચાલ્યા. આ કવિતામાં પણ એક તરફ લ્યુસી જેવી બિલકુલ અણજાણ કુમારિકા પરત્વે કવિની દરકાર નજરે ચડે છે તો બીજી તરફ, આવી સાવ અજાણી છોકરીનું પણ આવું ઊંડું ધ્યાન રાખનારની તીવ્ર ઊર્મિશીલતા અને સ્નેહભાવ ભાવક સામે ઉજાગર કરવાની આત્મશ્લાઘાપૂર્ણ પ્રયુક્તિ પણ નજરે ચડે. ટૂંકમાં, આ ગીત ક્દાચ એકલી લ્યુસીની જ નહીં, કવિની પોતાની એકલતા અને ખોટનું કરુણપ્રશસ્તિ કાવ્ય છે.”
-આભાર.
સરસ વિવરન!
આભાર…
વર્ડસ વર્થ ‘ શબ્દોની કિંમત. જે શબ્દોને જાણી શકે અને તેનો યથોચિત ઉપયોગ કરી શકે તે ‘ વર્ડસ વર્થ.’
કાવ્ય તો વાંચ્યું, ગમ્યું પરન્તુ તેના રસદર્શનનું આકંઠ પાન કર્યું. ઉનાળાની ગરમીમાં શિતળ જળમાં જેવી શીતળતા પ્રાપ્ત થાય તેવી શ્રી મનહરભાઈના રસદર્શનમાં તરબોળ થઈ અનુભવી.
કવિ ‘વર્ડસ વર્થ.’ ને માટે તો શબ્દ શોધવાની પળોજણમાં પડવા કરતા તેમનું નું તો નામ જ યથાર્થ છે. મનહરભાઈએ તો તેમના શબ્દોની યથાર્થતા સમજાવી. શીર્ષક સ્વ. શ્રી મેઘાણીભાઈની રચના ‘ કોઈનો લાડકવાયો ‘યાદ કરવી ગયું ‘ છેવાડો ને એકલવાયો અબોલ એક સુતેલો ‘
ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)
Sent from Yahoo Mail for iPad
આપનો ખૂબ ખૂબ આભાર…
મનહરભાઈ મારા પિતાનું નામ છે…
શ્રી વિવેકભાઈ, ક્ષમા ચાહુ છું.મારી ભૂલ પ્રત્યે ધ્યાન દોરવા માટે આપનો આભારી છું.
ઉમાકાન્ત વિ.મહેતા.
ફક્ત આપનું ધ્યાન દોરવા બદલ જ, મિત્ર…
મજાના રચનાત્મક પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર…
Very nice…
Both translation and description…
Long live Vivekjee ….
Nayana-Jeetu
આપનો દિલથી આભાર…
…કવિતાનું શીર્ષક પણ સૂચક છે. વણકચડાયેલા રસ્તાઓ માત્ર જંગલના નથી, લ્યુસીના વ્યક્તિત્વના પણ છે, મનોજગતના પણ છે…સુંદર!
untrodden ways = અજાણ્યા રસ્તા.
Hum me hi thi na koi baat yaad na tumko aa sake
tumne hume bhula diya hum na tumhe bhula sake
Enjoyed!
ખૂબ ખૂબ આભાર
વીવરણ ગમ્યું ખુબ સરસ છે. આખું ન વાંચ્યું હોટ તો ઘણું ઘુમાવવું પડત સાથે જ આપણા રવીન્દ્રનાથ પણ નામહીં ગોત્રહીન ફૂલને ઉદ્ઘોષતા મળ્યા। આભાર
આભાર… રવીન્દ્રનાથવાળી વાત બરાબર સમજાઈ નહીં…