Category Archives: હિતેન આનંદપરા

સંબંધ છે, પળમાંય તૂટે … – હિતેન આનંદપરા

ઓક્ટોબર ૨૦૦૭ થી ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલી આ કવિતા – આજે સૂરના સથવારે ફરી એકવાર…

સ્વર : ગાર્ગી વોરા, નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની (?)

Posted on Oct 5, 2007

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે …

વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય

ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય

આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે …

અમે ગીતોના માણસ રે લોલ – હિતેન આનંદપરા

અમે ગીતોના માણસ રે લોલ
તમે આપીને કોઇ દી પાળો નહી, અમે સાચવીએ વણદીધા કોલ.

આંખ ભેદી બખોલ, એમાં અંધારું ઘોર, કોઇ હૈયા લગ કેમ કરી પહોંચે?
રાત સૂની નઘરોળ, ઝીલે બાવળના સોળ, કોઇ શય્યા લગ કેમ કરી પહોંચે?
દરવાજા-બારીને બંધ કરી દો છો ને હળવેથી કો’ છો કે બોલ !
અમે ગીતોના માણસ રે લોલ.

આભ તલસે તલભાર, કોઇ આવી પળવાર, સૂના આયખાનો ઢોલિયો ઢંઢોળે,
પાય સોંસરવી ઝાળ, પડે ધરતીને ફાળ, કોણ થાશે ગરક મારે ખોળે,
પડતા પતંગ પાસ ભાગે સૌ કોઇ, અમે ભાગીએ પકડવાને ઝોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

તાકધીંતાને તાલ, બજે ઢોલક પર વ્હાલ, સૂર સગપણનો સથવારો શોધે,
થયા શ્વાસો તો લાલ, લોહી રમતું ત્રિતાલ, ચૂર શબ્દોમાં અર્થોને ઘોળે,
કોઇ આંગળીની થાપ માટે તરસી રહેલા અમે ચામડીના ગણવેશે ઢોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

– હિતેન આનંદપરા

રહેવા દે – હિતેન આનંદપરા

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

YouTube Preview Image

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથી ને શામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે

– હિતેન આનંદપરા

સુ.દ. કહોને મળશું ક્યારે ? – હિતેન આનંદપરા

સુ.દ. તમને કઈ જગાએ ગોતું ?
મારી આંખો નાનકડી ને રૂપ તમારું મોટું !

એક નથી સરનામું તમારું એક નથી રે કાયા
ચારેબાજુ રમી રહ્યા છે સૂરજના પડછાયા
એક કિરણ છે હસ્તુંરમતું, એક કિરણ છે રોતું
તમને કઈ જગાએ ગોતું ?

કેમ છે તું ? આ સવાલ પૂછ્યો અને બની ગ્યા મૂર્તિ !
કઈ રીતે વાંચીશ તમારા લેખ વિનાની પૂર્તિ ?
ક્રમશ: મૂકી દીધું સંબંધનું પાનું ચોથું !
તમને કઈ જગાએ ગોતું ?

‘કવિતા’ નું મેટર બોલાવે, જલદી પાછા મળીએ
ગરમ ઉકાળો પીતા પીતા કુંજગલીમાં વળીએ
બે સ્ટેશનની વચ્ચે કોઈ રાહ તમારી જોતું.
તમને કંઈ જગાએ ગોતું ?

‘આવજો’ કહીને તમે ગયા છો, પાછા કેમ ન આવો ?
ખુરશી બાવરી પૂછે : મારા સાહેબ ક્યાં છે બતાવો ?
મંદિર પાસે જવાબ ક્યાં છે ? એ પણ બોલે ખોટું.
તમને કઈ જગાએ ગોતું ?

– હિતેન આનંદપરા
(સુ.દ.ના અંતિમ સંસ્કારના દિવસે લખાયેલો ઝુરાપો) ૧૧/૮/૨૦૧૨
રવિવાર, ૧૨/૮/૨૦૧૨ જન્મભૂમિ પ્રવાસીમાં છપાયેલું કાવ્ય.

એના ટહુકા સંભળાય તને સહિયર ? – હિતેન આનંદપરા

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

portrait_qa51_l-sml.jpg
( … ટહુકા સંભળાય તને સહિયર?!!!!!)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી ?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?

-હિતેન આનંદપરા

( આભાર -ઊર્મિસાગર.કોમ)