Category Archives: આનતી શાહ

હોઠ મલકે તો મોટી મહેરબાની – હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું વધુ એક મધમીઠું ગીત… ખબર નહીં કેમ, પણ હરીન્દ્ર દવેના હસ્તાક્ષર જાણે સ્પષ્ટ વંચાઇ આવે છે આ ગીતમાં… અને સાથે જ એમના બીજા કેટલાય, આવા જ મધુરા ગીતોનું સ્મરણ થઇ આવે… જેવા કે.. માંડ રે મળી છે … , નેણ ના ઉલાળો તમે ઊભી બજાર, અમોને નજરું લાગી ! , રે મન, ચાલ મહોબ્બત કરીએ…

ચલો, હું આ મઝાનું ગીત લઇ આવી… તો તમે સ્વરકાર – ગાયિકાને ઓળખી બતાવશો? 🙂

સ્વર: આનતિ શાહ
સંગીત: માલવ દિવેટીઆ

* * * * *

.

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!

મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;

તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

– હરીન્દ્ર દવે

(આભાર : pyarikavita)

તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા

લગભગ એક વર્ષ પહેલા શબ્દો સાથે મુકેલું આ ગીત આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર….

સ્વર – આનતી શાહ – નયનેશ જાની
સંગીત : નયનેશ જાની


.

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?