ગ્લૉબલ કવિતા: केनू संग खेलू होली – મીરાંબાઈ

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– मीरांबाई

કોની સંગ રમવી રે હોળી?
ગયા પિયા મને એકલી છોડી.

બાંધી ગળામાં તારી કંઠી,
છોડ્યા સઘળાં માણેક-મોતી,
મહેલ, ભોજન સહુ લાગે અકારાં,
થઈ એકલી હું પિયાને કાજ, ભોળી.
મને દૂર કેમ તરછોડી?

મુજ સંગ પ્રીત કરી ક્યમ પહેલાં?
હવે બીજાની સાથે ક્યમ જોડી?
કેટલા દિવસ થયા, હજીય ન આવ્યા,
થઈ રહી તાલાવેલી,
કેમ દિલમાં આવી હેલી?

શ્યામ વિના આ જીવ મુરઝાતો,
જળ વિણ વેલ શું મહોરી?
મીરાંને પ્રભુ દર્શન આપો,
દાસી જનમ જનમની, હો રી !
દરસ વિના દુઃખિયારી તોરી.

-મીરાંબાઈ
(અનુ. વિવેક મનહર ટેલર)

હોલી કે દિન દિલ ખિલ જાતે હૈં…

પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોત્કૃષ્ટ શિખર છે મીરાં. મીરાંની ભક્તિનું પાનું કાઢી લો તો કૃષ્ણની કિતાબ અધૂરી લાગે. ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’, ‘હે રી મૈં તો પ્રેમદિવાની’, ‘મુખડાની માયા લાગી રે’, ‘ગોવિંદો પ્રાણ અમારો રે’, ‘શામળો ઘરેણું મારે સાચું રે’, ‘લાગી કટારી પ્રેમની’ – મીરાંબાઈની કેફિયતના પાનાં ફેરવતાં જઈએ તેમ તેમ કૃષ્ણ વધારે પોતીકા લાગતા જાય એવી સાચી પ્રેમલગન લઈને જન્મેલી મીરાં બહુ દૂરના ભૂતકાળમાં ન થઈ હોવા છતાંય એના જીવનકાળ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. મેડતાના ઠાકોર વીર દૂદાજી રાઠોડના પુત્ર રત્નસિંહને ત્યાં ઈ.સ. ૧૫૦૨–૦૩માં એમનો જન્મ. મુખમુદ્રા તેજસ્વી હોવાના કારણે એમનું નામકરણ મિહિરાંબાઈ (મિહિર=સૂર્ય) થયું, ને એમાંથી મીરાંબાઈ. ચિત્તોડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે બાળલગ્ન અને થોડા જ સમયમાં વૈધવ્ય. ભોજરાજના નાના ભાઈ વિક્રમાદિત્યથી થાકીને મીરાંએ મેવાડ છોડ્યું. બાળપણમાં જ એક સાધુ પાસે મળેલી કૃષ્ણની મૂર્તિ સાથે મીરાંએ સ્વયંવર રચી લીધો હતો. કૃષ્ણભક્તિ અને સાધુસંગના પરિગ્રહણના કારણે રાજરાણી મીરાંને મબલખ દુઃખો મળ્યાં જે એણે પ્રહલાદની નિસ્પૃહતા અને ધ્રુવની અવિચળતાથી સહી લીધાં. શંકરની પેઠે વિષનો પ્યાલો ગટગટાવીને, બાળવિધવા મીરાંએ કૃષ્ણને જ પતિ સ્વીકારીને આત્મલક્ષી રીતિમાં ઉત્તમ એવાં ભક્તિશૃંગારનું અમૃત આપ્યું.મીરાં એટલે મધ્યકાલીન ભક્તિયુગનાં ઉત્તમ કવયિત્રી.

રજનીશ કહે છે, ‘મીરાં તીર્થંકર છે. મીરાં સ્વયં ભક્તિ છે. એનું શાસ્ત્ર પ્રેમનું શાસ્ત્ર છે. એના શબ્દ તમને ડૂબતા બચાવી શકશે.’ સુરેશ દલાલ મીરાંને ‘એક સ્ત્રીનું આધ્યાત્મિક આંદોલન’ કહે છે. કહે છે, ‘મીરાંને ઇતિહાસ એટલે ભૂતકાળના નક્શા પર રાણી થઈને નહોતું રહેવું. એટલે પરમેશ્વરની પટરાણી થઈ, કાળથી પર અને પાર શ્રીકૃષ્ણ સાથે સનાતન નાતો બાંધીને એ અખંડ વરને વરી.’ નિરંજન ભગત કહે છે, ‘મીરાં કોઈની ન હતી અને સૌની હતી. મીરાંનો પરમેશ્વર પંથમાં નથી, ને ગ્રંથમાં નથી. મીરાં એટલે હૃદય, માનવહૃદય.’ મીરાંની કવિતાઓ સીધી દિલમાંથી ઉતરી આવી છે, પરિણામે સીધી દિલમાં ઉતરી જાય છે. મીરાંના શબ્દોમાં પ્રેમસગાઈ છે, આછકલાઈ નથી. વિપ્રયોગ શૃંગાર તો ઠીક, સંભોગશૃંગાર પણ મીરાંના ચરણે આવીને નિર્દોષ બની જાય છે.

કૃષ્ણના રંગે નખશિખ રંગાયેલી મીરાંના અનેકવિધ પદોમાં હોળીનાં પદ પણ નોંધપાત્ર છે. આપણે ત્યાં આમેય હોળી-ધૂળેટીનો મહિમા જ અલગ છે. હિરણ્યકશ્યપુ, નૃસિંહ, પ્રહલાદ અને હોલિકાદહન વિશે આપણે સૌ જાણીએ જ છીએ. એમ પણ કહે છે કે ફાગણી પૂનમના આ દિવસે જ બાળકૃષ્ણે પૂતનાનો પણ વધ કર્યો હતો. આમ, અસુરી તત્ત્વો પર, આપણી ઇન્દ્રિયો પર વિજયનું પર્વ એટલે હોળી. હોળી વાસનાદહનનો તો ધૂળેટી રંગોનો તહેવાર છે. આ રંગ એ આપણા અરમાનોના, સપનાંઓના, સંબંધોમાં આપણે ઉમેરવા ઇચ્છેલા રંગ છે. આ રંગ આપણા ચહેરાઓને જ નહીં, મનભેદ-મતભેદને પણ ઢાંકી દે છે. એટલે જ दुश्मन भी गले मिल जाते हैं। આ રંગ આપણા લોહીમાં સદીઓથી દોડી રહ્યા છે. ‘होली के बहाने तू छेड ना मुझे बेशरम’ ગાનારા પણ ઇચ્છે તો એમ જ છે કે છેડતીના બહાને, રંગવાના ઓથા હેઠળ દિલથી દિલના તાર અડી જાય.

ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે. (વિવેક ટેલર)

મીરાં પણ સાંગોપાંગ અઢી અક્ષરથી રંગાયેલી છે. પ્રેમની ફાકામસ્તી મીરાં સમજે છે. કહે છે, ‘जाने क्या पिलाया तूने, बडा मज़ा आया। झूम उठी रे मैं मस्तानी दीवानी।’ બીજા એક પદમાં પણ મીરાં આવી જ વાત કરે છે: ‘મોહન ભાંગ પીલાઈ, કદમ નીચે મોહન ભાંગ પીલાઈ’ જીવનની ક્ષણભંગુરતાથી મીરાં પરિચિત છે. કહે છે, ‘फ़ागुन के दिन चार रे, होली खेल मना रे…’ પણ આજે પરિસ્થિતિ સાનુકૂળ નથી. પ્રિયતમ છોડીને ચાલ્યો ગયો છે અને હોળી તો આ માથે આવી ઊભી! હવે રમવું કોની સાથે? જિંદગીના રંગોના મેળામાં એકલતાથી વધુ ફિક્કો અવર કયો રંગ હોઈ શકે? એક પદમાં મીરાં કહે છે:

હોલી પિય બિન લાગૈ ખારી, સુનો રી સખી મેરી પ્યારી!
ગિણતા ગિણતા ઘિસ ગઈ રેખા, આઁગરિયાઁ કી સારી!
અજહૂઁ નહિં આયે મુરારી!

ગણતાં ગણતાં આંગળીના વેઢા ઘસાઈ ગયા પણ મોરારી હજુ આવ્યા નહીં. પ્રતીક્ષાની આવી પરાકાષ્ઠા તો જેણે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’-એની પાસે જ મળી શકે. મીરાંએ એરકન્ડિશન્ડ ઑફિસમાં બેસીને કવિતા નહોતી કરી. એણે રાજમહેલ છોડ્યો હતો, એટલે કૃષ્ણનાં પદ એને આવી મળ્યાં. માણેક-મોતી, મહેલનાં ભાવતાં ભોજન આ બધું ત્યજીને મીરાંએ શ્રીકૃષ્ણની કંઠી બાંધી છે. પ્રેમભક્તિની રાહમાં એકલી થઈ ગયેલી મીરાં તારસ્વરે ફરિયાદ કરે છે, મને કેમ તરછોડી?

કેસૂડાના અંગાંગમાં ફાગણનો ફાગ આગ લગાડતો હોય એવી કેસરિયાળી મોસમના સરનામે મળી આવતું કોકિલના પંચમ સૂરનું સ્વરનામું એટલે વસંત. વસંત કામદેવની ઋતુ છે. હોળી વસંતનો ઉત્સવ છે. મીરાં કહે છે:

અબીલ ગુલાલકી ધુમ મચાઈ, ડારત પિચકારી રંગ,
લાલ ભયો વૃંદાવન જમુના, કેસર ચુવત અનંગ.

આખેઆખું વૃંદાવન અને યમુનાના જળ લાલઘૂમ બની જાય, કામ ટપકતો હોય એવી અબીલગુલાલની ધૂમ એટલે હોળી.

હની હો ચૂવા ચંદન ઘોળિયાં, કેસર ચંદન છીરકત ગોરી હો,
હની વનરા તે વનની કુંજગલનમાં, રાધા મોહન ખેલે હોળી હો.
(અગરના વૃક્ષનો અર્ક ઘોળ્યો છે, ને સુંદરી ચંદન છાંટે છે, આમ વનરાવનની કુંજગલીમાં રાધા-મોહન હોળી રમે છે)

વળી બીજા પદમાં પણ એ આવો જ ભાવ વ્યક્ત કરે છે:

ચાલો, સખી! વનરાવન જઇયે, મોહન ખેલે હોળી,
સરખી સમાણી તેવતેવડી મળી છે ભમર-ભોળી.
ચૂવા ચંદન ઓર અરગજા ગુલાલ લિયે ભર ઝોળી,
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મળી ભાવતી ટોળી.

(ચાલો સખી, વનમાં જઈએ. શ્રીકૃષ્ણ હોળી રમે છે. બધી (સખીઓ) સરખી જ ભલી-ભોળી મળી છે. ઝોળી ભરીને અગર, ચંદન અને પીળો સુગંધી ગુલાલ લઈને ગમતી ટોળી આવી મળી છે)

પ્રેમમાં ફરિયાદ જાયજ છે. મીરાં તો નિતાંત પ્રેયસી છે. એણે મહેલની વાહવા છોડીને ચાહવા સિવાય કશું કામ જ નથી કર્યું. એ ફરિયાદ કરે છે કે બીજાની સાથે જ પ્રીતડી બાંધવી હતી તો પહેલાં મારી સાથે પ્રીત કરી જ કેમ? કૃષ્ણ તો આજન્મ Casanova છે. એણે આખા સંસારને પ્રેયસી બનાવીને પ્રેમ કર્યો છે. પણ મીરાં મનુષ્ય છે. મનુષ્યના પ્રેમમાં માલિકીભાવ તો આવી જ જાય અને આરત તો સમગ્રની જ હોય. મીરાંની તરસ પણ આકંઠ છે. એ કૃષ્ણને અન્યોને ચાહતો જોઈ શકતી નથી. વિરહ અને પ્રતીક્ષાની તાલાવેલી ચરમસીમાએ પહોંચી છે. દિલની તપ્ત જમીન પર દર્શનની નહીં, લગાવ અને અભાવની હેલી વરસી રહી છે.

મીરાં જન્મોજન્મની દાસી છે. વાયકા છે કે પૂર્વજન્મમાં મીરાં રાધાની સહેલી ગોપિકા હતી અને એક ગોપ સાથે લગ્ન થયા હોવા છતાં કૃષ્ણને પ્રેમ કરતી હતી. કૃષ્ણનું આ શરીરથી અપમાન થયું હોવાથી બીજા જન્મમાં ભક્તિસાધનાના પરિપાકરૂપે મિલનનું વચન એને મળ્યું હતું. નાનપણમાં પાડોસમાં આવેલી જાન જોઈને મીરાંએ માતાને પૂછ્યું હતું કે એનો વરરાજા કોણ છે ત્યારે માતાએ કૃષ્ણની મૂર્તિ બતાવી હતી અને ત્યારથી મીરાં કૃષ્ણદીવાની થઈ હોવાનું પણ મનાય છે. ઈ.સ. ૧૫૪૭માં મીરાં કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગઈ અને એની ચુંદડી મૂર્તિ પર લપટાયેલી મળી હોવાની દંતકથા પણ પ્રવર્તમાન છે. વાયકાઓને સમર્થન કેમ ન આપતી હોય એમ મીરાંના પદોમાં અવારનવાર ‘જનમજનમની દાસી’, ‘પૂર્વજન્મ કે બોલ’, ‘દ્વાપર યુગની ગોપાંગના’, ‘ગોપી જે ચૂક થતાં અહીં આવી’ જેવા સંદર્ભો સતત જોવા
મળે છે.

જેમ જળ વિના વેલ મહોરી ન શકે એમ મીરાંનું અસ્તિત્વ શ્યામ વિના કેમ સંભવે? એટલે જ દર્શન વિના દુઃખિયારી મીરાં પ્રભુને ફરી ફરીને દર્શન આપવા કહે છે… દર્શનના રંગે, ભક્તિના રંગે રંગાવું એ જ તો છે સાચી હોળી…

મીરાંનું સંગીતજ્ઞાન પણ અદભુત હતું. મધ્યકાળમાં પ્રચલિત રાગ-રાગિણીથી એ સુપેરે અવગત હતી એ એની રચનાઓમાં વપરાયેલા લગભગ ચાર ડઝન જેટલા રાગોના વૈવિધ્ય પરથી સમજી શકાય છે. સાક્ષાત્ મીરાં રૂદિયામાં ઊતરી આવી હોય એવી આરતથી લતા મંગેશકરે આ ગીત -‘केनू संग खेलू होली’- ગાયું છે. ઇન્ટરનેટ પર સર્ચ કરીને એ સાંભળવું ચૂકી ન જવાય એ ખાસ જોજો.

12 replies on “ગ્લૉબલ કવિતા: केनू संग खेलू होली – મીરાંબાઈ”

  1. Mirabai .
    . bhav ane bhakti na samanvay thi prem ni parakastha nu patra te Mira .
    krishnaprem ne gopibhav thi theth spiritualbhav sudhi Mira j Lai jai sake.
    aaje Hu Prem ma chhu ne badle Mira ma chhu !!! Kahevay to navai nahi !!!

  2. Vivekbhai, Jem Mira Krushna prem-range rangai aa pad rachyun chhe tem tame aakanth Mira na range rangai rasa-swad karavyo chhe ! Ankh man aasun. aavi gayan ! Mira nu aa sunder pad men paheli var vanchyu.Hearty thanks.

  3. ખૂબ સુંદર કાવ્ય, ભાવાનુવાદ, વિવેચન, માહિતી (અલભ્ય), અને મીરાની સાચી ઓળખાણ.

    આ રસપાન માટે આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  4. આપણાં વીશ્વઅમૂલ્યા કવીઓ અને એમની અજૉડ કવિતાઓ મૂલ્ય આપણૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *