Category Archives: મનોજ પર્વ

મનોજ પર્વ ૦૬ : હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

મનોજ ખંડેરિયાની ગઝલમાં આવતા ગિરનાર, જુનાગઢ ના સંદર્ભો એમની એક ખાસિયત ગણાય છે.. આજની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે. સાંભળીએ આ ગઝલ, જુનાગઢના કવિ, અને તરુણાવસ્થાથી મનોજભાઇના ખાસ મિત્ર એવા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ પાસે..!

ગઝલ પઠન : રાજેન્દ્ર શુક્લ

.

તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો –
જગત ના દિસે તો યે જાગ્યા કરે છે

અમે વેચવા નીકળ્યા મોર-પીંછા
છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે

ભુતળ મર્મ જેવો પદારથ ન એકે
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

મનોજ પર્વ ૦૫ : કોઈ કહેતું નથી

‘મનોજ પર્વ’ – ર માં જ્યારે એમની અષાઢ ગઝલ પ્રસ્તુત કરી’તી ત્યારે કહ્યું હતું ને કે પહેલા વસંત પછી અષાઢ.. અને વચ્ચે આવતા ઉનાળાની વાત પછી ક્યારેય..!! તો આજે એ જ ઉનાળાની વાત..

ખરેખર તો આખી ગઝલ નહીં, પરંતુ ફક્ત પહેલો શેર ઉનાળાને લગતો છે..! અને ગુજરાતી ગઝલમાં જ્યાં ગુલમ્હોરની વાત આવે ત્યાં આ શેરનો ઉલ્લેખ ના હોય એવું ભાગ્યેજ બને, એટલો પ્રચલિત છે આ શેર..!

તો સાંભળીયે શ્યામલ-સૌમિલની જોડી પાસે આ ગઝલ.. અને સાથે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં આસ્વાદ..!

સ્વર – સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી

.

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને
લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી
જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ એ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક :

જે વહી ગયું છે, પ્રાયઃ લુપ્ત થઇ ચૂક્યું છે તે વ્યતીત વર્તમાન ક્ષણે પણ એવું એવું તાજું, એવું ને એવું જીવતુંજાગતું કેમ અનુભવાતું નથી એવિ તીવ્ર પ્રશ્ન કાવ્યાનુભવરૂપે પ્રગટ થાય ને આપણે ક્વચિત્ અન્યને ક્વચિત્ સ્વને પૂછીએ કે ક્યાં ગયું એ બધું? કશો જ ઉત્તર ન મળે પૂછતાં જ રહીએ છતાં. તો પ્રશ્નની અન્-ઉત્તરતા અવશભાવે સ્વીકારીએ ને કહીએ – ‘કોઇ કહેતું નથી !’

લાલઘૂમ તાપમાં મ્હોરતો ગુલમ્હોર, જે મસ્તીનો તોર તે બીજા શેરમાં રાત દિ’ ટોડલે બેસી ગ્હેકતા મોરમાં રૂપાંતરિત થઇ, બારી, બાર, ભીંત, લાલ નળિયાં, છજાં તથા ગોખને પૂછવા પ્રેરે છે – ક્યાં ગયો તે મોર? ને કોઇ કહેતું નથી. ગુલમ્હોરનું ચક્ષુરમ્ય છતાં અગતિશીલ પ્રતિરૂપ ગતિશીલ ચારુતાના વધુ જીવંત પ્રતિરૂપ મોરમાં પ્રગટ થાય છે. પેલો ક્યાં ગ્યોનો મૂળ પ્રશ્ન છ છ પદાર્થોને પુછાઇને, ઘૂંટાતો ઘૂંટાતો વધુ વ્યાપક તથા બહુપરિમાણી બને છે.

છ શેર સુધી ઘૂંટાતું ભાવસંવેદન ગઝલના અંતિમ શેરમાં સ્વયં કવિએ પણ પ્રથમથી ન કલ્પ્યું હોય એવું અપૂર્વ રૂપ ધારણ કરી પ્રશ્નમાલિકાના ચરમ પ્રશ્નમાં વિરમે છે. અહીં પ્રાસ તરીકે પ્રયોજાય છે સમયવાચક પ્હોર, પ્રથમ પ્હોર. તે પણ ‘ઝૂલણા છંદમાં નીત પલળતો’ તે. સમયચક્ર તો નિત્યની જેમ ચાલ્યા કરે છે. ‘પાછલી રાતની ખટઘડી’ એ જ ને એવી જ છે હજી. અહીં કૃતિમાં પ્રથમ વાર જ સ્થળવિષેશનો નિર્દેશ થયો, ‘એ તળેટી અને દામોદર કુંડ પણ – ‘ને છતાં નરસિંહના પ્રભાતિયાથી નિત પરિપ્લાવિત થતો પ્રથમ પ્હોર ક્યાં ગયો તે પ્રશ્નના ઉત્તરમાં કોઇ કંઇ જ કહેતું નથી.

આ ગઝલ માત્ર મનોજની ગઝલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી ગઝલપ્રવાહમાં મહત્વનું અને માતબર સ્થાન ધરાવે છે. નિઃશેષપણે કશુંક જતું રહ્યાંના, કાળગ્રસ્ત થયાંના અવસાદને અનેક રીતે ઘૂંટતી અને અંતે તો એક પ્રકારની નિર્ભાતિમાં નિર્વહણ પામતી આ ગઝલ આપણી ગઝલનું એક કાયમી કંઠાભરણ બની રહેવા સર્જાયેલી ગઝલ છે.

મનોજ પર્વ ૦૩ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા / આદિલ મન્સૂરી

આજે મનોજ પર્વમાં માણીયે એક એવી ગઝલ, કે જે ફક્ત મનોજ ખંડેરિયાની જ નહીં, પણ ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં એક ગણાય છે..!! જાન્યુઆરીમાં આ ગઝલ ટહુકો પર પ્રથમવાર મુકેલી, ત્યારે વિવેકભાઇએ પ્રશ્ન ઉઠાવેલો કે સ્વરાંકનમાં વચ્ચે વચ્ચે બીજા કોઇ કવિના થોડા શેર ઉમેરવામાં આવ્યા હોય એવું લાગે છે, એ શેર મનોજભાઇએ લખ્યા હોય એવું લાગતું નથી..!

ખરેખર તો ત્યારે મને એ વચ્ચે આવતા શેર વિષે વધુ માહિતી નો’તી, પણ આજે તમારા માટે એ ગઝલના કવિનું નામ સાથે એના બધા જ શેર પણ લઇને આવી છું.

સૌપ્રથમ તો સાંભળીયે, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં – મનોજભાઇની આ ચિરંજીવ ગઝલ..! પ્રસ્તુત રેકોર્ડિંગ મનોજ ખંડિરિયાની વિદાય પછી એમને શ્રધ્ધાંજલીરૂપ યોજાયેલ કાર્યક્રમ ‘મનોજ પર્વ’ માંથી લેવામાં આવ્યું છે.

.

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

————————————-

અને હવે સાંભળીયે, ‘વરસોનાં વરસ લાગે’ રદ્દીફ લઇને કવિ શ્રી આદિલ મન્સૂરીએ લખેલી આ ગઝલ. આદિલભાઇએ આ ગઝલ, મનોજ ખંડેરિયાની વિદાય પછી, એમને ધ્યાનમાં રાખીને જ લખી છે..!

સ્વર : ચિનુ મોદી

.

કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

બધે ચારેતરફ હસ્તાક્ષર અંકિત છે કોઇના
દિવાલો ધોળવા બેસું વરસોનાં વરસ લાગે.

કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી

ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.

– આદિલ મન્સૂરી

————————————

અને હવે સાંભળીએ, આ બંને ગઝલ એક સાથે… પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઇના યુગલ સ્વરમાં..! ખૂબી એ છે કે પુરુષોત્તમ ઉપાધ્યાય મનોજભાઇની ગઝલના શેર રજૂ કરે છે, અને આશિત દેસાઇ સંભળાવે છે આદિલ મન્સૂરીની ગઝલ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય – આશિત દેસાઇ

.

————————————

તા.ક. : આ ટહુકોનું રૂપ ફરીથી બદલાયેલું અને થોડું અતડું લાગે છે ને? થયું એવું કે હમણા હમણા જે નવું રૂપ હતું, એ easy navigation માટે જ બદલ્યું હતું, પરંતુ કોઇક કારણે એને લીધે જ ટહુકો ઘણો ધીમો થઇ ગયો હતો..! આ નવી રૂપ પણ થોડા દિવસ અજમાવી જોઇએ..! થોડી અગવડ પડશે કદાચ તમને.. ચલાવી લેશો ને? 🙂

મનોજ પર્વ ૦૨ : અષાઢમાં

મનોજ પર્વમાં કાલે માણી હતી વાસંતી ગઝલ, અને આજે આ વરસાદી ગઝલ..! (વચ્ચે આવતા ઉનાળાની વાત પછી ક્યારેક 🙂 ) અને હા, ગઝલની સાથે કવિ શ્રી ઉર્વીશ વસાવડાએ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક પણ ખરી જ તો .!

(ગિરનાર….  Photo : Mrugesh Shah)

* * * * * * *

એવા ભર્યા છે શું ભલા જંતર અષાઢમાં;
ફૂલોની જેમ ફોરતા પથ્થર અષાઢમાં.

ભૂરકી છવાઇ જાય છે આંખોમાં એવી કે,
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.

કોઇ તરસતી છે જો યુવાની ધરા રૂપે,
કોઇ વરસતું હૈયું છે અંબર, અષાઢમાં.

જોજે ન લાગે કોઇ વિજોગણનો શાપ ક્યાંક,
ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.

અલકાની યાદ આવી તરત જાય છે ઉરે –
નેવા નીચે નિહાળી કબૂતર અષાઢમાં.
————————–

ઉર્વીશ વસાવડાએ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક

કવિને અષાઢ સાથે નાળ સંબંધ અને નાભિસંબંધ છે. કવિનો ખુદનો જન્મ અષાઢ મહિનામાં થયો છે, એટલે અષાઢના આરંભથી એ વિહ્વળ ન થાય તો જ નવાઈ ! ગઝલનો આરંભ જ કવિ અષાઢના જાદુની વાતથી કરે છે અને એ માટે જે શબ્દ પ્રયોજે છે એ શબ્દ છે જંતર, તળપદા શબ્દનો સુંદર ઉપયોગ એ એમની ખાસિયત, આ અષાઢની જાદુઇ લાકડી ફરે અને સમગ્ર સૃષ્ટિ જાણે કે અદ્ભુત રૂપ ધારન કરી લે. આમ તો પથ્થર માટે એમ કહેવાય છે કે વર્ષો સુધી નદીમાં રહેલ પથ્થરમાં પણ ભીનાશ નથી આવતી પણ અહીં એમને મન અષાઢની વાત કંઇ ઔર જ છે.

પછીના શેરમાં કવિએ એ જ વાત જાદુની કરે છે પણ એ અસર કુદરત પર નહીં, પણ આંખો ઉપર અને એ અસર પણ કેવી? આસપાસનો સમગ્ર માહોલ જાણે કે સુંદરતા ઓઢી લે છે અને એનું કારણ વસ્તુમાં નહીં પણ આંખોમાં કવિ નિહાળે છે.

મનોજ ખંડેરિયાની ખૂબીઓમાં એક ખૂબી એટલે જુનાગઢ અને ગિરનારના વિપુલ સંદર્ભો. એમની ગઝલમાં જુનાગઢ અને ગિરનાર કાબિલે દાદ વણાયા હોય છે.

જોજે ન લાગે કોઇ વિજોગણનો શાપ ક્યાંક,
ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.

આ શેર ખરેખર માણવા, સમજવા માટે અષાઢમાં ગિરનાર નિહાળવો પડે. એકવાર અષાઢમાં ગિરનારને નિહાળો અને આખેઆખો શેર સ્વયં સ્પષ્ટ થઇ જશે.

આ સળંગ ગઝલ એમની આજુબાજુની પ્રકૃતિ વિષે સંવેદનશીલતા અને સભાનતાનું પ્રતિબિંબ પાડે છે, આ સંવેદનશીલતા જ આ કવિ પાસેથી આવો સક્ષમ શેર અપાવી શકે :

ખાઇ વાદળની ઠેસ ચોમાસું
લ્યો કરે શ્રી ગણેશ ચોમાસું

મનોજ પર્વ ૦૧ : રસ્તા વસંતના

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! કવિ એમની એક ગઝલમાં લખે છે :

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

ઓક્ટોબર, ૨૦૦૩ માં આપણી વચ્ચેથી વિદાય લીધા પછી પણ કવિ એમના શબ્દો થકી આપણી વચ્ચે જ રહ્યા છે.

મિત્રો, ચલો આપણે એક અઠવાડિયા સુધી ટહુકો પર ઉજવીયે મનોજ પર્વ. ગુજરાતી સાહિત્ય – ગઝલ વિશ્વને કેટલીય અમર રચનાઓ આપનાર કવિ શ્રી મનોજ ખંડેરિયાના શબ્દોનો ઉત્સવ એ જ મનોજ પર્વ.

અને હા.. સાથે એક સરસ મઝાના ખબર કવિ શ્રી ના ચાહકો માટે.. આજથી launch થઇ રહી છે કવિને શ્રધ્ધાંજલીરૂપ વેબસાઇટ : http://www.manojkhanderia.com/ કવિને.. કવિના શબ્દને… વાચકો અને ભાવકોની વધુ નજીક લઇ જવાનો એમની દિકરીઓનો પ્રયાસ..! વાણી અને ઋચાને આ વેબસાઇટ માટે ખૂબ ખૂબ અભિનંદન.

કવિ મનોજ ખંડેરિયાના શબ્દોનો ઉત્સવ ઉજવવા માટે શરૂઆત ક્યાંથી કરવી એ જરા અઘરો પ્રશ્ન હતો, અને આખરે મેં પસંદ કરી આ વાસંતીગઝલ..! વસંતઋતુના વધામણાની, એના સોંદર્યના ગુણગાન ગાતી કેટલીય રચનાઓ ગુજરાતીમાં લખાતી આવી છે અને લખાતી રહેશે, પરંતુ મનોજ ખંડેરિયાની આ રચના એમાં હંમેશા મોખરેના સ્થાને રહેશે…! કોઇ પણ સમયે વાંચો – સાંભળો અને આજુબાજુ વસંતને મહેસૂસ કરી શકો, એને કવિના શબ્દનો જાદુ ના કહેવાય તો બીજું શું? અને જેમ વસંતકાવ્યોનો ઉલ્લેખ આ ગઝલ વગર અધૂરો છે, એમ જ મનોજ-કાવ્યોનો ઉલ્લેખ પણ આ ગઝલ વગર અધૂરો જ રહે..!

સાંભળીએ આ અમર રચના – અમરભાઇના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ આ ગઝલના અલગ-અલગ કવિઓએ કરાવેલા આસ્વાદની એક ઝલક.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

‘મનોજની કથનની રીત પણ કેવી નોખી છે ! વસંતને જોવા માટે એક નવી જ આંખ આપણને પ્રથમ પંક્તિમાં મળે છે. (મનોજ અને વસંતનો સંબંધ આમ પણ સનાતન છે !) વૃક્ષની આ ડાળ એ જ ખરેખર વસંતની પગદંડી છે. વસંત ચાલે અને જે પગલાં પડે છે એ જ આ ફૂલો. જે દ્રશ્ય છે એની પાછળ રહેલાં અદ્રશ્યને મ્હોરાવવાંઆ જ કવિની કુશળતા છે. આંખ સુગંધિત થઇ જાય એવો આ શેરનો મિજાજ છે. ‘
– જગદીશ જોષી

‘ગઝલના આરંભના બંને શે’રમાં કવિ કલ્પન સહાયથી અનવદ્ય એવું વાસંતી વાતાવરણ સર્જે છે. પરંતુ કવિને તો વસંતની સમાંતરે માનવીય સંવેદનાની પણ વાત કરવી છે. વસંતના માદક વાતાવરણનું સર્વત્ર સામ્રાજ્ય સ્થપાયું હોય એવે વખતે યુવાન હૈયામાં કંઇ હલનચલન ન મચે તો જ નવાઇ, અને કવિ એને વ્યક્ત કર્યા વિના રહે તો જ આશ્ચર્ય. અને એટલે જ તો કવિ અહીં વસંતની શોભાની સાથે જ – સમાંતરે જ નાયિકાના સોંદર્યને પન પ્રત્યક્ષ કરાવે છે. નાયિકાનું સોંદર્ય વસંતની શોભાની સાથે જાણે સીધું સ્પર્ધામાં ઊતર્યું છે. વસંતની માદકતા ભરપૂર એ, તો નાયિકાનો કેફ પણ ક્યાં ઓછો છે?’
– નીતિન વડગામા

‘શિયાળા પછી આવતી વસંતઋતુનો અર્થ એ કે તમારી ઠીંગરાઇ ગયેલી માનવતાને હૂંફની જરૂર છે. માટે આ વાસંતી સુખની ને સ્મરણોની ફાંટ બાંધી લો. વસંતના તડકા એટલે વરણાગીવેશ નહીં, પણ સમજણ અને સંવાદનો સંદેશ. જીવનનું એ ભાથું આગળ જતાં તમને કામ આવવાનું છે. તમારી ફાંટ ભરી હશે તો તમારા હાથ ને હૈયું ઉદાર બનીને તમે જે માર્ગ પર પસાર થશો તેના પર છુટ્ટે હાથે વસંતના વાવેતર કરવાની મોજ માણશો. ફાંટમાં બાંધ્યું હોય તે મારગમાં વેરી-વેરીને હળવાફૂલ થઇ જવું તે. તો તમે આ લાખેણા અવસર બે હાથે નહીં, બત્રીસ હાથે લૂટો અને બત્રીસલક્ષણા બની જાવ ! કુદરતના આવા રમ્ય સાક્ષાત્કારની ઘડીઓ ફરી નસીબમાં આવે, ન યે આવે. ‘
– રમેશ પારેખ

સાભાર : શબ્દો જન્મ્યા પરવાળામાં (મનોજ ખંડેરિયાનાં કાવ્યોનો આસ્વાદ, સંપાદન – નીતિન વડગામા)