Category Archives: ગૌરાંગ ઠાકર

કેમ વરસાદમાં સમજાવે છે? – ગૌરાંગ ઠાકર

ખુશ્બુ ખોબામાં ભરી રાખે છે,
ફૂલ કુંડામાં ઉગ્યું લાગે છે.

જળમાં પરપોટો થયો તો જાણ્યું,
તું હવા ને તરસ આપે છે.

ઓ પ્રભુ.. તારા સમું કઇ તો આપ,
કોઇ મારામાં તને તાકે છે.

હું તો મારામાં થયો છું ગુમ દોસ્ત,
જિંદગી રોજ મને માંગે છે.

પાણીની ઘાત છે તો જોયું જશે,
કેમ વરસાદમાં સમજાવે છે?

– ગૌરાંગ ઠાકર

વાત વિગતવાર કરી દે… – ગૌરાંગ ઠાકર

મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

ઝાકળ ન ઊડે સૂર્ય! અહીં એમ ઊગી જા,
તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.

તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ ને પણ એક ગઝલકાર કરી દે.

– ગૌરાંગ ઠાકર

ચલો આંગણામાં મનાવીએ – ગૌરાંગ ઠાકર

Female Cuckoo
(જરા ઝાડ જીવતું રાખજો……       …….૧૫-૦૪-૨૦૦૯)

(Photo: Dr. Vivek Tailor)

* * * * *

તમે વ્હાલ ઘરની દીવાલમાં, અમે બારસાખનાં તોરણો,
ચલો આંગણામાં મનાવીએ, હવે હેત–હૂંફનાં અવસરો.

હું તો માત્ર શ્વેત લકીર ને, તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધા રંગમાં, મને બેઉ હાથે મિલાવજો.

ભલે જાય સૂર્ય કિરણ લઇ, તમે બાગથી ન જશો પ્રિયે,
હું તો રાતરાણીનું ફૂલ છું, તમે બસ સવાર સુધી રહો.

મને કોયલો એ કહી ગઈ, અમે રોજ આવી ટહુકશું.
તમે આસપાસ કમાડની, જરા ઝાડ જીવતું રાખજો.

હતું મૂલ્ય સ્વપ્નનું એટલું, અમે પાઇ પાઇ ચુકાવી છે.
અમે આંખ આંસુથી ધોઈ છે, કીધો બંધ આંખે ઉજાગરો

– ગૌરાંગ ઠાકર

વૃક્ષ પરનો એક ટહુકો – ગૌરાંગ ઠાકર

(જેનો પર્યાય નથી….. Niagara Falls, June 09)

* * * * *

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી

– ગૌરાંગ ઠાકર

————–

(આભાર : શબ્દ-સાગરના કિનારે…)

સુરત નહિ સ્વીકારે હાર -ગૌરાંગ ઠાકર

સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં અમાનવીય બળાત્કાર થયો અને નરમાનુષોએ એની વિડીયો ક્લિપિંગ્સ પણ ઉતારી… રૂંવાડા ઊભા કરી દે અને લોહી ઊકળી ઊઠે એવા શહેરની અસ્મિતા પર સરિયામ થયેલા જનોઈવઢ ઘાની કોઈને કળ વળી નથી અને વળી શકે એમ પણ નથી.

અંતરમાં ઉઠેલા એવા જ એક આક્રોશમાંથી જન્મ થયો છે આ ગીતનો.  કેટલીયે દીકરીઓ અને એમના ઘરવાળાઓએ બદનામીના ડરથી આ નરાધમો સામે નમતું જોખીને એમની પાશવીવૃત્તિઓને અજાણ્યે પોષ્યે રાખી હતી.  આવા રાક્ષસો બીજી કોઈ દીકરી સાથે ફરી આવું ન કરી શકે એ ખાતર અને પોતાને થયેલા અન્યાયની સામે હરગીઝ માથું ન ઝુકાવી પોતાની બદનામીની જરાયે ચિંતા કર્યા વગર એ અપરાધીઓને આકરામાં આકરી શિક્ષા થાય એ માટે ન્યાય માંગવા આગળ આવેલી આપણી એ નીડર દીકરીને માટે “શૂરવીર” સિવાય બીજો કયો શબ્દ વાપરી શકાય????  આજે ફાધર્સ ડે છે.. અને આમ તો કાયમ ફાધર્સ ડે પર અહીં દરેક પપ્પા માટે મુકાયેલું કોઈ મજાનું ગીત મૂકીને માણીએ છીએ… પરંતુ આજનું આ ગીત માત્ર એક જ પપ્પા અને એમનાં કાળજાનાં ટુકડાં સમી એ વ્હાલી નીડર દીકરીને સ્નેહાર્પણ… દુનિયાની બધી દીકરીઓ, દીકરીનાં પપ્પાઓ અને એમનાં કુટુંબીજનોને આવી જ રીતે અન્યાય સામે લડવાની પ્રભુ શક્તિ આપે, એ જ પ્રાર્થના સહ…

સંગીત, સ્વરાંકન: શૌનક પંડ્યા
સ્વર: શૌનક પંડ્યા, સત્યેન જગીવાલા

જાગો..જાગો..જાગો…
સુરત નહિ સ્વીકારે હાર
જુલ્મીની પાડે સવાર

સીધેસીધો વાર થયો
હૈયે અત્યાચાર થયો
દીકરીનાં આંસુ ચોધાર
સુરત નહિ સ્વીકારે હાર……

સુરતના આતમ પર ઘા ..?
જનમાનસની આ હત્યા..?
પ્રશ્ન ઊભો છે સૌને દ્વાર
સુરત નહિ સ્વીકારે હાર…

નરાધમોને શિક્ષા થાય,
માસૂમ બાળા માંગે ન્યાય,
ફાંસી દઈ દો ચોકબજાર
સુરત નહિ સ્વીકારે હાર….

દાદાગીરી દૂર કરો,
શાસન થોડું ક્રુર કરો
અબળા નારીનાં ચિત્કાર
સુરત નહિ સ્વીકારે હાર…

-ગૌરાંગ ઠાકર