Category Archives: વિનોદ જોષી

સૈરન્ધ્રી : ૦૨ : દ્રૌપદી, કર્ણ, કીચક અને કીચડ…

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’- ઉત્તરાર્ધ)
(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

કૃષ્ણને જો યુગપુરુષ કહીએ તો એમની પરમ સખી દ્રૌપદીને યુગનાયિકા કહી શકાય. ‘સૈરન્ધ્રી’ પ્રબંધકાવ્ય દ્રૌપદીના જીવનનો બહુ નાનો હિસ્સો છે, જેમાં કવિ આપણને યુગનાયિકાની ભીતરની સ્ત્રી સાથે મુખામુખ કરાવે છે. વળી, આ કવિતા આપણા સહુની લુપ્ત ઓળખની પીડાથી પણ આપણને અવગત કરે છે. આપણે સહુ અજ્ઞાતવાસમાં જીવીએ છીએ, ઓળખ ગુમાવી બેઠાં છીએ. સૈરન્ધ્રી આ ઓળખ-લુપ્તતાના કારણો અને નિવારણોના પૃથક્કરણની ગાથા છે. ‘સર્વ રૂપ સંકેલી લઈને, કેમ જીવવું અખંડ થઈને’ આ જ સહુની વિડંબના છે. જ્યારે ‘નિત્ય નિજત્વ અવાંતર જોવું’ પડે છે ત્યારે ‘અંતરિયાળ પડ્યું આ હોવું’ની પીડા અસહ્ય બની રહે છે.

વ્યાસના મહાભારતથી આ ‘સૈરન્ધ્રી’ થોડી અલગ છે. સ્વયંવર ટાણે એ કર્ણના પ્રેમમાં પડી મનોમન એને વરી લે છે. ‘તેજપુંજ છલકાય વદનથી, સૂર્ય ઊતર્યો હો અંબરથી’ એવા કર્ણના ‘વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી’ જોઈ પાંચાલી ‘તત્ક્ષણ મોહિત થઈ’ જાય છે. એને ‘આ જ પુરુષની હતી પ્રતીક્ષા,’ વિનોદ જોશીની આ ‘સૈરન્ધ્રી’એ અનેક વમળ સર્જ્યાં. ખૂબ ઉહાપોહ થયો. પણ કર્ણ અને દ્રૌપદીનો સંબંધ કંઈ પહેલીવાર ચર્ચાની એરણે ચડ્યો નથી. આ બાબતે અનેક મતમતાંતર પ્રવર્તે છે. દરેક વાર્તાની પાસે પોતાનો પાયો છે, પણ કયો પાયો સાચો અને કયો ખોટો એ નક્કી કરવું સરળ નથી. આપણા હૃદયમાં જે સંસ્કરણ ઘર કરી ચૂક્યું હોય એ આપણા માટે સાચું. એક સંસ્કરણ મુજબ દ્રૌપદીએ કર્ણને સૂતપુત્ર હોવાથી ઇન્કાર્યો હતો, પણ વ્યાસરચિત મહાભારતમાં આ પ્રસંગ નથી. બીજા સ્રોત મુજબ ધ્રુષ્ટદ્યુમ્નએ આ પ્રશ્ન ઊઠાવ્યો હોવાથી દ્રૌપદીને એના માટે સહાનુભૂતિ જન્મી હતી. વિનોદ જોશીની સૈરન્ધ્રી આ કથાનકને સમાંતર છે. ધૃષ્ટદ્યુમ્ન ‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર’ કહીને સૂતપુત્રને મત્સ્યવેધ કરતાં રોકે છે. ‘પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં, હવે નહીં પામું જીવનમાં’ની અતુલિત તૃષ્ણાથી વ્યાકુળ કૃષ્ણાને સવાલ થાય છે: ‘હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા?’ આ સવાલ શું સર્વકાલીન સર્વ સ્ત્રીઓનો નથી? જાંબુલ આખ્યાનમાં દ્રૌપદી કબૂલે છે કે એ કર્ણને પોતાના પતિ કરતાં વધુ ચાહે છે અને એને પરણવામાં એને બાધ નહોતો. યુદ્ધ સમયે એ કર્ણને પાંડવો તરફ આવવા આમંત્રે છે એ સમયે સ્વયંવર બાબતે દ્રૌપદી કર્ણની અને વસ્ત્રાહરણ સમયે છીનાળ કહેવા બદલ કર્ણ એની, એમ ઉભય પરસ્પરની માફી માંગે છે. તેલુગુ ભાષામાં કૃષ્ણ કર્ણને પાંડવો સાથે જોડાઈ જવાથી દ્રૌપદી એની પણ પત્ની ગણાશે એવી લાલચ આપતા વર્ણવાયા છે. કર્ણ કુંતીપુત્ર હોવાની જાણ થઈ ત્યારે દ્રૌપદીને એની સાથે લગ્ન ન થયાનો અફસોસ થયો એવી પણ કથા છે, કારણ કર્ણ સાથેના લગ્ન એને વસ્ત્રાહરણથી બચાવી શક્યા હોત. યજ્ઞસેની (પ્રતિભા રાય), મૃત્યુંજય (શિવાજી સાવંત), જયા (દેવદત્ત પટનાયક), પેલેસ ઑફ ઇલ્યુઝન્સ (ચિત્રા બેનર્જી), કર્ણ મહાકાવ્યકા અંતર્લોક (કશ્મીરા સિંહ) વગેરેના પુસ્તકોમાં પણ આ મુજબના વિવરણો મળે છે.

કળાનું મૂલ્યાંકન કળાની રીતે જ થવું ઘટે. મૂળ મહાભારત અને આપણા મહાભારતમાં પણ જમીન-આસમાનનો તફાવત છે. સમય સાથે આ તફાવત વળી વધતો જ જવાનો, કારણ, દરેક યુગ આ મહાકથાના અરીસામાં પોતાને શોધવાની કોશિશ કરવાનો જ. પરિણામે દરેક યુગની મહાકથા આગળની કથાથી ભિન્ન જ હોવાની. હજાર હોબાળા વચ્ચે પણ સાચી સમજ સાચી કવિતાને સાચી રીતે પોંખવામાં પાછી પાની નથી કરતી એનું ઉત્તમ ઉદાહરણ એટલે ‘સૈરન્ધ્રી’. સૈરન્ધ્રીની લોકપ્રિયતા ગુજરાતી ભાષાના સીમાડાઓ વળોટીને હિંદી, ઓડિયા, અંગ્રેજી, સંસ્કૃત, તેલુગુ, તમિલ, મૈથિલી અને કન્નડ ભાષાઓ સુધી પહોંચી છે અને ભારતીય સાહિત્ય અકાદમીએ એને સર્વશ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકના પારિતોષિકથી નવાજી છે એ જ એની યોગ્યતા સિદ્ધ કરે છે. પ્રબંધકાવ્ય લખવાનું સાહસ પોતે જ નાનુંસૂનું કામ નથી. અને એ કામ સુપેરે પાર પડે અને ઉમદા કાવ્ય સિદ્ધ થાય ત્યારે વાતનું મહત્ત્વ ઓર વધી જાય છે.

અર્જુન મત્સ્યવેધ કરી આ ‘વસ્તુ અનુપમ’ને ઘરે લાવ્યો અને દરવાજા ખોલ્યા વિના જ કુંતીએ ‘વહેંચી લો સમભાગ’ કહ્યું. પાંડવોએ પણ દ્રૌપદીનું ‘વસ્તુ જેમ જ કર્યું વિભાજન.’ ‘વસ્તુ’ને તો રોજની ચિંતા કે ‘કોનો વારો? કોણ હશે આજે પતિ મારો?’ આ ‘વસ્તુ’ જાણે છે કે ‘હું નહિ વસ્તુ કોઈ વિક્રયની, હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની.’ વેદ વ્યાસ જ્યાં અટકી ગયા, વિનોદ જોશી ત્યાંથી આગળ વધીને આપણને ‘અસ્ક્યામત’ ગણી લેવાયેલ સૈરન્ધ્રીની ભીતરની સ્ત્રી સાથે મુલાકાત કરાવે છે. કવિતાની આ જ સાચી ઉપલબ્ધિ છે. દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની બનવા છતાં કર્ણ પ્રત્યેના પોતાના ‘સોફ્ટ કૉર્નર’ને અવગણી નથી શકતી. એણે તો ‘હૃદય એકમાં રોકી દીધું, પંડ પાંચમાં વહેંચી દીધું’ છે. ભરસભામાં જ્યારે દ્રૌપદી ‘ત્રસ્ત હરિણ’ શી ફફડતી હતી, ત્યારે ‘અંગારે ભડભડતી આંખો, સૂર્ય લાગતો જાણે ઝાંખો’ લઈને ક્રોધનો માર્યો એકમાત્ર કર્ણ જ ‘નારી પ્રથમ, પછી પાંચાલી, નથી પળાતી કેમ પ્રણાલી’ કહીને ‘પુંસક સ્વરથી’ ગર્જના કરે છે. દુર્યોધન જ્યારે ‘નારી માત્ર સદાની ભોગ્યા’ કહી એને વારે છે ત્યારે એ નપુંસકતાથી વસ્ત્રાહરણના સાક્ષી બનવાના બદલે, દુ:શાસનને દૂર ફગાવીને, કર જોડીને ક્ષમા માંગતો તરત સભા છોડી ગયો. જ્યારે સામા પક્ષે-

કંપિત બેઠા પાંડવ પાંચે,
વીલાં વદન પરસ્પર વાંચે;
સન્નાટો ભરપૂર છવાયો,
ગયો પુરુષ ફેંકી પડછાયો. (૦૬-૦૩:૦૮)

એટલે જ પાંચ પતિઓ સાથે સરખામણી કરાવતો ‘નેત્રથી નખશિખ ચાખ્યો’ કર્ણ એક વરસના આ ગુપ્તવાસમાં ‘હોય સર્વ પણ કોઈ ન પાસે’ની એકલતા ખાળતો સ્મરણલોકમાં ‘કોઈ દૂર પણ ભીતર ભાસે’ જેવો અવારનવાર પધરામણી કર્યે રાખે છે. અજ્ઞાતવાસમાં કીચકની પડછંદ કાયા અને વિશિષ્ટ વ્યક્તિત્વથી પણ આ સ્ત્રી અંજાય છે અને કામોત્તેજના સુદ્ધાં અનુભવે છે. ‘સૈરન્ધ્રી રંગાઈ અનંગે, છાલક વાગી અંગે અંગે.’ ‘એક છતાં એકાધિક રૂપો’ ધરાવતી હોવા છતાં એના બહુવેશી વ્યક્તિત્વમાં રહેલી નારી ‘પ્રગટ થઈ સહસા અણધારી.’ એ જાણે છે કે ‘પુરુષમાત્રની તું અધિકારી; તું સ્ત્રી અનરાધાર અનંતા, સકળ સૃષ્ટિની તું જ નિયંતા’, ને તોય જ્યારે ‘ઝંખે મન પરિતોષ પરાયા’ ત્યારે ‘અળગી લાગે નિજથી કાયા.’ ‘એક તરફ અર્જુન હતો, કીચક બીજી પાસ’ની દુવિધામાં ફસાઈ હોવા છતાં એ પોતાની નારીસહજ આદિમવૃત્તિને વશ વર્તતી નથી એટલું એના પાંચ નિર્માલ્ય પતિઓનું સદભાગ્ય. ‘મનનાં કારણ કોઈ ન જાણે’ એ છતાં સૈરન્ધ્રી ‘મનની માયા મનમાં માણે’ છે. આપણી આ ‘કાયા અક્ષત કૂપ અધૂરો’ છે, અને એને ‘ઝંખે મન કરવાને પૂરો.’ એના સ્વપ્નમાં કર્ણ કીચક સાથે મલ્લયુદ્ધ કરી એના ‘મલિન શ્વાસને ટૂપી’ નાંખે છે અને દ્રૌપદી સાથે અદ્વૈત સાધે છે પણ ‘કેવળ સ્ત્રી નસનસમાં’ વ્હેતી હોવાની આદિમ પળે ‘નિજમાં બેસી નિજને છળતી’ ‘પાંડવપત્ની જાતનો, જોઈ રહી વિનિપાત’ અને ‘રક્તચાપ થીજી ગયો, થયા સ્તબ્ધ સહુ કોષ.’ પળમાં એ કીચકને પરાયો કરી પુનઃ પાંચાલીત્વને સાધે છે. આ સ્ત્રી છે. એનું સ્ખલન પુરુષની જેમ ભાગ્યે જ કાયમી અને વાસ્તવિક હોવાનું.

મધરાતે એના દ્વાર પર ટકોરા પડે છે ત્યારે એને સમજાય છે કે એના મહાન પાંચ પતિઓને તો આ ‘નગર વિરાટે વામન કીધાં’ અને ‘પાંડવકુળની ભૂંસી વ્યાખ્યા.’ ‘પાંડવકુળની આ પટરાણી, જાણે લુપ્ત થયેલી વાણી’ હોય એમ નિરાધારિતાના અહેસાસથી વ્યગ્ર છે. દ્યૂતમાં બધું હારીને સંકટ જીતનાર પાંડવપતિઓ સાથે એ સહમત નથી. પત્નીભાવે પતિઓનો નિર્ણય સ્વીકારીને પટરાણી હોવા છતાં તેર વરસ તકલીફોના જંગલમાં ભટકનાર દ્રૌપદી ‘સ્વયં પરાક્રમ ક્યાંય ન’ કરનારા અને ‘મૃગજળને જળ માની’ લેનાર પતિઓને વણજોતી વિપદા વળગાડનાર હોવાથી ક્ષમા કરી શકતી નથી. જેઓ પોતાને દાસીરૂપે જોઈનેય લજ્જાતા નથી એ પતિઓની હાજરીમાં ‘તિમિર વચાળે તેજ ફસાયું’ હોવાની પારાવાર વ્યથા એ અનુભવે છે. ‘મરતાં રહીને છાનું છાનું, અંતે આમ જીવી જવાનું?’નો પ્રશ્ન એના અસ્તિત્વને આરીની જેમ આરપાર વહેરે છે, ‘કાળજે કર્બુર ચીરા’ પાડી રહ્યો છે. દરવાજે અર્જુન હશે કે કીચકની અટકળમાં રાતના કાજલઘેરા અંધકારમાં બિલકુલ એકલી અબળા હોવાના કારણે જે સૈરન્ધ્રી કબૂતર પેઠે ડરની મારી ફફડી રહી હતી, એને છેવટે સમજાય છે કે ‘જટિલ કોયડા ઉકલે જાતે’:

ઓળખ સકળ ઉતરડી નાખી,
કેવળ નિજતા સંગે રાખી;
કોઈ ન સ્વામી, કે નહિ દાસી;
વ્યક્તિરૂપ લીધું અવિનાશી. (૦૫-૦૫:૦૭)

બે શબ્દો માલીપાના ખાલીપામાં ‘સૈરન્ધ્રી’ જે કહે છે, એ સરવા કાને સાંભળી શકવું એ નરવા ને ગરવા જીવનની ગેરંટી છે. તમામ ઓળખ ત્યાગીને માણસ પોતાના નિજત્વને પામી લે ત્યારે એનું વ્યક્તિત્વ અવિનાશી બને. સૈરન્ધ્રી જે પળે મનથી જ્ઞાત-અજ્ઞાત ઓળખોનો ત્યાગ કરી ‘નિજની સંત્રી’ બને છે એ પળે એ ‘અધિક સભાન, પૂર્ણ ભયમુક્તા’ બનીને દ્વાર ખોલે છે. દાસી તરીકે જે કીચકના વ્યક્તિત્વના જાદુપાશમાં એ કવચિત્ બંધાઈ હતી, સ્ત્રી તરીકે એ મર્મસ્થાન પર તીક્ષ્ણ છરીનો ઘા કરીને કીચક નામના ‘પડછાયાનો અંત’ આણે છે. એને સમજાય છે:

ભૂંસી દઈ સઘળા સરવાળા,
પ્હેર્યાં અંદરનાં અજવાળાં;
પામી સમજણ સીધીસાદી,
સદા જાત હોય જ સંવાદી. (૦૫-૦૭:૦૩)

સહુને સહુનાં રૂપ અનોખાં,
કરે પરસ્પર લેખાંજોખાં. (૦૫-૦૭:૦૪)

કોઈ ન પહોંચે ગંતવ્યોમાં,
અધવચ અટકે મંતવ્યોમાં. (૦૫-૦૭:૦૫)

બાહ્ય ગણતરીઓ ભૂંસીને માણસ ભીતરના અજવાળાં ધારણ કરે ત્યારે જ એને સમજાય છે કે દરેક માણસ ‘પરસ્પર લેખાંજોખાં’ કર્યે રાખતાં એકાધિક રૂપોનો બોજ લઈને જીવે છે. સંબંધોની લાશને ખભે વેંઢારીને આપણે સહુ રાજા વિક્રમ જેવી અનર્થ જિંદગી જીવ્યે રાખીએ છીએ. કોઈને મંઝિલ સુધી પહોંચવામાં રસ નથી, સૌ સ્વયંના મંતવ્યોમાં જ રત રહે છે. કીચક પર પ્રહાર કરવાના અપરાધસર સૈરન્ધ્રીને કેદ કરાઈ. સૈરન્ધ્રી માટે તો કેદ લુપ્ત ઓળખની હોય કે આ કારાવાસની, ‘ભીંતો બદલાઈ ગઈ, અન્ય કશો નહિ ભેદ’. એ સમજે છે કે, ‘સહુને કારાવાસ સદાનો, વ્યર્થ મુક્તિના સર્વ વિધાનો,’ અને ‘એક વરસની કેવળ ભ્રાન્તિ, જન્મારે નહિ મળશે શાંતિ.’ પણ પાંડવ તો ‘નિદ્રાગ્રસ્ત હતા હજી, અંદર અપરંપાર.’ એ લોકોને એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, જે કીચકના ડરે અને હત્યાએ દ્રૌપદીની અંદર અજવાસ થઈ પથરાયું છે. એ લોકો ચિંતિત છે, પણ અર્જુન ગઈ સાંજની વાત જાણતો હતો. દ્રૌપદીએ સ્વયં કીચક પર પ્રહાર કેમ કર્યો એ પ્રશ્ન એને સતાવે છે. રાજા મૃત્યુદંડ ફરમાવે છે પણ દ્રૌપદી આવનારા અનિવાર્ય ઘોર વિનાશને જોઈ મલકી રહી હતી:

કીચક માર્યો એક, પણ કીચક હજી અનેક,
ઇચ્છે નહિ નારી, છતાં વિવશ કરે જે છેક. (૦૬-૦૧:દોહો)

ઘડી કઠોર, ઘડી મુલાયમ ચિત્ત આપણા સહુની સમજણ બહારનો પ્રદેશ છે:

સમજાતું નહીં ચિત્ત સલૂણું,
વજ્રકઠોર કુસુમથી કૂણું. (૦૬-૦૨:૦૧)

વિગત-અનાગતની પળોજણમાં ડૂબીને જિંદગી વ્યર્થ વહી જવા દેવાના બદલે જે પળ વહી રહી છે, એને જ પકડી લઈ એમાં જ જીવી લઈએ તો કશું અકળ રહેતું નથી:

સમજી લેવા અર્થ સકળને,
પકડી લેવી વહેતી પળને. (૦૬-૦૨:૦૧)

જે ઘડીએ આપણે સહુ વ્યર્થ વળગણોને ત્યાગીને ઈષ્ટ અને ખરી સમજણને વળગીશું એ ઘડીએ સઘળી ભ્રાન્તિ દૂર થાય છે, ચિત્ત સ્વસ્થ બને છે અને પરમ પ્રશાન્તિ પ્રાપ્ત થાય છે. જિંદગી તો મુઠ્ઠીમાં પરપોટા ભરવાની રમત છે. ‘પલકે પાંપણ જે ક્ષણ ક્ષણમાં, નહિ દેખાય કદી દર્પણમાં.’ આંખ પલકારો મારે એ ઘડી એ દૃષ્ટિ બંધ થવાની ઘડી છે. એટલી ઘડીભર માટે આપણે દર્પણમાં આપણી જાત સાથેનો નાતો ગુમાવી બેસીએ છીએ. પાંપણ ઊંચકાય એ પછી જ આપણે જાત સાથે પુનઃઅનુસંધાન સાધી શકીએ છીએ. સૈરન્ધ્રીના નિમિત્તે કવિ ભીતરના અર્ક સાથે આપણને સન્મુખ કરાવ્યે રાખે છે, એ આ કાવ્યની ખરી ઉપલબ્ધિ છે. બેવડી ઓળખનું અંધારું રગદોળીને અજવાળું ગોતી પરમ મોતી પરોવવાનું છે.

પરિઘ પાર ચકરાવો લઈને,
કેન્દ્રબિંદુમાં પહોંચી જઈને;
વર્તુળ પાછું ટાંગી દઈને,
જવું શૂન્યમાં શાશ્વત થઈને. (૦૬-૦૬:૦૭)

સકળ સંસારમાં ફરી-વિહરીને અંતે તો અસ્તિત્વના કેન્દ્રબિંદુને જ તાગવાનું છે અને એ થતાં જ વર્તુળનો પણ છેદ કરી શૂન્યની શાશ્વતી સુધી ગતિ કરવાની છે. મરીઝનો અમર શેર યાદ આવ્યા વિના નહીં રહે: ‘હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું, તેથી અનંત છું.’ દ્રૌપદી પણ ‘બ્હાર જઈને ભીતર આવી’ છે, અને ‘મધ્યબિંદુને મનમાં લાવી’ છે. પ્રતિહારી સૈરન્ધ્રીને લેવા આવે છે ત્યારે એ સુદૃઢ પગલે આગળ ‘નિજની વિજયપતાકા’ ફરકાવતી ચાલે છે. એના મનોમન તો કર્ણ પ્રત્યેની ‘સહજ પ્રેમની ઉત્તમ ગતને’ માણી રહી છે. સભાગૃહમાં લોકોની સાથે પાંડવો પણ બંદીવાન પત્નીનો આ તમાશો મૂંગા મોઢે જુએ છે. પાંડવો હજીયે દ્યૂતસભાવાળી મનોસ્થિતિમાં જ છે-નિર્માલ્ય, નપુંસક, નિષ્ક્રિય! પત્નીના રક્ષણની ચિંતાના બદલે તેઓને ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો, પુનઃ હવે વનવાસ થવાનો’ એ ચિંતા વધુ છે. પરંતુ ‘નહીં અંધારું, નહીં અજવાળું’ એવા નિરાળા અસ્તિત્વને અનુભવતી દ્રૌપદી તટસ્થભાવે ઊભી છે. એ જાણે છે કે–

કાપે નહિ વાયુને કુહાડો,
પડે ન જળમાં કદી તિરાડો;
નભ ક્યારેય ન ટેકો માગે,
પૃથ્વીને પથ્થર શું વાગે? (૦૭-૦૧:૦૪)

પાંડવોએ દ્રૌપદીને ભોગવી છે, સૈરન્ધ્રીને જોઈ રહ્યા છે પરંતુ:

જાણે પાંડવ સૈરન્ધ્રીને,
જાણે નહીં એમાંની સ્ત્રીને;
જોયા કાંઠા, જોયાં જળને,
કદી ન જોયાં ઊંડા તળને. (૦૭-૦૨:૦૫)

વિરાટ જેવા રાજાને પ્રશ્ન થાય છે કે ‘નારીમાં ધનુધારીનો કેમ થયો ટંકાર?’ એકાકી અબળા છે ને વળી દાસી છે તોય આને ભય કેમ નથી? સુદેષ્ણા પણ સ્ત્રી તરીકે પોતાના ભાઈની હત્યારી હોવા છતાં એને સમભાવે જુએ છે. લોકો કૌતુકવશ છે. અમાત્યમંડળ સૈરન્ધ્રીને મરણચિતા પર ચડાવી તત્કાળ અગ્નિદાહ દેવાનો દંડ કરે છે અને દ્રૌપદીની આંખ સમક્ષ દ્યૂતસભા ફરી સજીવન થાય છે. ‘નરવી નિજતા ખોઈ’ બેઠેલાઓની વચ્ચે દ્રૌપદીને અંતમાં નવો અભ્યુદય દેખાય છે, જ્યાં ઓળખની શિક્ષા દીધા વિના મત્સ્યવેધની પરીક્ષા થશે અને ‘નિજતામાં સહુ પાછાં વળશે.’ સસ્મિત વદને એ ચિતા પર ચડે છે. મનોમન પુનઃ સ્વયંવર રચે છે, જેમાં કર્ણ કુસુમાયુધ વડે નયનથી જ મત્સ્યવેધ કરી ‘નિજતા સહજ પરસ્પર સોંપી’ને વરમાળા પહેરે છે. ચિતાની જ્વાળા કાષ્ઠને અડતી નથી. યાજ્ઞસેની દ્રૌપદી તો ‘જન્મથી ભડભડ બળતી, નિજથી છૂટી નિજમાં ભળતી; નિત્ય કોઈને મનથી મળતી, નિજમાં બળવા પાછી વળતી’ હતી.

પૂર્ણ કળાએ તપતા સૂર્યથી જાણે ચારે દિશાઓમાં આગ લાગી હતી. સર્વ દશાઓ અનુપમ અને સર્વ દિશાઓ નિકટ લાગે છે. પાંચે પાંડવ વ્યાકુળ ઊભા છે પણ સૃષ્ટિનું આ નર્તન જાણે કે અનંત છે. કાવ્યારંભે જે સાંજ વિવશ અને આકાશ નિરાધાર હતાં એ કાવ્યાંતે અનંતતામાં પરિણમે છે. તમામ ઉંબરાઓ ઓળંગીને તેજ નગરભરમાં પ્રસરી રહ્યું. દિશાઓ સતત એ રીતે અને એટલો વિસ્તાર પામી રહી હતી કે સૂર્ય કદી આથમી નહીં શકે. ચિતાએ ચડેલી સૈરન્ધ્રીનું પછી શું થયું એ કહ્યા વિના કવિતા સમાપ્ત થાય છે. આમેય કવિતાનો આ ફાંટો પ્રચલિત મહાભારતથી ક્યારનો અલગ થઈ ગયો છે. કવિ કલાકાર છે, ઇતિહાસકાર નથી. કવિનો ઉદ્દેશ સૈરન્ધ્રી વેશધારી દ્રૌપદીની ભીતરની સ્ત્રીને સાકારવાનો છે. પાંચેક હજાર વર્ષ પહેલાં એક પુરુષે જે ઘટનાઓ આલેખી હતી, એના એક રજમાત્ર હિસ્સાને પાંચેક હજાર વર્ષ બાદ બીજો પુરુષ જે નજરિયાથી જોવાનો પુરુષાર્થ કરે છે, એમાં જમીન-આસમાનનો તફાવત છે, પણ બંને જ આસ્વાદ્ય છે.

(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

સૈરન્ધ્રી : ૦૧ : અગ્નિકન્યા કે એક સ્ત્રી માત્ર?

(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

મહાભારત અને રામાયણ – બંન્ને આપણાં કાળજયી મહાકાવ્યો પણ બંને વચ્ચે અસમાન-જમીન જેવડો ફરક. રામાયણના મોટાભાગના પાત્રો આપણી વચ્ચે જીવતા સામાન્ય મનુષ્યો જેવા હોઈ આપણી સાથે બેસીને ગોઠડી માંડતા હોય એવું અનુભવાય, પરંતુ મહાભારતના મોટાભાગના પાત્રો મહામાનવ- સુપરહ્યુમન. રામાયણ સાહજિક મર્યાદાઓનો ગ્રંથ છે, જ્યારે મહાભારત અતિ-અતિનો ગ્રંથ છે. ચાર-પાંચ હજાર વર્ષ પૂર્વેના આ બે મહાકાવ્યો સદીઓથી સાહિત્યકારોને આકર્ષી રહ્યાં છે. વિનોદ જોશીનું ‘સૈરન્ધ્રી’ પણ આવા જ કોઈક અદમ્ય આકર્ષણની ફળશ્રુતિ છે.

વિનોદ જોશી. ૧૩-૦૮-૧૯૫૫ના રોજ ભોરીંગડા (અમરેલી) ગામે જન્મ. વતન બોટાદ. પિતા હરગોવિંદદાસ તરફથી વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારમંડિત ભાષાની દેન મળી તો માતા લીલાવતીબેન લોકગીતોની તળ ભાષાના રક્તસંસ્કારનું નિમિત્ત બન્યાં. પાંચમા-છઠ્ઠા ધોરણમાં પ્રાસનિયોજના તો દસમા-અગિયારમા ધોરણમાં સંસ્કૃત વૃત્તોમાં ખેડાણ હસ્તગત થઈ ગયું હતું. ૧૮ વર્ષની વયે તો એ જમાનામાં કવિઓ માટેનો સૌથી દુર્ગમ ગઢ ગણાતા કુમારમાં એમની કવિતા પ્રગટ થઈ હતી. ભજનમંડળીઓમાં મંજીરાં અને નગારું વગાડવાની ટેવના કારણે લય પાકો થયો. કિશોરાવસ્થામાં ખેતી કરતા, ઢોર ચરાવતા, કોસ પણ ચલાવતા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક, ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ, ડીન અને કુલપતિ તરીકે એમણે સેવા આપી છે.

કવિતા ઉપરાંત નવલિકા, વિવેચન, આસ્વાદ અને સંપાદનના ક્ષેત્રમાં આગળ પડતું કામ. કવિતાના નાનાવિધ પ્રકારોમાં ખેડાણ, પણ ગીત એમનો વિશેષ. ‘તુણ્ડિલતુણ્ડિકા’માં એ મધ્યયુગીન પદ્યવાર્તાનો નવોન્મેષ સાધે છે, તો ‘શિખંડી’ અને ‘સૈરન્ધ્રી’માં તેઓ પ્રબંધકાવ્યને આપણી વચ્ચે લઈ આવે છે. ‘મોરપિચ્છ’ નામે પત્રનવલકથા (epistolary novel) પણ એમણે આપી છે. ગામઠી બોલીમાં સ્ત્રીઓના નાજુકતમ મનોભાવોને હળવે હાથે ઉઘાડવાની એમને હથોટી છે. આધુનિક ગુજરાતી ગીતને નવો અર્થ આપનાર કવિઓમાં મોખરાનું નામ. એમની કવિતાઓમાં સૌરાષ્ટ્રના ગામડાંઓ, રિવાજો, લોકો અને લોકબોલી સતત ધબકતાં જોવાં મળે છે. સુરેશ દલાલે કહ્યું હતું: ‘અહીં આપણને તળપદાં ગીતોનું એક નાનકડું તળાવ મળે છે. આ તળાવ “નિજમાં પરિતૃપ્ત” છે.’

સૈરન્ધ્રી’ પ્રબંધકાવ્ય છે. પ્રબંધકાવ્ય એટલે કોઈ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર ચિત્રણ કરતું આખ્યાન શૈલીનું મધ્યયુગીન કથાકાવ્ય. આપણે ત્યાં તેરમી-ચૌદમી સદીમાં એ વિશેષ લખાતાં. ‘પ્ર’ એટલે પ્રશિષ્ટ/પ્રકૃષ્ટ (ઉત્તમ) અને ‘બંધ’ એટલે બાંધણી. પ્રશિષ્ટ રીતે ગૂંથાયેલી-રચાયેલી કૃતિ એટલે પ્રબંધ. ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટના કે વ્યક્તિની આસપાસ કથાગૂંથણી, પાત્રો, રીતિરિવાજો, તહેવારો, માન્યતાઓની સાથોસાથ કવિસહજ છૂટ લઈ કથાને મદદરૂપ પ્રસંગોની ઉમેરણી કે છંટણી વડે પ્રબંધકાવ્ય રચાય છે. સંસ્કૃત મહાકાવ્યની નાની પ્રતિકૃતિ જ ગણી લ્યો ને! વીરરસ એનો મુખ્ય રસ છે પણ શૃંગારાદિ રસોનોય એમાં છોછ નથી. પ્રબંધના નામ વિશે જો કે એકમત જોવા મળતો નથી. ગુજરાતીમાં ‘રાસ’ અને ‘પ્રબંધ’ વચ્ચે ઝાઝો અને સ્પષ્ટ ભેદ જોવા મળતો નથી. લાવણ્યસમયસૂરિ ‘વિમલ પ્રબંધ’માં પ્રારંભે ‘કવિયણ હું વિમલમતિ વિમલ પ્રબંધ રચેશિ’ લખ્યા પછી જાતે જ કાવ્યાંતે પોતાની કૃતિને ‘રાસ’ કહે છે. પદ્મનાભના વિખ્યાત ‘કાન્હડદે પ્રબંધ’ (ઈ.સ. ૧૪૫૬) માટે ‘કાન્હડચરિત્ર’, ‘કાન્હડદેની ચુપઈ’, ‘કાન્હડદેનું પવાડઉ’ ‘શ્રી રાઉલ કાન્હડદે પાવડુ રાસ’ નામ પણ મળી આવે છે. પ્રબંધ જો કે ગદ્યમાં પણ મળી આવે છે, જેમ કે મેરૂતુંગ રચિત ‘પ્રબંધ ચિંતામણિ’ અને રાજશેખર સૂરિ રચિત ‘ચતુર્વિશતિ પ્રબંધ.’ ઈ.સ. ૧૧૮૫માં લખાયેલ શલીભદ્રસૂરિ લિખિત ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ને પ્રથમ પ્રબંધ કૃતિ ગણવામાં આવે છે. ગુજરાતીમાં ઈ. સ. ૧૩૧૫માં અંબદેવસૂરિ રચિત ‘સમરારાસુ’ને પ્રથમ પ્રબંધ ગણાય છે.

મોરારીબાપુની નિશ્રામાં તલગાજરડામાં થતા સુંદરકાંડના સમૂહપાઠના પ્રતાપે કવિચિત્તમાં વમળાયા કરતા ચોપાઈ અને દોહરા સૈરન્ધ્રીની છંદસામગ્રી બન્યા છે. કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના અને પછી મુખ્ય કાવ્ય સાત સર્ગમાં વહેંચાયેલું છે. દરેક સર્ગમાં સાત ખંડ અને દરેક ખંડમાં આઠ ચોપાઈ અને બે દોહરા છે. આમ પ્રાર્થનાની વીસ પંક્તિઓ સાથે કુલ ૧૭૮૪ પંક્તિઓનું દીર્ઘકાવ્ય એટલે સૈરન્ધ્રી. સમગ્ર કાવ્યમાં અ-અ-બ-બ પ્રમાણે ચુસ્ત પ્રાસ પ્રયોજાયા છે, સિવાયકે સર્ગ પ્રથમ, ખંડ પ્રથમ, જેમાં બીજી-ચોથી પંક્તિ વચ્ચે જ પ્રાસ મેળવાયા છે. બની શકે કે કાવ્યારંભ આ રીતે કર્યા બાદ કવિને બે પ્રાસ વચ્ચે અંતર રાખવાના બદલે ચુસ્ત પ્રાસાવલિ વધુ માફક આવી હોય. પંક્તિએ પંક્તિએ પાણીના રેલાની જેમ આવ્યા કરતી વર્ણસગાઈ તથા આંતર્પ્રાસ પ્રાસાવલિથી સર્જાતા સંગીતને ઓર અનુરણનાત્મક બનાવે છે: ‘અણજાણ, અકલ્પિત… અવગુંઠિત ઓળખ’, ‘વિસંગત વેશ’, ‘અજંપ અંતરના અંધારે અકળ (છુપાયા) અંત’, ‘મઘમઘ મંજુલ સ્વેદ સવાયા, નેત્ર નિમીલિત ઘેન ગભીરાં’, ‘ચંચળ ચપળા ચારુ ચકોરી’ વિ. આ સિવાય અવારનવાર જોવા મળતો અંતર્પ્રાસ સોનામાં સુગંધ જેવો અનુભવાય છે: ક્ષતવિક્ષત, નિજતા-નિજને, છાક-છલકશે, અનંગ-સંગ-અંગ-રંગ, સુભગ-સુવક્ષા વિ. ઝડપભેર ભૂંસાતા જતા સુચારુ સંસ્કૃત શબ્દો અને શબ્દાવલિઓ પંક્તિએ-પંક્તિએ વિપુલમાત્રામાં અને અત્યંત સાહજીકતાથી પ્રયોજીને કવિએ ગુજરાતી ભાષાને જે રીતે કામે લગાડી છે એ આજની તારીખે તો દુર્લભ જ ગણી શકાય. શબ્દકોશ સાક્ષાત કવિતાનો અવતાર લે ત્યારે ‘સૈરન્ધ્રી’ જન્મે છે. દોઢ દાયકા સુધી કવિની ભીતર ઘૂંટાતું રહેલ સૈરન્ધ્રીનું પાત્ર આખરે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર કાગળ પર અવતરણ પામ્યું.

સૈરન્ધ્રીની કથા તો મોટાભાગનાને વિદિત હશે જ. મહાભારતમાં ચોપાટની રમતમાં બધું જ હારી ગયા બાદ પાંડવોને શરત મુજબ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસની ફરજ પડી. અજ્ઞાતવાસમાં ઓળખાઈ જાય તો વળી બાર વર્ષ વનવાસ અને વળી અજ્ઞાતવાસ. પાંડવો અને દ્રૌપદીએ ગુપ્તવેશે મત્સ્યદેશમાં વિરાટરાજાની વિરાટનગરીમાં અજ્ઞાતવાસ કર્યો. દ્રૌપદી રાણી સુદેષ્ણાની દાસી સૈરન્ધ્રી તરીકે રહી. સુદેષ્ણાનો ભાઈ અને વિરાટ રાજાનો સેનાપતિ કીચક સૈરન્ધ્રી પર મોહી ગયો અને યેનકેન પ્રકારે એને વશ કરવા ચાહી. ગુપ્તવેશે રહેલા મહાવીર પતિઓ અને ખુદ રાજા વિરાટ મદદે ન આવ્યા ત્યારે દ્રૌપદીએ ભીમનું શરણું લીધું. ભીમે દ્રૌપદીની મદદથી કીચકને નાટ્યશાળામાં બોલાવી મલ્લયુદ્ધમાં એને ખતમ કર્યો. કીચકના ૧૦૫ ભાઈઓએ ગુસ્સામાં સૈરન્ધ્રીને બાંધીને કીચક સાથે બાળવા કોશિશ કરી પણ ભીમે એ તમામને મૃત્યુના ઘાટ ઉતારી દીધા. આ મૂળ કથા અને વિનોદ જોશીની સૈરન્ધ્રીમાં થોડું અંતર છે. કવિ કહે છે: ‘અહીં મૂળ કથાને સ્હેજ ઝાલી તેનાથી છેડો ફાડી નાંખ્યો છે, એટલે કોઈને વ્યાસોચ્છિષ્ટ મહાભારતથી અહીં કશુંક જુદું હોવાનો ભાર લાગે તેવું બને.’ પ્રસ્તુત કાવ્યમાં સૈરન્ધ્રી કીચક પર જાતે પ્રહાર કરે છે, અને એનું મૃત્યુ થાય છે. વળી ચિતા પર આરુઢ થવા પણ એને બાંધીને બળજબરીથી લઈ જવી નથી પડતી. ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો’ના ડરથી વ્યાકુળ દેખાતા પાંડવો પર દૃષ્ટિપાત કરીને, રાજાની સજા સ્વીકારીને, એ જાતે સ્વયંસિદ્ધા, ઓજસ્વિની, નિર્ભીક અને ગૌરવાન્વિત થઈ ચિતા પર ચડે છે.

કાવ્યારંભે કવિ સરસ્વતીને પ્રાર્થના કરી કહે છે કે વીજળીઓ કાપીને કલમ બનાવી છે ને ગુમાનની પાઘડીઓ પડખે મૂકી દીધી છે. કવિને આખા કાગળનોય અભરખો નથી, એક ખાલી ખૂણાની અને વૈખરીએ બાઝેલ લૂણો દૂર થાય એટલી જ સ્પૃહા છે. પ્રાર્થના તો લાંબી છે પણ આટલી સભાન તૈયારી હોય તો જ સર્જન ઉમદા થઈ શકે. કવિએ પોતે ક્યાંક લખ્યું છે: ‘કાવ્યસર્જન અંગે હું નિર્ભ્રાન્ત થઈ શકતો નથી. એ ભાષાની કલા છે તેથી ભંગુર છે એમ હું સ્પષ્ટપણે માનું છું. સાહિત્યની કલા ભાષાની કલા હોવાના કારણે તે હંમેશા અધૂરો અનુભવ આપનારી છે. મને મનુષ્યનિર્મિત આ માધ્યમ પહેલેથી જ અપૂરતું લાગ્યું છે. પણ સાહિત્યકારે લખવાનું તો ભાષામાં જ હોય છે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે.’ આ કાવ્ય ‘સ્ત્રીને’ અર્પણ કરાયું છે પણ તે પાછળ ‘કોઈ સભાન નારીવાદી અભિગમ નથી’ એ કવિએ સ્પષ્ટ કર્યું હોવા છતાં કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે કવિની સૈરન્ધ્રી એ મહાભારતની મહાનાયિકા અને અગ્નિકન્યા દ્રૌપદી ઓછી અને એક સામાન્ય સ્ત્રી વિશેષ છે, જેના મનોભાવો કવિકેમેરાનું પ્રમુખ ફૉકસ છે. શરૂઆત થાય છે:

વિવશ સાંજ, નભ નિરાલંબ,
નિસ્પંદ સમીર નિગૂઢ,
એક યૌવના નતમુખ ઊભી,
વ્યગ્રચિત્ત સંમૂઢ. (૦૧-૦૧:૦૧)

શીર્ષક સ્પષ્ટ કરી દે છે કે આ નતમુખ વ્યગ્રચિત્ત સંમૂઢ યૌવના એટલે સૈરન્ધ્રી. ઓળખ ખોવાનું દુઃખ સૌથી મોટું દુઃખ છે. માણસ આજીવન ઓળખ બનાવવા મથે છે, જ્યારે અહીં તો મજબૂરવશ પોતાનો પરિચય લુપ્ત કરવાની ફરજ પડી છે. એટલે આ સાંજ વિવશ છે. પાંખમાં રાતનું અંધારું લઈ આવતો સાંજનો સમય આમેય ઉદાસીનો દ્યોતક છે. વળી, આકાશ પણ આધાર વિનાનું છે. પવન ન માત્ર સ્પંદરહિત છે, પાંડવોની જેમ જાણે અજ્ઞાતવાસમાં ન હોય એમ ગાયબ પણ છે. મૂઢ થઈ ગયેલ વ્યગ્ર ચિત્તે યૌવના મુખ નીચું કરીને ઊભી છે. માત્ર ચાર પંક્તિઓના લસરકાથી જ કવિએ પાંડવોના અજ્ઞાતવાસને તાદૃશ કરી બતાવ્યો છે. કવિના જ શબ્દોમાં, ‘સહુ કોઈ નિજતાથી વિખૂટા પડેલા છે. આંતરબાહ્ય બંને વ્યક્તિત્વનો મેળ પાડી ન શકાય અને સમાધાન કરવા છતાં બંને પીડતાં જ રહે તેવી દયનીય વિભીષિકાથી સહુ કોઈ ગ્રસ્ત છે તેવા અકાટ્ય વાસ્તવની ભોંય પર આ કાવ્યનાં મંડાણ છે.’ ઓળખ ન હોવા કરતાં હોય એ ગુમાવીને જીવવું વધું કપરું છે. ‘હસ્તિનાપુરની મહારાણી, એ તો કેવળ ભાસ’ હોવાની વાત સૈરન્ધ્રી સમજે છે. એને સ્ત્રીસહજ પ્રશ્ન પણ થાય છે કે ‘મહારાણીપદની અધિકારી તો પણ અનુચર કેમ?’ હોવા કરતાં ન હોવાનું દુઃખ વધુ સનાતન હોય છે.

કવિ વિનોદ જોશી આજની ગુજરાતી ભાષાના કાલિદાસ સમાન છે. પ્રકૃતિની સાથોસાથ અહીં સંભોગશૃંગાર પણ ગરિમાપૂર્ણ પ્રગલ્ભતાથી ગિરા ગુર્જરીને ભીંજવી રહ્યો છે. સુદેષ્ણા અને વિરાટ રાજાની કામકેલિ એનું પ્રથમ દૃષ્ટાંત છે. રાણીનું અંતઃપુર અને અંતર બંને અલબેલા સોહી રહ્યાં છે. ‘સાંધ્ય સમય’ અંગે ઓઢીને કામ સુદેષ્ણા સાથે ક્રીડે છે. એ ‘રસસભર વિલાસી’ વિરાટ ‘પ્રતિપળ કરશે સંગ સુહાસી’ વિચારીને સૈરન્ધ્રીને પોતાને મિલનરાત્રિ માટે શૃંગાર કરવા આદેશ દે છે. સુદેષ્ણા ‘પુલકિત ગાત્ર થકી મન મોહે’ છે. એના ‘કુસુમિત અંગ’માં ‘સકંપ સલૂણા’ જાગે છે અને ‘કિસલયકૂણાં’ સ્પંદનો ધબકે છે ત્યારે વરણાગી સાંજ વિલીન થઈ જાય છે ને ‘મુદિત રાત મલકીને જાગી’ જાસય છે. સંભોગવેળાએ સુદેષ્ણાએ ‘કેવળ સંગે સ્ત્રીપદ રાખ્યું, ભાર્યારૂપ વિદારી નાંખ્યું’ છે. એણે સમજીને પોતાની રાણી તરીકેની ‘ઓળખ સકળ ફગાવી દીધી’ છે અને ‘માત્ર પુરુષની વ્યાખ્યા કીધી’ છે એટલે જ –

મલયજ મુકુરિત ઉષ્ણ પયોધર,
અધર કસુંબલ છીપ સહોદર;
અંગે અંગ લયાન્વિત ઝરણું,
સઘળું લાગ્યું સોનલવરણું. (૦૩-૦૩:૦૩)

રક્તચાપ આસ્ફાલન ભરતો,
મુદિત મદન વિદ્યુતગતિ ફરતો;
શ્વસન ઉષ્ણ અફળાયાં ઉચ્છલ,
હાંફી રાત રસીલી કજ્જલ. (૦૩-૦૩:૦૪)

છાક છલકતા ઉત્સવવંતી’ સૈરન્ધ્રીનું ‘ચિત્ત વિચિત્રે વિચારે ચડતું’ દેખાય છે. સ્ત્રીસહજ એ પણ અનુભવે છે કે ‘હું પણ સ્ત્રી શતરૂપા સુંદર, હું પણ પામું પુરુષ નિરંતર’. ‘સંગે પતિ પણ સંગ ન પામું’ અને ‘પાંચ પાંચ પતિ પણ એકાકી’થી વિકટ વેદના અવર કઈ હોઈ શકે? આભાસી પરિચય પહેરેલ આ ‘કેવળ દાસી’ પોતાને ‘પુરુષમાત્રની હું અધિકારી’ સમજતાં વિચારે છે:

ચુંબિત મર્દિત સુરભિત કાયા
શ્વસન ઉષ્ણ, મસૃણની માયા;
મન્મથ ફુલ્લપ્રફુલ્લ વિલાસી,
હું પણ સહજ સંગ અભિલાષી. (૦૧-૦૩:૦૬)

આવો અદભુત અને વિવેકપૂર્ણ સંભોગશૃંગાર આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે. સૈરન્ધ્રીના અપ્રતીમ સૌંદર્યને પણ કવિની કલમ અક્ષરોના ટાંચણાથી આકાર આપે છે. મણિલાલ પટેલે નોંધ્યું છે: ‘વિનોદ જોશીના ગીતોમાં રતિનું, સંયોગ-શૃંગારનું આલેખન વધારે છે. રંગદર્શિતા રતિ-આલેખન વેળાએ આક્રમક બનતી લાગવા છતાં એ સંયમની સીમા લોપતી નથી.’

નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા,
મુગ્ધ વસંતી શૈશવમુક્તા;
રક્તચાપના સહે ઉછાળા,
યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા. (૦૨-૦૧:૦૨)

યાજ્ઞસેની દ્રૌપદીનો જન્મ યજ્ઞકુંડમાંથી પૂર્ણયૌવનાસ્વરૂપે જ થયો હતો. કવિ એને શૈશવમુક્તા અને નિત્ય યૌવનયુક્તા કહીને બે જ વિશેષણથી કેવું સર્વાંગી વિવરણ આપે છે!

ચારુ વદન તન મુદિત નિરંતર,
મુકુરિત યૌવન મત્ત મનોહર;
પૃથુલ જઘન કુચ અધિક વિશાલા,
નાભિ ગભીર ક્ષીણ કટિમાલા. (૦૪-૦૨:૦૪)

સુંદર ચહેરો, નિત્ય પ્રફુલ્લિત કાયા, મત્ત કરી મન હરે એવું કળી જેવું યૌવન, ભરાવદાર જાંઘ, એથીય વિશાળ સ્તનમંડળ, ઊંડી નાભિ અને પાતળી કમરવાળી ‘નારી એક કિન્તુ શતરૂપા’ દ્રૌપદીનું આ વર્ણન તો ખુદ કામદેવનેય ચલિત કરી દે, તો બિચારા કીચકની શી વિસાત! તો ઉત્તરાનું સૌંદર્ય પણ પૂર્ણમાસી ચંદ્ર જેવું વિલાસ્ય છે: ‘અનુપમ અંગુલિમુદ્રા ઓપે, પ્રગટ ભાવ પળભરમાં લોપે; ચંચળ ચપળા ચારુ ચકોરી, ઝળહળ જાણે સ્વર્ણકટોરી.’ ‘મૃગનયની’ ઉત્તરા ‘મલકે મૃદુ એવું, જલતરંગની ઝંકૃતિ જેવું’ અને એ ‘નેણકટાક્ષે વદતી વાણી.’ એની ‘શ્યામવર્ણ કદલી સમ કાયા, સ્વર્ગલોક શી મધુમય માયા’ જ છે જાણે. એની ‘કાંચનકટિ’ ને ‘વિદ્યુતરેખ સમી ગતિશીલા’ અને ‘નયનકટાક્ષ રસીલા’ જોઈને સૈરન્ધ્રીને થાય છે કે ‘સ્વતઃ કરી ભાર્યાથી છલના’ બૃહન્નલા બનેલ અર્જુન ‘મોહ્યો કંથ વિલોકી લલના.’ અર્જુન જો કે કિન્નરવેશે એને નૃત્ય શીખવતો હોય છે અને ઉત્તરા તો અભિમન્યુની પત્ની બને છે પણ અજ્ઞાનવશ સ્ત્રીસહજ ઈર્ષ્યાભાવને કવિએ જે રીતે આલેખ્યો છે એ ધ્યાનાર્હ છે.

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ વિશે વિગતવાર માહિતી આવતા અંકે…)

(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

શ્યામરંગ સમીપે : કૃષ્ણપ્રીતિની કવિતાનો કલરવ – શિરમોર કવિ વિનોદ જોશી સાથે કાવ્યસંગત | ઓક્ટોબર ૨૨, ૨૦૨૩ રવિવાર | શ્રીમય કૃષ્ણધામ હવેલી, સાન હોઝે

બેવીપી (BAYVP) અને ગુજરાતી સાહિત્ય-સંગીતપ્રેમી શુભેચ્છકો પ્રસ્તુત કરે છે –

શ્યામરંગ સમીપે

કૃષ્ણપ્રીતિની કવિતાનો કલરવ – શિરમોર કવિ વિનોદ જોશી સાથે કાવ્યસંગત
લોકપ્રિય ગીતોની સંગીતમય પ્રસ્તુતિ કરશે સુપ્રસિદ્ધ ગાયિકા હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

તારીખ : ઓક્ટોબર ૨૨, ૨૦૨૩ રવિવાર
સમય : બપોરે ૧:૦૦ થી ૩:૩૦
સ્થળ : શ્રીમય કૃષ્ણધામ હવેલી, સાન હોઝે

વિનોદ જોશીનો વિશેષ પરિચય :
ગ્રામીણ અને પ્રશિષ્ટ ભાષાની રસદીપ્તિથી સોહતાં કાવ્યોના, અસંખ્ય એવોર્ડથી પુરસ્કૃત આ કવિ ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર, ડીન અને કુલપતિ તેમજ ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હીના કન્વીનર રહી ચૂક્યા છે. એમનાં ગીતોની મોહિનીએ ગુજરાતીઓને ગાતાં કરી દીધાં છે. એમની કૃતિઓ રાષ્ટ્રીય સ્તરે પોંખાઈ છે અને તેના વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે. એમને સાંભળવા એ પ્રત્યેક ગુજરાતી માટે કાનનો ઉત્સવ છે.

આત્મીય સહકાર –
જયશ્રી વિનુ મર્ચન્ટ, જિગીષા દિલીપ પટેલ અને
હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ (સ્વરાંજલિ મ્યુઝિક)

https://bayvp.org/event/shyamrang-samipe-with-vinod-joshi-hetal-jogidar-brahmbhatt/

એ પળ હજી ન ભાળી – વિનોદ જોષી

સ્વયં કવિશ્રીના અવાજમાં આ ગીતનું પઠન પણ એટલું જ સુંદર!

એ પળ હજી ન ભાળી,

હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,

ઊભી ધાર ન ફાવે એને હોય વ૨સવું ત્રાંસું,

ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,

પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;

ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

– વિનોદ જોષી

[કાવ્ય સંગ્રહ – ખુલી પાંખે પિંજરમાં]

પરપોટો ઊંચકીને… – વિનોદ જોશી [કાવ્યસંગ્રહ – ‘ખુલ્લી પાંખે પિંજરમાં’]

​​કવિશ્રી વિનોદ જોશીના ૨૦૨૩માં પ્રકાશિત કાવ્યસંગ્રહ – ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ માં સમાવિષ્ટ એમના નવા કાવ્યો આપ સૌની સમક્ષ રજૂ કરતાં ખૂબ આનંદ થાય છે.

સ્વયં કવિશ્રીના અવાજમાં આ ગીતનું પઠન પણ એટલું જ સુંદર!

પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ,

હવે દરિયો લાવું તો કેમ લાવું ?
વાદળ ઓઢીને સ્હેજ સૂતી, ત્યાં
ધોધમાર વરસાદે લઇ લીધો ભરડો,
વીજળી ઝબાક પડી પંડમાં
તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝ૨ડો;
વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
હવે અમથી આવું તો કેમ આવું ?

નખની નમણાશ મારી એવી કે
પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
પાંપણ ફરકે ને હવા બેઠી થઇ જાય
પછી એનાંથી હું જ ઓલવાતી;
ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
હવે સૂરજ વાવું તો કેમ વાવું ?

વિનોદ જોષી

ગુજરાત! તને હો વંદન..! – વિનોદ જોષી

ગુજરાત સ્થાપના દિવસે કવિ શ્રી વિનોદ જોશી રચિત ગુજરાત ગૌરવનું ગાન ગાતું આ ગીત રજૂ કરતાં અત્યંત આનંદ થાય છે.
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસની અઢળક શૂભેચ્છાઓ!

જય હે, જય ગુજરાત ! તને હો વંદન અપરંપાર,
કરી તેં જ ભારત માતાની સ્વતંત્રતા સાકાર…

સત્યાગ્રહની પરમ જ્યોત પ્રગટી તારાં પ્રાંગણમાં,
દાંડીકૂચ તણાં પગલાં પરખાય હજી કણકણમાં;
મુક્તિદૂત ગાંધીનો આપ્યો તેં અનુપમ ઉપહાર,
તને હો વંદન અપરંપાર…

શૂરવીર રજવાડાં તારે અંક અનેક વિરાજે,
સહુ વિલીન થઈ ભળ્યાં પરસ્પર રાષ્ટ્રહિતને કાજે;
તારું ગૌરવ સદા સુહાવે લોહપુરુષ સરદાર,
તને હો વંદન અપરંપાર…

શ્યામકૃષ્ણ વર્મા, રવિશંકર, ઇન્દુલાલ ને રાણા,
વિદ્યાગૌરી જેવાં વિવિધ રાષ્ટ્રભક્તિનાં થાણાં;
મેઘાણી, શ્રીધરાણીના પડઘાય કાવ્યઉદ્ગાર,
તને હો વંદન અપરંપાર…

પાવન તારી અમર અસ્મિતા ઉન્નત ભાવભરેલી,
કરે ગર્વ ગુજરાતી તારા વત્સલ ખોળે ખેલી;
તું સદૈવ છે દિવ્ય ક્રાંતિનો ગહન ગેબ લલકાર,
તને હો વંદન અપરંપાર…

– વિનોદ જોષી



હે પુનિત પ્રેમ ! – વિનોદ જોશી

સ્વર : શેખર સેન
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

હે પુનિત પ્રેમ ! પરબ્રહ્મ યોગી રસરાજ !
તવ વિમલ સ્પર્શ થકી મુદિત ચિત્ત મમ આજ …

ધર મુકુલ માલ કર બિંદુ ભાલ
રગ રગ ગુલાલ હે વસંત
ભવરણ અજાણ મહીં કરું પ્રયાણ
લઈ તવ સુચારુ સંગાથ ;
આ સકલ સ્પંદ અવ અધીર અર્ચના કાજ…

અવસર પ્રફુલ્લ પુલકિત નિકુંજ
ઝળહળત પુંજ ચોપાસ,
અવિરત લસંત ભરપૂર વસંત
અંતર રમંત મૃદુ હાસ;

તું અકળ સૂર અવકાશ એ જ તવ સાજ…

– વિનોદ જોશી

તું જરાક જો તો, અલી ! – વિનોદ જોશી

સ્વર : હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

તું જરાક જો તો, અલી !
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી.

ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ,
વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;
હું હવા વગર હલબલી !

ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ,
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;
હું મટી ગઈ મખમલી !

કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ,
પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;
હું તળીયામાં છલછલી !

– વિનોદ જોશી

આ રીતે મળવાનું નંઈ! – વિનોદ જોશી

પઠન: વિનોદ જોશી

.

જો, આ રીતે મળવાનું નંઈ !
દરિયો તો હોય, તેથી નદીએ કંઇ દોડીને,
આ રીતે ભળવાનું નંઈ!

પાંદડી ગણીને તને અડક્યો ને મારામાં
ઊડઝૂડ ઊગ્યું એક ઝાડ,
ખિસકોલી જેમ હવે ઠેકીને
એક એક રુંવાડે પાડે તું ધાડ;

છીંડું તો હોય, તેથી ઊભી બજારેથી,
આ રીતે વળવાનું નંઈ!

એમ કાંઈ એવું કહેવાય નહીં
કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ,
જેમ કે અનેક વાર તારામાં
ભાંગીને ભુક્કો હું થઇ જાતો રોજ;

જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને,
આ રીતે દળવાનું નંઈ!
– વિનોદ જોશી

બહુ એકલવાયું લાગે – વિનોદ જોશી

પઠન – વિનોદ જોશી

.

ઝાડ એકલું અમથું અમથું જાગે,
બહુ એકલવાયું લાગે…

પવન પાદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;

બંધ પોપચાં મીઠ્ઠા શમણાં માગે,
બહુ એક્લવાયું લાગે….

દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
બહુ એકલવાયું લાગે….

અંધારાને અભણ આગિયા પાડે રોજ ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;

રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
બહુ એકલવાયું લાગે..

– વિનોદ જોશી