Category Archives: માધ્વી મહેતા

સૂરની તારી ધાર – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. – પિનાકીન ત્રિવેદી)

લયસ્તરો પર વિવેકે ગીતાંજલીનો અનુવાદ મુક્યો, તો મને સ્હેજે યાદ આવ્યું કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના કેટલાક ગીતોનો અનુવાદ અને એમનું એકદમ તાજ્જુ સ્વરાંકન મને અસીમભાઇ-માધ્વીબેન પાસેથી મળ્યું છે – એનો બીજો ભાગ તમારી સાથે વહેંચી લઉં..!

 સ્વર-સ્વરાંકન : માધ્વી – અસીમ મહેતા

આલબમ – રવીન્દ્ર ગુર્જરી

સૂરની તારી ધાર વહે જ્યાં એની પ્રેરક પારે,
દેશે કે શું વાસો મને એક કિનારે? – સૂરની..

મારે સૂણવી એ ધૂન કાને
મારે ભરવી એ ધૂન પ્રાણે
સૂરધૂને એ ઊરવીણાના બાંધવા મારે તાર, વારંવારે – સૂરની..

મારા આ સૂનકારે
તારા એ સૌ સૂરેસૂરે
ફૂલની ભીતર રસ ભરે તેમ
ગુંજી રહે ભરપૂરે
મારા દિન ભરાશે, જ્યારે
કાળી રાત ઘેરાશે ત્યારે
ઉરે મારે ગીતના તારા ચમકી ઉઠે હારેહારે – સૂરની.

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. – પિનાકીન ત્રિવેદી)

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

જુન ૨૫-૨૬ના દિવસે – અહીંના બે એરિયાની સંસ્થા – Sanskriti તરફથી – કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે – Tagore Festival નું આયોજન કરવામાં આવ્યું છે.

એ કાર્યક્રમના એક ભાગરૂપે ગુજરાતી સંગીત-કાવ્ય જગત અને સમગ્ર વિશ્વમાં પથરાયેલા ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે – જેમાં કવિવરના ગીતોનું ગુજરાતી ભાવાનુવાદ અને એ ગીતોની રવિન્દ્ર સંગીતમાં ઝબોળાયેલી પ્રસ્તુતિ – Bay Area ના ચુનંદા કલાકારો કરશે. અને આખા કાર્યક્રમના સૂત્રધાર – માધ્વી-અસીમ મહેતાએ ખાસ ટહુકોના વાચકોમાટે મોકલાવેલું આ રેકોર્ડિંગ સાંભળો..

સ્વર : માધ્વી મહેતા
સંગીત : અસીમ મહેતા

આલબમ – રવીન્દ્ર ગુર્જરી /a>

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે
શ્યામલવરણી, કો, સ્વપ્નપરી, ઘૂમે વર્ષાભીની.. હે.. સુગંધે ભરી

ઘૂમે રક્ત, અલક્ત, શ્રૃંગારીત ચરણે
વહે રંગભીને ભી..ને પગલે
નિરભ્ર વ્યોમે, શશાંક કલા ઝગે કપોલભાલે..

મદમસ્ત બની મદિરાપાને કો ભાનભૂલી રમણી ઘૂમે
કોઇ નિર્ભિક મુક્ત તરંગ ડોલે, હળવે હળવે
આવી તારાહીન ઘનઘોર અંધકારે.. એ..
કોઇ નાવ તરે… હે.. સુગંધે..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

*******************

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

ચાર વર્ષ પહેલાના Mother’s Day પર આપને સંભળાવેલું, અને ત્યારથી ટહુકો પર ગૂંજતું આ ગીત… આજે માધ્વી મહેતાના સ્વરમાં ફરી એકવાર…! આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે Mother’s Dayની રાહ ન જોવાની હોય – તો યે.. આજે એકવાર ફરી કહી દઉં.. – I love you, Mummy 🙂

આપ સૌને Happy Mother’s Day..!

સ્વર : માધ્વી મહેતા

******

Posted on: May 12, 2007

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.

પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.

.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

(આભાર : ફોર એસ.વી. )
———————————

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ , હિરલ, રમિત, આરિફ

દિવડીએ દીપમાળ સજાવો – મેઘલતા મહેતા

સૌ મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ… અઢળક.. વ્હાલભરી.. ટહુકાભરી.. દીવાની જ્યોતભરી.. ઘૂઘરા અને મઠિયાભરી.. તનકતારા અને ચકરડી ભરી… રંગોળીના રંગભરી… સ્વજનના સંગભરી શુભેચ્છાઓ..!!

સ્વરાંકન – માધ્વી અને અસીમ મહેતા
સ્વર – માધ્વી મહેતા

(Picture: BBC News)

દીવડીયે દીપમાળ સજાવો
ઝગમગ જ્યોત જલાવો
દીવડીયે દીપમાળ સજાવો ..

ચાંદો સૂરજ ગગન દીપક બે
રાતદિવસને અજવાળે …
દીવડીયે દીપમાળ સજાવો ..

નવલખ તારા ટમટમ ટમકે
મેઘમંડળમાં વીજળી ચમકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

હ્રદય મંદિરીયે દીપક પ્રગટે
નયન મંદિરીયે જ્યોતિ ઝબૂકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

– મેઘલતા મહેતા

સૈયર મારો સાહ્યબો રીસાયો સારી સાંજ – મેઘલતા મહેતા

રીસાયેલા સાહ્યબાને મનાવવા આ ગીત/ગરબાની નાયિકાએ કેટકેટલું કરવું પડ્યું… પણ જોવાનું એ છે કે સાહ્યબો આખરે કઇ તરકીબથી રીઝાયો એ તો ખબર જ ના પડી.. (નહીંતર કોઇકવાર મારે/તમારે રીસાયેલા સાહ્યબાને મનાવવામાં કામ લાગ્યું હો’ત 🙂 )

સ્વર : માધ્વી મહેતા
સંગીત : દિલીપ ધોળકિયા

.

સૈયર મારો સાહ્યબો રીસાયો સારી સાંજ

એને કેટલું મનાવ્યો,
કંઇ કંઇ રીતે મનાવ્યો
સૈયર તોયે સાહ્યબો રીસાયો સારી સાંજ

સૈયર મેં તો હોંશે હોંશે રાંધ્યા ધાન
સૈયર મીઠા મીઠા રાંધ્યા પકવાન
તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

સૈયર મેં તો સોળે સજ્યા શણગાર
સૈયર સજ્યાં ઝળહળતા હીરાના હાર
તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

સૈયર મેં તો થાકી લીધા રે અબોલડા
સૈયર હું તો બેસી રહી ચૂપચાપ
તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

સૈયર મારા મૌનનો કરાવ્યો એણે ભંગ
સૈયર મારો સાહ્યબો રીઝી ગ્યો મુજ સંગ
સૈયર.. હે સૈયર.. હે હે સૈયર…
સાહ્યબો રીઝાયો સારી સાંજ…