મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા દિવસો પછી આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનું આ અમર ગીત સ્વર અને સંગીત સાથે ફરીથી રજુ કરું છું.
પપ્પાએ રેકોર્ડ કરાવેલી કેસેટમાં આ ગીત હતું; એટલે ઘણી નાની હતી, ત્યારથી આ ગીત સાંભળું છું. જેમ જેમ એના શબ્દોનો અર્થ સમજાયો, તેમ તેમ વધારે ગમ્યું આ ગીત. એકદમ ઉંડાણપૂર્વક ભલે આ ગીતને હું જાતે ન સમજી શકી, પણ ઘણી વાર શબ્દોનો જાદુ એવો હોય છે કે ગમવા માટે એ સમજવા જરૂરી નથી હોતા. અને હા, લતાજીનો સ્વર અને શ્રી દિલિપભાઇનું સંગીત આ ગીત માટે ‘સોને પે સુહાગા’ જેવું લાગે છે.
સ્વર : લતા મંગેશકર
સંગીત : દિલિપ ધોળકિયા
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ…
જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…
ડૉ.વિવેક ટેલર ના શબ્દોમાં આ કવિતાનો ભાવાર્થ :
‘રજકણ’ એ હરીન્દ્ર દવેએ ઈ.સ. 1961માં લખેલી સર્વકાલીન કવિતા છે. આવી કોઈ મહાન કૃતિનું જ્યારે અર્થઘટન કરવાની કોશિશ હું કરી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે મારા નામ-વિવેક-માં જે ‘ચ’ નથી(વિવે-ચ-ક), એ બનવાની ધૃષ્ટતા હું નહીં કરું! હરીન્દ્ર દવેના ભાવજગતને આપણા જાગ્રત મનની પછીતે ઊભું રાખીને આ કાવ્યને જોવાની કોશિશ કરીએ.
આ કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, એ તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
પહેલી નજરે જોઈએ તો કવિતામાં શું દ્રષ્ટિગોચર થાય છે? કવિતાના શીર્ષક અને ધૃવપંક્તિ એક એવી રજકણની વાત લઈને આવે છે જે સૂરજ થવાનું સપનું જુએ છે. રજકણ પણ ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી એ જળમાંથી ઘન યાને વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની પેઠે કદીક સાગરમાં જઈને રહે. પણ એના જીવનની વાસ્તવિક્તા આ સપનાંથી સદૈવ વેગળી રહે છે… એક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં જ રહી જાય છે, એક અકળ મૂંઝવણ બનીને! તોય સૂરજ થવા માટે રજકણ શું નથી કરતી? એ જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી રજકણને આખરે લોકો ક્યાં પ્હોંચતી જુએ છે-પોતાના ચરણોની નીચે? ધૂળ ઈચ્છે તો પણ સૂરજ બની શક્તી નથી…
પણ આ લીટીઓની વચ્ચે છુપાયેલા હરીન્દ્ર દવેને શોધીએ તો? શું અહીં પોતાની રજકણ જેવડી હેસિયત ભૂલીને ખુદાની સમકક્ષ થવાનું સપનું જોતા પામર મનુષ્યની વાત છે? કવિ શું મનુષ્યને એની તુચ્છતાનો અહેસાસ કરાવવા માંગે છે? પોતાની હસ્તીથી વધીને કશું શક્ય નથી એવો ભાવ છુપાયો છે અહીં?
કે પછી નકલ યા ઉછીના મેળવેલા ગુણની નિરર્થક્તાની અહીં વાત છે? અહીં શું એવું ઈંગિત છે કે કોઈના જેવું થવા માટે કરેલા અનુકરણનો અંત આખરે વમળમાં ફસાયેલી રજકણ જેવો જ હોય છે? અને કોઈની પાસે ભીખીને માંગેલી કળા- ભલે ને એ પ્રકાશ, અગ્નિ, ગતિ કે ગગનસમી દેદિપ્યમાન કેમ ન હોય- છે તો ઉછીનું જ અને નકલ કે ઉધારનું અંતિમ અને સાચું સ્થાન તો લોકોની ઠોકરમાં જ હોય છે.
અને ત્રીજો અર્થ એવો પણ તો કાઢી શકાય ને કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોની ઠોકરોમાં ખોવાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી ટચૂકડી હોય, સૂરજ થવાનું સપનું કદી છોડવું ન જોઈએ?! આપણું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભલે ને સદગુણોની ભીખ કેમ ન માંગવી પડે…સ્વપ્ન અને એને સફળ કરવા માટેનો પુરૂષાર્થ કોઈ પણ કાળે પડતો મૂકવો ન જોઈએ…
આ સિવાય પણ કોઈ અન્ય રીતે આ કવિતાને મૂલવી શકાશે ને? અન્ય મિત્રો શું કહે છે? છે અહીં એવી કોઈ રજકણ જે સૂરજ થવાનું શમણું દેખે?!
-વિવેક




June 19th, 2006 at 5:11 pm
મારી દ્રષ્ટિએ….
જીવનની એ પળો વિશે છે જે ચડતી પડતી અનુભવે છે… ક્યારેક ઉત્સાહિત છે, તો ક્યારેક ગ્લાનિવત છે. ક્યારેક સપનાંથી થનગનતી છે, તો કયારેક નિરાશાવત છે.
બીજી રીતે જૂઓ તો લાગે કે એક કન્યાની કુમારાવસ્થાની ઉર્મિઓ આલેખાઇ હોય…
વધુમાં તો આપણા વિવેકભાઇ જ એમાં વધારે પ્રકાશ પાડી શકે….
June 20th, 2006 at 11:05 am
આ સરસ રચના છે, મારી પાસે આની ઓડીયો કદાચ લતા મંગેશકરનાં સ્વરમાં છે. જો મળ્શે તો જરૂરથી પ્રસિદ્ધ કરીશ.
સિદ્ધાર્થ
June 22nd, 2006 at 6:38 am
‘રજકણ’ એ હરીન્દ્ર દવેએ ઈ.સ. 1961માં લખેલી સર્વકાલીન કવિતા છે. આવી કોઈ મહાન કૃતિનું જ્યારે અર્થઘટન કરવાની કોશિશ હું કરી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે મારા નામ-વિવેક-માં જે ‘ચ’ નથી(વિવે-ચ-ક), એ બનવાની ધૃષ્ટતા હું નહીં કરું! હરીન્દ્ર દવેના ભાવજગતને આપણા જાગ્રત મનની પછીતે ઊભું રાખીને આ કાવ્યને જોવાની કોશિશ કરીએ.
આ કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, એ તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
( વિવેકભાઇના શબ્દો - કવિતાનો ભાવાર્થ અહીંથી લઇને આ ગીતની સાથે જ રજુ કર્યો છે)
June 23rd, 2006 at 12:19 pm
માનનીય ડૉ.શ્રી વિવેકભાઇએ વિચારેલો ત્રીજો અર્થ મારી સાથે સંમત છે.
June 25th, 2006 at 1:16 pm
Excellent work in our mother tongue. Hope I can write in gujarati and help your adventure.
Bharat
January 28th, 2007 at 6:45 pm
અરે વાહ જયશ્રી! ૭ મહિના પછી તેં આ ફરી આજે મુક્યું તો પણ એકદમ નવું જેવું જ લાગ્યું!! મને લાગે છે આપણે આપણી જુની પોસ્ટનું સમયાંતરે પુનરાવર્તન કરવું પડશે! મઝા આવી ગઇ…
January 29th, 2007 at 2:41 am
જયશ્રી,
ફરી પાછુ એક ભૂલ તરફ ધ્યાન દોરું ? સંગીતકાર નું નામ દિલિપ ‘ઠોલકિયા’ નહી પણ “ધોળકિયા” છે.
January 29th, 2007 at 6:14 am
લતાદીદીનુ આ અવિસ્મરૈણિય ગીત કહી શકાય.
-Harshad Jangla
Atlanta, USA
Jan 29 2007
January 29th, 2007 at 11:22 pm
ઘણુ સુદર ગીત છે
આભાર
February 11th, 2007 at 3:58 am
રજકણે સુરજ થવાનુ સપનુ ના જોવાઈ, દીવો મશાલ પણ ના બની શકે, રજકણે જો સુરજ થવાનુ હોય તો તેણે આકાશ મા ઉગવુ પડે છે,
February 23rd, 2007 at 11:27 pm
આ ગીત સાંભળવા સાથે ગાવામાં પણ ખૂબ મીઠુ છે.
April 28th, 2007 at 2:54 am
IM AGREED WITH URMI!! SUCH IT HAS VERY HAEVY FEELINGS! BEAUTIFUL SONG!
April 28th, 2007 at 5:38 am
ghani badhi var aa geet sambhlya ane gaya pachi,aje bhavarth vanchya pachi geet vadhare gantu thayu che.
October 2nd, 2007 at 7:07 am
I have tried to read all comments.It may help to fully appriciate this song/poem,if some well known facts are recalled.Shri Harindra Dave studied at Shamaldas college,Bhavnagar.He wanted to persue academic carrier.Due to reasons unknown he was given a few marks less than required to get class required for selection.This gave a rude shock and hurt.He felt he was treated as insignificant as a suspended particle in air-rajkan!.So he says look what happens to a rajkan if it aspires to become as bright as sun!It is thrown back to earth to be crushed under feet of the ruthless .It is wellknown that he came to mumbai rose to show his real caliber and rise above many.His novel,”Madhav Kyany nathi madhuvan ma” was also reviewed harshly, but people liked it there many editions to prove its place.Many may not know that Kanaiyalal Munshi dictated” Krishnavtar” in english to Shri Jyotindra Dave in the begining and then to Harindra Dave!.If a reader does not read “forward” carefully, he would not at suspect that this is translation-what a translation.I hope readers will enjoy better this Lata’s unforgetable song.
January 13th, 2009 at 1:31 pm
એક રજકણ સૂરજ થવાને શમણે,… સુંદર વિચારો સાથે જીવનની વાસ્તવિક્તાને યથાર્થ સ્વરુપે હરિન્દ્રભાઇએ જે નિરુપણ કરેલ છે તે જ્ઞાન-વિચારોનું ઉંડાણ હ્રદયસ્પર્શી અને આનંદદાયક લાગે છે.
April 17th, 2009 at 1:52 pm
This is uniqe combination of words (shabda), Notes (Sur / swar), rythm (taal) with expressions (Bhav) given by Lataji. Like many others, I heard this song since childhood. With maturity, I can now go through the philosophy of the song which is aptly made clear by Dr. Vivekbhai.Thanks. I was searching for lyrics since long. “Tahuko” fulfilled my wish. This song is very close to my heart & will remain so.
July 19th, 2009 at 9:18 pm
ગાયેલા શબ્બ્દ અને લખેલા શબ્બ્દ {બિજા ફકરામા} જુદા મલમ પડેલા સભળ્યા
January 28th, 2010 at 7:29 am
જયશ્રીબેન,
રોજ સવારે એક નવા ટહુકા સાથે તે તારીખના ગત બે ટહુકા કરી આપ અતિસુંદર કાર્ય કરો છો. ગુજરાતી રસિકજનો એક સાથે ત્રણ કાવ્યોની મઝા તો માણે જ છે પણ સાથે સાથે ત્રણ વર્ષના વિચારોની આપલે પણ કરી શકે છે. આ કાવ્યને હું અધ્યાત્મની દ્રષ્ટિથી જોઉં છું તો એમ લાગે છે કે આમાં જડ તત્વોની શક્તિનો વિવાદ દરેકની આત્મકથા રૂપે કવિએ વર્ણવ્યો છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.