પવન માનતો નથી નહીં તો એની સાથે સરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.
પાણીમાં ઓગાળી તડકો પી જાવાનું સહેલ નથી,
સુગંધનો દીવો જ કહે છે મારી પાસે તેલ નથી.
પીળા શ્વાસે લીલાં સ્વપ્નો ઉછેરવાં કૈં ખેલ નથી,
ધગ ધગ સૂરજ સામે હો ને એક જ શ્વાસે ઠરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.
મળે ધરાનો ખોળો અંતે શું મોટી મિરાત નથી?
મરણ પછી પણ હૂંફ મળે એ નાનીસૂની વાત નથી.
ઝળહળ પાંખે ઊડી જવાનું એ બાજુ, જ્યાં રાત નથી.
જીવન જેણે આપ્યું એનાં દર્શન કાજે ફરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.
– મુકેશ જોષી