Category Archives: ગીત

કરવી હો જો વાત મનની – મુકેશ જોષી

કરવી હો જો વાત મનની, સાવ અચાનક કરજો
સુગંઘ આવે જેમ અચાનક શબ્દો ઉચ્ચરજો…

હું ગાઉં તો તાલ આપજો, તમને આપીશ તાલી
એક ટીપું યે ઢોળ્યાં વિના, કરવી ખાલી પ્યાલી
ખાલી થાઉં પછી તમારી મીઠી નજરે ભરજો…

શંખ થવું કે મોટી થાવું, નક્કી નહીં કરવાનું
દરિયાનો આભાર માનતાં દરિયામાં રહેવાનું
કેવા કેવા ડૂબી ગયા છે જોવા માટે તરજો…

– મુકેશ જોષી

તો લાગી આવે – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

આ રચના માટે કવિ કહે છે :
“સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળને જ ગ્રહણ કરનાર ચાતક તરસનો માર્યો પ્રાણ છોડી દે અને એ કોઈ પાણી ભરેલ ખાબોચિયા કે તળાવમાં જઈ પડે, તો એને જોનારને એમ જ લાગે કે આ પાણીમાં ડૂબીને મરી ગયો હશે. જોનારને ક્યાંથી ખ્યાલ આવે કે એણે તો પોતાની જીવનભરની ટેકને જાળવી રાખવા પ્રાણોની આહૂતિ આપી છે! આ સંવેદનમાંથી આ કૃતિની રચના થઈ.”

ઝરણાંને જો મૃગજળ કહો … તો લાગી આવે
ઈન્દ્રધનુષ આભાસી કહો … તો લાગી આવે

પગલું પગલું સાથે ભરતા,
શ્વાસોશ્વાસે સાથ પમરતા,
સંગાથીને શમણું કહો … તો લાગી આવે

મધુમય મધની આશ લઈને,
પ્રેમપતંગની પાંખ લઈને,
પુષ્પે પુષ્પે ચુંબન કરતા,
કમળદલમાં કેદ બનેલા,
ભમરાને જો મજનૂ કહો … તો લાગી આવે.

સૂક્કા ડાળે કૂંપળ થઈને,
નીર્ઝરમાં નવચેતન થઈને,
જાગોની આહેલક કરતા,
અંગેઅંગ અનંગ ભરેલા
વસંતને વૈરાગી કહો … તો લાગી આવે

યુગોયુગોની પ્યાસ લઈને
સ્વાતિબિંદુની આશ લઈને
તૃષાર્ત થઈને વિરહે ઝૂરતા,
પ્રાણ જવાથી ભંવર પડેલા
ચાતકને જળડૂબ્યો કહો … તો લાગી આવે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

હરિએ દઈ દીધો હરિવટો… – રમેશ પારેખ

હરિએ દઈ દીધો હરિવટો…

ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો?
આધે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો….

મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ ઘટો ! ‘
હરિએ દઈ દીધો હરિવટો…

– રમેશ પારેખ

સ્વરાંકન : શ્રી. સુરેશ જોશી
સ્વર: શ્રીમતી વિભા દેસાઈ

ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ. – મુકેશ જોષી

મારી બાજુનો ફ્લેટ થયો ખાલી,
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ.
એક દીવાની સૂરજને તાલી
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ,

વાદળની પોટલીમાં ચોરી જન્મોની
મૂડીનું નયને ચોમાસું,
‘હા’ પાડો એટલે ટોકનમાં દઈ આવું,
પાંચ કે પચીસ લાખ આંસું.
દઉં ગમતીલી સાંજની દલાલી!
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ,

મંદિરમાં ટોળાઓ લંબાવે હાથ
જાણે માંગવાનું સાચકલું ધામ,
મંદિરથી ફ્લૅટ છે ઢૂંકડો:
બપોરે ઘેર આવી કરજો આરામ,
ધરું ચાની હૂંફાળી પ્યાલી!
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ

મુકેશ જોષી

વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ – જયશ્રી વિનુ મર્ચન્ટ

વૃંદાવનમાં વેણું વગાડે શ્યામ
ને યમુના તટે મારી જોને ગાગર છલકે…
હૈયું હરણ બની એ…ય…ને, જાય દોડી,
હું દોડી ચ૨ણ લઈ જોને, ગાગર છલકે…
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

આંખ્યુંમાં ઉજાગરો રાતની રાતો,
ને, તારા નયનના ઉલાળાનું કરું શું શ્યામ?
તારી તે ૨ઢમાં મૂક્યાં મેં કામકાજ,
ને, વેણુની તાન દિ’ આખો ગણગણું શ્યામ!
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

છૂટી મૂકું ગાયોને, બંધાતી હું ખીલે,
મનના હિંડોળે તો શ્યામ તું જ સદા ઝૂલે…!
સાનભાન ભૂલેલી અડતી કુંવારી કળીને,
સપનાંનાં ફૂલો મારે રોમેરોમ જોને ખીલે…!
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

– જયશ્રી વિનુ મર્ચન્ટ

મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે. – મુકેશ જોષી

પવન માનતો નથી નહીં તો એની સાથે સરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

પાણીમાં ઓગાળી તડકો પી જાવાનું સહેલ નથી,
સુગંધનો દીવો જ કહે છે મારી પાસે તેલ નથી.
પીળા શ્વાસે લીલાં સ્વપ્નો ઉછેરવાં કૈં ખેલ નથી,
ધગ ધગ સૂરજ સામે હો ને એક જ શ્વાસે ઠરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

મળે ધરાનો ખોળો અંતે શું મોટી મિરાત નથી?
મરણ પછી પણ હૂંફ મળે એ નાનીસૂની વાત નથી.
ઝળહળ પાંખે ઊડી જવાનું એ બાજુ, જ્યાં રાત નથી.
જીવન જેણે આપ્યું એનાં દર્શન કાજે ફરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

– મુકેશ જોષી

કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

નયન આમ ના થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે,
હૃદય વાગતું કે મંજીરાં કૃષ્ણ બધુય જાણે છે.

આરસના મ્હેલોમાં રાણો સ્વયં થયો ખંડેર હશે,
ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે.
હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે.

પાંચ પાંચ દીવાઓ તોય અંધારું સેકાયું નહીં
મનમાં પડતાં ચીરા કોઈ ચંદન થઈ ડોકાયું નહીં.
પહેલાં પૂર્યાં ચીર કે ચીરા કૃષ્ણ બધુય જાણે છે.

પીંજારાના નામે કોઈ જાત ભૂલી પીંજાઈ ગયું.
ગોકુળિયું તો ઠીક આખું બરસાના ભીંજાઈ ગયું
કેમ ઊડાડ્યા જાતના લીરા કૃષ્ણ બધુંય જાણે છે.

– મુકેશ જોષી

આજ તો એવાં અમરત પીધાં – નંદિતા ઠાકોર

આજ તો એવાં અમરત પીધાં
આખી કાયા મ્હોરી જાણે ઝળહળ દીવા કીધા

કંઇક હૃદયમાં એવું અડકયું
એવાં ઉઘડયાં સ્પંદન
અદીઠ રહીને કોણે તોડયાં
આ અનહદના બંધન
પગલે પગલે આ કોણે મબલક અણસારા દીધા

હવે કશી આરત ના બાકી
કોઇ ન બાકી માયા
ચોગરદમ આ હું જ વસું ને
સઘળે મારી છાયા
કશી અગોચર રમણામાં લ્યો, અમે વિસામા લીધા

– નંદિતા ઠાકોર

વરસાદીપણું…! – જયશ્રી વિનુ મર્ચન્ટ

વરસાદીપણું મને ભીંજવી ગયું
ને, સૂરજનાં કિરણોમાં હું ઝળહળું…
ઝાકળમાં પથરાયા મારા પડછાયા,
ને, ફૂલો મહીં સમાઈને હું મઘમઘું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

રાતલડી મહેકે બનીને રાતરાણી,
ને, ફોરમના ફુવારે જો ભીંજાણી હું…
સપનાંયે હવે સપનાં ગયાં બની,
ને, પલકો ૫૨ ટહેલું છું નિદ્રાની હું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

ઓજસનો આભાસ ખાલી નથી,
ને, રોમરોમ તુજ નૂરમાં નીતરતી હું…
ભાન ભૂલી અભિસારિકા નદી સમી,
દિ૨યામાં લુપ્ત થવા જો ધસમસતી હું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

જયશ્રી વિનુ મર્ચન્ટ

એટલે તો ઝાડવાંની સુંદર સવાર – મુકેશ જોષી

એટલે તો ઝાડવાંની સુંદર સવાર,
જાગીને પંખીની ચા પીએ એટલું જ.
વાંચે ના કોઈ દિવસ કાતિલ અખબાર.

જાગેલાં પાંદડાંઓ આવેલાં સપનાંઓ
વર્ણવતા જાય ભલી ભાંતથી
ડાળીઓને નોકરીએ જાવાનું હોય નહીં
સાંભળીને ઝૂલે નિરાંતથી.
દૂધવાળો ખખડાવે એ રીતે આવીને,
વાયરોય ખખડાવે દ્વાર, એટલે તો.

અડધું પવાલું ભરાય નહીં એટલી જ
ઝાકળથી ઝાડ નાહી લેતું.
પાંચ ટકા પાણીનો કાપ હોય એ દહાડે,
આપણી તો આંખમાંથી વહેતું.
તડકાઓ ડાળીઓને લૂછેઃ ના કોઈ કરે,
શંકાના પીળા વિચાર. એટલે તો.

– મુકેશ જોષી