Category Archives: કાવ્ય પઠન

ઝાડ એના પાંદડાંને પૂછે – રમેશ પારેખ

સ્વર : રમેશ પારેખ

zaad3.jpg

.

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

ભીનાશનું કારણ અને તારણ – સૌમ્ય જોશી

વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઇ ગઇ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઇ ગઇ.

તીવ્રતા બુઠ્ઠી થઇ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઇ ગઇ.

એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.

આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ.

રાધાનું નામ વ્હેતું ના મેલો – સુરેશ દલાલ

.

જે તે કવિની રચનાઓ એમના પોતાને કંઠે સાંભળવાની પણ એક જુદી જ મજા હોય છે. શ્રી સુરેશ દલાલના પોતાના અવાજમાં આ રચના સાંભળવી તમને ચોક્કસ ગમશે.

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે…

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે…

કવિ શ્રી સુરેશ દલાલના અવાજમાં એમની રચનાઓ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.