Category Archives: મનોજ ખંડેરિયા

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે – મનોજ ખંડેરિયા

તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો –
જગત ના દિસે તો યે જાગ્યા કરે છે

અમે વેચવા નીકળ્યા મોર-પીંછા
છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે

ભુતળ મર્મ જેવો પદારથ ન એકે
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

– મનોજ ખંડેરિયા

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા ! – મરીઝ

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.

હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.

સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.

જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.

તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.

કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?

‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.

-મરીઝ

સપનાં નહીં જ હોય – મનોજ ખંડેરિયા

સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સપનાં નહીં જ હોય અને ક્ષણ નહીં જ હોય.
આ શબ્દની પછી તો કશું પણ નહીં જ હોય.

પ્રતિબિંબ વહેતા વાયુમાં એનું પડી શકે,
જેનેનિહાળ્યું કોઈ દિ’ દર્પણ નહીં જ હોય;

જળને ભીનાશ જેટલો સંબંધ કાયમી,
અમથા અહીં અવાજથી સગપણ નહીં જ હોય;

ખખડાવું બંધ દ્વાર, યુગોથી ને જાણું છું,
આ ઘર અવાવરુ છે, કોઈ પણ નહીં જ હોય.

– મનોજ ખંડેરિયા

શોધવા માટે – મનોજ ખંડેરિયા

સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે
નગરની ભીડમાં નીકળ્યો છું માણસ શોધવા માટે

તડપતું વ્યક્ત થાવા આંગળીમાં મૂર્તિનું કલ્પન
સતત વીતી રહ્યાં છે વર્ષ આરસ શોધવા માટે

અચનક ગાઢ અંધારું મને ઘેરી વળ્યું નરદમ
હું ફાંફા મારું મારા ઘરમાં ફાનસ શોધવા માટે

જીવંત કાગળનું અજવાળું તો મઘમઘ મ્હેકથી પ્રસરે
નથી એને જવું પડતું સિફારસ શોધવા માટે

મળ્યું’તું એક વેળા ઉપનિષદના પૃષ્ઠની વચ્ચે
હું જન્મું એ જ બસ તરફડતું સારસ શોધવા માટે

– મનોજ ખંડેરિયા

અહીં ત્યાં ને બધે હું છું – મનોજ ખંડેરિયા

નરસિંહ મહેતાની સુંદર રચનાથી તો બધા પરિચિત જ છીએ…
નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે…..
મનોજ ખંડેરિયા કંઈક અલગ રીતે કહેવા માંગે છે…સમજવા જેવું ખરું….

નિરખને તું ગગનમાં તો અહીં ત્યાં ને બધે હું છું;
મને ધારી લે મનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

મને ચશ્માની માફક પ્હેરવાનું છોડી દો મિત્રો;
મને આંજો નયનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

મને મળવામાં તારી જાત નડતી આડી પથ્થર જેમ;
પીગળશે તું પવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

અષાઢી સાંજના વરસાદનો છાંટો ઝીલ્યો ત્યારે-
મને લાગ્યું જીવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

તને કોણે કહ્યું કે હું સરળતાથી નથી મળતો?
પ્રવેશી જો કવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

-મનોજ ખંડેરિયા

પીડાના ટાંકણાની – મનોજ ખંડેરિયા

સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
સંગીત : અમર ભટ્ટ
સ્વર : અમર ભટ્ટ

.

પીડાના ટાંકણાની ભાત લઇ દરવાજે ઊભો છું,
કળામય આગવો આઘાત લઇ દરવાજે ઉભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન રાત લઇ દરવાજે ઉભો છુ.

તમે જેના અભાવે વાસી દીધા દ્વાર વર્ષોથી,
હું એ વિશ્વાસની મિરાત લઇ દરવાજે ઉભો છું.

ઉભો દ્વારે શિશુ ભોળો, દયામય મંદિર ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઇ દરવાજે ઉભો છું.
-મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૨૪ : અષાઢી વાદળાનો ઉડ્યો ઉમંગ

નોંધ – હેતલના અવાજમાં આ ગીતના રેકોર્ડિંગની રાહ જોવી પડશે. જે રેકોર્ડિંગ છે મારી પાસે એ કોઇક કારણસર બરાબર વાગી નથી રહ્યું. તો આ ગીતને ઐશ્વર્યા મજમુદારના અવાજમાં સાંભળીએ.

સ્વરાંકન – અમર ભટ્ટ
સ્વર – ઐશ્વર્યા મજમુદાર

અષાઢી વાદળાનો ઉડ્યો ઉમંગ, મારી આંખમાં ચણોઠીયું ઉગી રે સઇ
આંગળીની જેમ રાખી ઈચ્છાઓ હાથમાં, તે આજ વળી આકાશે પુગી રે સઇ

મારા કમખાની કસમાં બંધાઈ ગઈ રાત, થાય તૂટું તૂટું રે મારી સઇ
કાચ જેવી હું તો કિરણ જોઈ ઝબકું, ને ફટ કરતી પળમાં ફૂટું રે મારી સઇ

નળિયાંને એવું તે થઇ બેઠું શુંય કે, આખો દિ’ કાગ જેમ બોલે રે સઇ
આભને ઉતરતું રોકી લ્યો કોઈ, મારા સપનામાં ડુંગરા ડોલે રે સઇ

મનોજ પર્વ ૨૩ : હાથમાં કારોબાર રાખ્યો તેં

કવિ શ્રી મનોજ ખંડેરિયાની ખૂબ જ મઝાની અને જાણીતી ગઝલ – સાંભળીએ અને માણીએ એની રજૂઆત અચલ અંજારિયાના સ્વરમાં. બે વર્ષ પહેલા – માતુદિનના દિવસે ટહુકો ફાઉન્ડેશન તરફથી અમર ગુર્જરી કાર્યક્રમ કર્યો હતો – એમાં અચલભાઇએ કરેલી રજૂઆતનું રેકોર્ડિંગ!

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

(ગાયક સ્વરકાર શ્રી શ્યાલમ મુન્શીના સ્વરમાં રજૂઆત અને કવિ શ્રી મનોજ ખંડેરિયાના પોતાના અવાજમાં આ ગઝલનું પઠન સાંભળવા અહીં ક્લિક કરો – https://tahuko.com/?p=769)

મનોજ પર્વ ૨૨ : ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

hqdefaultકવિ ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા ના જન્મદિવસે જુલાઇ ૬ ના દિવસે – ટહુકો પર ૨૦૦૯ થી શરૂ કરેલા મનોજ પર્વને આગળ વધારીએ! અને આ વર્ષના મનોજ પર્વની શરૂઆત કરીએ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલા આ તદ્દન તરોતાજા સ્વરાંકન સાથે. ઘણા સમયથી અમરભાઇના મનમાં રમતી આ ગઝલનું સ્વરાંકન આજે જ – કવિ શ્રી ના જન્મદિવસે જ – એમણે પૂરુ કર્યું છે – અને દિવસ પૂરો થાય એ પહેલા ટહુકોના સૌ મિત્રો સાથે વહેંચવા માટે એમની પાસેથી પરવાનગી મળી ગઇ છે 🙂

જો કે આ એકદમ rough recording છે… એટલે સ્ટુડિયો જેવી sound quality નથી. પણ મને ખાત્રી છે કે સૌ મિત્રોને આ oven freshness સાથે આવેલા રેકોર્ડિંગમાં એટલી જ મઝા આવશે.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

જંગલને યાદ નથી કરવું વાલમજી ! – મનોજ ખંડેરિયા

જંગલને યાદ નથી કરવું વાલમજી !

ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.

પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.

– મનોજ ખંડેરિયા