Category Archives: દલપતરામ

દલપતરામ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અંધેરી નગરી ને ગંડુ રાજા - દલપતરામ
ઊંટ - દલપતરામ
ઋતુઓનું વર્ણન – દલપતરામ
કરતા જાળ કરોળિયો... - દલપતરામ
કેડેથી નમેલી ડોશી - દલપતરામ કવિ
શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

ઋતુઓનું વર્ણન – દલપતરામ

અહીં અમેરિકા આવીને fall, autumnના ચક્કરમાં ભારતીય ઋતુઓ ભૂલી જવાય છે. વળી, અહીં ચોમાસા જેવી તો ઋતુ જ નથી. બારેમાસ વરસાદ પડે રાખે. અહીં એક અમેરીકન દોસ્તને સમજાવતો’તો કે ચોમાસું શું ચીજ છે. બિચારાને માનવામા આવે જ નહીં કે ગુજરાતમાં માત્ર ચાર જ મહીના વરસાદ પડે અને બાકીના આઠ મહીના તદ્દન કોરા ! રોજે રોજ હવામાનના સમાચાર જોઈને જીવતા લોકોને કેમ કરીને સમજાવવું કે અમને અઠ્યાવીસ વરસ લગી કદી હવામાનના સમાચાર સાંભળવાની જરુર લાગેલી જ નહીં !
- ધવલ શાહ

લયસ્તરો પર આ કવિતા વાંચી, અને સાથે સાથે ધવલભાઇની note પણ એટલી ગમી ગઇ, કે સાથે સાથે એ પણ અહીં જ લઇ આવી..! ધવલભાઇની વાત કેટલી સાચી લાગે – અમારે ત્યાં એમ આખું વર્ષ તો વરસાદ નથી પડતો – પણ અહીંના ઠંડા વરસાદમાં એટલી મઝા પણ નથી આવતી..!! અહીં દરરોજ રાત્રે સંધ્યાબેન પાસે હવામાનના સમાચાર અને આગાહી – latest computer model, accu weather, dolper HD એવુ બધું સાંભળવાની આદત થઇ ગઇ છે..! પણ ઘણીવાર જ્યારે સંધ્યાબેન કહે કે San Franciscoમાં હમણા storm અને significant rainfall થઇ રહ્યા છે – અને બારી પાસે કાન ધરો તો માંડમાંડ પાણીના ટીંપાઓનો અવાજ સંભળાય – ત્યારે એમ કહેવાનું મન થાય – શું તમે પણ! આને કંઇ વરસાદ કહેવાય?

ઘણીવાર તો ૧૦ ડગલા ચાલો ને માંડ ૪ ટીપા પડે માથા પર – એવામાં જો છત્રી ખોલું તો મારી છત્રીને ખોટું લાગી જાય..!! :)

ચલો.. વધારે પંચાત નથી કરવી..! કવિ શ્રી દલપતરામની પૂણ્યતિથિ નિમિત્તે એમને યાદ કરી આ રચના માણીએ..!

Rain and Bay Bridge - Photo: sfexaminer.com

Rain and Bay Bridge - Photo: sfexaminer.com

શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.

ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.

-દલપતરામ

Share what you loved...

કેડેથી નમેલી ડોશી – દલપતરામ કવિ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

-દલપતરામ કવિ


(જરા = ઘડપણ)

(આભાર વિવેક ટેલર)

Share what you loved...

અંધેરી નગરી ને ગંડુ રાજા – દલપતરામ

આજે કવિ શ્રી દલપતરામની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ મઝાનું કાવ્ય.. ‘અંધેર નગરી ને ગંડુ રાજા – ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં’.. આ શબ્દો તો એક કહેવત જેટલા લોકપ્રિય થયા છે..! મને યાદ છે જ્યારે પહેલીવાર આ શબ્દો વાંચેલા ત્યારે મમ્મીને પૂછવું પડેલું કે આ કવિતામાં ‘ટકો‘ આવે છે એનો અર્થ શું થાય..!

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

——
આભાર – ગાગરમાં સાગર

——-

ટહુકો પર માણો એમની બીજી કવિતાઓ..

ઊંટ – દલપતરામ
કરતા જાળ કરોળિયો… – દલપતરામ
શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

Share what you loved...

કરતા જાળ કરોળિયો… – દલપતરામ

(Photo: Webshots.com)

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

-  દલપતરામ

Share what you loved...

શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

કવિ દલપતરામના જન્મદિવસે (21 જાન્યુઆરી -1820) માણીએ એમનું આ ઘણું જ જાણીતું કાવ્ય…
* * * * *

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

- દલપતરામ

(આભાર : પ્રભાતના પુષ્પો)

Share what you loved...