મનોજ પર્વ ૦૨ : અષાઢમાં

મનોજ પર્વમાં કાલે માણી હતી વાસંતી ગઝલ, અને આજે આ વરસાદી ગઝલ..! (વચ્ચે આવતા ઉનાળાની વાત પછી ક્યારેક 🙂 ) અને હા, ગઝલની સાથે કવિ શ્રી ઉર્વીશ વસાવડાએ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક પણ ખરી જ તો .!

(ગિરનાર….  Photo : Mrugesh Shah)

* * * * * * *

એવા ભર્યા છે શું ભલા જંતર અષાઢમાં;
ફૂલોની જેમ ફોરતા પથ્થર અષાઢમાં.

ભૂરકી છવાઇ જાય છે આંખોમાં એવી કે,
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.

કોઇ તરસતી છે જો યુવાની ધરા રૂપે,
કોઇ વરસતું હૈયું છે અંબર, અષાઢમાં.

જોજે ન લાગે કોઇ વિજોગણનો શાપ ક્યાંક,
ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.

અલકાની યાદ આવી તરત જાય છે ઉરે –
નેવા નીચે નિહાળી કબૂતર અષાઢમાં.
————————–

ઉર્વીશ વસાવડાએ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક

કવિને અષાઢ સાથે નાળ સંબંધ અને નાભિસંબંધ છે. કવિનો ખુદનો જન્મ અષાઢ મહિનામાં થયો છે, એટલે અષાઢના આરંભથી એ વિહ્વળ ન થાય તો જ નવાઈ ! ગઝલનો આરંભ જ કવિ અષાઢના જાદુની વાતથી કરે છે અને એ માટે જે શબ્દ પ્રયોજે છે એ શબ્દ છે જંતર, તળપદા શબ્દનો સુંદર ઉપયોગ એ એમની ખાસિયત, આ અષાઢની જાદુઇ લાકડી ફરે અને સમગ્ર સૃષ્ટિ જાણે કે અદ્ભુત રૂપ ધારન કરી લે. આમ તો પથ્થર માટે એમ કહેવાય છે કે વર્ષો સુધી નદીમાં રહેલ પથ્થરમાં પણ ભીનાશ નથી આવતી પણ અહીં એમને મન અષાઢની વાત કંઇ ઔર જ છે.

પછીના શેરમાં કવિએ એ જ વાત જાદુની કરે છે પણ એ અસર કુદરત પર નહીં, પણ આંખો ઉપર અને એ અસર પણ કેવી? આસપાસનો સમગ્ર માહોલ જાણે કે સુંદરતા ઓઢી લે છે અને એનું કારણ વસ્તુમાં નહીં પણ આંખોમાં કવિ નિહાળે છે.

મનોજ ખંડેરિયાની ખૂબીઓમાં એક ખૂબી એટલે જુનાગઢ અને ગિરનારના વિપુલ સંદર્ભો. એમની ગઝલમાં જુનાગઢ અને ગિરનાર કાબિલે દાદ વણાયા હોય છે.

જોજે ન લાગે કોઇ વિજોગણનો શાપ ક્યાંક,
ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.

આ શેર ખરેખર માણવા, સમજવા માટે અષાઢમાં ગિરનાર નિહાળવો પડે. એકવાર અષાઢમાં ગિરનારને નિહાળો અને આખેઆખો શેર સ્વયં સ્પષ્ટ થઇ જશે.

આ સળંગ ગઝલ એમની આજુબાજુની પ્રકૃતિ વિષે સંવેદનશીલતા અને સભાનતાનું પ્રતિબિંબ પાડે છે, આ સંવેદનશીલતા જ આ કવિ પાસેથી આવો સક્ષમ શેર અપાવી શકે :

ખાઇ વાદળની ઠેસ ચોમાસું
લ્યો કરે શ્રી ગણેશ ચોમાસું

8 replies on “મનોજ પર્વ ૦૨ : અષાઢમાં”

  1. અષાઢ, મેહુલો અને ગીરનાર એટલે મનોજભાઈ અને રાજેન્દ્રભાઈ નરર્સિન્હ મહેતાની યાદ આવી જાય છે…

  2. સરસ ગઝલ..
    આજે સરસ રિતે વાંચવા મળી.
    અષાઢ મહીનો અનુભવાઈ અને આંખ સામે આવીગયો.
    આભાર્.

  3. સરસ ભીની ગઝલ!
    જોજે ન લાગે કોઇ વિજોગણનો શાપ ક્યાંક,
    ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.

    સુંદર

    સપના

  4. સાદ્યંત સુંદર ગઝલ અને મિત્ર ઉર્વીશ વસાવડાનો રસાસ્વાદ પણ એવો જ જીવંત જીવંત…

    મનોજપર્વ જામતા ચોમાસાની જેમ જામી રહ્યું છે !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *