Category Archives: મહેશ-નરેશ

સાચી રે મારી સત રે ભવાની માં

આજે નવરાત્રીના પહેલા દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – માણીએ આ ખૂબ જ જાણીતો ગરબો..

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
આલ્બમ : આદ્ય શક્તિ

* * * * *

સ્વર : ઉષા મંગેશકર અને વૃંદ​
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : ભાથીજી મહારાજ

* * * * *

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
નવ નવ રાતના નોરતાં કરીશ મા, પૂજાઓ કરીશ મા
ગરબો રે વિરાટનો ઝીલીશ મૈયા લાલ.

જ્યોતિ મા એક તારી છે જ્યોતિ,
તારા સતનું ચમકે રે મોતી,
શ્રદ્ધાવાળાને તારું મોતી મળે રે મા
માડી રે, મારી ભક્તિ ભવાની મા, રાણી ભવાની મા
હું તો તારા પગલા ચૂમીશ મૈયા લાલ.

તું તરનારની તારણહારી,
દૈત્યોને તે દીધા સંહારી
શક્તિશાળી ને તું તો જનેતા મા
માડી રે, મારી શક્તિ ભવાની મા
ભોળી ભવાની મા, હું તો તારા વારણા લઈશ મૈયા લાલ.

જગ માથે એક માયા રચાવી,
દરશન દે તું સામે રે આવી,
સુના સુના રે મારા મંદિરના ચોકમાં
માડી રે, આવ રમવા ભવાની મા રૂડી રે ભવાની મા
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ

ગરજ ગરજ વરસો – કાંતિ અશોક

સ્વર : આશા ભોસલેં, ઉષા મંગેશકર
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : તાના-રીરી (૧૯૭૫)

ગરજ ગરજ વરસો જલધર

દીપકથી દાઝેલાં તનને
શીતળ જળથી પરસો

ગરજ ગરજ વરસો જલધર

તરસ્યાની ના તરસ છીપાવે
એ વાદળ કોને મન ભાવે

આકાશી આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો ?

ગરજ ગરજ વરસો જલધર

પરદુઃખમાં થઈને દુઃખીયારા
લઈએ ખોળામાં અંગારા

જલતાને ઠારો તો જુગજુગ
ઠાર્યાં એવાં ઠરશો

ગરજ ગરજ વરસો જલધર

ગગન ઘોર ઘન
શ્યામ શ્યામ તન
મેઘરાજ આવો

થર થર થર થર મેરુ કંપે
જલ થલ જલ વરસાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

કનક કામિની
દમક દામિની
નૂર નભમાં રેલાવો

ઝરમર મોતી વસુંધરાને પાલવડે ટંકાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

– કાંતિ અશોક

ઐશ્વર્યા મજમુદારે સ્વર્ણિમ ગુજરાતન કાર્યક્રમ Detroit (Michigan) માં April 30, 2011 ના દિવસે ગાયેલું આ તાના-રીરી ફિલ્મનું અદ્ભૂત ગીત ‘ગરજ ગરજ વરસો જલધર’. સેલફોનમાં રેકોર્ડ કરેલું છે.

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં …

આ ગીતના શબ્દો, અને સાથેની નોંધ (‘રઢિયાળી રાતના રાસ’માંથી) માટે ગોપાલકાકાનો આભાર. અને સાથે આભાર એ મિત્રોનો જેમણે આ ગીતની મોકલ્યું ટહુકો પર વહેંચવા માટે. આ ગીતના બે અલગ અલગ version અહીં મૂક્યા છે, પણ બંને ગીતમાં બધી કડીઓ નથી. બીજા કોઇ ગીતમાં કદાચ વધુ ગવાયેલી કડીઓ મળી રહે.

જળદેવતાને

”રઢિયાળી રાતના રાસ/સં:ઝવેરચંદ મેઘાણી/પાનું:35-36

(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિષે આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું; જળદેવતા ભોગ માગે છે :ગામનો ઠાકોર પોતાનાં દીકરા-વહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ—સુખ કાજે સ્વાર્પણ: એ ત્રણે ભાવથી વિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોક-જીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઇ લાગે છે.)

સ્વર – હેમુ ગઢવી

સ્વર – પ્રાણલાલ વ્યાસ
સંગીત – મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ – વનજારી વાવ (૧૯૭૭)

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં,
નવાણે નીર નો આવ્યાં જી રે !
તેડાવો જાણતલ તેડાવો જોશી,
જોશીડા જોશ જોવરાવો જી રે !

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !
ઘોડા ખેલવતા વીર રે અભેસંગ !
દાદાજી બોલાવે જી રે !

શું રે કો’છો, મારા સમરથ દાદા ?
શા કાજે બોલાવ્યા જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારા સમરથ દાદા !
પારકી જણીને પૂછી આવો જી રે.
બેટડો ધવરાવતાં વહુ રે વાઘેલી વહુ !
સાસુજી બોલાવે જી રે !

શું કો’છો, મારા સમરથ સાસુ ?
શા કાજે બોલાવ્યાં જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારાં સમરથ સાસુ !
જે કે’શો તે કરશું જી રે !
ઊઠોને રે, મારા નાના દેરીડા !
મૈયર હું મળી આવું જી રે.

અઘેરાંક જાતાં જોશીડો મળિયો,
ક્યાં વાઘેલી વહુ ચાલ્યાં જી રે !
ખરે બપોરે મરવાનાં કીધાં,
મૈયર હું મળી આવું જી રે !

મરવાનાં હોય તો ભલે રે મરજો,
એનાં વખાણ નો હોયે જી રે !
ભાઇ રે જોશીડા !વીર રે જોશીડા !
સંદેશો લઇ જાજે જી રે !

મારી માતાજીને એટલું કે’જે,
મોડીઓ ને ચૂંદડી લાવે જી રે !
ઊઠોને રે, મારા સમરથ જેઠાણી !
ઊનાં પાણી મેલો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ દેરાણી !
માથાં અમારાં ગૂંથો જી રે.
ઊઠોને રે, મારા સમરથ દેરી !
વેલડિયું શણગારો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ નણદી !
છેડાછેડી બાંધો જી રે.
ઊઠોને મારા સમરથ સસરા !
જાંગીનાં (ઢોલ) વગડાવો જી રે.

આવો આવો, મારા માનસંગ દીકરા !
છેલ્લાં ધાવણ ધાવો જી રે.
પૂતર જઇને પારણે પોઢાડ્યો,
નેણલે આંસુડાંની ધારું જી રે.

ઝાંઝ પખાજ ને જંતર વાગે,
દીકરો ને વહુ પધરાવે જી રે !
પાછું વળી જોજો, અભેસંગ દીકરા !
ઘોડલા કોણ ખેલવશે જી રે !

ઇ રે શું બોલ્યા, સમરથ બાપુ !
નાનો ભાઇ ખેલવશે જી રે.
પાછું વાળી જોજો, વહુ રે વાઘેલી વહુ !
પૂતર કોને ભળાવ્યા જી રે.

કોણ ધવરાવશે, કોણ રમાડશે,
કેમ કરી મોટા થાશે જી રે !
દેરાણી ધવરાવશે, નણદી રમાડશે,
જેઠાણી ઉઝેરશે જી રે !

પે’લે પગથિયે જઇ પગ દીધો,
પાતાળે પાણી ઝબક્યાં જી રે !
બીજે પગથિયે જઇ પગ દીધો,
કાંડાં તે બૂડ પાણી આવ્યાં જી રે !

ત્રીજે પગથિયે જઇ પગ દીધો,
કડ્ય કડ્ય સમાં નીર આવ્યાં જી રે !
ચોઠે પગથિયે જઇ પગ દીધો,
છાતી સમાં નીર આવ્યાં જી રે !

પાંચમે પગથિયે જઇ પગ દીધો,
પરવશ પડિયા પ્રાણિયા જી રે !
એક હોંકારો દ્યો, રે અભેસંગ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે ચારણ, પીશે તે ભાટ,
પીશે અભેસંગનો દાદો જી રે.
એક હોંકારો દ્યો,રે વાઘેલી વહુ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,
પીશે તે વાળુભાનાં લોકો જી રે.
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડીઓ,
તર્યાં અભેસંગનાં મોળીઆં જી રે !

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા અણોસરા લાગે જી રે !
વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,
દવલાંને પાતાળ પૂર્યાં જી રે !

ગુરુ ચરણોની હું રજકણ છું – કાંતિ અશોક

સ્વર : મન્ના ડે
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : તાનારીરી (૧૯૭૫)

.

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ઝીલે ન છાયા એ દલદલ છું

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

ચાલુ હું તમને સથવારે
બાંધેલી લયના અણસારે
તાલ ચૂકી ને તૂટી પડેલું
ગીત ગંગાનું હું આભૂષણ છું

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

જ્યોતિ ધરું જલું અંધારે
અજવાળે અટવાવું મારે
તેજ તિમિરના તાણે વાણે
ગૂંચવાયેલું ચંદ્ર કિરણ છું

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

– કાંતિ અશોક

(આભાર – માવજીભાઇ.કોમ)

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – પ્રશાંત કેદાર જાદવ

સંગીત : મહેશ-નરેશ કનોડિયા
સ્વર : અલ્કા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે
ગુજરાતી ફિલ્મ : મેરુ માલણ

.

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય, ના કોઈને કહેવાય… હાય હાય !
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય, મારાં હૈયામાં કૈં કૈં થાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હો રે… હો રે, મેઘ વરસે ને ભીંજે ચીર, હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે… ઓ રે, તારું ચંદંન સરીખું શરીર, ઓયે હોયે હોયે હોયે નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય, ઈ તો અડતા કરમાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓ… મારે નેણ લજ્જા લહેરે છે… લહેરે છે, લહેરે છે, મારે નેણ લહેરે છે…
હો… તારા રૂપની ભીનાશ તને ઘેરે છે… ઘેરે છે ગોરી, ઘેરે છે…
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય, મંન મરવાનું થાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હાય રે… હાય રે, ઓલી વીજળી કરે ચમકાર, હાય હાય હાય વારંવાર… વારંવાર.
ઓ રે… ઓ રે, ઈ તો હૈયાનાં સાંધે તાર, હોયે હોયે હોયે હોયે નમણી નાર… નમણી નાર.
મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય, ના ના રે બુઝાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

– પ્રશાંત કેદાર જાદવ

*******************
આ ગીતના કવિનું નામ લખવામાં ભૂલ થઈ હતી, તે તરફ ધ્યાન દોરવા બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર..!

અમે રે ચંપો ને તમે કેળ

સ્વર :  ઉષા મંગેશકર, પ્રફુલ દવે

સંગીત :  મહેશ-નરેશ

કવિ : ?

champa.jpg

.

અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

તમે રે ચંપો ને અમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા,
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા

ચાંદા સરિખું મુખડું તમારું
ચંપા તે વરણી છે કાય રે
અળગા રહીને સોહંતા રૂપને
માણું તો માણ્યું ન જાય

ઉપરથી ઉજળા અને ભીતર ઘારી આગ
પણ અજવાળે જ્યોતિ ઓરડા
જેને અડતા લાગે દાગ

તમે રે મોતી ને અમે છીપ

વચને કીધા રે અમને વેગળા
જો ને
વચને કીધા રે અમને વેગળા

જુગની પુરાણી પ્રિત્યું રે અમારી
મળ્યો રે ભવોભવનો સાથ
તરસે છે આજે મળવાને કાજે
મેંદી રે મુકેલો મારો હાથ

ભવભવનો સાથી આપણે
તો યે જોને કેવો છે સંજોગ
એક રે બાજુ છે જોગ તો
જોને બીજી પર વિયોગ

તમે રે દીવો ને અમે વાટ
જ્યોત રે વિનાના દોનો ઝૂરતા

તમે રે ચંપો ને અમે કેળ
અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા