ટહુકો પર મુકાયેલી મોટાભાગની પોસ્ટની સાથે કોઇક એવુ ચિત્ર હોય છે, જે કુદરતે આપણને બક્ષેલા અફાટ સૌંદર્યની એક નાનકડી ઝલક બતાવી જાય… અને આપણી કવિતાઓ અને ગીતોમાં કવિઓએ પણ કુદરતના જુદા જુદા રંગોને આબાદ રીતે ઝીલ્યા છે..
તો ચાલો, ટહુકો પર થોડા દિવસ આ કુદરતી સૌંદર્યનો ઉત્સવ ઉજવીએ.
અને શરૂઆત કરીયે જયંત પાઠકના આ ગીતથી…
અરે ઉભા રહો… ગીત સાંભળતા પહેલા જરા કુદરતની વધુ નજીક પહોંચીયે…. કલ્પના કરો ડાંગ જિલ્લાના કોઇ પહાડ પરથી વહેતો એક નાનકડો ધોધ… વહેલી સવાર… એક આદિવાસી કન્યા ત્યાં બેઠી બેઠી કુદરતને ભરપૂર માણે છે… ત્યાં સંભળાય છે એને દૂરથી વહી આવતા કોઇની વાંસળીના સૂર….
સંગીત : મેહુલ સુરતી
સ્વર : ધ્રવિતા ચોક્સી
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

Email
પુજ્ય બેન જો શક્ય હોઇ તો સુના સમન્દર નિ પાલે ગિત વાલા મારિ વાત ના જો જો સુના સમન્દર્નિ પાલે તહુકા મા રજુ કરશો
નમસ્તે