આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! – ડૉ. મનોજ જોષી ‘મન’

કવિ શ્રી મનોજ જોષીને એમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, અમારું ખૂબ જ ગમતું ગીત..! કાજલ ઓઝા લિખિત – અને વિરલ રાચ્છ દિગદર્શિત નાટક – સિલ્વર જ્યુબિલીનું આ title song.. જો કે ગીત એવું મઝાનું છે કે તમે નાટક નહીં જોયું હોય તો પણ માણવાની એટલી જ મઝા આવશે..

સ્વર – શૌનક પંડ્યા, જિગીષા ખેરડીયા
સ્વરાંકન – શૌનક પંડ્યા

ઉથલાવવાની રાતો; દિવસોને વાંચવાના,
ફાટેલ ક્ષણ લઇને; યુગોને સાંધવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

સાચું બિછાનું અહીંયા કોને નસીબ થાતું?
ઇચ્છાઓ પાથરીને સપનાઓ ઓઢવાના…
આ જીંદગી જ…

જે આપણે ચહ્યું’તું એ આ કશું તો નહોતું,
જે આપણે ચહ્યું’તું એ ક્યાં જઇને ગોતું
ખોટી પડી હકીકત સાચા પડ્યા બહાના…
આ જીંદગી જ….

શું આપણી ભીતરથી ધ્રુસકે ને ધ્રુસકે રોતું?
શું આપણી ભીતરથી ઉખડ્યું છે મૂળસોતું!
મુળિયા વગરના સંબંધ કાયમ ઉછેરવાના…
આ જીંદગી જ….

નજદીક સાવ તો પણ અંતર વચાળે અંતર
નજદીક સાવ તો પણ રસ્તા રહ્યા સમાંતર
રસ્તાઓ જ્યાં અલગ ત્યાં પગલા શું જોડવાના?…
આ જીંદગી જ….

ખુદને અને પરસ્પર મળતા’તા બેઉ નોખું
સહવાસ લાગે ઝળહળ બળતા’તા બેઉ નોખું.
પોતે સળગતા હો એ બીજું શું ઠારવાના?…
આ જીંદગી જ….

સરખા હતા એ દ્રશ્યો જોતા’તા બેઉ નોખું
વાતાવરણ તો એક જ, શ્વસતા’તા બેઉ નોખું,
અંદરથી સાવ નોખા, બહારે શું તાગવાના?…
આ જીંદગી જ….

રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

– ડૉ. મનોજ જોષી ‘મન’

22 replies on “આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! – ડૉ. મનોજ જોષી ‘મન’”

 1. Kamlesh says:

  રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
  હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!
  આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! વાહ મનોજભાઈ….

  સાથે..સરસ અવાજ અને સ્વરાંકન પણ
  અભિનન્દન..શૌનક પંડ્યા ને

 2. chhaya says:

  એક એક શબ્દ અમુલ્ય , વિચાર માગિ લે એવો ચ્હે .

 3. સાચું બિછાનું અહીંયા કોને નસીબ થાતું?
  ઇચ્છાઓ પાથરીને સપનાઓ ઓઢવાના…

  રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
  હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!

  આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના…
  ડો. મનોજ જોષી ની અતિસુન્દર રચના …!!

 4. Govind maru says:

  મારુ પરીવાર તરફથી ડૉ. મનોજ જોષી ‘મન’ને જન્મદીનની અઢળક શુભેચ્છાઓ…

 5. manubhai1981 says:

  કાવ્ય ઘણ ઉઁ ગમ્યુઁ આભાર.

 6. વાહ વાહ સુંદર ગીત અને એટલું જ સરસ સ્વરાંકન..મઝા પડી..
  મનોજભાઇને જન્મદિનની શુભેચ્છાઓ…

 7. dr.ketan karia says:

  સહજતાથી સભર લેખની કાવ્યનાં તેમણે અજમાવેલાં દરેક પ્રકારમાં આગવું આકર્ષણ રહ્યું છે…મારાં ઘરમાં આ શુભ દિવસે સાથે જમ્યાં તે વાત એક ટૂંકુ પણ યાદગાર સંભારણું થઇ ગયું, શૌનકભાઇએ આ ગીત સાથે ઉચિત ન્યાય કર્યો છે..અભિનંદન.

 8. sweety says:

  વાહ ક્યા બાત હૈ

 9. DR.MANOJ L. JOSHI 'Mann' (jamnagar) says:

  આભાર…જયશ્રીબેન….અને કોમેન્ટ્સ તેમજ કોમ્પ્લિમેન્ટ્સ માટે તમામ મિત્રો/વાંચકોનો પણ હ્ર્દયપુર્વક આભાર્….(મુ.શ્રી જયશ્રીબેન,નમસ્કાર…ગીત જે હેડીંગ નીચે પોસ્ટ કર્યું છે તેમાં શરતચુકથી મનોજ મુનીનું નામ છપાયું છે,જે અંગે યોગ્ય કરવા વિનંતી…આભાર)

 10. વાહ… ખૂબ જ મજાનું ગીત.. એટલું જ મસ્ત સંગીત, સ્વરાંકન અને ગાયકી…

  કવિશ્રીને જન્મદિવસની મોડી મોડી (મોળી મોળી નહીં!) શુભકામનાઓ…

 11. SURESHKUMAR G VITHALANI says:

  EXCELLENT POETRY BY DR.MANOJ JOSHI, INDEED! CONGRATULATIONS TO HIM.

 12. DR.MANOJ L. JOSHI 'Mann' (jamnagar) says:

  આભાર…વિવેકભાઈ અને સુરેશકુમારજી…

 13. dilip ghaswala says:

  સૌલ ફુલ ગિત શૌનક ભૈ…મઝા પદિ ગૈ …જ્ન્મ દિન ની શુભેછ્હઅ..દિલિપ ઘાસવાલા

 14. dilip ghaswala says:

  congratulation..

 15. Avani Pandit says:

  Mast — as ever Shaunak Sir..

 16. Sakshar says:

  અદ્ભુત.

 17. Satish Kalaiya says:

  Wah!`Aa Zindagij che ke che dairyna pana !`Happy Birth day-Manojbhai.
  `Zindagi khawab hai`….(M)

 18. Vinkal Panchani says:

  Nice to read , Belated Happy birthday

 19. ખુબ જ સરસ રચના.
  મન અને ઋદય ને સ્પર્શી ગઈ.
  અર્થસભર.
  ખુબ ખુબ અભીનન્દન.

 20. ખૂબ જ સુંદર ગીત અને ખૂબ જ કર્ણપ્રિય સંગીત અને ગાયકી…..

 21. DR,MANOJ L. JOSHI "Mann" ( JAMNAGAR ) says:

  હેલ્લો..વિન્કલભાઈ..!! તમારી હાજરી અહીં જોઈ ને ખુબ આનંદ થયો…આભાર…

 22. bharati bhatt says:

  khubaj sundar rachnaa chhe.eakdam vastaviktaathi najdik chhe.jingino gudhhartha mali jaaya chhe.jindagi naa be samaantar kinaaraanu malavu eatale shu teno marma batave chhe.khub majaa aavi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *