“What Do Women Want?”
I want a red dress.
I want it flimsy and cheap,
I want it too tight, I want to wear it
until someone tears it off me.
I want it sleeveless and backless,
this dress, so no one has to guess
what’s underneath. I want to walk down
the street past Thrifty’s and the hardware store
with all those keys glittering in the window,
past Mr. and Mrs. Wong selling day-old
donuts in their café, past the Guerra brothers
slinging pigs from the truck and onto the dolly,
hoisting the slick snouts over their shoulders.
I want to walk like I’m the only
woman on earth and I can have my pick.
I want that red dress bad.
I want it to confirm
your worst fears about me,
to show you how little I care about you
or anything except what
I want. When I find it, I’ll pull that garment
from its hanger like I’m choosing a body
to carry me into this world, through
the birth-cries and the love-cries too,
and I’ll wear it like bones, like skin,
it’ll be the goddamned
dress they bury me in.
– Kim Addonizio
સ્ત્રીઓને શું જોઈએ છે?
હું ઇચ્છું છું એક લાલ ડ્રેસ.
હું ઇચ્છું છું કે એ પાતળો અને સસ્તો હોય,
હું ઇચ્છું છું એ ખૂબ તંગ હોય, હું ઇચ્છું છું એ પહેરવા
જ્યાં સુધી કોઈ એને મારા પરથી ચીરી ન કાઢે.
હું ઇચ્છું છું કે એ સ્લીવલેસ અને બેકલેસ હોય,
આ ડ્રેસ, જેથી કોઈએ અનુમાન ન કરવું પડે
કે અંદર શું છે. હું ઇચ્છું છું ચાલવા
શેરીમાં કલામંદિર અને હાર્ડવેરની દુકાનની
ચમકતી ચાવીઓ ભરી બારી પાસે થઈને,
મિ. અને મિસિસ વૉંગ પાસે થઈને જેઓ એક દિવસ જૂના ડૉનટ્સ
એમના કાફેમાં વેચી રહ્યા છે, કાસિમ બ્રધર્સ પાસે થઈને
જેઓ ટ્રકમાંથી અને લારી પર બકરાં લટકાવે છે,
ચીકણાં મુખાગ્ર ખભા પર ઊંચે ચઢાવે છે.
હું ઇચ્છું છું એ રીતે ચાલવા જાણે હું એકલી જ
સ્ત્રી આ પૃથ્વી પર હોઉં અને હું મારી પસંદગી કરી શકું છું.
મને એ લાલ ડ્રેસ કોઈપણ રીતે જોઈએ જ છે.
હું ઇચ્છું છું કે એ મારા માટેના
તમારા ખરાબમાં ખરાબ ડરોને દૃઢીભૂત કરે,
તમને બતાવી આપે કે મને તમારી કંઈ પડી નથી
અથવા કંઈ પણ સિવાય કે
હું શું ઇચ્છું છું. મને જ્યારે એ મળી જશે, હું એ વસ્ત્રને એમ ખેંચી કાઢીશ
એના હેંગરમાંથી જેમ હું શરીર પસંદ ન કરતી હોઉં
મને આ દુનિયામાં લઈ આવવા માટે,
જન્મના રુદન અને સંભોગના ચિત્કારોમાં થઈને પણ,
અને હું એને પહેરીશ હાડકાંની જેમ, ચામડીની જેમ,
એ એજ કમબખ્ત ડ્રેસ હશે,
જેમાં તેઓ મને દફનાવશે.
– કિમ એડોનિઝિયો
(અનુ.: વિવેક મનહર ટેલર)
હાંસિયામાંથી બહાર આવતી સ્ત્રીનો લાલ ડ્રેસ
ઇડનગાર્ડનનું સફરજન હોય કે પંચવટીનું સુવર્ણમૃગ – સ્ત્રી હંમેશા એક કોયડો બની રહી છે. સ્ત્રી એટલે એક એવું તાળું જેની પહેલાં તો ચાવી જ જડે નહીં, ને ચાવી જડી જાય તો જે ચાવીથી આજે ખુલે એ જ ચાવીથી કાલે ખુલે નહીં, ને આજે એક ચાવીથી તો કાલે વળી બીજી ચાવીથી ખુલે ને ક્યારેક એકાધિક ચાવીથી તો ક્યારેક એકેયથી નહીં ખુલે. સ્ત્રીનું રસાયણ શાસ્ત્રથી પર છે. એની ફિઝિયોલોજી પુસ્તકોના પાનાંમાં સમાઈ શકે એમ નથી. કલાપીએ કહ્યું હતું:
સ્ત્રી – જે સૌ ઉપકારની વિવિધતા, સંસારની રોશની,
ઉષ્મા વિશ્વવિહારની, રસિકતા સાક્ષાત જે ઈશ્વરી;
જેની સુન્દરતા, કૃપા, જગતને આહ્લાશદ પાઈ વહે –
તેને આ મુજ બીન સોંપી શરણું, તેને જ ગાતું રહે.
પુરુષ લાગણીઓનો સરવાળો હોય તો સ્ત્રી ગુણાકાર છે ને એટલે જ સ્ત્રીનો પરિઘ પુરુષના વર્તુળની ક્યાંય બહાર વિસ્તરેલો છે. अच्छा है दिल के पास रहे पासबान-ए-अक्ल, लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे -આ શેર ઈકબાલ જ લખી શકે, કોઈ સ્ત્રી નહીં કેમકે સ્ત્રી એના દિલ પર અક્કલનો પહેરેદાર બેસાડતી નથી. એ દિલથી જ વિચારે છે. બાલમુકુન્દ દવે યાદ આવે:
બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સર્જી નારી ઊર:
ઊરને દીધો નેહ, ને વળી નેહને દીધો વ્રેહ!
પણ આ પુરુષોનો નજરિયો છે અને પુરુષના દૂરબીનમાં તો એ કાચ જ નથી જેમાંથી સ્ત્રીને જોઈ શકાય. સાચી સ્ત્રીને જોવી હોય તો ચશ્માં પણ સ્ત્રીના જ હોવા ઘટે. કિમ એડોઝોનિયો આજની સ્ત્રીનું તાળું ખોલવામાં મદદરૂપ થાય એવી ચાવી લઈને આવ્યાં છે.
કિમ એડોનિઝિયો. ૩૧-૦૭-૧૯૫૪ના રોજ વૉશિંગ્ટન ડીસી, અમેરિકા ખાતે જન્મ. ટેનિસ ચેમ્પિઅન પૌલિન બેટ્ઝ અને રમત લેખક બૉબ એડિનું સંતાન. બે યુનિવર્સિટીમાં ગયાં. બંને છોડી દીધી. છેવટે સાન ફ્રાન્સિસ્કો યુનિવર્સિટીમાં મેળ પડ્યો અને BA ને MA થયાં. હાલ તેઓ ઑકલેન્ડ, કેલિફૉર્નિયા ખાતે રહે છે અને શિક્ષણ, વર્કશોપ અને સર્જનમાં પ્રવૃત્ત રહે છે. ઢગલાબંધ પારિતોષિકો પણ મેળવ્યાં. કવિતાના સાત પુસ્તકો ઉપરાંત બે નવલકથા, બે નવલિકાસંગ્રહ અને કાવ્યકળા વિષયક બે પુસ્તકો. સંગીતની જાણકારી પણ મજાની. બે મ્યુઝિક સીડી બહાર પડી છે જેમાં એમણે લયાત્મક પઠન ઉપરાંત હાર્મોનિકા પણ વગાડ્યું છે.
કિમની કવિતા ચાતુર્યયુક્ત વક્રોક્તિ, નીડર આલેખન, અને શેરી-મહોલ્લાની ભાષાના કાકુના કારણે ઉફરી તરી આવે છે. એમની કવિતા સાર્વત્રિકરૂપે સહાનુભૂતિ અને સમ-વેદના જન્માવે છે. શૃંગારિક પ્રેમથી લઈને મૃત્યુ સુધી એ બેહિચક લખે છે અને એટલે જ એ નોંધપાત્ર બન્યાં છે. જે લોકો હજી જન્મ્યા નથી એમની સાથે સંવાદ કરવાનો વૉલ્ટ વ્હિટમેનનો વિચાર એમને પ્રભાવિત કરે છે. કિમ કહે છે, ‘લેખન એક અનવરત આકર્ષણ અને પડકાર છે, તદુપરાંત આધ્યાત્મિકતાનો એકમાત્ર પ્રકાર છે જેનો હું લગાતાર અભ્યાસ કરી શકું છું. મેં શરૂઆત એક કવિ તરીકે કરી અને હંમેશા કવિતા તરફ જ પાછી વળીશ – એ ઊંડી ખોજ અને બિરાદરીની ભાવના માટે જે મને એમાંથી મળે છે.’
કિમની આ કવિતા “સ્ત્રીઓને શું જોઈએ છે?”નું શીર્ષક તો કદાચ આદમના પતનના દિવસથી પૂછાઈ રહેલો સનાતન પ્રશ્ન છે. રચનાની દૃષ્ટિએ આ અંગ્રેજી મુક્તપદ્ય છે, જેને ગુજરાતીમાં કટાવ છંદમાં લખાતા મુક્તપદ્ય સાથે સરખાવી શકાય. અહીં કોઈ દેખીતી પ્રાસરચના નથી પણ આંતર્પ્રાસ ઘણી જગ્યાએ જોવા મળે છે. એ ઉપરાંત કવયિત્રીએ સ્ત્રીના વિચારો જેમ એકમાંથી બીજામાં ઢોળાય એમ વાક્યોને પણ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાવા દીધાં છે અને એ રીતે પ્રવાહ વહેતો રાખ્યો છે. ક્યાંક અધવચ્ચે જ અટકી જતી સ્ત્રીની જેમ વાક્ય પણ પંક્તિની અધવચ્ચે જ પૂરું થઈ જાય છે.(આમ જો કે સ્ત્રી ક્યાંક અટકે નહીં એટલે કદાચ આખી રચનામાં આવું બે જ વાર બન્યું છે!) શીર્ષકનો પ્રશ્ન ‘સ્ત્રીઓને શું જોઈએ છે?’ અને પહેલી પંક્તિના જવાબ ‘હું ઇચ્છું છું એક લાલ ડ્રેસ’ની વચ્ચે જ કવિતા આમ તો સમાપ્ત થઈ જાય છે, પણ મજા જવાબના વિસ્તરણમાં છે. કવિતા આઇ-હુંથી આરંભાય છે અને સત્તાવીસ પંક્તિના કાવ્યમાં સત્તર વાર આ આઇ-હું ડોકિયું કરે છે અને દસ વાર ‘હું ઇચ્છું છું’નો સાદ સંભળાય છે એટલે નાયિકાના મનમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત અને મહત્ત્વ દૃઢીભૂત છે એ સમજી શકાય છે.
મીરાંબાઈ ભલેને ગાઈ ગયાં કે, ‘મુજ અબળાને મોટી મિરાત બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે’, આજની નારીની મોટી મિરાત એનો શામળો નહીં, પણ એનો પોતીકો, એનો વહાલેરો ‘આઇ-હું’ છે. દુનિયાના વર્તુળમાં આજની નારી પોતાની જાતને કેન્દ્રમાં મૂકે છે ને એ સાચું પણ છે. સંસારનું કેન્દ્રબિંદુ હકીકતમાં તો સ્ત્રી જ હોઈ શકે પણ પુરુષે આદિકાળથી સ્ત્રીને ‘સેકન્ડ સેક્સ’ની કક્ષામાં ગોઠવી દઈને આધિપત્ય પચાવી રાખ્યું છે. સ્ત્રીને માટે ‘પુરુષ-સમોવડી’થી મોટી કોઈ ગાળ જ ન હોઈ શકે. મેં તો મારી દીકરીને દીકરાની જેમ જ મોટી કરી છે કહેનાર મા-બાપ જાણ્યે-અજાણ્યે સ્ત્રીનું હાંસિયામાં ધકેલાઈ ગયેલું અસ્તિત્વ સ્વીકારે છે અને વરસમાં એકવાર ભીખમાં મળેલા ‘વીમેન્સ ડે’ પર પોરસાતી સ્ત્રીઓ પણ હાંસિયા સિવાયના આખા પાના પર પુરુષના અધિકાર પર સહી-સિક્કા કરી આપતી હોય છે. બહાદુરીના પર્યાયવાચી વિશેષણ કયાં તો કે ‘પુરુષાતન’ અને ‘મર્દાનગી’! આ કારણોસર જ સદીઓથી સ્ત્રીઓએ સ્ત્રીસમાનતાના આંદોલન કરતાં રહેવું પડ્યું છે. ને એટલે જ આવી કિમ જેવી કોઈ સ્ત્રી ઊભી થાય અને માયા એંજલુની ભાષામાં ‘હું એ જોવા ઇચ્છું છું કે યુવતી બહાર જાય અને દુનિયાને કોલરથી ઝાલે. જિંદગી ચુડેલ છે. જરૂરી છે કે તમે બહાર આવો અને કુલા પર લાત મારો’ આર્તસ્વરે પોકારે ત્યારે સહજ આનંદ થાય. જી.ડી.એન્ડરસન કહે છે: ‘નારીવાદ સ્ત્રીઓને મજબૂત બનાવવાની વાત જ નથી. સ્ત્રીઓ તો પહેલેથી જ મજબૂત છે. એ તો વિશ્વ એ તાકાતને જે નજરિયાથી જુએ છે એ બદલવાની વાત છે.’
ભર્તૃહરિ ‘શૃંગારશતક’માં કહે છે:
नूनं हि ते कविवरा विपरीतवाचो
ये नित्यमाहुरबला इति कामिनीस्ता:।
याभिर्विलोलतरतारकदृष्टिपातै:
शक्रादयोऽ पि विजितास्त्वबला: कथं ता:॥
(નિત્ય સ્ત્રીને અબળા કહેનાર તે કવિવરો ખરેખર ખોટી વાત કરનારા છે; જેઓએ પોતાના ચપળ નેણકટાક્ષથી ઇંદ્રાદિને પણ જીતી લીધા હોય તેઓ અબળા શી રીતે ગણાય?) અહીં પણ છાશ લેવા જવું ને દોણી સંતાડવાની વિસંગતિથી જ્ઞાત સબળા એક જ પંક્તિમાં પોતાના મનની વાત જાહેર કરે છે કે મારે લાલ ડ્રેસ જોઈએ છે. લાલ રંગ ભડકીલો-તેજસ્વી રંગ છે. લાલ રંગની તરંગલંબાઈ બધા રંગોમાં સૌથી વધુ હોય છે એટલે ખૂબ દૂરથી જોવામાં આવે તો પણ હવાના કણો એને બીજા રંગોની ઝાંખો કરી શકતા નથી. આ જ કારણોસર ટ્રાફિક સિગ્નલમાં ‘સ્ટૉપ’ની સંજ્ઞા માટે લાલ રંગ વપરાય છે. લાલ રંગ જોખમ પણ ઇંગિત કરે છે. લાલ રંગ લોહીનો પણ રંગ છે અને તીવ્ર પ્રેમ, વાસના, ક્રોધ, હિંસા, તાકાતનો પણ. લાલ રંગ ઉત્તેજનાનો રંગ છે. લાલ રંગ ક્રાંતિનો રંગ છે. માંસાહારનું સૂચન પણ લાલ રંગ જ કરે છે. ખાસ વ્યક્તિઓનું સ્વાગત પણ લાલ જાજમ બિછાવીને કરાય છે. એટલે નાયિકા બીજા કોઈ નહીં પણ માત્ર લાલ રંગનો ડ્રેસ જ માંગે છે એમાં ઘણું બધું આવી જાય છે.
પણ આ ઇચ્છાની સાથે બીજી ઘણી બધી વાતોનો અંકોડા ભેરવાયેલા છે. નાયિકા જાણે છે કે પુરુષો સ્ત્રીને જુએ છે ત્યારે હંમેશા વસ્ત્રોની આરપાર જ જુએ છે અને એની ઇચ્છા કપડાં ફાડીને સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાની જ હોવાની. એટલે જ નાયિકા ઇચ્છે છે કે આ ડ્રેસ પાતળા કાપડનો, સસ્તો અને તંગ હોવો જોઈએ, જેથી એક તો નયનસુખિયાઓએ કલ્પના કરવાની તકલીફ ન લેવી પડે અને ચીરી નાંખવામાં આવે તો પોષાય. બીજું પોષાક સસ્તો હોય તો કદાચ લોકો પોષાકને બદલે પોષાકની અંદરની વ્યક્તિ પર વધુ ધ્યાન આપે. એને રાજમાર્ગ પર કેટવૉક નથી કરવું. એને વાસ્તવિક જિંદગીની તમા વધુ છે. આ ડ્રેસ પહેરીને એ એ શેરીઓમાં ચાલવા ઇચ્છે છે જ્યાં મોટી-મોટી દુકાનો હોય, કાફેટેરિયા હોય. હાર્ડવેરની દુકાનની બારીમાં લટકતી ચમકતી ચાવીઓ ધ્યાન ખેંચે છે. શું આ લાલચટ્ટાક ડ્રેસની ચમકતી ચાવીથી એ કોઈ તાળું કે તાળાં ખોલવા ઇચ્છે છે? કે પછી ભલે ચળકતી હોય, તે છતાં કોઈપણ ચાવી એના અસ્તિત્વનું તાળું ખોલી નહીં શકે એ વાતનો અહીં ઈશારો છે? વાસી ડૉનટ જૂની તકિયાનુસી પ્રથાઓમાં કેદ લોકો તરફની એની બેદરકારીનાં દ્યોતક છે. કસાયેલા શરીરવાળા કસાઈ ભાઈઓની દુકાન પણ શેનો ઈશારો કરે છે? જેના પર મરેલા પ્રાણીઓના મુખાગ્ર લટકાવ્યા હોય એ ખભા ઊંચા અને માંસલ જ હોવાનાને? જોનારાની મનોવાસના પરિપૂર્ણ થાય એમ કહેનારી નાયિકા પણ પોતાની મનોવાસના સંતોષવા નીકળી હોય એમ લાગે છે કેમકે એ એ રીતે ચાલવા ઇચ્છે છે જાણે સમગ્ર પૃથ્વી પર એ એકલી જ હોય જેથી સૌનું ધ્યાન માત્ર એના તરફ જ હોય અને એને પોતાના શિકારનું ચયન કરવાનો –સ્વયંવર કરવાનો- નિર્બાધ અધિકાર હોય! ને એટલે જ તો યેનકેન પ્રકારે પણ એને આ લાલ ડ્રેસ જોઈએ જ છે.
કામશાસ્ત્ર કહે છે: ‘कामश्चाष्ठगणो स्मृतः’ (સ્ત્રીમાં પુરુષ કરતાં આઠગણી વધારે કામવૃત્તિ હોય છે.) ગાયક મેડોના કહે છે, ‘હું મજબૂત છું, હું મહત્ત્વાકાંક્ષી છું, અને હું બરાબર જાણું છું કે મારે શું જોઈએ છે. ભલે એ મને હલકટ બનાવે, વાંધો નહીં.’ મેરી ક્યુરી આજ વાત શિષ્ટ ભાષામાં કહી ગયાં: ‘આપણે માનવું જ જોઈએ કે આપણને કશાક માટેની બક્ષિસ મળી છે, અને એ પણ કે આ કશુંક, કોઈ પણ કિંમતે મેળવવું જ જોઈએ.’ દુનિયાના સર્ટિફિકેટની રાહ કે પરવાહ કરવા બેસીશું તો બેઠાં જ રહી જઈશું. નાયિકા પ્રગલ્ભ છે, એ સ્ત્રીઓ તરફ કરવામાં આવેલી અસમાનતાને જ હથિયાર બનાવીને પુરુષોના જગત આખાને ઝબ્બે કરવા નીકળેલી રણચંડી છે. એ તો ઇચ્છે પણ એ જ છે કે આવા લાલ ડ્રેસમાં એને આમ ચાલતી જોઈને લોકો એના વિશે ખરાબમાં ખરાબ વિચારે અને વિચારતા હોય (વિચારે જ છે!) તો એમના આ વિચારોનું ખંડન કરવાને બદલે દૃઢીભૂત કરવામાં એને મજા આવે છે. ‘હા! હું તો આવી જ છું, થાય એ કરી લ્યો’નો તમાચો પુરુષોના ગાલ પર ફટકારવામાં એને મજા આવે છે. એને કોઈની તમા નથી. હા, એ હકીકતમાં શું ઇચ્છે છે એ બતાવવા જોકે નથી માંગતી. અહીં એનું ચારિત્ર સાચા અર્થમાં પ્રકાશે છે. પોતે કેવી ‘બીચ’ છે એ બતાવવામાં એને કોઈ છોછ નથી પણ પોતાનું ભીતર તો એ ભીતર જ સંગોપી રાખવા માંગે છે.
કાવ્યાંતે એ કહે છે કે જો આવો ડ્રેસ મળી આવશે તો એ જન્મ લેવા માટે શરીરની પસંદગી ન કરતી હોય એમ હેંગરમાંથી એને ખેંચી કાઢશે. જન્મ લેતી વખતના રુદન કે સંભોગની પરાકાષ્ઠાના ચિત્કારોમાં પસાર થઈને પણ એ આ ડ્રેસ મેળવશે અને એને પોતાનાં હાડકાંની જેમ, ચામડીની જેમ ધારણ કરશે. અને આ એ જ કમબખ્ત વસ્ત્ર હશે જેમાં લોકો એને અંતસમયે દફન પણ કરશે. લલ ડ્રેસનો ખરો રંગ છેક છેલ્લે અહીં આવીને ઊઘડે છે. આ લાલ ડ્રેસ એના ચારિત્ર સિવાય કંઈ નથી. આ ડ્રેસ એની ઇચ્છાઓ, એના ચારિત્ર્ય, એના અસ્તિત્વનું જ પ્રતિક છે, કેમકે લોકો એને આ કપડાંઓમાં જ જોવાના છે. લોકો એનું મૂલ્યાંકન એની ઇચ્છાઓ, એનો સ્વભાવ, એનું ચારિત્ર્ય જોઈને જ નક્કી કરવાના છે ને એટલે જ એ ઇચ્છે છે કે આ ડ્રેસ બને એટલો પાતળો હોય, બને એટલો તંગ હોય, સ્લીવલેસ હોય અને વળી બેકલેસ પણ હોય જેથી એ ખરેખર જેવી છે, લોકો એને એ જ સ્વરૂપે જુએ. એ ઇચ્છે છે કે લોકો એ પોતે પોતાની જાતને જેવી દેખાડવા ઇચ્છે છે એમજ જુએ, નહીં કે પોતપોતાનાં જજમેન્ટના ચશ્માંમાંથી.