શ્રાવણ મહિનો શરૂ થયો ત્યારથી વિચારતી હતી કે એકાદ દિવસ આ ગીત મુકુ… (જે આમ જુઓ તો લગભગ ૫-૬ મહિનાથી સાચવી રાખ્યુ હતુ, શ્રાવણ મહિનામાં મુકવા માટે)
અને ગઇ કાલે જ ક્ષેમુદાદાની વિદાયના સમાચાર મળ્યા…
તો આજે સાંભળીએ અમર ભટ્ટ અને કાજલ કેવલરામાની – ના સુરીલા અવાજમાં એમનું આ મઝાનું ગીત…
એમના બીજા ગીતો ટહુકો પર અહીં કલિક કરી સાંભળી શકો છો.
https://tahuko.com/?cat=245
.
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી
આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી
આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તર રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી