Category Archives: અંજુમ ઉઝયાનવી

એક ટહુકો છે, બધે સંભળાય છે. – અંજુમ ઉઝયાનવી

ચો-તરફ તડકો બની ફેલાય છે,
એક ટહુકો છે, બધે સંભળાય છે.

આમ તો, આકાર કે ચહેરો નથી,
તોય ઝાંઝાં નામથી પંકાય છે.

વાયરો વાસંતી, ચાલો, માણીએ,
જામથી જાણે નશો છલકાય છે.

વાદળાં વરસે છે મુશળધારથી,
એક સરખાં ક્યાં કોઇ ભીંજાય છે.

બુંદની હસ્તીને અવલોકી જુઓ,
સામટા સો-સો પ્રલય વમળાય છે.

સાત સાગરથી તરસ બૂઝશે નહીં,
નીર ખારાં ક્યાં કદી પીવાય છે?

રાત આખી આભને જોતાં રહો,
તારલાથી ક્યાં નજર અંજાય છે?

આંગણું છોડીને બા’રે તો નીકળ,
ચોકમાં ‘અંજુમ’ કશું વેચાય છે.

– અંજુમ ઉઝયાનવી

મહેફિલ – 1

આજે એક નાનકડુ સંકલિત…  કોઇ વિષય વગર…  બસ એમ જ, મને ગમેલા થોડા શેર એક સાથે…  ગમશે ને દોસ્તો ?  🙂

flickr1.jpg
દિલ મહીં તુજ ધ્યાન વિણ બીજું કશું પણ હોય શું ?
રાધિકાને ક્હાન વિણ બીજું કશું પણ હોય શું ?
– અગમ પાલનપુરી

હેમ છું મિત્રો કસોટી જોઇને વિહવળ નથી
પારખી લેજો મને સો વાર હું પિત્તળ નથી.
– અઝીઝ કાદરી

એટલે કરતો નથી એની દવા
ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.
– અઝીઝ ટંકારવી

ભીંત ઉપર મોર ચીતરો તો ભલે
ત્યાં ટહુકા ટાંગવાનું વ્યર્થ છે.

સાવ નિર્મમ ના કહે ‘ગુડ બાય’ તું
ગુજરાતીમાં ‘આવજો’ બોલાય છે.

તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા
અહીંયા આંસુ ટિસ્યુથી લૂછાય છે.
– અદમ ટંકારવી

સરનામું બધે મારું હું તો પૂછતો હતો
છોડી ગયા છે લોકો તારા દ્વાર પર મને.

સ્વપ્નમાં પણ જે કદી આવ્યા નહિ
ઉમ્રભર યાદ આવશે નહોતી ખબર !
– અદી મિર્ઝા

ના, નહીં પહોચી શકું તારા સુધી,
ઉંબરો, પરસાળ જેવુ હોય તો…
– અંકિત ત્રિવેદી

ઘવાયો છે અહં સૂરજનો કેવળ એ જ બીના પર,
રઝળતા આદમીએ ભરબપોરે ચાંદની માંગી !
– અંજુમ ઉઝયાનવી

છે સુગંધોનો ખજાનો ક્યાંક તારા ભીતરે
પુષ્પના વિન્યાસ પાસે ખંડણી ઉઘરાવ મા.

તરસને બંધ બેસે એમ જળ તું શોધતો હો તો
તને ટીપું નહીં મળશે, બધા શ્રાવણ તપાસી લે.
-અશરફ ડબાવાલા

ટહુકાઓનું તો ઠીક બધે વિસ્તરી ગયા
છોડી તને વિહગ ! પીંછાં કરગર્યા કરે.
– આશ્લેશ ત્રિવેદી

તારી ભીતર આખો ઝાકળનો દેશ
તડકાના ટુકડા સંઘરવાનું છોડ
– કાજલ ઓઝા

મારા હ્રદયમાં કો’કના પગરવની આસ છે
વાતાવરણમાં એટલે આવો ઉજાસ છે.
– કાસમ પટેલ

શંકરની જેમ નાગને મફલર કરી શકો
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવો ?

હું જ અંધારાના ડરથી આંખ ના ખોલી શક્યો
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી.

પહેલાં જેવો પ્યારનો માણસ નથી
આ જગતમાં ક્યારનો માણસ નથી

તું ડગ ભરવાની હિંમત કર, ઊતરતા ઢાળ જેવો છું
મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું.
– ખલીલ ધનતેજવી

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
– જલન માતરી

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
– વિવેક મનહર ટેલર

ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.
– મનહરલાલ ચોક્સી