Category Archives: નર્મદ

નર્મદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અવસાન સંદેશ - કવિ નર્મદ
જય જય ગરવી ગુજરાત - કવિ નર્મદ
દરિયો - 2
યા હોમ કરીને પડો - નર્મદઅવસાન સંદેશ – કવિ નર્મદ

કવિ શ્રી નર્મદને એમના જન્મદિવસે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

સ્વર : દ્રવિતા ચોક્સી
સંગીત : મેહુલ સુરતી

નવ કરશો કોઇ શોક – રસિકડાં, નવ કરશો કોઇ શોક – ટેક.
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી – રસિકડાં.
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી – રસિકડાં.
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી – રસિકડાં
એક પીડમાં બીજી ચ્હીડથી, જળશે જીવ અગનથી – રસિકડાં.
હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી – રસિકડાં.
મુઓ હું ત્હમે પણ વળી મરશો, મુક્ત થશો જગતમાંથી – રસિકડાં.
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છઉં હું દમથી – રસિકડાં.
વીર સત્યને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી – રસિકડાં
જુદાઇ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી – રસિકડાં
મરણ પ્રેમીને ખચિત મોડું છે દુઃખ વધે જ રુદનથી – રસિકડાં
જગતનીમ છે જનમ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી – રસિકડાં
મ્હને વિસારી રામ સમરજો, સુખી થશો તે લતથી – રસિકડાં

– કવિ નર્મદ

————

કવિ નર્મદની અન્ય રચનાઓ ટહુકો પર :

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ
યા હોમ કરીને પડો – નર્મદ

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

આજે ૩૧ ઓક્ટોબર, આપણા વ્હાલા સરદાર પટેલનો જન્મદિવસ.. તો આજે ગુજરાતના પનોતા પુત્રને વ્હાલા એવા ગુજરાતના ગુણગાન ગાતું એક. ગુજરાતને ગુજરાત બનાવવામાં સરદારનો કેટલો મોટો ફાળો છે એ તો આપણે જાણીએ જ છીએ. આજે ફરી એમને હ્રદયપૂર્વક વંદન..!

(પહેલા ફક્ત એ ગીતની લિંક હતી ટહુકો પર, હવે એ ગીત ટહુકો પર જ ગુંજશે, એ પણ બે અલગ અલગ સ્વર સંગીત સાથે)

સ્વર: ??

.

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

Continue reading →

યા હોમ કરીને પડો – નર્મદ

આજે ફરી એકવાર…. મોરપિચ્છ પર મુકાયેલું ગીત, સંગીત સાથે પુન: રજુ કરુ છું.

મારા અને તમારા બધા તરફથી મેહુલભાઇનો આભાર, જેમણે પોતાનું આ સંગીતબધ્ધ કરેલ ગીત ટહુકા માટે મોકલ્યું. 2 દિવસ પહેલા જ આપણે એમનું ‘પ્રિયતમ.. મારા પ્રિયતમ..’ એ ગીત સાંભળ્યું હતુ, એ યાદ છે ને ? એ ગીત, અને બીજા થોડા ગીત તમે મેહુલભાઇની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. ( અને થોડા દિવસ રાહ જોશો તો એક એક કરીને બધા ગીત ટહુકા પર આવે છે 🙂 )

સ્વર : પાર્થિવ ગોહિલ
સંગીત : મેહુલ સુરતી

success

This text will be replaced

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

( કવિશ્રી નર્મદાશંકર દવે : જન્મ 24-8-1833 )

દરિયો – 2

dariyo

અનુભવ છે દરિયાના તોફાનનો, પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.
– ભગવતીકુમાર શર્મા.

અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;
મળી છે અમોને જગા મોતીઓમાં !
– ‘શૂન્ય’ પાલનપુરી

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ !
– રમેશ પારેખ
કંઇ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:
એમાં એક જ નામ તમારું નાવ થઇને મ્હાલે !
– સુરેશ દલાલ

આમ તો એક બિંદુ છું, કિંતુ
સપ્ત સિંધુથી સંકળાયો છું !
– અમૃત ધાયલ

ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
– ‘મરીઝ’

સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર.
– નર્મદાશંકર દવે ‘નર્મદ’