Monthly Archives: February 2010

છેલછબીલે છાંટી મુજને – પ્રિયકાંત મણીયાર

સૌને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! ફાગણસુદ પડવોના દિવસે મુકેલો જય વસાવડા લિખિત લેખમાં આ ગીતના શબ્દો તો હતા.. પણ આ બંને સ્વરાંકનો આજના દિવસે તમારી સાથે વહેંચવા માટે બાકી રાખ્યા હતા.! 🙂

દેશથી દૂર રહેતા અમારા જેવાના નસીબમાં હોળી તાપવાનું – પ્રદક્ષિણા કરનાવું હોય ના હોય, એટલે તમને મોકો મળે તો અમારા બધા વતી પણ હોળી તાપી લેજો.. અને હા – શેકેલા નાળીયેરનો પ્રસાદ પણ !!

અને કાલે ફરી મળીશું – ધૂળેટીના રંગોભર્યા બીજા એક ગીત સાથે… 🙂

(છેલછબીલે છાંટી….Photo : Exotic India)

સ્વર : નિરૂપમા – અજિત શેઠ
સંગીત : અજીત શેઠ

This text will be replaced

સ્વર : ?
સંગીત : રિષભ Group (અચલ મહેતા)

.

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે

સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું

જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી…

– પ્રિયકાંત મણીયાર

કાનજી તારી મા કહેશે – નરસિંહ મહેતા

સ્વર – શ્રી અભરામ ભગત
સંગીતકાર – ?

.

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા….

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…કાનજી તારી મા….

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

– નરસિંહ મહેતા

દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ

(મીણબત્તી…બૂઝવી….દિવાસળી શોધ્યા કરે)

એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,
જિંદગી એ રીતથી જીવ્યા કરે.

ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,
ને સતત એ જિંદગી ગૂંથ્યા કરે.

મીણબત્તી એમણે બૂઝવી દીધી,
ને પછી દિવાસળી શોધ્યા કરે.

જાણ ખુદની છે છંતાયે એ હજુ
અન્યને પોતા વિશે પૂછયા કરે.

જીવવાનું છે અહિં ઘોંઘાટમાં
લાગણીને એ સતત પીંજયા કરે.

– મેઘબિંદુ

આટાપાટા અમદાવાદ… – ચીનુ મોદી

ટહુકો શરૂ કર્યો અને થોડા જ વખતમાં સ્મૃતિપટમાં કશેક સંતાઇ ગયેલું આ ગીત યાદ આવેલું.. એને મેળવવામા પ્રયત્નોમાં અમદાવાદ દૂરદર્શનમાં ફોન પણ કરેલો, પણ કોઇક કારણસર આ ગીત ન મળ્યું. ત્યારનું શોધતી હતી આ ગીત – જે થોડા દિવસ પહેલા જ જપને શોધી આપ્યું!!

૯૦ના દસકામાં થોડા થોડા દિવસે અમદાવાદ દૂરદર્શન પર દરરોજ આવતું આ ગીત.. (ત્યારે આ ઝી-સ્ટાર-સોનીનો જમાનો નો’તો! લોકો પ્રેમથી દૂરદર્શન જોતા..!) અને જેટલીવાર આવતું એટલીવાર સાંભળવાનું – જોવાનું ગમતું..! ત્યારે તો મમ્મી-પ્પપા પણ હજુ અમદાવાદ નો’તા ગયા.. પણ તો યે – આ અમદાવાદી ગીત કંઇક ખાસ વ્હાલું લાગતું..!! અમદાવાદની સૌથી પહેલી મુલાકાત કદાચ આ ગીતે જ કરાવેલી 🙂 બાળપણની કેટકેટલી યાદો ફરી તાજી થઇ જાય આ એક ગીત સાથે….

અને આજે આ અમદાવાદી ગીત સાથે બીજા એક મજેદાર સમાચાર (ઘણાને જેના વિષે ખબર હશે જ).

અમદાવાદ શહેર પોતાની ૬૦૦મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે આ ફેબ્રુઆરીની ૨૬ તારીખે..

અને ૬૦૦ વર્ષનું આ લાડીલું શહેર છેલ્લા ૧૦ વર્ષમાં કેટલું બદલાયું છે – એ ‘આજના અમદાવાદ’થી પરિચિત કોઇ પણ વ્યક્તિ આસાનીથી જોઇ શકશે આ વિડિયોમાં (જપને દેશગુજરાત.કોમ પર એની summary આપી જ છે).

અને હા, બીજા એક મીઠ્ઠા ખબર :

આ ૬૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૮૫૦ કિલોની મજેદાર કેક કાપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે – જે જોવા તમને પણ આમંત્રણ છે 🙂
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો..

સ્વર – સંજય ઓઝા
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગીત – ચીનુ મોદી

YouTube Preview Image

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

આટાપાટા આટાપાટા..
આટાપાટ આટાપાટા..

કરે શ્વાસના સાટાપાટા
લાભ સદાયે કભી ન ઘાટા
રોજ રમીને આટાપાટા
દાંત કરી દે સૌના ખાટા

શહેર નહીં યે હૈ સન્નાટા
રોજ રમે છે આટાપાટા
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…

આટાપાટા આટાપાટા..

પાંચ બનાવયા સેતુ
તો પણ કઈ ન વળતો હેતુ
એક બીજાને જરી ન સંમજે
જાણે રાહુ-કેતુ

શહેર નહીં યે હૈ સન્નાટા…

શેરબજારે ભીડ જમાવે
લક્ષમીજી ને પગ નમાવે
(લીધા.. દીધા… લીધા.. દીધા..)
પૂરી પકોડી ખાય ચવાણુ
ઓછે પૈસે ભુખ શમાવે

શહેર નહીં યે હૈ સન્નાટા…

વ્હાલ કરીને પાતા તોલા
નામ પુછો તો સાબરકોલા
(પ્રેમમાં થોડી ફરેબી જોઇએ… ફાફડા સાથે.. જલેબી જોઇએ.. 🙂 )
ચા અડધી પીવડાવીને
એ ગામમાં પાડે મોટા રોલા

શહેર નહીં યે હૈ સન્નાટા…

દીવસે ગલ્લે પાન બનાવે
રાતે સિરિયલ શૂટ કરાવે
(રોલ વિસિઆર.. સાઉન્ડ.. કેમેરા.. એક્શન)
જૂની ગાડી માંડ ખરીદે
ધક-ધક-ધક ધક
ધક્કા મારી રોજ ચલાવે

શહેર નહીં યે હૈ સન્નાટા…

હૂલ્લડ ના હેવાયા માણસ
કર્ફયુથી ટેવાયા માણસ
લાભ વગર ન કદી એ લોટે
લોભે બહુ લલચાયા માણસ

શહેર નહીં યે હૈ સન્નાટા…

કરે શ્વાસના સાટાપાટા….

******

ધન્યવાદ :  deshgujarat.com

——-

અને હા.. અમદાવાદ માટેના આ બીજા ગીત પણ ફરી ફરી સાંભળવા ગમે એવા છે.

પગ મને ધોવા દ્યો રઘુરાય – દુલા ભાયા ‘કાગ’

ગઇકાલે – ૨૨ ફેબ્રુઆરીએ કવિ શ્રી દુલા ભાયા ‘કાગ’ જેમને બધા કાગબાપુના નામે ઓળખે છે એમની પુણ્યતિથી ગઇ.. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ જાણીતું ગીત..!

સ્વરઃ પ્રફુલ દવે

This text will be replaced

‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧

’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને. ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩

’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને. ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫

’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને. (૬)

————–
આજથી ૪ વર્ષ પહેલા – લયસ્તરો પર વિવેકે કાગબાપુની પુણ્યતિથિ પર મુકેલા આ ગીત સાથેના શબ્દો…

આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)

(આભાર – લયસ્તરો.કોમ)