Category Archives: ઉર્વીશ વસાવડા

આખ્ખો કિસ્સો કહેવો પડશે – ઉર્વીશ વસાવડા

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે
તારે આજે નહી તો કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

યાદ રાખજે, તેં ખાધાં છે સમ ગમતીલી મોસમનાં,
ખુશ્બૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

તારા ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે
લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

વાત ભલેને હોય વ્યથાની જીવતરના મેળામાં તો
ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો કાગળ
તો પણ એની એક ટપાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

– ઉર્વીશ વસાવડા

વરસાદમાં – ઉર્વીશ વસાવડા

એ રીતે આવીને મળ વરસાદમાં
છોડ છત્રી, ને પલળ વરસાદમાં

આપણું શૈશવ મળે પાછું ફરી
હોય એવી બે’ક પળ વરસાદમાં

તાપથી તપતી ધરાના દેહ પર
લેપ લપાતો શીતળ વરસાદમાં

મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં

વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી
તું કહે વરસે છે જળ વરસાદમાં

– ઉર્વીશ વસાવડા

સમજાય તો – ઉર્વીશ વસાવડા

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.

પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.

માનવી ને માનવી ગણવો ફક્ત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.

અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.

પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા

વૃક્ષ પડે છે ત્યારે – ઉર્વીશ વસાવડા

વૃક્ષ ઊગે છે ત્યારે… ઉર્વિશ વસાવડાની આ ગઝલ થોડા વખત પહેલા ટહુકો પર મુકેલી.. એ જ ગઝલની જોડીદાર જેવી આ ગઝલ.. ગમશે ને?

(વૃક્ષ પડે છે ત્યારે…   Sequoia National Park, CA – Photo: from Flickr)

* * * * * * *

શું વીતે છે આભ, ધરા પર, વૃક્ષ પડે છે ત્યારે
વ્યાકુળ થઇ જાતું સચરાચર, વૃક્ષ પડે છે ત્યારે

ટહુકાઓ પણ દિશા ભૂલી, અફળાતા ચારે બાજુ
રૂદન કરે છે પંખીના સ્વર, વૃક્ષ પડે છે ત્યારે

થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સહુના
માણસ હો કે હો એ પથ્થર, વુક્ષ પડે છે ત્યારે

એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં
હું પણ તૂટું મારી અંદર, વૃક્ષ પડે છે ત્યારે

કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે

ગઝલ પાસે – ઉર્વીશ વસાવડા

તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે
અને અર્થોનો એ જાદુ ગજબ મળશે ગઝલ પાસે

યુગોથી તપ્ત રણની પ્યાસ લઇને તું ભલે આવે
છિપાવે પ્યાસ પળમાં એ પરબ મળશે ગઝલ પાસે

ફક્ત બે ચાર ટીપામાં નશો એનો ચડી જાતો
સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે

નિરાશા જિંદગીની ચોતરફથી ઘેરશે જ્યારે
નવી આશાનું એકાદું સબબ મળશે ગઝલ પાસે

ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે

વૃક્ષ ઊગે છે ત્યારે – ઉર્વીશ વસાવડા

(વૃક્ષ ઊગે છે ત્યારે…   Sequoia National Park, CA – Photo: from Flickr)

કૈંક ધરાના મનમાં થાતું વૃક્ષ ઊગે છે ત્યારે
કૌતક જેવું કંઇ સરજાતું વૃક્ષ ઊગે છે ત્યારે

અંત અને આરંભ તણું વર્તુળ કુદરતનું કેવું
બીજ પ્રથમ ભીતર ધરબાતું વૃક્ષ ઊગે છે ત્યારે

એને ક્યા માળો બાંધી કાયમ એમાં રહેવું છે
પંખી તો બસ એમ જ ગાતું વૃક્ષ ઊગે છે ત્યારે

ફૂલ ખીલે ત્યારે સર્જનની ચરમસીમા આવી ગઇ
પછી ગઝલ કે ગીત લખાતું વૃક્ષ ઊગે છે ત્યારે

ઇશ્વરના આકાર વિશેની દ્વિધા બધી છોડી દે
ઇશ્વર શું છે એ સમજાતું વૃક્ષ ઊગે છે ત્યારે

———–
વૃક્ષ પડે છે ત્યારે… – ઉર્વિશ વસાવડાની આ ગઝલ, અને ઉપરની ગઝલને ગઝલ-બેલડી કહી શકાય ને?

ઘાવ કોના? પૂછ ના – ઉર્વીશ વસાવડા

(ગોદમાં ગિરનારની…. )

પ્રેમ છે મારો પ્રથમ
શાહી કાગળ ને કલમ

સૌ સમજવાને મથે
ભેદ ભીતરનો ભરમ

ઘાવ કોના? પૂછ ના
પૂછ કોનો છે મલમ

ગોદમાં ગિરનારની
ગેબની ફૂંકું ચલમ

ભોમમાં નરસિંહની
ભાગ્યથી પામ્યો જનમ

ગઝલ – ઉર્વીશ વસાવડા


રોજ આ પંખી સવારે ગીત ગાતાં હોય છે
ને બગીચે પુષ્પ ઝાકળથી ભિંજાતા હોય છે

તીરની એને જરૂરત કોઇ દી’પડતી નથી
માત્ર નમણા નેણથી હૈયાં વિંધાતા હોય છે

રાત દી’ રહેતાં હતાં ક્યારેક જે હોઠો ઉપર
નામ એ કાલાંતરે સાવ જ ભુલાતાં હોય છે

છોડવા પડશે વિચારો, તર્ક, એ પહેલી શરત
એ સ્વીકાર્યા બાદ તો ટોળાં રચાતાં હોય છે

સૌ પ્રથમ ઓગાળવાનો હોય છે એમાં અહમ
ની પછી એ શાહીથી ગીતો લખાતાં હોય છે

આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે – ઉર્વીશ વસાવડા

આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે
ને પછી શૈશવ તણાં સ્મરણોનું ટોળું આવશે

એક જુકા પેટ ફૂટા ને નદી લોહિત થઇ
કોણ એમાં નીર નિર્મળ આભથી વરસાવશે

ચાંચમાં પકડી પૂરી બેસી રહ્યો છે કાગડો
કોક આવીને પછી ગીતો નવાં ગવડાવશે

ગાયના ગોવાળને છે શોધ પોપટની હવે
કયાંક આંબાડાળથી સંદેશ એ સંભળાવશે

એ પરી જાદૂની પહોંચી ગઇ ઊડીને આભમાં
ને નથી સંભવ કે કોઇ આભથી ઊતરાવશે.

———–

આ ગઝલની વાંચતા મને ઉદ્દયન ઠક્કરની આ ગઝલ યાદ આવી…

પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે

હજુ તાજું સ્મૃતિમાં છે – ઉર્વીશ વસાવડા

 

 

પ્રથમ એ સ્પર્શનું કંપન હજુ તાજું સ્મૃતિમાં છે
ભીતર પેદા થતું સ્પંદન હજુ તાજું સ્મૃતિમાં છે

બધા ચહેરાઓ વચ્ચેથી અલગ એક ઊઠતો ચહેરો
કર્યું નજરોથી રેખાંકન હજુ તાજું સ્મૃતિમાં છે

નજર નીચી ઝુકાવીને મુલાયમ સ્મિત વેળાએ
પડ્યું તું ગાલમાં ખંજન હજુ તાજું સ્મૃતિમાં છે

કર્યો ઘાયલ મને જેણે નજરનાં એક કામણથી
એ મોહક આંખનું અંજન હજુ તાજું સ્મૃતિમાં છે

કદી પણ મુક્ત થાવાની ન ઇચ્છા થાય એમાંથી
એ બાહુપાશનું બંધન હજુ તાજું સ્મૃતિમાં છે