જીવને છૂટ્ટો મેલો – લતા હિરાણી

જીવને છૂટ્ટો મેલો
બાંધી રાખ્યો કાં આખોયે જનમ અજંપાનો થેલો?
ભૈ, જીવને છૂટ્ટો મેલો…

એકમેકની અડખેપડખે, પંથ અને પગલાંની પેઠે
ગાયું ના ગરવું ગાણું, ફરક્યું ના ટહુકાટાણું
ગૂંચો હવે ઉકેલો, ભૈ જીવને છૂટ્ટો મેલો..

પરપોટા ઊંચકીને ચાલ્યા, અમથા અમથા થયા સવાયા
રોકેલા મૂંઝારા ફરતે, ચણી દીધા પાક્કા અંધારા
ઊઘડે ક્યાંથી ડેલો? ભૈ જીવને છૂટ્ટો મેલો..

આજ નહીં તો કાલે આવે ખરવાનું તો સૌને ફાળે
આવરદા ના કોઈ જાણે, સાંજ પડે હાંફે ને ભાળે
પગની નીચે રેલો, ભૈ જીવને છૂટ્ટો મેલો…
~ લતા હિરાણી

મામા, કાકા, ફોઇ, માસી

ચોરી કરવા ચાલ્યાં ચોર, સોની પોળમાં થાતો શોર
સિપાહી મળ્યાં સામા, બાના ભાઈ તે મામા

મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી
સાડીનાં રંગ પાકા, બાપનાં ભાઈ તે કાકા

કાકા કાકા કારેલાં, કાકીએ વઘારેલા
કાકી પડ્યાં રોઈ, બાપની બહેન તે ફોઇ

ફોઇ ફૂલડાં લાવે, ફૂઆને વધાવે
ફૂઆ ગયાં કાશી, બાની બહેન તે માસી

તમે યાદ આવ્યા! – પારસ પટેલ | રથીન મહેતા

આજે 24મી ઓગસ્ટ, આપણી વ્હાલી માતૃભાષાને ઉજવવાનો, આપણી રગેરગમાં વહેતા એના સોનેરી ઉજાસને અનુભવવાનો અને નતમસ્તક એનો ઋણ સ્વીકાર કરવાનો ખાસ દિવસ!
૨૦૦૬થી શરુ કરેલી ટહુકોની, નવાનક્કોર કાવ્યો અને સ્વરાંકનોને આપ સુધી લાવવાની પરંપરા જાળવતાં, આજે જ રજૂ થયેલું, આ સર્વાંગસુંદર સર્જન પ્રસ્તુત છે.

હવા ફરફરીને, તમે યાદ આવ્યા
શમા થરથરીને, તમે યાદ આવ્યા

તમે શું ગયા ને; થયો ચાંદ ઓઝલ
ઉગ્યો એ ફરીને, તમે યાદ આવ્યા

લખી કાગળો જે કદીએ ના આપ્યા
મળ્યા એ ફરીને, તમે યાદ આવ્યા

અમર પ્રેમની વાત થઇ આ સભામાં,
સભા આ ભરીને, તમે યાદ આવ્યા
– પારસ પટેલ

Lyrics: Paras Patel
Music Composed & Produced by: Rathin Mehta
Singers: Nayan Pancholi & Himali Vyas Naik
Music Arrangements: Dharmesh Maru
Audio Mix & master: Karan Maru
Video & Edit: Dhruv Patel
Recorded by: Saurabh Kajrekar, Buss In studio, Mumbai
Special Thanks ~ Sanket Khandekar & Jagdish Christian
Copyright: Rathin Mehta / SRUJANASHOW Productions

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ દર વર્ષે 24મી ઓગસ્ટે સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ લેફ્ટનન્ટ નર્મદાશંકર દવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ગુજરાતી ભાષા અને સાહિત્યને સમર્પિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કવિ નર્મદ તરીકે પણ ઓળખાય છે, તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા છે. તેઓ સ્પષ્ટવક્તા પત્રકાર અને પેમ્ફલેટર અને સમાજ સુધારક પણ હતા. તેમણે ભાષામાં લેખનના ઘણા સર્જનાત્મક સ્વરૂપો રજૂ કર્યા.
ગુજરાતી ભાષા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો દર્શાવે છે. તે વિશ્વની 26મી સૌથી વધુ બોલાતી મૂળ ભાષા છે. નર્મદ ગુજરાત અને ગુજરાતી ભાષાના કટ્ટર અને ગૌરવપૂર્ણ પ્રશંસક અને પ્રશંસાકર્તા છે. કવિ નર્મદ લિખિત ‘જય જય ગરવી ગુજરાત’ને ગુજરાતના રાજ્યગીત તરીકે સ્વીકારવામાં આવ્યું છે.

વંદે માતરમ્ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય | પંડિત ઓમકારનાથ ઠાકુર ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭

આપણા વ્હાલા ભારત દેશને અને આપણ સૌને ૭૮મો સ્વાતંત્ર્ય દિવસ મુબારક!

ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુરે સરદાર વલ્લભ ભાઈ પટેલના આમંત્રણને માન આપીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત ‘વંદે માતરમ’ સંપૂર્ણ કાવ્ય ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટુડીઓમાં ઉભા રહીને ગાયું, જે સવારે ૬ઃ૩૦ વાગે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયું અને આખા ભારતે સાંભળ્યું.

Courtesy – Prasar Bharti Archives YouTube channel.

सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम ॥

सुखदां वरदां मातरम् ॥
कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥

तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥

श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥

આવી છે હવે ખુશી, આફત ફરાર થઇ છે! – રશ્મિ જાગીરદાર

સુખ અને દુઃખ જાણે કે સૂરજ અને ચાંદની જેમ એકબીજાનો પીછો કરતાં કરતાં અનાયાસ જ આપણા જીવનને ઇન્દ્રધનુષી બનાવે છે…
આજે ‘HappinessHappensDay’ નિમિતે આ જ વાત કરતી ગઝલ પ્રસ્તુત છે…

સંકટ પડ્યાં છે ખાસાં, જાતે ખુવાર થઈ છે,
ને આબરૂ હતી જે, તે તારતાર થઈ છે.

ગઈ કેટલીય રાતો, આજે સવાર થઈ છે,
કંઈ પાનખરને ઝેલી ત્યારે બહાર થઈ છે.

આ સુખ ને દુઃખના ખેલો ચાલ્યા કરે છે સાથે,
આવી હવે છે ખુશી, આફત ફરાર થઈ છે!

ક્યારે ક્યાં પહોંચવું તે નક્કી કરે છે કિસ્મત,
આવી જવું તું વહેલું, પણ સ્હેજ વાર થઈ છે.

કો’ આંગળી ચીંધે છે ટોણાં ય કોઈ મારે,
ઘા એટલા પડ્યા કે, આંસુની ધાર થઈ છે.

એવું નથી કે દા’ડા કાઢ્યા ગણી ગણીને,
ખુલ્લી જ આંખે મારી રાતો પસાર થઈ છે.

– રશ્મિ જાગીરદાર

NATIONAL HAPPINESS HAPPENS DAY HISTORY

In 1999, the Secret Society of Happy People created Admit You’re Happy Day. It eventually evolved into Happiness Happens Day, a day created to celebrate the expression of happiness. August 8th was chosen as it is the anniversary of the first membership in 1998.

The Secret Society of Happy People is an organization that was founded in August of 1998 and formed to celebrate the expression of happiness. The society encourages members to recognize their happy moments and think about happiness in their daily life. They have two motto’s which include “Happiness Happens” and “Don’t Even Think of Raining on My Parade.” Their purpose is to stimulate people’s right to express their happiness.

પ્રવાહમાં – પન્ના નાયક 

અહીં 
ચોમેર વરસતી 
ઝાલી ન શકાય 
ઝીલી ન શકાય 
એવી આ સ્નોફ્લેકસ. 

તું યાદ આવે છે. 
Rocking Chair રોક કરતો 
પાઇપ પીતો તું બેઠો હોઈશ. 

અહીંની 
આ સ્નોફ્લેકસ 
તારી બારી બહાર બિછાવેલી 
ઘાસની લીલી જાજમ પર 
ઝાલી શકાય 
ઝીલી શકાય 
વીણી શકાય એવાં 
જૂઈના ફૂલ થઇ ખરે છે, સરે છે. 

ખુરર્શી રોક થતાં અટકે છે. 
પાઇપ બુઝાવી 
જૂઈની સુગંધના પ્રવાહમાં 
તું તરતો મૂકે છે 
પત્રનો દીવો. 

– પન્ના નાયક 

ગઝલની ગુંજતી સરગમ – શોભિત દેસાઈ | ચંદુ ભાઈ શાહના પુસ્તકનું વિમોચન | ઓગસ્ટ ૧૧, ૨૦૨૪ – સેન હોઝે, કેલીફોર્નીઆ

ગઝલ સમ્રાટ અને દમદાર રજૂઆતના બેતાજ બાદશાહ શ્રી શોભિત દેસાઈ સાથે ગુજરાતી ભાષાનો નવરત્ન દરબાર!!
ગુજરાતી ગઝલોનો મહાકુંભ… ગુજરાતી શાયરોનું પંચામૃત!

તારીખ: રવિવાર ઓગસ્ટ ૧૧, ૨૦૨૪
સમય: બપોરે ૩ થી ૫:૩૦
સ્થળ: શ્રીમયા કૃષ્ણધામ
175 Nortech Pkwy, San Jose California
Donation : $20/person
Scan QR code in the flyer or contact : Mukesh Patel – (408)5860006
Event supported by Jayshree Merchant & આપણું આંગણું (www.aapnuaangnu.com)

એના અસ્તિત્વ વિશે રકઝક પછી – હિતેન આનંદપરા

આપણે માણસ પ્રથમ સર્જક પછી
નીકળ્યું તારણ બધાં તારણ પછી

બે ઘડી વરસાદમાં ભીની ઘઈ
છત્રીને કેવી વળી ટાઢક પછી

અગ્રતા બદલાય છે વરસો જતાં
ફર્જ પહેલાં હોય છે ચાહત પછી

દ્રાર અંતરનાં અચાનક ઊઘડે
રિક્ત આંગણમાં થતી આહટ પછી

એક દિ કર્ફ્યૂમાં બસ નીકળ્યો હતો
જિંદગીભર હૂં રહ્યો સાવધ પછી

બેઉ બાજુ સ્તબ્ધ સન્નાટો મળે
સરહદો પહેલાં અને સરહદ પછી

તારં હોવું તું પ્રથમ પુરવાર કર
એના અસ્તિત્વ વિશે રકઝક પછી

– હિતેન આનંદપરા

હું માણસ છું કે શું? – ચંદ્રકાન્ત શાહ | અમર ભટ્ટ

કવિ ચંદુ શાહની યાદો અમર ભટ્ટના શબ્દોમાં…

“1982નું વર્ષ હતું. સુરેશ દલાલના સંચાલનમાં યોજાયેલ કવિસંમેલનમાં એક કવિએ ”સત્તરહજાર છોકરીઓનું ગીત” વાંચ્યું અને સૌને અભિભૂત કર્યા તે બીજો કોઈ નહીં પણ ચંદ્રકાન્ત શાહ – ચંદુ શાહ – સર્જકતાથી ભરપૂર કવિ.
પછી બૉસ્ટનમાં સ્થાયી થયેલ કવિએ “બ્લુ જિન્સ” કાવ્યો મારે ત્યાં કવિ લાભશંકર ઠાકર ને ચિનુ મોદીની હાજરીમાં વાંચેલાં. એક વાર એમણે મને કહ્યું હતું કે અમેરિકામાં ઘણો બધો સમય રસ્તા પર ડ્રાઇવિંગમાં જાય અને એમાં પણ ”રિયર વ્યૂ મિરર”માં જોતાં જોતાં, ડ્રાઇવિંગ કરતાં કરતાં એમણે જીવનને ”રિયર વ્યૂ મિરર”માંથી જોયેલું ને “રિયર વ્યૂ મિરર” કાવ્યો મળ્યાં. ગુજરાતી કવિતામાં ક્રિએટિવિટીની ભરપૂરતા માણવા બંને “બ્લુ જિન્સ” અને “રિયર વ્યૂ મિરર” પાસે જવું જ જોઈએ.
પોતે નાટ્ય લેખક ને અદાકાર પણ ખરા. નર્મદ ઉપર એમણે પ્રસ્તુત કરેલ એકપાત્રી નાટક એટલું બધું અદ્દભુત હતું કે દિવસો સુધી એની અસરમાંથી બહાર આવવું મારે માટે મુશ્કેલ બની ગયું હતું.
મેં એમનું એક ગીત સ્વરબદ્ધ વર્ષો પહેલાં કરેલું તે આજે વહેંચીને કવિને યાદ કરું છું. નવેમ્બર ૨૦૨૩માં તેમણે કાયમી વિદાય લીધી.”

– કવિઃ ચંદ્રકાન્ત શાહ
– સ્વરકાર-ગાયકઃ અમર ભટ્ટ

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?

આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો

હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોના ટોળા વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?