Category Archives: સોનેટ

ઉલ્લાસ કરીએ – નટવર ગાંધી

આજે ઑક્ટોબર ૪, કવિ શ્રી નટવર ગાંધીનો જન્મદિવસ..! એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે પ્રસ્તુત છે એમનું આ મઝાનું સોનેટ…..

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
નકે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણુ છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ,પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને ર્દષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસકરીએ.

– નટવર ગાંધી

ભણકારા – બલવંતરાય ઠાકોર

આઘે ઊભાં તટધૂમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાનીચાં સ્તનધડક-શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મારી.

માથે જાણે નિજ નરી જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથી જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લોટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલું જરી લય નવે બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનીઉરથી, નર્મદાવ્હેણમાંથી,
સ્વર્ગગાની રજતરજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નીતરી નીંગળે અંતરે શીય, સેહની!

– બલવંતરાય ઠાકોર

કવિનો શબ્દ – ચિનુ મોદી

મને તું બાંધે છે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું;
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં
અને એનો એ હું કુસુમરજ વ્હેચું વન વિશે.

તને આપું મારો પરિચય હજી? હું સમય છું,
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું
ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે.

હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાળતળમાં
વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.

છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

– ચિનુ મોદી

છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

કવિ શ્રી રામનારાયણ પાઠકના જન્મદિવસે એમને શ્રધ્ધાંજલી. એમના નામની સાથે જ મને એમની આ અમર રચના – પરથમ પરણામ મારા…. જરૂર યાદ આવી જ જાય.

*************

ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

-’શેષ’ રામનારાયણ પાઠક

( આભાર – પ્રભાતના પુષ્પો)

પહેલી હેલી પછી – ઉશનસ્

પ્હેલા મેઘે અજળ ઉજડેલી સીમે રંગ લીધો !
ભીંજાયેલી ધરતી ઊઘડી શી ભીને વાન રમ્ય !
ધોવાઈને નીલમ સરખા જાંબલી ડુંગરાઓ !
વ્હેવા માંડ્યા ઘવલફીણના ફૂલગુચ્છે ઝરાઓ !

બીડે ઝીણું મખમલ ફૂટ્યું કો રહસ્યે અગમ્ય !
જેવી હેલી શમી, કંઈક ખેંચાઈ જ્યાં મેઘજાળ
ત્યાં ડોકાતો ગગનપરીનો શો બિલોરી મહાલ !
આભા ભીની ચકરઈ રહી પૃથ્વી યે સ્નિગ્ધઘેરી

જેમા પ્હેલાં સલિલ પુરકાસારનાં યે સુનેરી !
પ્હેલી હેલી પછીથી ઊઘડે પંકમાં યે પ્રસાદ
થોડું નીલું ગગન ખૂલતાં રંગ લેતો વિષાદ :
વાછંડોની-નયનજલશી-વ્યોમ વ્યાપી ભીનાશો
ધીમેધીમે પ્રગટતું ધનુ ઇન્દ્રનું અદ્રિશૃંગે,
સાતે વર્ણે વિકસતી ન શું વ્યોમમાં કોઈ યાદ.

– ઉશનસ્