Category Archives: અશરફ ડબાવાલા

અશરફ ડબાવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અહીં સંત જનમ્યા હતા પારણે પારણે - અશરફ ડબાવાલા
આવું તો કે’જે - અશરફ ડબાવાલા
કંઠી બાંધી છે તારા નામની - અશરફ ડબાવાલા
કંઠી બાંધી છે તારા નામની - અશરફ ડબાવાલા
કાવ્યયાત્રા - અશરફ ડબાવાલા અને મધુમતી મહેતા
કેટલા હતા - અશરફ ડબાવાલા
ખાવ ખોંખારો - અશરફ ડબાવાલા
ગઝલ - અશરફ ડબાવાલા
ગઝલ - અશરફ ડબાવાલા
ગઝલ - અશરફ ડબાવાલા
તો સાચો કહું -અશરફ ડબાવાલા
ત્રણ ગઝલકાર… એક ગઝલ
ધબકારાનો વારસ - અશરફ ડબાવાલા
પક્ડીને બેઠા છો - અશરફ ડબાવાલા
મહેફિલ - 1
શબદચોકમાં રે ! – અશરફ ડબાવાલા
શાહી સૂરજ નથી કે સાંજે ઢળી શકે - અશરફ ડબાવાલા
સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી... - અશરફ ડબાવાલા
SCHIZOPHRENIA -અશરફ ડબાવાલાકંઠી બાંધી છે તારા નામની – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી… – અશરફ ડબાવાલા

મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,
કોઈ છાયાની સાથ રમવું છે.

બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.

હસ્તરેખાનો હાથ ઝાલીને,
એક વિસ્મયને સત્ય ગણવું છે.

વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.

– અશરફ ડબાવાલા

ખાવ ખોંખારો – અશરફ ડબાવાલા

પડે સામા જો ગઢના કાંગરા તો ખાવ ખોંખારો,
નડે તમને તમારા વાવટા તો ખાવ ખોંખારો.

તમારા બિંબને જોઈ શરમ આવે ભલે તમને;
તમારી લાજ કાઢે આયના તો ખાવ ખોંખારો.

તમે જે પાળિયાને પૂજતા હો એ જ બેઠો થૈ,
ધસે હથિયાર લૈને મારવા તો ખાવ ખોંખારો.

મરણ તો આવશે ઘોડે ચડીને જીવની પાસે;
કદી સંભળાય તમને ડાબલા તો ખાવ ખોંખારો.

જો તમને રોજની ઘટમાળમાં ડૂબેલ જોઈને,
જવા લાગે સ્મરણના કાફલા તો ખાવ ખોંખારો.

જગતના ટાંકણા સામે ખડક થૈને અડગ રે’જો,
મથે આકાર કોઈ આપવા તો ખાવ ખોંખારો.

તમે મૃતપ્રાય છો એવું ગણીને સ્નેહી ને મિત્રો
કબર ખોદીને મંડે દાટવા તો ખાવ ખોંખારો.

– અશરફ ડબાવાલા

કાવ્યયાત્રા – અશરફ ડબાવાલા અને મધુમતી મહેતા

ગઇકાલે – ૧૮મી જાન્યુઆરીએ મુંબઇ ભાઇદાસ હોલમાં – સર્જક દંપતી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના ગઝલ સંગ્રહ – ‘વાણીપત’ અને ‘નામ તારું રુદ્રાક્ષ પર’ નું એકસાથે વિમોચન થયું. આપણા સર્વ તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ..!! મુંબઇ – ગુજરાતમાં એમની ‘કાવ્યયાત્રા’ વિશે વધુ માહિતી આ રહી.

Ashraf_Dabawala_MadhumatiMehta

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

તો સાચો કહું -અશરફ ડબાવાલા

 

શબ્દથી જો સાંકળો ખખડાવ તો સાચો કહું,
ને કલમથી બારણાં ખોલાવ તો સાચો કહું.

પાંપણો પર અંધકારે સ્વપ્ન તો લઈ સૌ ફરે;
ક્યાંક ઊંડે જ્યોત તું પ્રકટાવ તો સાચો કહું.

સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ;
રોજનાં મેદાનમાં જો આવ તો સાચો કહું.

તું મદારી જેમ ના છેતર ઘડીભર આંખને;
મૂળમાં જઈ જીવને ભરમાવ તો સાચો કહું.

આ બધા મોઘમ ઈશારા ને વિનવણી વ્યર્થ છે;
તું સમયને રોકડું પરખાવ તો સાચો કહું.

-અશરફ ડબાવાલા