Category Archives: ચેતન ગઢવી

કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

આજે ૧લી મે ર૦૧ર, ૫૨મો ગુજરાતદિન….., વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની વર્ષગાંઠ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!! જુન ૨૦, ૨૦૦૬ માં પહેલા મુકેલું આ પ્રખ્યાત ગીત ફરી એક વાર બે જાણીતા સ્વરોમાં…..

સ્વર – પ્રફુલ દવે

સ્વર – હેમુ ગઢવી

* * * * * * * * * * * * * * * * * * * *

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )

kesudo

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં દિલીપ આચાર્યના સ્વરમાં સાંભળો.
https://youtu.be/Izl_Lrbvqko

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

– ઝવેરચંદ મેઘાણી (કવિ પરિચય)

(પ્રફુલ દવે અને હેમુ ગઢવીના સ્વરમાં ઓડિઓ ફાઇલ માટે આભાર  www.jhaverchandmeghani.com)

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા – મીરાંબાઈ

જન્માષ્ટમી નજીક છે, તો થોડા કાનુડાના ગીતો સાંભળીએ ને? અહીં ચેતનભાઇના સ્વર સાથે જે ગીત છે, એના પરથી શબ્દો લખ્યા છે, જે સ્વર્ગારોહણ પર દક્ષેશભાઇએ મુકેલા શબ્દો કરતા થોડા અલગ છે. (છેલ્લી બે કડી જે ચેતનભાઇએ ગાઇ નથી, એ સ્વર્ગારોહણ પરથી લીધી છે.)

આજ ગીત એકદમ અલગ જ સ્વરાંકન સાથે મેં આશિત દેસાઇના કંઠે પણ સાંભળ્યું છે. મારા ખ્યાલ પ્રમાણે એ રાસબિહારી દેસાઇના સ્વરાંકન માં છે. એ સાંભળવાની પણ એક અલગ જ મઝા છે… થોડા જ દિવસમાં એ ગીત પણ સંભળાવીશ.

આજે સાંભળીએ આ મઝાનું કાનુડા-ગીત ચેતન ગઢવીના સ્વરમાં.

.

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માંગ્યો દે.

આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા …કાનુડો માંગ્યો

જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

કાંબી ને કડલા ને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

હાથી ઘોડા ને આ માલ ખજાના
મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ મને દોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

– મીરાંબાઈ

પાપ તારું પરકાશ જાડેજા !

જેસલ – તોરલનું નામ ના સાંભળ્યું હોય એવો ગુજરાતી મળે ખરો? 

અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે તો એમાં આ ગીત પણ ચોક્કસ આવે જ. સાંભળો આ ગીત ચેતન ગઢવી અને સોનલ શાહના સ્વરમાં. નીચે લખેલા શબ્દો ગોપાલકાકાના બ્લોગ પરથી મળ્યા, જે અહીં ગવાયેલા શબ્દો કરતાં થોડા અલગ છે.

સ્વર : ચેતન ગઢવી, સોનલ શાહ

(અંજાર મેળો : Photo from Flickr)

* * * * * *

.

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી !
વાળી ગોંદરેથી ગાય રે,
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે !-એમ જેસલ કહે છે જી..

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી !
પાદર લૂંટી પાણિયાર રે,
વનના મોરલા મારિયા, તોરલ દે રે !—એમ જેસલ કહે છે જી0

ફોડી સરોવર પાળ, તોળી રાણી !
ફોડી સરોવર પાળ રે,
વનકેરા મૃગલા મારિયા તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

લૂંટી કુંવારી જાન, તોળી રાણી !
લૂંટી કુંવારી જાન રે,
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

હરણ હર્યાં લખચાર, તોળી રાણી !
હરણ હર્યાં લખચાર રે,
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહએ છે જી

જેટલા મથેજા વાળ, તોળી રાણી,
જેટલા મથેજા વાળ રે,
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી

પુણ્યે પાપ ઠેલાય, જાડેજા !પુણ્યે પાપ ઠેલાય રે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે !—એમ તોરલ કહે છે જી0

શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ – શિવાજીનું હાલરડું – આજે હેમુ ગઢવીના સ્વરમાં ફરી એકવાર..

.

——————-

posted on : April 17, 2007

સ્વર અને સંગીત : ચેતનભાઇ ગઢવી

.

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

———————

ફરમાઇશ કરનાર મિત્ર : S.Vyas. , તિલક પટેલ, શ્વેતાંગ

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી

ટહુકો પર ઘણીવાર એવું થાય છે કે એક ગીત શબ્દો સાથે આવે, અને થોડા વખત પછી મારી પાસે એની music file આવે એટલે સંગીત સાથે ફરીથી ટહુકો કરું… પણ આજે એના કરતા ઊંધું કરવું છે. પહેલા ફક્ત સાંભળી શકાતું આ ગીત – આજે એના શબ્દો સાથે ફરીથી એકવાર…

શબ્દો સાંભળીને લખવામાં હું આમ પણ જરા કાચી છું, અને આ ગીત માટે તો મને ખબર હતી કે રોજિંદા ક્રમ ને ન્યાય આપવાના ચક્કરમાં ગીતને ચોક્કસ અન્યાય થઇ જશે… એટલે આટલા વખત સુધી આ ગીત શબ્દો વગર જ ટહુકો પર રહ્યું. હમણા જ એક મિત્રએ ગીતના શબ્દો મને આપ્યા, અને આવા વરસાદી મૌસમમાં આ ગીત ફરીથી સંભળવવાનો મોકો એમ પણ મારે ચૂકવો નો’તો.

———————-

Posted on August 1, 2006

(આજે તો મારા ટહુકા પર સંભળાશે મોરનો ટહુકો)

આમ તો હું આ ગીત મુકવામાં મોડી કહેવાઉં. કારણ કે ગીત શરુ થાય છે આ શબ્દોથી : “.. આવ્યો ઘઘૂમી અષાઢ”.
અને અષાઢ મહિનો પૂરો થઇને શ્રાવણ આવ્યા ને ય અઠવાડિયું થયું. પણ આજ કલ ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.

ગાયક : ચેતન ગઢવી
આલ્બમ : લોકસાગરનાં મોતી

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં અસીમ અને માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે નવ બાદલને ઉર આગ બૂઝે
નદી પૂર જાણે વનરાજ ગુંજે હડૂડાટ કરી સારી સીમ ભરી
સરિતા અડી ગામની દેવડીએ ઘનઘોર ઝરે ચહું ઓર

મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
-ઝવેરચંદ મેઘાણી

ગુરુજીના નામની માળા – હરિહરાનંદ

સદાય ભવાની સહાય કરો, ને સન્મુખ વસો ગણેશ
પંચ દેવ મળીને રક્ષા કરો, હો.. ગુરુ બહ્મા વિષ્ણુ મહેશ

ગુરુ ગોવિંદ દોનો ખડે, ને કિસકો લાગુ પાય..
બલીહારી ગુરુ આપની, જિન્હે ગોવિંદ દિયો બતાય..

સ્વર : ચેતન ગઢવી

kabir

.

ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં
નારાયણ નામની હો… માળા છે ડોકમાં

જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં

ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં

પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં

ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હો… માળા છે ડોકમાં

હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં
હે નારાયણ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં

મેલી મત જા મને એકલી વણજારા – કાજી મામદશા

સ્વર : ચેતન ગઢવી

dungar

.

મેલી મત જા મને એકલી વણજારા
મેલી મત જા, પરદેશમાં વણજારા
જીઓ વણજારા, જીઓ વણજારા….

સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા…

ડુંગર માથે તારી દેરડી વણજારા,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા….

કાજી મામદશાની વિનંતી વણજારા,
તમે રહી જાઓ આજની રાત રે, વણજારા….
જીઓ વણજારા, જીઓ વણજારા…

એક ઝાડ માથે ઝૂમખડું…

સ્વર : ચેતન ગઢવી, સોનલ શાહ

zaad.jpg

.

એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક સરોવર પાળે આંબલિયો
આંબલિયે ઝૂલતી ડાળ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક આંબા ડાળે કોયલડી
એનો મીઠો મીઠો સાદ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક નરને માથે પાઘલડી
પાઘડીયે ફૂમતા લાલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક ભાલે કંકુ ચાંદલિયો
એના રાતા રાતા તેજ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

—————-

આ લોકગીતના બીજા શબ્દો અહીં રીડગુજરાતી.કોમ પર પણ વાંચવા મળશે.

જેનાં મન નવ ડગે – ગંગા સતી

.

મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,

વિપત પડે પણ વણસે નહીં
સોહી હરિજનનાં પરમાણ રે, .. મેરુ તો ડગે

ચિત્તની વ્રુત્તિ સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઇની આશ રે

દાન દેવે પણ રહેવે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ રે, .. મેરુ તો ડગે

હરખ ને શોકની જેને ન આવે હેડકી ને
આઠે પહોર રહેવે આનંદ જી

નિત્ય રહે સતસંગમાં ને
તોડી દીધા માયા કેરા ફંદ રે, .. મેરુ તો ડગે

સંગત કરો તો તમે એવાની કરજો ને
ભજનમાં રહેજો ભરપૂર રે

ગંગા સતી એમ બોલિયાં રે,
જેના નયણોમાં વરસે સાચાં નૂર રે, .. મેરુ તો ડગે

શ્રી ચેતનભાઇ ગઢવી ના કંઠે આ સુંદર ભજન સાંભળો.

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ભજન અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ભજન લેવાયું છે. )