ચૌદમી વર્ષગાંઠ પર…

આજે ટહુકોની ચૌદમી વર્ષગાંઠ…

આટલા વર્ષોમાં ટહુકો તરફથી શું મળ્યું એનો હિસાબ કરવો મુશ્કેલ છે.. પણ હા, ટહુકો તરફથી મને સૌથી મોટી Gift જે મળી છે – એ છે કેટલાક અતિશય વ્હાલા મિત્રો. કેટલાક જેમની સાથે દરરોજ વાત થાય છે, તો કેટલાક એવા જેમની સાથે કદાચ વર્ષે એક વાર.. આજે એ સૌ ને એક નાનકડી વાત કહેવી છેઃ

एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तो
ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तो

અને આજે તમારી સાથે વહેંચવું છે ટહુકોનું એકદમ પોતીકું એવું સ્વરાંકન – કવિ મિત્ર વિવેક ટેલરના શબ્દો, અને સ્વરકાર મિત્ર મેહુલ સુરતીનું સ્વરાંકન…

સ્વર : અમન લેખડિયા

સંગીત : મેહુલ સુરતી


.

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

– વિવેક મનહર ટેલર

11 replies on “ચૌદમી વર્ષગાંઠ પર…”

  1. જયશ્રીબેન,
    ચૌદમી વર્ષગાંઠના ખુબ ખુબ અભિનંદન!
    તમે ચૌદ વર્ષોથી સમજ પૂર્વકની પ્રમાણિક મહેનત કરી ‘ટહુકા’ નો સ્નેહસભર ઉછેર કરી ગુજરાતી સાહિત્ય માં એક સીમાચિહ્ન બનાવ્યું છે. ‘ટહુકો’ માં આ રીતે જ ગુજરાતી ગીત, ગઝલ, કાવ્યો ની લહાણી કરતા રહો એવી શુભેચ્છા!
    દિનેશ પંડ્યા

  2. જન્મદિનની શુભકામનાઓ ટહુકાને અને એ ટહુકાને જીવંત રાખનાર જયશ્રી અને અન્ય સૌ મિત્રોને પણ..

  3. જયશ્રીબેન ચોદમી વર્ષગાંઠ ની શુભેચ્છા
    આપશ્રી વિદેશ માં રહીને પણ ગુજરાતી ભાષા ની અદભુત સેવા કરી રહ્યા છો ખુબ ખુબ આભાર
    ખુબ જ સરસ સુંદર ગુજરાતી ગીતો આપના દ્વારા દરરોજ સાંભળવા મળે છે
    પરમાત્મા આપનાં દરેક મનોકામના પૂર્ણ કરે એજ ભાવના
    રાયશી લખદીર ગડા મુંબઈ

  4. મારી ગઝલ અને ફોટોગ્રાફને યદ કરવા બદલ આભાર…

    આ ગઝલમાં પાછળથી એક નવો શેર પણ ઉમેર્યો હતો:

    છે તારી મારી વાત, નથી દેહ-પ્રાણની,
    રહી-રહીને પાછાં આવવાની છૂટ છે તને…

  5. ચૌદ વરસની ચારણકન્યાને ખૂબ ખૂબ લાડભરી સ્નેહકામનાઓ…

    ટહુકોની ગતિ સદા પ્રગતિ પર રહે એ જ અભ્યર્થના… અને કૌટુંબિક વ્યસ્તતામાં સ્થિર થઈ ગયા બાદ જયશ્રી પણ આપણા સૌ સાથે પુનઃસંધાન સાધે એવી અમર આશા…

  6. હવે તરુણાવસ્થા માં પ્રવેશ નું બીજું વર્ષ પણ કહેવાય ને?
    બસ આમ ટહુકા કરતા રહો ને અમને સૌ મિત્રો ને આનંદ આપતાં રહો.
    વધુ કંઈ કહેવા જેવું ખરું?
    વંદન

  7. ટહુકો- સાહિત્યની જ્ઞાન ગંગા ઘણું બધું મલ્યું અને મળતું રહેશે. ૧૪ મી વર્ષગાંઠ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *