Category Archives: નાનજી ભાઇ મિસ્ત્રી

જોડે રહેજો રાજ….

સ્વર – પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત – નાનજી ભાઇ મિસ્ત્રી
ગુજરાતી ફિલ્મ – લંકાની લાડી ને ઘોઘાનો વાર

જોડે રહેજો રાજ
તમે કિયા તે ભાઈની ગોરી કોની વહુ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
શિયાળાની ટાઢ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ઉનાળાના તાપ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલના પંખા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ચોમાસાની ઝડીઓ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જીવલડો વલોવાયો
તમે ઓરા આવો રાજ
જીવલડો વલોવાયો

તમે ઓરા આવો રાજ
જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ

જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ
જોડે રહેજો રાજ

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો

બાળપણથી ગાતા આ અતિ લોકપ્રિય લોકગીત….

સ્વર – ઉષા મંગેશકર, પ્રફુલ દવે
સંગીત – નાનજી ભાઇ મિસ્ત્રી
ગુજરાતી ફિલ્મ – લંકાની લાડી ને ઘોઘાનો વાર

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ – દયારામ

આ મઝાનું પદ mp3 file અને શબ્દો લખી ટહુકોના ભાવકો માટે મોકલવા બદલ શ્રી લલિતભાઇનો ખૂબ ખૂબ આભાર.

રચના : દયારામ
સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નાનજી ભાઇ મિસ્ત્રી

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ
વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ

હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે
વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે
કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે
કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે … હું શું જાણુ

એકલડી દેખે ત્યાં પાવ રે લાગે
રંક થઇ કાંઇ કાંઇ મારી પાસે માંગે
જ્યાં જ્યાં જ્યાંથી જાણે ત્યાંથી આડો આવી ઝુકે
દયાનો પ્રીતમ મારો કેડો નવ મુકે … હું શું જાણુ

કીને કાંકરી મોહે મારી રે – મીરાબાઇ

આ મઝાનું પદ mp3 file અને શબ્દો લખી ટહુકોના ભાવકો માટે મોકલવા બદલ શ્રી લલિતભાઇનો ખૂબ ખૂબ આભાર.

રચના : મીરાબાઇ
સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નાનજી ભાઇ મિસ્ત્રી

કીને કાંકરી મોહે મારી રે
જદુપતિ જલ ભરવા દો (2)

સાવ સોનાની ઝારી અમારી
રતન જડિત રઢીયાળી
સાસુ રિસાળ મોરી નણદી હઠીલી
દિયર દે મોહે ગારી રે …..
જદુપતિ જલ ભરવા દો …કીને કાંકરી …..

કદમ્બ તળે કહાના રાસ રમે ને
નાચે રાધા પ્યારી
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ જાઉ વારી રે
જદુપતિ જલ ભરવા દો . …કીને કાંકરી ….