Category Archives: નિરુપમા શેઠ

કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી

પ્રથમ તો સૌ મિત્રોને મારા તરફથી – સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ..

આ ગીતની ફરમાઇશ આવતી શરૂ થઇ, એટલે આ ગીત એસ.વી. ની વેબસાઇટ પર વાંચી તો લીધું, પણ ગીત શોધવામાં લગભગ 2 વર્ષ નીકળી ગયા.. પણ મને ખબર હતી, આવું અણમોલ ગીત કોઇની પાસે તો હશે જ, અને એક દિવસ મારા સુધી પહોંચશે.

અને થોડા દિવસ પહેલા જ્યારે આ ગીત મળ્યું, અને પ્રથમવાર સાંભળ્યું, એ લાગણીઓને શબ્દો નથી આપી શકતી.. આંખો તો ભીની થઇ જ, અને મન પછી કેટલીય વાર સુધી બીજે કશે ન લાગ્યું. મને કવિતા આવડતી હોત તો કદાચ મારી લાગણીઓને વાચા આપી શકત.

(આજની આ સ્વાતંત્ર્ય દિનના ગીત માટે ખાસ આભાર – એસ.વી. & ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશન) અને સંગીતભવન ટ્રસ્ટ ને તો કેમ ભુલાઇ? ‘અજીત શેઠ – નિરૂપમા શેઠ’ એ ગુજરાતીઓ પર કરેલા ઉપકારમા આ ગીત મોખરે આવે…

‘સમબડિઝ ડાર્લિંગ’નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શકયા છે અને એનું એક માત્ર ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે. (Read & Listen the poem : Somebody’s Darling)

સંગીત : અજીત શેઠ
સ્વર : નિરૂપમા શેઠ

.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી

(આભાર : ફોર એસ વી – પ્રભાતના પુષ્પો)

કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું – ઉમાશંકર જોશી

પહેલા ફક્ત શબ્દોમાં ટહુકો પર આવેલું આ ગીત – આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર…

સ્વર : નિરૂપમા શેઠ અને કોરસ
સંગીત : અજીત શેઠ
river

.

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …

(આભાર : પ્રભાતના પુષ્પો)

થોડા વખત પહેલા રમેશ પારેખનું એક ગીત સાંભળ્યું હતુ, યાદ છે?

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. – મણિલાલ દેસાઇ

19 જુલાઇ, 2006 ના દિવસે પહેલા ટહુકો પર મુકેલી આ પોસ્ટ આજે નિરુપમા શેઠના સુમધુર કંઠ સાથે ફરીથી રજુ કરું છું
કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

સ્વર : નિરુપમા શેઠ

.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ખોબો ભરીને અમે -જગદીશ જોષી

સ્વર : નિરુપમા શેઠ.

.

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.