Category Archives: પુરુષોત્તમ પર્વ

પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… – ભાસ્કર વોરા

ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેવું આ મઝાનું ગીત.. અને ટહુકો પર ઐશ્વર્યા – પુરુષોત્તમભાઇ – લતા મંગેશકરના અવાજમાં ઘણા વખતથી ગુંજતું.. આજે ફરી એકવાર માણીએ – લોકલાડીલ કલાકાર – ગુજરાતનું ગૌરવ એવા પાર્થિવ ગોહિલના સ્વરમાં..! (April 2007 માં આ સંભળાવવાનો વાયદો કર્યો હતો.. આજે પૂરો કરું છું 🙂 ).

ગુજરાત સમાચાર – સમન્વય પ્રોગ્રામનું આ રેકોર્ડિંગ છે – શરૂઆતમાં કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ એ પાર્થિવ વિષે જે વાત કરી છે – એ સાંભળવાની પણ મજા આવશે..!

This text will be replaced

_________________________________
Posted on August 16th, 2009

ગઇકાલે વ્હાલા, લોકલાડીલા ગુજરાતી સંગીતનો શ્વાસ એવા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો ૭૫મો જ્ન્મદિવસ આપણે એમને થોડા વધુ નજીકથી ઓળખવાના પ્રયાસ રૂપે અમરભાઇ અને એમની દીકરીઓ વિરાજ-બીજલના શબ્દો-ભાવો સાથે મનાવ્યો…

અને આજથી એક અઠવાડિયા સુધી વારંવાર એમને ‘તુમ જીઓ હઝારો સાલ.. સાલમેં ગીત ગાઓ પચાસ હઝાર…’ ની શુભેચ્છાઓ પાઠવીએ. એટલે કે ટહુકો પર એક અઠવાડિયા સુધી એમણે ગાયેલા, સ્વરબધ્ધ કરેલા ગીતો નો ઉત્સ્વ મનાવીએ.. ‘પુરુષોત્તમ પર્વ’ સાથે..

અને શરૂઆત આ ગીતથી.. જે આમ તો ટહુકો પર છેલ્લા લગભગ અઢી વર્ષથી ઐશ્વર્યા (જેણે સંગીતની તાલીમ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે જ લીધી છે) ના અવાજમાં ગુંજે જ છે, એ જ અણમોલું ગીત સાંભળીએ સ્વરકારશ્રી ના પોતાના અવાજમાં.. અને સાથે ૫૦ વર્ષ પહેલાનું (મે ૧૯૫૯) ‘All India Radio’ પરથી પ્રકાશિત રેકોર્ડિંગ – લતા મંગેશકરના અવાજમાં.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વરકારની ૭૫મી વર્ષગાંઠ ઉજવતા હોઇએ, તો આનાથી ઓછું કંઇ ચાલે? 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

સ્વર : લતા મંગેશકર (May 1959, AIR Broadcast)

This text will be replaced

—————————

Posted on April 3, 2007

ગાયકઃ ઐશ્વર્યા મજમુદાર (13 years old singer from Ahmedabad)

ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાને દરબાર રાજ કરે એવું સુંદર ગીત લઇને આવી છું આજે. એકદમ ટૂંકુ ગીત.. હજુ વાંચવાનું શરુ કરો ત્યાં તો પૂરું પણ થઇ જાય.. પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે….શબ્દ અને સૂરની સાથે સાથે આ ગીતમાં જેનો સ્વર છે, એ પણ ખાસ છે. નાનકડી એશ્વર્યાએ આ ગીતના શબ્દોમાં ખરેખર પ્રાણ રેડ્યો છે એમ કહી શકાય.

( ઐશ્વર્યા મજમુદાર વિશે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો )

આ ગીત originally પુરૂષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું અને પછીથી પાર્થિવ ગોહિલે પણ ગાયેલું છે, જે પછીથી અહીં મૂકીશ.

.

હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર…

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર….વણથંભી વાગે કોઇ સિતાર

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર…વણથંભી વાગે કોઇ સિતાર

ટહુકોના એક વાચકમિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમી સંપૂર્ણતઃ પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે- જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. હૈયામાં દરબાર ભરાયો છે, અને દરબાર ભરાયો છે તો એમાં દુન્યવી વાતો તો થવાની જ- પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ કાંઈ અનોખી હોય છે! “કોઈ મને ખૂબ પ્રેમ કરે છે” આ વિચારમાત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને સતત ધબક્યા કરે છે…. અને એની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંદરના અંતરનો એકતારો સતત “સાંવરિયો” “સાંવરિયો”નું સંગીત રેલાવતો હોય છે, પલેપલ પ્રીતિના પલકાર મારતો હોય છે.

ક્યારેક પ્રશ્ન થાય કે દીવો બળે છે કેમ? માનવનું જીવન ધબકતું છે કેમ? તો જેમ તેલ દીવાને બળતો રાખે છે, તેમ પ્રિયતમનો ભીનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની માનવની જીજીવિષા જીવંત રાખે છે. હૈયામાં જે વસી ગયું છે, એ લૈલા માટે મજનુ હોઈ શકે, ભગતસિંહ માટે ભારતમાતા હોઈ શકે, કે પછી મીરાં અને અર્જુન માટે શ્રીકૃષ્ણ પણ હોઈ શકે….આપણાં હૈયાંમાં પણ જ્યારે કોઈકની હુંફ રંગત જમાવશે, કોઈના ઝાંઝર હૈયાને હૂલાવશે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાતી હશે, કોઈની યાદે અકળિત આશાઓ જનમી ઊઠશે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણાં જીવનનો એક ભાગ બની જશે……!!
—————–
ફરમાઇશ કરનાર મિત્ર : યોગેશ ઠાકર.

પુરુષોત્તમ પર્વ 7 : સ્વર – સંગીતનો જાદુ….

૧૫ મી ઓગસ્ટે વ્હાલા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે એમનો ૭૫મો દિવસ મનાવ્યો, અને મને બહાનું મળી ગયું એક અઠવાડિયા સુધી સતત એમના ગીતો સંભળાવવાનું..!! આજે પુરુષોત્તમ પર્વનો છેલ્લો દિવસ, પણ પૂર્ણવિરામ હરગીઝ નથી. આ તો બસ એક અલ્પવિરામ છે.. વારે-તહેવારે અને મન થાય ત્યારે આપણે પુરુષોત્તમદાદાને સાંભળતા આવ્યા છે અને સાંભળતા જ રહીશું. એમણે મરીઝ સાહેબની એક ખૂબ જ સરસ ગઝલ સ્વરબધ્ધ કરી છે :

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

આ શેર મેં સાંભળ્યો ત્યારે મને ખરેખર એવું લાગ્યુ’તુ કે જાણે આ શેર મરીઝસાહેબે ફક્ત એમના માટે જ લખ્યો હોય..!!

એક અઠવાડિયું તો શું, એકાદ મહિના સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયના જ ગીતો સંભળાવ્યા કરું તો યે એમના ગમતા ગીતોનો ખજાનો ખૂટે એમ નથી. આજે કયું ગીત સંભળાવું તમને એ નક્કી જ ન કરી શકી, એટલે એકસાથે ઘણા બધા ગીતો લઇ આવી. સતત ૨ કલાક સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળવાની મજા આવશે ને? 🙂

અને હા, આજે બોનસમાં એક મઝાનો લેખ લઇને આવી છું. રિડિફ ગુજરાતી પર પ્રકાશિત દામિની દેસાઇ લિખિત – ‘વન્સ મોર પુરુષોત્તમ, વન્સ મોર..’ એક સ્વરકાર તરીકેનો પુરુષોત્તમ ઉપાધ્યાયનો સંઘર્ષ આમ તો આપણાથી અજાણ્યો નથી જ. પણ આ લેખ વાંચીને ચોક્કસ એમને નતમસ્તક મનોમન વંદન થઇ જશે.

આ લેખ ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ પાના પર ટાઇપ કરીને થોડા દિવસમાં જરૂર મુકીશ, પણ હાલ તો આ PDF થી કામ ચલાવીએ.

.

ઉપરના track માં કયા કયા ગીતો છે એની યાદી આપવાનું મન તો થયું એકવાર, પણ પછી લાગ્યું કે થોડું Surprise factor હશે તો તમને પણ સાંભળવાની વધુ મઝા આવશે..!

મોટાભાગના ગીતો જો કે તમે પહેલા ટહુકો પર સાંભળ્યા જ હશે, સાથે થોડા નવા ગીતો પણ છે જે ટહુકો પર શબ્દો સાથે મુકવાના બાકી છે. અત્યાર સુધી ટહુકો પર મુકેલા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરબધ્ધ – સંગીતબધ્ધ ગીતો અહીં ક્લિક કરી જોઇ શકો છો.

અને હા… પુરુષોત્તમ પર્વ મનાવવાની મને તો બહુ મજા આવી.. અને તમને?

પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) – વેણીભાઇ પુરોહિત

વેણીભાઇ પુરોહિતનું એકદમ મજાનું ગીત.. અને મારા જેવા આંખોમાં હંમેશા વાદળ લઇને ફરતા લોકો માટે એકદમ સાચી સલાહ 🙂
અને કોઇ live program નું recording હોવાથી સંગીત પણ એકદમ ઓછું, ફક્ત થોડું હાર્મોનિયમ.. જે ખરેખર તો શબ્દો અને સ્વરને શ્રોતા સામે વધુ અસરકારક રીતે રજૂ કરે છે.

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

કે નયણાં !
મત વરસો, મત વરસો :
કે નયણાં !
વરસી ને શું કરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું:
તો દર્દીલાં ખારાં જલનું
કયાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો, ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથા ડૂબી મરશો.
રે નયણાં ! મત વરસો, મત વરસો.

કોઇ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઇને કરગરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

પુરુષોત્તમ પર્વ 5 : તેં પથ્થર પસંદ કેમ કર્યો ? – અવિનાશ વ્યાસ

‘એક ગરવા ગુજરાતી’ આ લેખમાં વીણાબેને અવિનાશ વ્યાસનું ગીત ‘તેં પથ્થર પસંદ કેમ કર્યો’ વિષે વાંચ્યુ, ત્યારથી જ આ ગીત સાંભળવાની ખૂબ ઇચ્છા હતી.. આ અઠવાડિયું આપણે જ્યારે પુરુષોત્તમ પર્વ મનાવીએ છીએ, ત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય અને અવિનાશ વ્યાસનું નામ એકસાથે લીધા વગર ચાલે? બરાબર ૭ વર્ષ પહેલાનું – ઓગસ્ટ ૨૦, ૨૦૦૨ નું આ રેકોર્ડિંગ સાંભળીએ.. અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને સ્વરબધ્ધ થયેલું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : અવિનાશ વ્યાસ

This text will be replaced

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?

વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર

તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો

ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર

કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો

તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો

સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો

ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો

અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

– અવિનાશ વ્યાસ

પુરુષોત્તમ પર્વ ૪ : શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? – વિશનજી નાગડા

આજે કવિ-સ્વરકાર અને ગુજરાતી સંગીતમાં જેઓ હંમેશા ધબકતા રહેશે એવો વ્હાલા શ્રી અવિનાશ વ્યાસને એમની પુણ્યતિથિ એ હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!

અખૂટ શ્રધ્ધાના પ્રતિક સમી શબરીની વાતને કવિએ અહીં ખૂબ જ અસરકારક રીતે રજુ કરી છે.. અને આ ચોટદાર શબ્દોમાં જાદુ રેડ્યો છે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સંગીતે..!!

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું
નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને,

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી,
એક એક બોરને લાગ્યા હશે.

આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે ?
રામરામ રાત દિ’ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

– વિશનજી નાગડા