કાવ્યાસ્વાદ ૧ : પ્રસ્તાવના અને પ્રહલાદ પારેખના બે કાવ્યોનો આસ્વાદ

‘કાવ્યાસ્વાદ’ કાર્યક્રમની પ્રસ્તાવના – શ્રી મધુસુદન કાપડિયા
https://www.youtube.com/watch?v=9HLg2O_hG-4

પ્રહલાદ પારેખના બે કાવ્યો – ‘વિદાય’ અને ‘બનાવટી ફૂલોને’ નો શ્રી મધુસુદન કાપડિયાએ કરાવેલો આસ્વાદ
(કાવ્યના શબ્દો – વિડિયોની નીચે લખેલા છે). આપના પ્રતિભાવો અહીં નીચે આપેલા comment boxમાં લખી શકો છો.

વિદાય

કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે’ ;
પરંતુ ગગનાંગણે, અવનિમાં અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.

પરસ્પર કરી કથા રજની ને દિનો ગાળિયા;
અનેક જગતો રચી સ્વપ્નમાં, વળી ભાંગિયાં.
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.

મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં ;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.

છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું .

*******

બનાવટી ફુલોને

તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આંનંદકણ છે,
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.

ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.

પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશિનું, ભાનુંનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?

ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારા હૈયાનાં ગહન મહીંયે આવું વસતું :
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.

કવિતાનો આસ્વાદ – ટેકનોલોજીના સહયોગથી

કવિતાનો આસ્વાદ – ટેકનોલોજીના સહયોગથી

ગુજરાતી લિટરરી એકેડેમી અને Tahuko,com સંયુક્તપણે એક મહત્ત્વાકાંક્ષી પ્રયોગ શરૂ કરે છે. આશા છે કે સભ્યોને એ પસંદ પડશે અને સહુનો સહકાર સાંપડશે. મધુસૂદન કાપડિયા દર મહિને થોડાંક ઉત્તમ કાવ્યો પસંદ કરી એનો આસ્વાદ કરાવશે. શરૂઆત પ્રહલાદ પારેખનાં કાવ્યોથી થશે. આજ, અમે અંધારું શણગાર્યું, ઘાસ અને હું, બનાવટી ફૂલો અને વાતો. પછી ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, કાન્ત, ન્હાનાલાલ, સુન્દરમ, શ્રીધરાણી, પ્રિયકાંત મણિયાર, બાલમુકુન્દ દવે, વગેરે, વગેરે કવિઓની રચનાઓનો આસ્વાદ કરાવવાની ઈચ્છા છે.
આ કાર્યક્રમનું video presentation નિર્ધારિત સમયે You Tube પર મુકવામાં આવશે. Live Recording અને Interactive આદાનપ્રદાન ભવિષ્યમાં કરવાનો ઈરાદો છે. આ કાર્યક્રમોની રજૂઆત નિ:શુલ્ક હશે. કાવ્યોની નકલ આસ્વાદ રજૂઆત પૂર્વે જોઈતી હોય (અને કાર્યક્રમ પૂરેપૂરો માણવા માટે એ જરૂરી છે) તો મધુસૂદનભાઇને આપનું E Mail address
madhu.kapadia38@gmail.com પર મોકલજો. અનિવાર્ય હોય તો 973-386-0616 નંબર પર ફોન કરજો.

આ કાર્યક્રમનું વીડિઓ સંકલન સુરેન્દ્ર કાપડિયાએ તૈયાર કર્યું છે. સુરેન્દ્રભાઈનું
E Mail address SURENKUMUD4448@Gmail.com છે. અનિવાર્ય હોય તો ફોન 909 599 9885 નંબર પર કરી શકો છો.

ગુજરાતી સાહિત્યની ચૂંટેલી કવિતાઓનો આસ્વાદ મધુસૂદનભાઈના અવાજમાં પ્રત્યક્ષ કચકડે જોવો રસિકો માટે એક લ્હાવો હશે. ચોક્કસ માણજો

આસ્વાદ માણ્યા પછી Comments માં આપનો અભિપ્રાય મોકલવાથી ભવિષ્યના આસ્વાદોમાં સુધારા વધારા કરવાની સૂઝ પડશે. .મધુસૂદનભાઈએ આસ્વાદ કરાવવા ખૂબ જ જહોમત ઉઠાવી છે.

ગુજરાતી લિટરરી એકેડેમી અને Tahuko.com આપ સૌના વતી મધુસૂદનભાઈ અને સુશીલાબેનનો હૃદયપૂર્વક આભાર માને છે.

ચાલો તો કરીએ ગમતાંનો ગુલાલ.
આસ્વાદક: મધુસૂદન કાપડિયા
સમય: દર મહિનાના ત્રીજા રવિવારે નવો આસ્વાદ રજુ થશે અને લગભગ એક કલાક જેટલો ચાલશે. આપની
અનુકૂળતા પ્રમાણે વહેલી તકે જોવા વિનંતી.
સ્થળ: આપનું PC કે Tablet કે Smart ફોન

તાજા કલમ ઃ સૌથી પ્રથમ કાર્યક્રમ, પ્રાસ્તાવિક અને આસ્વાદ, રવિવાર તા. 20 Sept. 2015 12:00 noon EST રજુ થશે.

Tahuko.com પર પણ એની link ઉપલબ્ધ હશે.

આ જ પ્રમાણે દર મહિનાના ત્રીજા રવિવારે નવા આસ્વાદની link ઉપલબ્ધ થશે. જરૂર જોજો, સાંભળજો અને માણજો.
તમારો પ્રતિભાવ ચોક્કસ મોકલજો. અમે આતુરતાથી એની રાહ જોઈશું.

ગઝલ – સ્નેહી પરમાર

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય, તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય, તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય, તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય, તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

વરસાદ – રમેશ પારેખ

Picture by : Tejal Tailor
Picture by : Tejal Tailor

વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

કાલ એનું હતું જળવંતી છાંટ
એક જળવંતી છાંટ
આજ એનું નામ સાવ ખાલી ખખડાટ
સાવ ખાલી ખખડાટ
કાલ એનું નામ હશે વાંભવાંભ જક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

કોઈ વાર છે એને આવવાની ટેવ
એને આવવાની ટેવ
કોઈ વાર એને ઝૂરાવવાની ટેવ
છે ઝુરાવવાની ટેવ
નહીં એના વાવડ કે નહીં કોઈ વક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

– રમેશ પારેખ

આજ મારું મન – ધીરુ પરીખ

આજ મારું મન મનમાં નવ સમાય.

નીરનાં મોજાં નીરમાં ઊઠી નીરમાં શમી જાય,
જરીક પાંદડું હાલતું તેમાં સમીર શો તરડાય !
લાખ મનાવું એક ન માને કેમ કરી પહોંચાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.

સાવ નથી કંઈ જાણીએ તો યે ગગનથી ઓળખાય,
ફૂલની ફોરમ સહુ કો’ માણે; કોઈએ દીઠી કાય ?
હોઠને કાંઠે આજ એ ઊભું કેટલુંયે અફળાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.

– ધીરુ પરીખ

ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !

આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !

– ભરત વિંઝુડા

નવમી વર્ષગાંઠ Special: બાળગીત ૩: પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી – અવિનાશ વ્યાસ

પાટા ઉપર ગાડી
દોડે દોટો કાઢી,
વાંકીચૂકી ઊભી આડી,
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.

જંગલ આવે, ઝાડી આવે,
નદી ઝરણાંનાં નીર કુદાવે;
કાળી કાળી ચીસો પાડી,
મોટા ડુંગર ફાડી –
વાંકીચૂકી ઊભી આડી,
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.

મુંબઇ આવેમ, વડોદરું
સુરત આવે, ગોધરું;
મમ્માજી મુંબઇ આવે,
પપ્પાજી ટપાલ લાવે;
પાટા ઉપર ગાડી …
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.

– અવિનાશ વ્યાસ

નવમી વર્ષગાંઠ Special: બાળગીત 2 : બા મેં તો બાગમાં બાંધી નિશાળ

કવિ – સ્વરકાર – ?
સ્વર – ગુલાબબેન ભક્ત

બા મેં તો બાગમાં બાંધી નિશાળ
કનુ મનુ જનુ છનુ આવ્યા’તા ભણવા
ત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચાર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

નાની ખિસકોલી ભણવામાં પહેલી
આવે છબીલી સૌથી એ વહેલી
કાંઇ ના બોલે, એ સૌથી શરમાળ
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

વચમાં ને વચમાં હું પોપટ બેસાડું,
વટમાં ને વટમાં હું સીટી વગાડું,
સીટી વગાડું ને લાગે નવાઇ…
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

કલબલિયા કાબરને છેલ્લે બેસાડું,
કચકચ કરે તો એને આંખો દેખાડું,
ખોટું ન લાગે, ને મારું ન માર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

ત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચાર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

નવમી વર્ષગાંઠ Special: બાળગીત ૧: મા મને ઢીંગલી બહુ વા’લી રે… – વિમલ મહેતા

છેલ્લા દોઢ વર્ષમાં જે મઝાના બાળગીતો સાંભળ્યા છે, માણ્યા છે, ગાયા છે.. એ બધાની એક નાનકડી ઝલક આપ સૌ સાથે વહેંચવી છે – ટહુકોની નવમી વર્ષગાંઠની ખુશીમાં.. આશા છે કે આ બધા બાળગીતો થકી આપને પણ બાળકોની દુનિયાની સફર કરવાની મઝા પડશે.

શરૂઆત કરીએ આ મારી ઢીંગલીના ખૂબ જ ગમતા ગીતથી..

કવિ – સ્વર – સ્વરાંકન ઃ વિમલ મહેતા