એક ટહુકો છે, બધે સંભળાય છે. – અંજુમ ઉઝયાનવી

ચો-તરફ તડકો બની ફેલાય છે,
એક ટહુકો છે, બધે સંભળાય છે.

આમ તો, આકાર કે ચહેરો નથી,
તોય ઝાંઝાં નામથી પંકાય છે.

વાયરો વાસંતી, ચાલો, માણીએ,
જામથી જાણે નશો છલકાય છે.

વાદળાં વરસે છે મુશળધારથી,
એક સરખાં ક્યાં કોઇ ભીંજાય છે.

બુંદની હસ્તીને અવલોકી જુઓ,
સામટા સો-સો પ્રલય વમળાય છે.

સાત સાગરથી તરસ બૂઝશે નહીં,
નીર ખારાં ક્યાં કદી પીવાય છે?

રાત આખી આભને જોતાં રહો,
તારલાથી ક્યાં નજર અંજાય છે?

આંગણું છોડીને બા’રે તો નીકળ,
ચોકમાં ‘અંજુમ’ કશું વેચાય છે.

– અંજુમ ઉઝયાનવી

4 replies on “એક ટહુકો છે, બધે સંભળાય છે. – અંજુમ ઉઝયાનવી”

  1. એક ટહુકો તો છે જેમા તુ ટહુકાય છે….

    સાત સાગરથી તરસ બૂઝશે નહીં,
    નીર ખારાં ક્યાં કદી પીવાય છે?

  2. હુ તો ખોબો માગુ ને દય દે દરીયો ગુજરાતી ગીત

  3. સરસ
    આંગણું છોડીને બા’રે તો નીકળ,
    ચોકમાં ‘અંજુમ’ કશું વેચાય છે.
    ગમી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *