Category Archives: રાજૂ બારોટ

વેણીનાં ફૂલ – ઝવેરચંદ મેઘાણી

કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીને એમના જન્મદિવસે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી… સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી એમણે જે લોકગીતોના મોતીઓ એકઠા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે – એ માટે ગુજરાતી પ્રજા હંમેશા એમની ઋણી રહેશે.

અને એક વધુ ગૌરવ લેવા જેવા ખબર – કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી વિશે ઘણી વધુ માહિતી, જુના ફોટા, એમની રચનાઓ, એમના હસ્તાક્ષરમાં અમુક લખાણો… એવું ઘણું બધું એમની પોતાની વેબસાઇટ – http://jhaverchandmeghani.com/ પરથી મળશે..

અને હા.. આ વેબસાઇટ બનાવનાર એમના પૌત્ર પિનાકીભાઇને પણ અભિનંદન આપવા જ રહ્યા.. સાથે એક ખબર એ કે – ગુજરાતના લોકલાડિલા ગાયક શ્રી પ્રફૂલ દવેના સ્વરમાં ઝવેરચંદ મેઘાણીની ૨૫૧ જેટલી રચનાઓનું રેકોર્ડિગ કરીને ભવિષ્યમાં એ વેબસાઇટ પર મુકવામાં આવશે. એ માટે મારા તરફથી પફૂલભાઇનો પણ ખૂબ ખૂબ આભાર… લોકસંગીતના અમુલ્ય ખજાના જેવી રચનાઓ પ્રફૂલભાઇના અવાજમાં સાંભળવા મળે એ દિવસની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહી છું.

અને હા.. આજે સાંભળીએ ઝવેરચંદ મેઘાણીનું આ ગીત – લોકસંગીતના ઢાળમાં સ્વરબધ્ધ – રાજૂ બારોટ અને એમના સાથીઓના સ્વરમાં…

(Photo from : http://jhaverchandmeghani.com/)

સ્વર : રાજૂ બારોટ અને સાથી કલાકારો (અમદાવાદ થિયેટર ગ્રુપ)
સંગીત : લોકઢાળ

.

મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બે’નડી ! તારા શોભતા નો’તા વાળ. – મારે

બાગબગીચાના રોપ નથી, બે’ની, ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની મારે માથે મ્હેર – મારે

રૂપ સુગંધી હું કાંઇ નો જાણું ! ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી કાંટ્યમાં આથડનાર – મારે

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બે’ન સાટુ વીણનાર – મારે

પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળીઓ વીણીશ છેલ્લી ડાળ – મારે

ખેતર વચ્ચે ખોઇ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુખશે પાની, તોયે જરીકે ન બ્હીશ. – મારે

સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બે’ની માંડશે ઝૂંટાઝૂંટ – મારે

મોઢડાં નો મચકોડજે, બાપુ ! જોઇ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં’તાં અણમૂલ – મારે

શિવભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી મારી દેવડી ! તુંને શોભશે સુંદર ભાત. – મારે

ભાઇભાભી બેય ભોળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે’રી રાખજે વીરનાં વીણેલ વેણી-ફૂલ !
મારે ઘેર આવજે, બે’ની લાંબી તારી ગૂંથવા વેણી !

– ઝવેરચંદ મેઘાણી

————————

આ પહેલા ટહુકો પર પ્રસ્તુત ઝવેરચંદ મેઘાણીની રચનાઓ :

કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી
કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી
જાગેલું ઝરણું – ઝવેરચંદ મેઘાણી
ઝાકળબિંદુ ! – ઝવેરચંદ મેઘાણી
દરિયો ડોલે રે માઝમ રાતનો… – ઝવેરચંદ મેઘાણી
મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી
મોરબીની વાણિયણ
મોરલા હો ! મુંને થોડી ઘડી… – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો – ઝવેરચંદ મેઘાણી
શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી
હાય રે હાય કવિ ! – ઝવેરચંદ મેઘાણી

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો – ઝવેરચંદ મેઘાણી

અમદાવાદ થિયેટર ગ્રુપના કલાકારોએ ઝવેરચંદ મેઘાણીના ગીતોનો કાર્યક્રમ કર્યો હતો, એમાંથી આ ગીતનું રેકોર્ડિંગ લેવામાં આવ્યું છે. ખૂબ જ ઓછું સંગીત ખરેખર સ્વર-શબ્દોને ઉજાગર કરવાનું કામ કરે છે. જેનો પિયુજી પરદેશ ગયા છે, એ સ્ત્રી બાળકને તો સુવડાવતી વખતે પવન સાથે કેવી કેવી વાતો કરીને એને ધીરેથી વહેવાનું કહે છે, એવા શબ્દો એક વિજોગણની મનોવ્યથા ખૂબ જ સુંદર રીતે રજુ કરે છે.. ભલે એક સ્ત્રી-ભાવનાનું ગીત છે, પણ રાજૂભાઇ અને સાથી કલાકારોએ અહીં જે રીતે રજુ કર્યું છે, એમણે શબ્દોને અને એના ભાવને સચોટ રીતે ભાવકો સમક્ષ રજુ કરીને કોઇ સ્ત્રી સ્વરની ખોટ નથી સાલવા દીધી.

* * * * * * *

સ્વર : રાજૂ બારોટ અને સાથી કલાકારો (અમદાવાદ થિયેટર ગ્રુપ)
સંગીત : લોકઢાળ

.

ધીરા વાજે રે મીઠા વાજો,
વાહુલિયા હો,
તમે ધીરા રે ધીરા વાજો

ધીરા ગાજો રે ધીરા ગાજો,
મેહુલિયા રે, ધીરા રે ધીરા ગાજો

બાળુડાના બાપુ નથી ઘરમાં
અથડાતા એ દૂર દેશાવરમાં
લાડકવાયો લોચે છે નિંદરમાં
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

વીરા તમે દેશે દેશે ભટકો
ગોતી ગોતી એને દેજો મીઠો ઠપકો
લખ્યો નથી કાગળનો કટકો
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મેઘલ રાતે ફૂલ મારું ફરકે
બાપુ બાપુ બૂમ પાડી થડકે
વિજોગણ હું ય બળુ ભડકે
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

સૂતી’તી ને સ્વામી દીઠા સ્વપને
વા’ણે ચડી આવું છું કે’તા મને
ચાંદલિયા વધામણી દૈશ તને
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મીઠી લે’રે મધદરિયે જાજો
વ્હાલાજીના શઢની દોરી સાજો
આકળિયા નવ રે જરી થાજો
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

પાછલી રાતે આંખ મળેલ હશે
ધીરી ધીરી સાંકળ રણઝણશે
બે માં પેલો સાદ કેને કરશે?
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

– ઝવેરચંદ મેઘાણી

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:
શબ્દો ઘણાં બદલાયા છે.