Category Archives: દિપાલી સોમૈયા

સૈયર તારા કિયા છૂંદણે – માધવ રામાનુજ

સંગીત :શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરઃ દિપાલી સોમૈયા ,સાધના સરગમ

.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર,
મંન ભરીને મોહે એવો કિયો ટૂચકો સૂઝયો સૈયર.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી,
સૈયર તારા ઉજાગરાની કિયા તારલે સાખ્યું પૂરી.
-માધવ રામાનુજ

હસે આંખડી ને ઢળે ચાંદની -રમણભાઇ પટેલ

શબ્દ :રમણભાઇ પટેલ
સંગીત :શ્યામલ-સૈમિલ મુન્શી
સ્વર : દિપાલી સોમૈયા
આલ્બમ :હસ્તાક્ષર

.

હસે આંખડી ને ઢળે ચાંદની
વિના ઊગે પૂનમની રાતડી
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

ભરી ફૂલવાડી ફૂલની કૂમાશથી
વિના મનગમતાં બોલની સુવાસ રે
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

મીઠી વાતોને ખીલી રહી રાતડી
વિના સંગાથે સરોવર પાળને
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

મુખડાની માયા લાગી રે – મીરાંબાઇ

જૂન ૧૫, ૨૦૦૯ માં મુકેલું આ મીરાંબાઇનું ગીત આજે બે અલગ સ્વરાંકનમાં……

સ્વર – દિપાલી સોમૈયા
સંગીત – આશિત દેસાઇ ?

સ્વર – કૌમુદી મુનશી
સંગીત – ?

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા

– મીરાંબાઇ

વાળી લીધું મન – જયંત પાઠક

હજુ થોડા મહિનાઓ – એપ્રિલ ૨૦૧૦ માં જ ટહુકો પર માણેલી આ કવિતા – આજે ફરી એકવાર, એક સૂરીલા સ્વર અને મઝાના સ્વરાંકન સાથે..!!

સ્વર : દિપાલી સોમૈયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુન્શી

પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન
હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન

સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન
રંગ રંગી, પ્હેરી લીધું ચીતર્ નિ:સંગ
ગલી ભણી નહીં, હવે ઉલટો જ પંથ !

પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !

એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે ;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનેમાનો
બાંધી લિયે આપણને પાકા કોઇ તારે.

વરસી વરસી પ્રિય વેરાયું વાદળ
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.

– જયંત પાઠક

અહીં કવિ ભલે કહે કે નિરાંત…. પણ એકવાર મન વાળી લીધાં પછી પણ કંઈ એટલી આસાનીથી કોઇને નિરાંત મળી છે..? વાતનો સરસ અંત તો બધાને લાવવો હોય, પણ કવિ સંજુ વાળા કહે છે ને –

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

અને કવિ પણ પોતાની વાતના અંતને ભલે ‘સરસ અંત’ કહેતા હોય – કવિતામાં કવિ જણાવી જ દે છે કે એ સરસ અંત એટલે શું? કવિના આકાશને હજીયે ઉઘાડ નથી.. રહ્યું સહ્યું જળ હજુ ગળ્યા કરે જ છે છતમાંથી..!! સાથે કવિ રમેશ પારેખ પણ યાદ આવે –

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

મારા લાલ રે લોચનિયામાં – અવિનાશ વ્યાસ

સ્વર – દિપાલી સોમૈયા
સ્વરાંકન – અવિનાશ વ્યાસ
આલ્બમ – અમર સદા અવિનાશ

મારા લાલ રે લોચનિયામાં રૂપની ઝલક આવી ગઈ
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

આવી ન આવી એ સૂરત શમણે, ત્યાં ક્યાં રે ખોવાઇ ગઈ?
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

છોને સૂરજ એ સૂરજ ના રહે, સુધા સુધાકરની ખૂટે,
છોને સમય નીજ સાજ બજાવીને ભાવી તારલીયાનું તેજ લૂંટે,

તૂટે ના તાર લાગ્યો હૈયાના હારનો, છોને થવાની થઈ,
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

પૂછો તો ખરા…. – અવિનાશ વ્યાસ

આજે ઘણાં દિવસો પછી આ ગીત ફરી ફરીને સાંભળ્યું. ખરેખર ગાયકોએ એવા ભાવથી આ ગીતને સ્વર આપ્યો છે કે જરા વાર માટે જો બાકીની દુનિયાથી અલિપ્ત થઇને ફક્ત આ ગીતમાં ધ્યાન પરોવો તો આંખમાં ભલે આંસુ આવે કે ન આવે, પણ હ્રદયમાંથી એક આહ જરૂર નીકળે..

2 વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુક્યું હતું – એ ઓનલાઇન રેડિયો પરથી record કરેલું ‘poor quality’નું ગીત હતું. ગીત સાંભળતા જ ગમી ગયેલું, એટલે એને ટહુકો પર મુકવાની લાલચ નો’તી રોકી શકી ત્યારે. અને આજે મને ‘better quality’ ની music file મળી – તો એને પણ તમને સંભળાવવી જ પડે, બરાબર ને ?

ફિલ્મ : પારકી થાપણ

સ્વરકાર : ગૌરાંગ વ્યાસ

love-hurts.jpg

સ્વર : આશા ભોઁસલે – બદ્રિ પવાર

.

ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા