પ્રથમ એ થઈ શકે એવાં જ થોડાં કામ આપે છે,
ને અઘરાં કામરૂપે એ પછી ઇનામ આપે છે.
છે મારા મનની અંદર આગવું પંચાંગ એવું કે,
અચાનક આવનારી હર ખુશીને નામ આપે છે.
બધી વિદ્યા, કળા ને યુક્તિથી પર થાઉં છું ત્યારે,
એ આવી રૂબરૂ અંગત મને પયગામ આપે છે.
એ મારી આવડતને પાથરી દઈને બજારોમાં,
કદી વેપાર આપે છે, કદી લિલામ આપે છે.
ભલે આશય જુદા જુદા હો એના આપવા માટે,
એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે.
સમયની આગમાં એ મારું સર્જન ફેંકી દે છે પણ,
હું માગું ખાક પાછી તો મને ખય્યામ આપે છે.
સખાવત કે દૂરંદેશી જે ગણવું હોય તે ગણજો,
મફત જે હોય છે એનાય અશરફ દામ આપે છે.
– અશરફ ડબાવાલા