Category Archives: ઉદ્દયન મારુ

સમંદરને તળ લીલું વન દાટવું છે – કિસ્મત કુરેશી

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ

સમંદરને તળ લીલું વન દાટવું છે
અને રણની ભીતર ચમન દાટવું છે

કહો કંટકોને કબર ખોદી નાખે
કે કરમાયેલું આ સુમન દાટવું છે

સમાશે ન એ સાગર એકે ધરામાં
નયનમાં અમારે ગગન દાટવું છે

જગા દુઃખના ડુંગરોમાં મળે તો
અમારે ત્યાં સુખનું સ્વપન દાટવું છે

– કિસ્મત કુરેશી

સખી મને તેં સરોવર કહ્યો – રમેશ પારેખ

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ અને અન્વી મારૂ

વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?....

વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?… Photo: Vivek Tailor

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે

આજે વ્હાલા કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દો મઢ્યું આ કૃષ્ણગીત… ઝરણા વ્યાસના મીઢા અવાજમાં અને ઉદયનભાઇનું એટલું જ મઝાનું સ્વરાંકન..!!

સ્વર – ઝરણા વ્યાસ
સંગીત – ઉદ્દયન મારુ

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

– હરીન્દ્ર દવે

(શબ્દો માટે આભાર- અક્ષરનાદ.કોમ)

કે ફાગણ આયો – મેઘબિંદુ

ફાગણ મહિનો આવ્યો….પ્રસ્તુત છે કવિ મેઘબિંદુની રચના, એક મેહફિલમાં ઝરણા વ્યાસે રજુ કર્યું હતું…..

સ્વર – ઝરણા વ્યાસ
સ્વરાંકન – ઉદ્દયન મારુ

આંબે આવ્યા મોર કે ફાગણ આયો
છે સુગંધનો કલશોર કે ફાગણ આયો

વરસે ટહુકાનો વરસાદ કે ફાગણ આયો
કરે કેસૂડો સંવાદ કે ફાગણ આયો

આંબે ગુલમોરી ઉમંગ કે ફાગણ આયો
મનડું ગાતું કોકિલસંઅગ કે ફાગણ આયો

હું પ્રીત રંગે રંગાયો કે ફાગણ આયો
હું ભવભવથી બંધાયો કે ફાગણ આયો

મારો ખીલ્યો જીવન બાગ કે ફાગણ આયો
મેં માણ્યો રે અનુરાગ કે ફાગણ આયો

– મેઘબિંદુ

રહી જાઓ શ્યામ – મીરાબાઇ

સ્વર – ઝરણા વ્યાસ
સ્વરાંકન – ઉદયન મારૂ  

 

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

કંકુ કેસરના વ્હાલા સાથિયા પૂરાવશું
ને આંગણમાં પાડુ સારી ભાત
રહી જાઓ શ્યામ…

સૂના મંદિરિયામાં જ્યોતો પ્રગટાવશું
ને મીઠી કરીશું વ્હાલા વાત
રહી જાઓ શ્યામ…

બાઇ મીરાં કહે પ્રભૂ ગિરિધરના ગૂણ
જોતાં ઠરે છે મારી આંખડી
રહી જાઓ શ્યામ…

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

– મીરાબાઇ